ફિલ્મ – મકડી
વર્ષ – ૨૦૦૨
ગીત – દિન ચડતા હૈ માઈ
ગીતકાર – ગુલઝાર
ગાયક – ઉપન્ગા પંડ્યા
સંગીત – વિશાલ ભારદ્વાજ
વાર્તાઓમાં પણ આવે છે કે એક બાળક જયારે ડરતું હોય અને કોઈ ને કહીના શકતું હોય …. એવી પરિસ્થિતિ તો ભગવાનથી પણ સહન નથી થતી અને એ તરત પ્રસન્ન થઈને બાળકની મુશ્કેલીનું નિવારણ લાવે છે. આ ફિલ્મ , આ ગીત આવ્યું એ વખતે હું પણ એક બાળક હતો , હાયર સેકન્ડરીમાં ભણતો બાળક. અને ફિલ્મ જોતી વખતે આ ગીત આવ્યું ત્યારે હું રડી પડ્યો , ફિલ્મની નાયિકા – નાની છોકરી સાથે પોતાની જાતને રીલેટ કરી ને ! કારણ કે એક બાળક તરીકે મેં નાનપણમાં ડર ને જેવી રીતે અનુભવેલો એનું આબેહુબ ચિત્રણ મને એ ગીતમાં જોવા મળ્યું. ગીતમાં નાની છોકરીની તકલીફ બહુ વધારે છે, ના કહી શકે અને ના સહી શકે ની પરિસ્થિતિમાં તે મુકાઈ છે , તે અંદરથી ઘણી મજબૂત છે એથી તે જાહેરમાં રડી નથી પડતી પણ એકલામાં વિલાપ કરે છે , એ પણ આંખો થી ઓછો અને મન થી વધારે.
હું સ્કુલેથી આવતો , ચુપ ચાપ દફતર પલંગ પર નાખીને પથારીમાં પડતો , મારું ઓશીકું , મારું દફતર , મારી પેન્સિલ , મારી ચોપડીઓ , મારું ચંપક … આ બધું જ મને બહુ વ્હાલું હતું ! મને નાનપણમાં વસ્તુઓ સાથે થોડો વધારે લગાવ રહેતો , આજે પણ રહે છે , પણ પહેલા જેટલો અતિશય નહિ ! કારણ કે નાનપણની મારી તકલીફમાં , મારી એકલતામાં એ જ તો મને સાથ આપતા. મૂંગી વસ્તુઓ ક્યારેય મને હેરાન નહોતી કરતી , મારી સાથે રહેતી , હું એમને સાચવતો , પ્રેમ કરતો અને કશુક ખોવાય કે તૂટી જાય તો રડી પડતો , કારણ કે હું જાણતો કે તૂટવાથી કેટલું દર્દ થાય . અને એવું કશુક મારાથી છુટી જાય જે મને ક્યારેય હેરાન ના કરતુ હોય , એ મને કેવી રીતે પોસાય ! મને હેરાન ના કરતા હોય એવા મારી દુનિયામાં મારા મમ્મી પપ્પા અને મારી વસ્તુઓને બાદ કરતા બીજું કોઈ નહોતું . મારા મિત્રો તો બહુ ઓછા , અને બાકી બચેલી આખી દુનિયા મારી દુશ્મન ! મારી તકલીફ એવી હતી કે હું કહી નહોતો શકતો , સહવું પણ અસહ્ય હતું છતાં મેં સહન કર્યું , વર્ષો સુધી સતત … રોજ …. ! મને યાદ છે , હું મમ્મીને ફરિયાદ કરતો પણ મનોમન , પછી એમના ખોળામાં માથું નાખી દેતો , મમ્મી માથે હાથ ફેરવતા અને થતું , કે કાશ આ ક્ષણ ક્યારેય પૂરી ના થાય , કાશ મારે ઊઠવું જ ના પડે , કાશ સવાર જ ના પડે ….
“દિન ચઢતા હૈ માઈ , ડર લગતા હૈ માઈ ,
કાલે ઘરમે જાકે , છુપ જાતા હૈ માઈ ,
રાત આયે તો રાત સે ડરતી હું
અરે માઈરી ….અરે માઈરી ….”
સવાર પડતી અને હું સ્કુલે જતો , એ પહેલા હું મારું ગંજી એકદમ ટાઈટ ફીટ કરીને પહેરતો , જે આદત આજ સુધી નથી ગઈ . એક તો મારી સાઈઝ કરતા એક માપ જેટલું નાનું ગંજી , જેથી એ વધારે ટાઈટ પડે , એની ઉપર સ્કૂલનો વ્હાઈટ શર્ટ. સ્કુલે પહોંચતા રસ્તામાં જ મારો ફફડાટ શરુ થઇ જાય , અને પહોંચું એટલે …. મારા ક્લાસના છોકરાઓની ટોળકી મને ઘેરી વળે , મારી છાતી સામું જોઇને વિકૃત હસે , ત્યાં અડવા હાથ લંબાવે , હું તેમને એમ કરતા રોકું , ડરૂ એટલે તેમને મજા પડે , જોર જોર થી હસે , ગંદુ ગંદુ બોલે . કોઈક અડી લે , કોઈક દબાવી લે અને જંગ જીત્યા હોય એમ જોર જોર થી હસે , જશન મનાવે , એક બીજાને કહે , અને ટોળકી વધારે મોટી થતી જાય ….
કેટલાક પુરુષની છાતી થોડી ફૂલેલી હોય , કુદરતી રીતે જ , જેને ગાયનેકોમાસ્ટીયા કહેવાય ,મારે પણ એવું છે , એથી છોકરાઓ મારી છાતીને અડીને વિકૃત કોમેન્ટ્સ પાસ કરતા , મને પજવતા .
“મકડી કે જાલે સા આતા હૈ ,નાખુન હૈ જિનકે , ડરાતા હૈ ,
ડરતી હુઈ છુપતી હુઈ , જાઉં કહા , બચતી હુઈ ,
ફિર જબ રાત આતી હૈ ,પંજો વાલી રાત સે ડરતી હું ,
રાત આયે તો રાત સે ડરતી હું”
એના લીધે મેં નાનપણમાં ક્યારેય ટીશર્ટસ નથી પહેર્યા , જે દિવસે મારી પજવણી ના થતી એ દિવસે હું ખુબ માનસિક શાંતિ અનુભવતો , પણ એવું ભાગ્યે જ થતું . વેકેશન ની રાહ હું એટલે જોતો કારણકે વેકેશનમાં સ્કુલ ના હોય , અને એથી એ સમયગાળામાં મને કોઈ હેરાન ના કરે. ૮મા ધોરણથી લઈને ૧૨મા ધોરણ સુધી સતત આવા સમયમાંથી હું પસાર થયો . હું સામનો પણ કરતો , એકાદ બે છોકરાઓને બરાબ્બર ના મારેલા પણ ખરા , પણ છેલ્લે બધું વ્યર્થ જતું કારણકે મારા પર પ્રહાર ટોળકીમાં જ થતા. કોલેજમાં આવ્યા પછી પણ આવું બનતું રહ્યું . કોલેજ પૂરી કરી , સમય જતા આવી પજવણી ઓછી થતી ગઈ , બંધ પણ થઇ , પણ આ બધાના કારણે મારા આત્મવિશ્વાસમાં બહુ ઘટાડો થયો . હું ઓછાબોલો થઇ ગયો , છોકરીઓની તો સામે જતા પણ અચકાતો , થતું કે હું કેવો લાગતો હોઈશ , એ ભલે મારો મજાક નથી ઉડાવતી પણ એ પણ મારામાં એ જોતી તો હશે જ ને જે છોકરાઓ જુએ છે. એ સમયે હું એવું પણ માનતો હતો કે કદાચ આ જ કારણે કોઈ છોકરી મારી સાથે લગ્ન પણ નહિ કરે .
“કીડા સા ગરદન પે ચલતા હૈ ,દિન રાત ઊંગલી સે મલતા હૈ ,
માઈ મેરા પીછા છુડા , સર પે ચઢી કાલી બલા ,
કલ ના જાને ક્યાં હો , આને વાલી શામ સે ડરતી હું
રાત આયે તો રાત સે ડરતી હું”
પણ સમય જતા મેં વિચાર્યું કે પહેલા મારે તો સ્વીકારવું જ પડશે , અને એ સ્વીકારીને એનો છોછ છોડવો પડશે . કેટલુય સાંભળ્યા અને પજવણીનો ભોગ બન્યા પછી એમ કરવું ખુબ અઘરું હતું , છતાં મેં પ્રયત્નો ચાલુ રાખ્યા , ટાઈટ ગંજી ને બદલે ક્યારેક શર્ટની નીચે ગંજી પહેર્યા વગર જ બહાર નીકળી જતો , પહેલા ખભા નીચા રાખીને ચાલતો એના બદલે છાતી બહાર કાઢીને ટટ્ટાર ચાલવાનું શરુ કર્યું. સમય લાગ્યો , પણ હું મારી જાતને આમાંથી બહાર કાઢી શક્યો , પહેલા કોઈ આ વિષયનો મજાક કરતુ તો ખુબ લાગી આવતું ,પણ આત્મવિશ્વાસ પાછો મેળવ્યા પછી માત્ર જે તે વ્યક્તિની અમાનવીયતા પર પ્રત્યે ઘૃણા થતી , તેની ટૂંકી બુદ્ધિ પર દયા આવતી . પણ જે ગુમાવ્યું તે હું પાછુ મેળવી શકું તેમ નથી , અને મેં બહુ કીમતી ચીજ ગુમાવી છે , એ છે મારું બાળપણ ! મારા બાળપણનો મોટા ભાગનો સમય આવા અમાનવીય માનવો ના લીધે દર્દમાં વીત્યો. મારી જવાની સાથે પણ એ જ કિસ્સો હતો .
ખેર , છોડો એ બધું , જીંદગી એ ઘણું બધું આપ્યું પણ છે ને ! “વો જો મિલ ગયા ઉસે યાદ રખ, જો નહિ મિલા ઉસે ભૂલ જા … “
મારી નાની દીકરીની સ્કુલ નોટમાંથી સરી પડેલી ચીઠ્ઠી યાદ આવી ગઈ. એણે ‘ભગવાનજી’ લખેલી ચીઠ્ઠી હતી. ફરક ફક્ત એટલો હતો કે એ માબાપની ચિંતા વ્યક્ત કરતી હતી. જીવનમાં ‘ફ્લસ આઊટ’ જરુરી છે. વિતેલા સમયનો તો અફસોસ કરવો જ નહીં, કારણ કે ભુતકાળ એ માનવીના ભવિષ્યને મજબુત બનવા માટે થયેલું ‘ઇનવેસ્ટમેન્ટ’ છે.
સત્ય વચન , જગદીશ અંકલ 🙂
નાનપણમાં ઘણીવાર આપણા જ દોસ્તો ધ્વારા કરવામાં આવતી કોમેન્ટ્સ ક્યારેક આપણી આખી જિંદગીની (અમૂલ્ય) ટેવો બદલાવી નાખે છે. આત્મવિશ્વાસનો અભાવ અને શર્મિલાપણું ખુબ વધી જાય છે. બહાર અજાણ્યા માણસ જોડે બોલતા સંકોચ થાય અને લગ્નમાં જવાનું ટાળીએ છીએ. આ વાત આપે આટલી સહતાજી કરી એ બદલ આપની હિંમતને હું બિરદાવું છુ બાપુ…
ખેર, બાળપણ ગયું તો શું થયું? યુવાનીની મજા માણીએ… 🙂
થેંક યુ સો મચ સોહમભાઈ , એન્ડ યસ , અફકોર્સ આત્મવિશ્વાસ ના અભાવ ને કારણે ટેવો બદલાઈ શકે , અને જીવનમાં ઘણું બધું ગુમાવવું પણ પડે …
બાળપણની નાની મજાક ક્યારેક જીવનભર યાદ રહે છે. વેલ, બ્રેવ પોસ્ટ! અને, જાહેરમાં લખવા બદલ ધન્યવાદ! અહીં લખીને તમે હજી વધુ હળવા થઇ ગયા હશો એવી આશા રાખું છું.
અને, વસ્તુઓ સાથે લગાવ બધાંને રહે છે. મોટા થઇએ ત્યારે તો મમ્મી-પપ્પાનો પણ આશરો રહેતો નથી ત્યારે નાનકડી વસ્તુઓ આપણી મદદે આવે છે. દા.ત. લેપટોપ, મોબાઇલ, ડાયરી અને ક્યારેક આપણે સંપૂર્ણ રીતે કાબુમાં રાખી શકતા વિચારો દ્વારા લખાતો આપણો બ્લોગ..
થેંક યુ વેરી મચ કાર્તિકભાઈ , લખવાનો મારો મુખ્ય હેતુ તો એ હતો કે કોઈ મેં અનુભવેલી તકલીફ માંથી પસાર થઇ રહ્યું હોય તો એને હિંમત મળે, – મારું વાંચીને કદાચ એ પણ પોતાનામાં આત્મવિશ્વાસ એકઠો કરવાનો પ્રયાસ કરે !
અને હા , બહુ સાચી વાત કહી આપે , વસ્તુઓ ની જેમ પોતાના બ્લોગ સાથે પણ લાગણીનો તાન્ત્ડો જોડાઈ જાય છે
🙂
thanx 4 e-smile…..!