૨૦૦૨

નઝર નઝર મેં ….

ફિલ્મ – હથિયાર : ફેસ ટૂ ફેસ વિથ રીયાલીટી

વર્ષ – ૨૦૦૨

ગીત – નઝર નઝર મેં ..

ગાયક – આશા ભોંસલે, મુહંમદ સલામત , ( ફિલ્મના આલ્બમમાં આ જ ગીત અલીશા ચિનયે પણ ગાયું છે )

ગીતકાર – પ્રવીણ ભારદ્વાજ

સંગીતકાર – આનંદ રાજ આનંદ

                        એ તો બહુ ઓબ્વીયસ છે કે જેને આપણે પ્રેમ કરતા હોઈએ તેને આપણે હંમેશા પ્રેમ ભરી નજરે જ જોઈએ . અને પોતાના એકતરફી પ્રેમ ને તો માણસ વિશેષhaathyar6p પ્રેમભરી નજરે જોતો હોય , પણ જયારે એ એકતરફી પ્રેમ આપણને આવીને એવું કહે કે હું જાણું છું કે તારા હૃદયમાં મારા માટે પ્રેમ છે , કારણ કે એવું મેં તારી આંખમાં વાંચ્યું છે ! આવું કશુક થાય … તો આય હાય હાય હાય !!! દિલ ડોલવા લાગે અને દિમાગ ના બધા સ્ક્રુ જમીન પર પડી જાય તોય જમીન પર પડીને સ્ક્રુ વિણવાને બદલે આકાશમાં ઊડવાનું મન થાય ! આગળની પણ કેટલીક પોસ્ટ્સ માં મેં મારા એકતરફી પ્રેમોનો ઉલ્લેખ કર્યો છે , પણ ક્યારેય કોઈનું નામ જાહેર નથી કર્યું , આજે અહી કાલ્પનિક નામો આપીને તેમનો ઉલ્લેખ કરવાની ઈચ્છા છે , જેથી મને સમજાવવામાં અને તમને સમજવામાં સરળતા રહે . મુખ્યત્વે મારા એકતરફી પ્રેમોમાં ત્રણ બાલિકાઓ (બેઈબ્સ યુ સી ) નો સમાવેશ થાય છે. ત્રણેવ બાલિકાઓને અનુક્રમે ઇના , મીના અને ટીના ( ત્રીજું નામ “ડીકા” ના સારું લાગે એટલે “ડ” ને ઊંધો કરીને “ટ” કર્યો , પછી “ટી”ની પાછળ “કા” ને એમનું એમ રાખત તો “ટીકા” નામ બને , એન્ડ અગેઇન એ ન સારું લાગે માટે “કા” ને બદલે “ના” ) એમ ત્રણ કાલ્પનિક નામ આપીને હું તેમની વાત કરીશ. પહેલી બાળા જેના તરફ ધોરણ ૮ થી આકર્ષાયો. – કાલ્પનિક નામ ઇના , (જેના ઘરની બહાર બેસી રહેવાનો પ્રસંગ મેં લખ્યો છે “ફિર મુહબ્બત કરને ચલા હૈ તું “ ગીત સંદર્ભે ) બીજી બાળા પ્રત્યે આકર્ષાયો ધોરણ ૧૨ માં – કાલ્પનિક નામ મીના , અને ત્રીજી બાળા પ્રત્યે નું આકર્ષણ કોલેજના પ્રથમ દિવસથી જ થયું – કાલ્પનિક નામ ટીના. બીજા નાના મોટા આકર્ષણો પણ થયા છે જીવનમાં , પણ એ સવારથી લઈને સાંજ સુધી કે સોમવારથી લઈને શુક્રવાર સુધી થયું હોય એ પ્રકાર ના ! લાંબા સમય સુધી દિલો – દિમાગ પર હાવી રહ્યા હોય તેવા આકર્ષણો માત્ર આ ત્રણ ! અહી વાત કરવાની છે એક ખાસ પ્રકારના અનુભવની! આપણે જેને એકતરફી પ્રેમ કરતા હોઈએ એ વ્યક્તિ તરફથી મળતા પ્રતિસાદ ની ! પ્રતિસાદ કૈક આ પ્રકારનો કે – મને ખબર છે કે તારા હૃદયમાં મારા માટે પ્રેમ છે , કારણ કે એવું મેં તારી આંખમાં વાંચ્યું છે ! અર્થાત આ ગીત નો મુખડો –

“નઝર નઝર મેં હાલે દિલ કા પતા ચલતા હૈ

આપ હમ પે હૈ ફિદા સાફ પતા ચલતા હૈ

યે બાત સચ હૈ દિલ પે ઝોર કહાં ચલતા હૈ

આપ હમ પે હૈ ફિદા સાફ પતા ચલતા હૈ “

                        ઇના તરફથી તો ક્યારેય એવું કશું સાંભળવા મળ્યું નહોતું . હા , સ્કુલ પૂરી થઇ , હું બસમાં કોલેજ જતો થયો ત્યારે રસ્તામાં ક્યારેક આવતા જતા સ્મિત આપતી જતી , એ વાત નો વિસ્તારથી ઉલ્લેખ મેં “ચલો સનમ અજનબી બન જાયેં “ ગીત સંદર્ભે કર્યો છે. પણ એમાં “નઝર નઝર મેં હાલ એ દિલ કા પતા ચલતા હૈ , આપ હમ પે હૈ ફિદા સાફ પતા ચલતા હૈ “ વાળી ફીલિંગ ક્યાય નહોતી , કારણ કે એને ક્યારેય મારી લાગણીઓનો કે મારા આકર્ષણ નો અણસાર આવ્યો હોય એવું મને ક્યારેય લાગ્યું ન હતું , માટે એના સ્મિતને મારી લાગણીઓના પ્રતિસાદ રૂપે કન્સીડર ના કરી શકાય ! અને એ સ્મિત આપતી ત્યારે પણ એની નઝર મેં નોટીસ કરેલી , જેમાં માત્ર એક જુના સહપાઠી પ્રત્યે હોય એવા રીસ્પેકટ સિવાય બીજું કઈ નહોતું , માટે એની તરફથી કૈક લોચો હતો એવું પણ ન કહી શકાય. હવે વાત આવે છે મીના ની ! એની નજરે બહુ મોટી ગેરસમજ  ઊભી કરેલી. મેં સ્કુલમાં પરફોર્મન્સ આપ્યું એકપાત્રીય અભિનય નું . એમાં પ્રથમ નંબરે વિજયી થયો એ દિવસે એ બાળા એ મને સ્મિત આપ્યું . ખરેખર એ સ્મિત હું જીત્યો ને મેં ક્લાસ નું નામ રોશન કર્યું એના માનમાં હતું પણ મેં એને બીજા અર્થમાં લીધું કારણ કે હું એને રોજ જોયા કરતો. એટલે મને થયું કે આ મારી નજર માં વસેલા પ્રેમ નો જવાબ છે. પણ એવું ન હતું એ મને સમજાયું જયારે એ પછીના દિવસોમાં મેં પણ એને સ્મિત આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે બાળા એ કોઈ રસ ન દાખવ્યો. પણ મીના તરફથી મળેલા એક સ્મિત વખતે એની નજર નું તીર મને એવું વાગ્યું કે આ પરવાનો જલીને ખાખ થઇ ગયો . તોય એ સમજી ન શકી ….! વેલ , એ ન સમજે તો સમજાવવું રહ્યું , પણ એવા ડેરિંગ હોત તો સ્કુલ અને કોલેજમાં સિન્સિયર બોય ની જે ઈમેજ હતી એને બદલે પ્લેબોય ની હોત ! હું તો નજરથી જ કામ લેતો , બોલીને કહેવો પડે તો એ પ્રેમ થોડો કહેવાય ! એ.એમ.ટી.એસ. બસ ના પાસ માટે એક વખત અરજી પત્ર લખેલો બાકી પ્રેમની અરજીઓ કરવી ક્યારેય આપણને ફાઈ જ નથી.

“દિલ સૈકડો હૈ જિનમેં , દિલ એક હૈ નિશાના ,

તેરા ભી દિલ દિવાના , મેરા ભી દિલ દીવાના ,

યે તીર હૈ નઝર કા , જાને કહાં લગેગા ,

રબ જાને આજ કિસકા નસીબા જગેગા ,

શમા સે બચકે યે પરવાના કહાં જલતા હૈ

આપ હમ પે હૈ ફિદા સાફ પતા ચલતા હૈ “

                 હવે વાત આવે છે ત્રીજી બાળા અર્થાત ટીના ની ! હવે મને ટીના ગમે છે એ વાત ની જાણ આખા ક્લાસને હતી , મેં તો આ વાત માત્ર એક નજીકના મિત્રને જ કરેલી , પણ એ નજીકના મિત્ર એ આ વાત બધે ફેલાવી દીધેલી , પરિણામ સ્વરૂપે ટીના સહીત સૌ કોઈ જાણતું હતું મારી ફીલિંગ્સ ! એટલે ગ્રેજ્યુએશન ના ત્રણ વર્ષમાં અમને બંને ને બધા ખૂબ ટીઝ કરતા , અને અમે બંને એ ટીઝીંગ ખુબ એન્જોય કરતા. મને આ કેઈસમાં પ્રપોઝ કરવાની ઈચ્છા હતી , પણ પછી થતું કે એને જે વાત ખબર જ છે એ કહી ને શો ફાયદો ! વેલ , આ બધું ચાલ્યા કર્યું , ગ્રેજ્યુએશન ના ત્રણ વર્ષ પૂરા પણ થઇ ગયા , અને સાત આઠ મહિના પછી ટીના એ મારો નંબર અમારા કોઈ કોમન મિત્ર જોડે થી મેળવ્યો , અને મને ફોન જોડ્યો . એ ત્યારે કમિટેડ હતી , પણ એને મારી સાથે જીવનમાં એકવાર મનભરીને વાતો કરવાની ઈચ્છા હતી , જે ટીના એ કોલેજ દરમ્યાન ક્યારેય વ્યક્ત નહોતી કરી , અને કોલેજ દરમ્યાન અમે ક્યારેય મન ભરી ને ખૂબ વાતો કરી હોય એવું ક્યારેય નહોતું બન્યું . એટલે ગ્રેજ્યુએશનના સાત આઠ મહિના પછી એનો ફોન આવ્યો ત્યારે અમે રોજ વાતો કરવાનો સિલસિલો ચાલુ કર્યો જે લગભગ અઠવાડિયા – દસ દીવસ સુધી ચાલ્યો . એ દરમ્યાન ટીના એ મને કહ્યું કે હું જયારે પણ કોઈના મોઢે એવું સાંભળતી કે યુ લાઈક્સ મી ત્યારે મને ખુબ આનંદ થતો . મારી જેમ એને પણ થોડો સમય માટે મારા પ્રત્યે આકર્ષણ હતું કે કેમ એ બાબતે ટીના એ ચોખવટ કરવાનું ટાળ્યું . અને વાતો નો તો અંત લાવવાનો જ હતો , એમાં મોડું કરીએ તો અંત લંબાતો જાય , એટલે વહેલો જ અંત લાવી દીધો , બંને સાઈડ થી કોઈ પણ પ્રકાર નું કશુય રીગ્રેશન નહિ, ઓન્લી રીસ્પેક્ટ ફોર ઈચ અધર્સ ફીલિંગ્સ !

“તુમકો ભી યે પતા હૈ , હમકો ભી યે પતા હૈ ,

યે પ્યાર કી ઉમર હૈ , યે પ્યાર કા નશા હૈ ,

ક્યોં દિલ કો હમ સતાયે , ક્યોં દિલ કો હમ જલાયે ,

વો પ્યાર કે ઝમાને હમ કૈસે ભૂલ પાયે ,

ઐસા મૌકા હસીન રોઝ કહા મિલતા હૈ

આપ હમ પે હૈ ફિદા સાફ પતા ચલતા હૈ “

હથિયાર ની ઓડિયો કેસેટ મેં ખરીદેલી , અને આ ગીત મારા વોક્મેનમાં હું રીવાઈન્ડ કરી કરીને સાંભળતો . ITS REALLY A VERY NICE SONG, WELL WRITTEN , WELL COMPOSED & OFCOURSE WELL SUNG BY LEGENDARY VOICE ASHA BHOSLE.

આ ગીતને યુ ટ્યુબ પર માણવા અહિયા ક્લિક કરો 

થોડા સા પ્યાર હુઆ હૈ !

ફિલ્મ – મૈને દિલ તુજકો દિયા
વર્ષ – ૨૦૦૨
ગીત – થોડા સા પ્યાર હુઆ હૈ
ગાયક – ઉદિત નારાયણ . અલકા યાજ્ઞીક
ગીતકાર – ફૈઝ અનવર , પ્રવિણ ભારદ્વાજ
સંગીત – ડબૂ મલિક

અમુક ગીતો એવા છે કે એ વાગે એટલે છોકરીઓ ઘેલી ઘેલી થઇ જાય ! અને એ ગીતો પણ પાછા એમના જેવા ઘેલા જ હોય ! એવા ગીતો ની યાદી માં પહેલું આવે – “તુમ બિન જીયા જાયે કૈસે… ” આ ગીતની લાઈન ” ક્યા ક્યા ના સોચા થા મેને … ” છોકરીઓ સાલી એવા તે ભાવ થી ગાય કે આપણ ને જઈ ને પૂછી લેવાનું મન થાય – “શું થયું બકા ? સગાઇ તૂટી ગઈ તારી?” જોકે આ ગીતમાં સેન્સલેસ લીરીકસ નથી , પણ છોકરીઓ ના મોઢે આ ગીત સાંભળી સાંભળીને ઊબકો આવી ગયો છે. અને આવી યાદીમાં બીજું આવે આ ગીત – “થોડા સા પ્યાર હુઆ હૈ !” અને હમણાં જ આ યાદીમાં લેટેસ્ટ ઉમેરો થયો છે – “ઈશ્કવાલા લવ ! ” છોકરીઓ મોટા ભાગની બુદ્ધિ વગરની ! (આ તારણ અત્યાર સુધીના મારા સ્કુલ , કોલેજ અને અન્ય જગ્યાએ જોયેલી છોકરીઓના નિરીક્ષણ પર થી લેવામાં આવ્યું છે ) એટલે એમને ગીતો પણ બુદ્ધિ વગરના જ ગમવાના તે સ્વાભાવિક છે ! ગીત સાંભળીને લાગણીઓ ઊભરાય તે સારી વાત છે , પણ સાવ આવા ગીતો પર છોકરીઓની લાગણીઓ ઊભરાતી જોઈને કાં તો મને હસવું આવી જાય , કાં તો મને એ બિચારી છોકરીની બુદ્ધિક્ષમતા પર દયા આવી જાય અને કાં તો પછી માથું ચઢી જાય ! અને એ માથું એવું ચઢે કે એના ચાર- પાંચ દિવસ સુધી પછી કોઈ છોકરી જોવી જ ના ગમે ! મારે તો મારી બૈરીને ય પહેલી મુલાકાતમાં પૂછવું હતું કે “થોડા સા પ્યાર હુઆ હૈ … ” ગીત ગમે છે ? જો હા પાડે તો લગન નૈ કરવાના ! પણ પૂછવાનું રહી ગયું, અને પછી અચાનક , એક દિવસે , એના મોઢે આ ગીત સાંભળ્યું –

“થોડા સા પ્યાર હુઆ હૈ , થોડા હૈ બાકી ,
હમ તો દિલ દે હી ચુકે , બસ તેરી હાં હૈ બાકી ..”

ખેર , જે થવાનું હતું એ થઇ ગયું.આ ગીત તો પાછુ એકતા કપૂરે ય બહુ ચગાવેલું , એની મોડી રાતે આવતી , બહુ ચગેલી સીરીયલ “કહી તો હોગા ” માં રોજ પાંચ વાર આ ગીત વાગે ! આજુ બાજુ વાળા પડોશીઓ આ સીરીયલ મોડી રાતે જુએ એટલે આ “થોડા પ્યાર..” વાળા ગીતનો અને એના ટાઈટલ સોંગનો મોટે મોટેથી આવતો અવાજ રોજ મને ડીસ્ટર્બ કરતો -“કહી ના કહી તો હોગા ….” ! અને એ સીરીયલના કોઈ પણ દર્શકને પૂછો કે આ કઈ સીરીયલ જુઓ છો, એટલે કહે કે “કશીશ” ! સીરીયલમાં હીરોઈનનું નામ કશીશ હતું , એટલે બધા એ સીરીયલ ને પણ “કશીશ” નામ આપી દીધું. ( બિચારા , સીરીયલના થર્ડ ક્લાસ નામથી છૂટકારો મેળવવા કશોક રસ્તો તો કાઢે ને ! )

                                                                           Kahin-to-hoga

હું બી.એડ. કોલેજમાં હતો ત્યારે મારી સાથે એક છોકરી ભણતી હતી , એકદમ સુકલકડી ! થોડી ગામઠી ભાષા, અમારે બી.એડ. માં લેકચર આપવાનો હોય એ દિવસે છોકરીઓને ફરજીયાત સાડી પહેરીને આવવું પડે. અને આવડી આ પણ સાડી પહેરી ને આવે. બસમાં આવી હોય અને પરફ્યુમ નામના પ્રવાહીની શોધ થઇ ચૂકી છે એ બિચારી આ ભોળી છોકરી ને નહિ ખબર હોય એટલે એના પ્રસ્વેદ ની એવી તે ગંધ આવતી હોય … અને એમાય એ મારી બાજુ માં જ આવી ને બેસે ! આવા સમયે થાય કે કાશ મને અત્યારે શરદી થઇ હોત ને મારું નાક બંધ હોત ! પણ છોકરી બિચારી સાવ સીધી અને ભોળી ! એક દિવસ મેડમે કહ્યું કે આજે બધા કંઈક પરફોર્મ કરશે. અને મેડમે આ છોકરી ને ઊભી કરી ને કહ્યું – તું કોઈ ગીત ગા ! ક્યાંય સુધી શરમાયુ , ભાવ ખાયો , હે હે હી હી કરી પછી ચાલુ કર્યું ગાવાનું – “થોડા સા પ્યાર હુઆ હૈ .. ! ” આ ગીત સાંભળીને મેડમ પણ ફોર્મમાં આવી ગયા , અને એ પણ સાથે ગાવા લાગ્યા. સાથે ક્લાસ ની બીજી છોકરીઓ પણ ગાય ! અને મને દાઝ ચઢે , સાલું આ તો શું નેશનલ એન્થમ છે ? !
પછી અંતરો ગાવાનો આવ્યો , એટલે એની લાગણીઓ વધારે ઊભરાઈ , હવે તકલીફ ત્યાં થાય કે અંતરના શબ્દો બરાબર યાદ જ નાં હોય , તોય ગાવાના એવા હોંશ હોય ,કે જે શબ્દ સુઝે તે ગાઈ નાખે , ને મારી બેટી એવા કોન્ફીડન્સ થી ઝીકમ ઝીક કરે ! સાથે કોરસમાં ગાઈ રહેલી છોકરીઓ ને પાછા બીજા શબ્દો સુઝતા હોય એટલે એક ગીત એક સાથે સાત – આંઠ અલગ અલગ લીરીક્સ સાથે ગવાય ! અને આ ગીત ના લીરીક્સ પાછા પરાકાષ્ઠા એ પહોંચેલી મૂર્ખાઈ ભર્યા . અહી અંતરામાં હીરો કહે છે કે મારી દરેક ધડકન તને ઓળખે છે , અને મારો પ્રેમ તું નથી ઓળખતી, એટલે હિરોઈન કહે કે એ બધું તો બરાબર પણ તોય તારી “હા” હજુ બાકી છે ! અરે મૂર્ખાઓના સરદારની માં ! ઓલો દરેક ધડકનનો હિસાબ આપી રહ્યો છે તો એ પ્રેમનો ઈઝહાર જ કહેવાય ! આટલા હૃદયપૂર્વક ઓલો ઈઝહાર કરે છે પછી તારે હજી શેની “હા ” પડાવવાની બાકી છે ?
એમાં પાછુ ઓલી છોકરી એ કેવું ગાયેલું એ ય મારા દુર્ભાગ્યે મને હજી યાદ છે , એને શરમાતા શરમાતા ગાયેલું – મેં તુજે જાન ગયી , પછી “તુજકો” ના બદલે ” ખૂબ ” પહેચાન ગયી, ને પછી એ જ રાબેતા મુજબ ની ફરિયાદ – ફિર ભી તેરી હાં હૈ બાકી …. !

( ફીમેલ -) “કૌન સા મોડ આયા ઝીંદગી કે સફર મેં ,
બસ ગયા તું હી તું , અબ તો મેરી નઝર મેં ,
(મેઈલ -) દિલ કી હર એક ધડકન , તુજકો પહેચાનતી હૈ ,
મેરી ચાહત હૈ અબ ક્યા, તું નહિ જાનતી હૈ ,
(ફીમેલ -) મેં તુજે જાન ગયી , તુજકો પહેચાન ગઈ ,
ફિર ભી તેરી હાં હૈ બાકી …થોડા સા પ્યાર હુઆ હૈ , થોડા હૈ બાકી “

Thoda_Sa_Pyaar_Hua_Hai_Maine_Dil_Tujhko_Diya

અહી બીજા અંતરામાં ય મૂરખના સરદારોની માંઓને ય શરમાવે એવી વાતો ! અહી હીરો કહે છે કે તું મને ઉમરભર સાથ આપવાનું વચન આપ અને મારા હાથો માં તારો હાથ આપ ! ત્યારે હિરોઈન બુદ્ધીઓના પ્રદર્શન કરતી કહે છે કે એ બધું તો બરાબર કે હાથોમાં હાથ છે ને વ્હાલા તારો આ રળિયામળો સાથ છે , પણ તોય તારી “હા” બાકી છે. અહી ગીતકાર ફૈઝ અનવર અને પ્રવિણ ભારદ્વાજ ને મારે પૂછવું છે કે ઓલો હીરો હાથોમાં હાથ આપે છે , ઉમરભર સાથ આપવાનું વચન માંગે છે તોય એની “હા ” કન્સીડર નથી થતી , તો એકઝેટલી એ કરે શું કે જેનાથી ઓલી ને લાગે કે “હા ” પાડી છે ! આતો સોહેલ ખાન બહુ ધીરજ વાળો કહેવાય , બાકી મારા જેવો હોય તો સિધધી કાનપટ્ટાની જ આલી દે ! આતો નહિતર છોકરાઓ પેદા થઇ જાય , પછી યે ગાયા કરે – બચ્ચો કી લાઈન સહી , ફિરભી તેરી હા હૈ બાકી !

(ફીમેલ – )”આજ યે ક્યા હુઆ હૈ , દિલ નહિ મેરે બસ મેં ,
ઇસ લિયે સોચતી હૂં , તોડ દૂં સારી રસમેં
(મેઈલ – ) ઉમરભરકે લિયે તું આ મેરા સાથ દે દે
તેરા હો જાઉં મેં , હાથો મેં હાથ દે દે
(ફીમેલ -)હાથો મેં હાથ સહી , તું મેરે સાથ સહી ,
ફિર ભી તેરી હાં હૈ બાકી…થોડા સા પ્યાર હુઆ હૈ , થોડા હૈ બાકી “

ફિલ્મ નું ગીત –

એકતા કપૂરની સીરીયલમાં આ ગીત-

અરે માઈરી …

ફિલ્મ – મકડી
વર્ષ – ૨૦૦૨
ગીત – દિન ચડતા હૈ માઈ
ગીતકાર – ગુલઝાર
ગાયક – ઉપન્ગા પંડ્યા
સંગીત – વિશાલ ભારદ્વાજ

વાર્તાઓમાં પણ આવે છે કે એક બાળક જયારે ડરતું હોય અને કોઈ ને કહીના શકતું હોય …. એવી પરિસ્થિતિ તો ભગવાનથી પણ સહન નથી થતી અને એ તરત પ્રસન્ન થઈને બાળકની મુશ્કેલીનું નિવારણ લાવે છે. આ ફિલ્મ , આ ગીત આવ્યું એ વખતે હું પણ એક બાળક હતો , હાયર સેકન્ડરીમાં ભણતો બાળક. અને ફિલ્મ જોતી વખતે આ ગીત આવ્યું ત્યારે હું રડી પડ્યો , ફિલ્મની નાયિકા – નાની છોકરી સાથે પોતાની જાતને રીલેટ કરી ને ! કારણ કે એક બાળક તરીકે મેં નાનપણમાં ડર ને જેવી રીતે અનુભવેલો એનું આબેહુબ ચિત્રણ મને એ ગીતમાં જોવા મળ્યું. ગીતમાં નાની છોકરીની તકલીફ બહુ વધારે છે, ના કહી શકે અને ના સહી શકે ની પરિસ્થિતિમાં તે મુકાઈ છે , તે અંદરથી ઘણી મજબૂત છે એથી તે જાહેરમાં રડી નથી પડતી પણ એકલામાં વિલાપ કરે છે , એ પણ આંખો થી ઓછો અને મન થી વધારે.
હું સ્કુલેથી આવતો , ચુપ ચાપ દફતર પલંગ પર નાખીને પથારીમાં પડતો , મારું ઓશીકું , મારું દફતર , મારી પેન્સિલ , મારી ચોપડીઓ , મારું ચંપક … આ બધું જ મને બહુ વ્હાલું હતું ! મને નાનપણમાં વસ્તુઓ સાથે થોડો વધારે લગાવ રહેતો , આજે પણ રહે છે , પણ પહેલા જેટલો અતિશય નહિ ! કારણ કે નાનપણની મારી તકલીફમાં , મારી એકલતામાં એ જ તો મને સાથ આપતા. મૂંગી વસ્તુઓ ક્યારેય મને હેરાન નહોતી કરતી , મારી સાથે રહેતી , હું એમને સાચવતો , પ્રેમ કરતો અને કશુક ખોવાય કે તૂટી જાય તો રડી પડતો , કારણ કે હું જાણતો કે તૂટવાથી કેટલું દર્દ થાય . અને એવું કશુક મારાથી છુટી જાય જે મને ક્યારેય હેરાન ના કરતુ હોય , એ મને કેવી રીતે પોસાય ! મને હેરાન ના કરતા હોય એવા મારી દુનિયામાં મારા મમ્મી પપ્પા અને મારી વસ્તુઓને બાદ કરતા બીજું કોઈ નહોતું . મારા મિત્રો તો બહુ ઓછા , અને બાકી બચેલી આખી દુનિયા મારી દુશ્મન ! મારી તકલીફ એવી હતી કે હું કહી નહોતો શકતો , સહવું પણ અસહ્ય હતું છતાં મેં સહન કર્યું , વર્ષો સુધી સતત … રોજ …. ! મને યાદ છે , હું મમ્મીને ફરિયાદ કરતો પણ મનોમન , પછી એમના ખોળામાં માથું નાખી દેતો , મમ્મી માથે હાથ ફેરવતા અને થતું , કે કાશ આ ક્ષણ ક્યારેય પૂરી ના થાય , કાશ મારે ઊઠવું જ ના પડે , કાશ સવાર જ ના પડે ….

“દિન ચઢતા હૈ માઈ , ડર લગતા હૈ માઈ ,
કાલે ઘરમે જાકે , છુપ જાતા હૈ માઈ ,
રાત આયે તો રાત સે ડરતી હું
અરે માઈરી ….અરે માઈરી ….”

સવાર પડતી અને હું સ્કુલે જતો , એ પહેલા હું મારું ગંજી એકદમ ટાઈટ ફીટ કરીને પહેરતો , જે આદત આજ સુધી નથી ગઈ . એક તો મારી સાઈઝ કરતા એક માપ જેટલું નાનું ગંજી , જેથી એ વધારે ટાઈટ પડે , એની ઉપર સ્કૂલનો વ્હાઈટ શર્ટ. સ્કુલે પહોંચતા રસ્તામાં જ મારો ફફડાટ શરુ થઇ જાય , અને પહોંચું એટલે …. મારા ક્લાસના છોકરાઓની ટોળકી મને ઘેરી વળે , મારી છાતી સામું જોઇને વિકૃત હસે , ત્યાં અડવા હાથ લંબાવે , હું તેમને એમ કરતા રોકું , ડરૂ એટલે તેમને મજા પડે , જોર જોર થી હસે , ગંદુ ગંદુ બોલે . કોઈક અડી લે , કોઈક દબાવી લે અને જંગ જીત્યા હોય એમ જોર જોર થી હસે , જશન મનાવે , એક બીજાને કહે , અને ટોળકી વધારે મોટી થતી જાય ….
કેટલાક પુરુષની છાતી થોડી ફૂલેલી હોય , કુદરતી રીતે જ , જેને ગાયનેકોમાસ્ટીયા કહેવાય ,મારે પણ એવું છે , એથી છોકરાઓ મારી છાતીને અડીને વિકૃત કોમેન્ટ્સ પાસ કરતા , મને પજવતા .

“મકડી કે જાલે સા આતા હૈ ,નાખુન હૈ જિનકે , ડરાતા હૈ ,
ડરતી હુઈ છુપતી હુઈ , જાઉં કહા , બચતી હુઈ ,
ફિર જબ રાત આતી હૈ ,પંજો વાલી રાત સે ડરતી હું ,
રાત આયે તો રાત સે ડરતી હું”

એના લીધે મેં નાનપણમાં ક્યારેય ટીશર્ટસ નથી પહેર્યા , જે દિવસે મારી પજવણી ના થતી એ દિવસે હું ખુબ માનસિક શાંતિ અનુભવતો , પણ એવું ભાગ્યે જ થતું . વેકેશન ની રાહ હું એટલે જોતો કારણકે વેકેશનમાં સ્કુલ ના હોય , અને એથી એ સમયગાળામાં મને કોઈ હેરાન ના કરે. ૮મા ધોરણથી લઈને ૧૨મા ધોરણ સુધી સતત આવા સમયમાંથી હું પસાર થયો . હું સામનો પણ કરતો , એકાદ બે છોકરાઓને બરાબ્બર ના મારેલા પણ ખરા , પણ છેલ્લે બધું વ્યર્થ જતું કારણકે મારા પર પ્રહાર ટોળકીમાં જ થતા. કોલેજમાં આવ્યા પછી પણ આવું બનતું રહ્યું . કોલેજ પૂરી કરી , સમય જતા આવી પજવણી ઓછી થતી ગઈ , બંધ પણ થઇ , પણ આ બધાના કારણે મારા આત્મવિશ્વાસમાં બહુ ઘટાડો થયો . હું ઓછાબોલો થઇ ગયો , છોકરીઓની તો સામે જતા પણ અચકાતો , થતું કે હું કેવો લાગતો હોઈશ , એ ભલે મારો મજાક નથી ઉડાવતી પણ એ પણ મારામાં એ જોતી તો હશે જ ને જે છોકરાઓ જુએ છે. એ સમયે હું એવું પણ માનતો હતો કે કદાચ આ જ કારણે કોઈ છોકરી મારી સાથે લગ્ન પણ નહિ કરે .

“કીડા સા ગરદન પે ચલતા હૈ ,દિન રાત ઊંગલી સે મલતા હૈ ,
માઈ મેરા પીછા છુડા , સર પે ચઢી કાલી બલા ,
કલ ના જાને ક્યાં હો , આને વાલી શામ સે ડરતી હું
રાત આયે તો રાત સે ડરતી હું”

પણ સમય જતા મેં વિચાર્યું કે પહેલા મારે તો સ્વીકારવું જ પડશે , અને એ સ્વીકારીને એનો છોછ છોડવો પડશે . કેટલુય સાંભળ્યા અને પજવણીનો ભોગ બન્યા પછી એમ કરવું ખુબ અઘરું હતું , છતાં મેં પ્રયત્નો ચાલુ રાખ્યા , ટાઈટ ગંજી ને બદલે ક્યારેક શર્ટની નીચે ગંજી પહેર્યા વગર જ બહાર નીકળી જતો , પહેલા ખભા નીચા રાખીને ચાલતો એના બદલે છાતી બહાર કાઢીને ટટ્ટાર ચાલવાનું શરુ કર્યું. સમય લાગ્યો , પણ હું મારી જાતને આમાંથી બહાર કાઢી શક્યો , પહેલા કોઈ આ વિષયનો મજાક કરતુ તો ખુબ લાગી આવતું ,પણ આત્મવિશ્વાસ પાછો મેળવ્યા પછી માત્ર જે તે વ્યક્તિની અમાનવીયતા પર પ્રત્યે ઘૃણા થતી , તેની ટૂંકી બુદ્ધિ પર દયા આવતી . પણ જે ગુમાવ્યું તે હું પાછુ મેળવી શકું તેમ નથી , અને મેં બહુ કીમતી ચીજ ગુમાવી છે , એ છે મારું બાળપણ ! મારા બાળપણનો મોટા ભાગનો સમય આવા અમાનવીય માનવો ના લીધે દર્દમાં વીત્યો. મારી જવાની સાથે પણ એ જ કિસ્સો હતો .
ખેર , છોડો એ બધું , જીંદગી એ ઘણું બધું આપ્યું પણ છે ને ! “વો જો મિલ ગયા ઉસે યાદ રખ, જો નહિ મિલા ઉસે ભૂલ જા … “

એક લડકી કી તુમ્હે ક્યા સુનાઉં દાસ્તાં

ફિલ્મ – મેરે યાર કી શાદી હૈ
વર્ષ – ૨૦૦૨
ગીત – એક લડકી કી તુમ્હે ક્યા સુનાઉં દાસ્તાં
ગાયક – ઉદિત નારાયણ , અલકા યાજ્ઞિક
ગીતકાર – જાવેદ અખ્તર
સંગીત – પ્રીતમ , જીત ગાંગુલી

ફિલ્મ “મેરે યાર કી શાદી હૈ” આવી ત્યારે તેનું મોટ્ટુ પોસ્ટર મારા રૂમમાં લાગેલું ! મારી આખી લાઈફમાં સૌથી વધારે ફિલ્મો નું આકર્ષણ મને એ અરસામાં હતું. ૧૫- ૧૬ વર્ષથી લઈને ૨૦- ૨૧ વર્ષ સુધીનો ગાળો. વેલ , આ ગીત દ્વારા મારે વાત કરવી છે એક છોકરીની , એનું નામ અલ્પા હતું. લગભગ પ્રાઈમરી થી મારી સાથે સ્કુલમાં હતી. અમારા વખતમાં કેટલાક મહા ગીલીન્ડરોને બાદ કરતા મારી સ્કુલમાં માહોલ એવો હતો કે છોકરાઓ અને છોકરીઓ એક બીજા સાથે વાત ન કરે , અથવાતો ઓછી, કામ પુરતી વાત કરે. આમ વર્ષોથી એક જ ક્લાસમાં સાથે હોય એટલે એક બીજાને ઓળખતા જરૂર હોય કે આ હોશિયાર, આ ડફોળ , આ ડાહ્યો , આ ગીલીન્ડર! બસ, એ જ રીતે હું પણ અલ્પાને પ્રાઈમરીથી ઓળખતો હતો , ભણવામાં હોશિયાર અને એવરેજ ની વચ્ચે. એટલે કે ક્લાસમાં પહેલો નંબર નહિ પણ દસમો કે પંદરમો તો આવે ! અને મારું પણ ડીટ્ટો એવું. મારો અને અલ્પાનો રેન્ક આગળ પાછળ જ આવે , એક બે ટકાનો જ ફેર હોય. એ છોકરી બહુ હસમુખી , કાયમ એના ચહેરા પર મીઠું સ્મિત જોવા મળતું. વાન ગોરો , ચહેરો ગોળ , નમણાશ વાળો. અને વાળમાં તેલ નાંખીને ચપો ચપ ઓળ્યા હોય. ક્લાસમાં બધા છોકરાઓ, છોકરીઓ અને શિક્ષકોની નજર નાનકડી અલ્પા પર ઠરેલી રહેતી, કારણ કે એ બધા કરતા અલગ, બધા કરતા નિરાળી હતી..

“એક લડકી કી તુમ્હે ક્યા સુનાઉં દાસ્તાં
વો પગલી હૈ સબ સે જુદા
હર પલ નયી ઉસકી અદા
ફૂલ બરસે , લોગ તરસે જાયે વો લડકી જહાં
એક લડકી કી તુમ્હે ક્યા સુનાઉં દાસ્તાં”

દસમા ધોરણમાં સ્કુલમાં અંગ્રેજીની એક પરીક્ષા રાખેલી અને એ પરીક્ષામાં જે પાસ થાય તેને જ દસમામાં-બોર્ડમાં અંગ્રેજી વિષય રાખવા મળે. એ પરીક્ષા દરમ્યાન મારી આગળની બેંચ પર અલ્પા બેઠેલી, અને બિચારીને કઈ આવડે નૈ ! એ સતત મને પાછળ વળી વળીને પૂછ્યા કરે, સુપરવિઝન કડક હતું. સાહેબની નજર મારા પર હોય એવું મને લાગ્યું એટલે મેં તેને બતાવવાની ના પાડી, તો તે જાણે કે રિસાઈ ગઈ હોય તેવી રીતે તેને મારાથી મોઢું ફેરવી લીધું, અને સાહેબ આઘા પાછા થયા એટલે મેં તેની બેંચ પર પેન ટકરાવીને ઈશારો કર્યો, એટલે એ પાછળ વળી, મેં તેને મારું પેપર બતાવ્યું, અને એના ચહેરા પર નું સ્મિત પાછુ આવી ગયું

“હૈ ખફા તો ખફા , ફિર ખુદ હી વો મન ભી જાતી હૈ ,
લાતી હૈ , હોઠોં પે મુસ્કાન વો
ચુપ હૈ તો ચુપ હૈ વો
ફિર ખુદ હી વો ગુનગુનાતી હૈ , ગાતી હૈ , મીઠી મીઠી તાન વો
કૈસે કહું કૈસી હૈ વો , બસ અપને હી જૈસી હૈ વો
ફૂલ બરસે , લોગ તરસે જાયે વો લડકી જહાં
એક લડકી કી તુમ્હે ક્યા સુનાઉં દાસ્તાં”

દસમા ધોરણમાં રક્ષાબંધન આવી ત્યારે મને ખુબ ઈચ્છા થયેલી કે હું અલ્પા જોડે રાખડી બંધાવું , કારણ કે એનામાં હું મારી એક બહુ સારી દોસ્તને જોતો હતો, મને તેની સાથે બહુ બધી વાતો કરવાનું , મિત્રતા કરવાનું મન થતું , પણ માત્ર એક દોસ્ત તરીકે . એથી જ મેં એવું વિચાર્યું કે જો રાખડી બંધાવીશ તો અલ્પા પણ મને ભાઈ સમજીને મારી સાથે દોસ્તી બાંધશે. અને મેં તેને પરીક્ષામાં બતાવેલું તેથી મને થયું કે કદાચ હું તેની સાથે હવે કોઈ સંકોચ વગર વાત કરી શકીશ.પણ ખબર નહિં કેમ , કુદરતી રીતે જ મને છોકરીઓ સાથે વાત કરવામાં ખુબ સંકોચ થતો, માટે અલ્પાને હું રાખડી બાંધવાનું પણ ન કહી શક્યો , પછી તો અગ્યારમા ધોરણમાં મેં સ્કૂલ બદલી ત્યારે પણ મેં વિચાર્યુ કે આ વખતે તો રક્ષાબંધન આવે એટલે જૂની સ્કુલે જઈને અલ્પા જોડે રાખડી બંધાવવી જ છે. પણ રક્ષાબંધન ને હજુ વાર હતી અને તે પહેલા જ મને મારી જૂની સ્કુલના કેટલાક મિત્રો મળ્યા. અને એમણે મને જણાવ્યું કે અલ્પા હવે આ દુનિયામાં નથી રહી ! કોઈ બીમારી ના લીધે …..! હું એ મિત્રો સાથે તેના બેસણામાં ગયેલો. આજે પણ સમસમી જવાય છે જયારે યાદ કરું છું તેનાં ઘરની દીવાલ પર હાર લગાવેલો તેનો ફોટો , એ જ ગોળમતોળ હસતો ચહેરો, એના જેવા જ લાગતા એના મમ્મી ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા….! અલ્પા , જેની સાથે મેં ક્યારેય વાત નહોતી કરી છતાં, મને હંમેશા તે ખુબ વ્હાલી લાગેલી. મારે તેના ભાઈ બનવાનું ગૌરવ લેવું હતું, એની સાથે વાતો કરીને , એની સાથે હસીને એના સ્મિતનું કારણ બનવું હતું , પણ એ ન બની શક્યું. એ ચાલી ગઈ , આ દુનિયા છોડીને , બીજી દુનિયામાં, ત્યાં સ્મિત રેલાવવા….

“આજ કલ હર વો પલ , બીતા જો થા ઉસકે સાથ મેં ,
ક્યા કહું , ખ્વાબોં મેં આતા હૈ ક્યોં
યાદ જો આયે તો , ઉસસે બીછડનેકી વો ઘડી
ક્યા કહું , દિલ દુખ સા જાતા હૈ ક્યોં
અબ મેં કહી વો હૈ કહી , પર હૈ દુઆ એ હમનશી ,
ફૂલ બરસે , લોગ તરસે જાયે વો લડકી જહાં
એક લડકી કી તુમ્હે ક્યા સુનાઉં દાસ્તાં”

OH MY DARLING I LOVE YOU

ફિલ્મ – મુજસે દોસ્તી કરોગે
વર્ષ – ૨૦૦૨
ગીત – ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ
ગાયકો – અલીશા ચિનય, સોનુ નિગમ
સંગીત – રાહુલ શર્મા
ગીતકાર – આનંદ બક્ષી

કોલેજમાં દાખલ થતા પહેલા વાતો એવી સાંભળેલી કે કોલેજમાં છોકરાઓ છોકરીઓને ફેરવતા હોય. પણ કોલેજમાં દાખલ થયા પછી જોયું તો કંઈક અલગ જ નજરો હતો, છોકરીઓ છોકરાઓ ને ફેરવતી હતી,
છોકરાઓ લટ્ટુ થઇ ને છોકરીઓની પાછળ ફરતા હોય, અને છોકરીઓ એમની પાસેથી કામો કઢાવી લે. મારા ક્લાસની સુંદર છોકરીઓની ક્લાસના બધા છોકરાઓ ફિલ્ડીંગો ભરે, હું ઊભો ઊભો ઓબઝર્વ કરું કે કયું વાંદરું રોટલી લઇ જશે, ત્યાં જ કહાની માં ટ્વિસ્ટ આવે, બહારની જ કોઈ કોલેજનો છોકરો એ છોકરીને પટાવી જાય, પાછી એ છોકરી તે છોકરાને અમારી કોલેજમાં ઇન્વાઇટ કરે, અને બધા વાંદરાઓ જોડે ઇન્ટરોડ્યુઝ કરાવે. અને તોય પેલા લટ્ટુઓ એવા ને એવા, જાણે પોતાનો જમાઈ આવ્યો હોય તેમ તે છોકરાના સ્વગતો કરે. સાવ આવા નજારાઓ વચ્ચે મારી જવાની વેડફાઈ રહી હતી.
આ ફિલ્મ-ગીત તો હું સ્કુલમાં હતો ત્યારે આવેલું, પણ કોલેજમાં આવીને મને તેના શબ્દોની યથાર્થતા સમજાઈ.

ગીતનું મુખડુ, ફિલ્માંકન- કરીના
“આજ કે લડકે આઈ ટેલ યુ , કિતને લલ્લુ વ્હોટ ટુ ડુ,
કોઈ મુજે પૂછે હાવ આર યુ, કોઈ મુજે બોલે હાવ ડુ યુ ડુ,
કભી કોઈ મુજસે ના કહે, ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ,
ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ..,ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ..”


અને એટલું હું શીખી ગયો કે પ્રપોઝ સિવાય ઉધ્ધાર નથી. એટલે મેં નક્કી એ મુજબનું કર્યું કે પ્રેમમાં પછી પડીશું, પહેલા પ્રપોઝ મારવાની પ્રેક્ટીસ કરી લઉ. જેના લીધે મારામાં એક નવા શોખનો ઉદભવ થયો!! પ્રપોઝ મારવાનો શોખ! અને એ શોખ પૂરો કરવા મેં રોઝ ડે સિલેક્ટ કર્યો. વાંદરા મંડળી ના બધા સભ્યો પીળા રંગના ફુલ ખરીદતા, અને ક્લાસની બધી છોકરીઓ ને આપતા. મેં કીધું યાર રોઝ લેવું તો લાલ ! પીળું શુ કામ! (આમતો બધાને ખબર જ છે પણ જેને ના ખબર હોય તેના માટે કહી દઉં કે તમે કોઈને પીળું રોઝ આપો એનો અર્થ એ થાય કે તમે તેની સાથે મિત્રતા કરવા માંગો છો, અને લાલ રોઝ આપો તો એવું માનવામાં આવે કે તમે તે વ્યક્તિને પ્રેમ કરો છો)
એટલે લલ્લુઓ ની કોલેજમાં પીળા ફૂલ ચપો ચપ વેચાઈ રહ્યા હતા, અને લાલ ગુલાબ ઓછા ત્યાં જ મેં ફૂલવાળી જોડે કેટલાક લાલ ફૂલ માંગ્યા, એટલે તેણે પણ ઊંચું જોઇને મારો ચેહરો જોવાની તસ્દી લીધી, એના મોઢા પર મેં લખેલું વાંચ્યું – “આજે આ ભાયડો ભડાકા કરવાનો લાગે છે! ”
છોકરીઓને પણ કોઈ એવો અફસોસ ના રહી જવો જોઈએ કે “કભી કોઈ મુજસે ના કહે, ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ”

ગીતનું બીજું મુખડુ, ફિલ્માંકન – રિતિક
આજ કી લડકી આઈ ટેલ યુ, નખરેવાલી સુન લે તુ,
ના મેં પૂછું હાવ આર યુ, ના મેં બોલું હાવ ડુ યુ ડુ,
અભી યહીં મેં કહેતા હૂં , ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ
હેય ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ ….ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ ….
ગીત નો અંતરો
કરીના – “રોઝ મિલે ચુપકે ચુપકે, પ્યાર કરે છૂપકે છૂપકે…”

પણ હું તો ખુલ્લે આમ ગયો, હું એસ.વાય. માં હતો, એફ.વાયની એક છોકરી (જે મને ઓળખતી હતી, હાય હેલ્લો નો વ્યવહાર હતો ) એના ગ્રુપના છોકરા છોકરીઓ સાથે ઊભી હતી, અને મેં હાથમાં ગુલાબનું ફૂલ પકડીને તેની તરફ કદમ ઊપાડ્યા, એ છોકરી , અને તેના ગૃપના બીજા મિત્રો એ મારી તરફ નજર સ્થિર કરી, હું એ છોકરીની નજીક ગયો અને તેને લાલ ગુલાબ ધર્યું,અને હું બોલ્યો – “હેપ્પી રોઝ ડે ! ” એ બિચારી ઓલમોસ્ટ ગભરાઈ ગઈ અને બોલી – “પણ યુ…વ…રા….જ…આતો લાલ…!!!!”
હવે, ગીતનો બાકીનો અંતરો, પછી આગળની વાત..

રિતિક – મેં કબ કિસી સે ડરતા હૂં, મેં તો તુમ પે મરતા હૂં
કરીના – મેં કૈસે યે માનું, ચલ મેરા હાથ પકડ લે તુ,
રિતિક – લો હાથ પકડ કે મેં બોલું , ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ…
ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ… હેય ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ…

મેં જવાબ આપ્યો – “પણ ગાંડી હું તને પ્રેમ કરું છું ” આટલું બોલીને થોડી વાર માટે અટકી ગયો, અને બધાના ચેહરાના હાવ ભાવ નોંધી રહ્યો, એ લોકો મારા હાવભાવ-કારસ્તાન ની નોંધ લેવામાં વ્યસ્ત હતા, સ્તબ્ધ હતા, એ સન્નાટા માં ભંગ પાડીને મેં મારું વાક્ય પૂરું કર્યું “અરે પણ ગાંડી હું તને પ્રેમ કરું છું…..એવું ક્યાં મેં તને કીધું! ઇટ્સ જસ્ટ એ રોઝ ટુ વિશ યુ અ હેપ્પી રોઝ ડે! ” અને તેણે એક હળવા સ્મિત સાથે એ ગુલાબ લઇ લીધું. પછી એ દિવસે જે તેને મળતું તે પૂછતુ કે આ ગુલાબ તને કોણે આપ્યું, એ કહેતી “યુવરાજે ! ” પછી લોકોનો બીજો પેટા પ્રશ્ન પણ હોય – “તો શું એણે તને પ્રપોઝ કર્યું?”, એનો પણ સ્વભાવ મારા જેવો મજાકિયો, એટલે તે કહેતી – “એ તો બધી એને ખબર….મને તો ખાલી એણે ગુલાબ આપ્યું, ને મેં લઇ લીધું ! ” આ જ રીતે મારા ક્લાસની કેટલીક છોકરીઓને પણ લાલ ગુલાબ આપ્યું, અને તે બધીઓ એ પણ સ્વીકાર્યું. અને છેલ્લે મારા પ્રિય મેમ ને પણ લાલ ગુલાબ આપી આવ્યો, પણ એમના માટે હૃદય માં ખુબ આદરભાવ ! શી વોઝ માય આઇડીયલ! એમના તો લેકચર બીજા ક્લાસમાં પણ હોય તોય હું ભરવા જતો “મે આય એટેન્ડ ધીસ લેકચર મેમ ? ” એમ પૂછીને તેમના બીજા ક્લાસના લેક્ચર્સ માં પણ ઘૂસી જતો.
આ કોલેજકાળ દરમ્યાન પ્રપોઝ શોખ અંતર્ગત બીજું પણ એક કાર્ય હાથ ધર્યું. જેમાં હું પ્રપોઝ તો કરતો , પણ મિત્રો માટે. એટલે કે જે બિચારા પ્રેમ કરતા હોય પણ પ્રપોઝ કરવામાં ગભરાતા હોય તેમના વતી તેમના હૃદયમાં વસેલી જે તે છોકરીને હું પ્રપોઝ કરી આવતો, એટલે કે તેમના માટેનું જ પ્રપોઝ, પણ મારા દ્વારા. મારા એક મિત્રને એફ.વાય. ના નવા સ્ટોકમાં આવેલી નવી એક છોકરી ગમેલી. મેં કીધું કે તારું પ્રેમ નું પૂછી લઉં? તો એણે કીધું કે ના યાર, મારે તો ખાલી દોસ્તીનું જ પૂછવું છે, બાકીનું કામ તો હું સ્ટેપ બાય સ્ટેપ કરી લઈશ. એટલે એક દિવસ પેલી છોકરી બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતી ઊભેલી, , બસતો ના આવી પણ હું ત્યાં આવી ગયો મારા એ મિત્રને લઇ ને. ને પછી મેં કીધું કે હેલ્લો મેડમ,અમે તમારા સીનીયર છીએ, મારું નામ યુવરાજ ને આ મારો મિત્ર, જે તમારી સાથે મિત્રતા કરવા માંગે છે, તમને રસ છે? છોકરીએ કોઈ જવાબ તો ના આપ્યો એટલે બસ સ્ટેન્ડ પર ઊભેલા બીજા લોકો કોઈ જવાબ આપે તે પહેલા અમે ચાલતી પકડી. પણ એ ઘટનાના થોડા દિવસ પછી જ મેં તે છોકરીને મારા એ મિત્ર સાથે કોલેજના પાર્કિંગમાં વાતો કરતા જોઈ.

ગીતનો બીજો અંતરો
રિતિક – અચ્છા તો ચલ પ્યાર કરે, સાત સમુંદર પાર કરે
કરીના – તેરે સાથ ના આઉ મેં, રસ્તે મેં ડૂબના જાઉં મેં
રિતિક – પ્યારમેં જો ડૂબ ગયે , યાર વહી તો પાર હુએ
કરીના – ઐસા હૈ તો સુન સોણેયા, ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ..
ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ.. ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ..

બીજા એક કિસ્સામાં તો મેં પોતે પ્રપોઝ મારેલું, ફોન કરીને. એક્ચુઅલ્લી એમાં એવું થયું કે એ મિત્રને પ્રપોઝ મારવું હતું પણ શું બોલવું તે ખબર નથી પડતી, એવી તકલીફ લઇ ને તે મારી પાસે આવ્યો, એટલે મેં તેને ચિટ્ઠી લખી લીધી (મારી અંદરના લેખકને તેણે છંછેડ્યો) મેં કીધું કે આમાં લખેલું આજે રાતે યાદ કરી લેજે અને કાલે સવારે જઈ ને કહી દેજે. એક કલ્લાક પછી તેનો ફોન આવ્યો કે મારા થી નહી થાય, જીભ નહી ઊપડે, ગભરાઈ જઈશ. એટલે અમે રાતે જ ટેલીફોન બૂથ પર ગયા, અને પેલીના હોસ્ટેલ પર ફોન જોડ્યો, મેં યુવરાજ તરીકે નહી પણ મારા મિત્ર તરીકે, પેલાના અવાજમાં પેલી સાથે વાત કરી. પેલી ને ખ્યાલના આવ્યોકે બીજું કોઈ બોલે છે, એટલે મેં વાત આગળ ચલાવી. મેં કીધું યાર આજે તું શું ગજ્જબ લાગતી હતી, શું તારા વાળ હતા…શેમ્પુ કરીને આવેલી? એણે કીધું – “પણ હું તો આજે કોલેજ આવી જ નહોતી ” મેં જવાબ આપ્યો – “ઓહ, યસ યસ, અફકોર્સ, હું તો એક્ચુઅલ્લી ગઈકાલની વાત કરું છું” અને પછી આડીઅવળી કેટલીક વાતો કરીને મુખ્ય વાત કરી ત્યારે પેલી એ ના પાડી. વેલ , એમાં મારો કોઈ વાંક નથી, ના તો એણે પેલા ને પાડેલી, એટલે થોડું ઘણું પેલાની પર્સનાલીટી પર પણ આધાર રાખે છે. (જોકે એ મિત્રને પહેલેથી જ કોન્ફિડેન્સ હતો કે પેલી ના જ પાડશે )છેલ્લે તોય મેં તે છોકરીને મનાવી લીધી કે “ગાંડી આવું બધું તો ચાલ્યા રાખે, કશું મગજ પર ના લેતી, અને આપણી દોસ્તી યથાવત ચાલુ રાખજે”
તમેય હવે આ ગીત જોઈ નાખો, એટલે પતે વાર્તા..