Uncategorized

રૂદન

એક માણસને રડવું હતું

છાતીમાં સહેવાય નહીં એટલું દુઃખ હતું

પણ આંખોને આંસુ સાથે વેર હતો

એણે જુના ફોટાઓ માં ગુમાવેલી વ્યક્તિઓ જોઈ

યાદોમાં ખોવાઈ જોયું

પોતાના હૃદયમાં ડોકાઈ જોયું

વાસ્તવ ફિલ્મનો અંત જોયો.. લગભગ ત્રણ વાર..

એ દ્રશ્યમાં તો એ હંમેશા રડ્યો છે..

છતાં આ વખતે તો ગળે ડૂમો પણ ન આવ્યો..

એ વર્ષમાં મેક્સીમમ ચાર વખત રડે છે,

એ પણ મોસ્ટલી કોઈ ફિલ્મ જોતી વખતે..

એની રીયલ લાઈફમાં ઈનફ ટ્રેજેડીઝ છે.. છતાં !

એણે દીવાલ પર માથું પછાડી જોયું,

એણે તકીયાથી મોઢું દબાવી જોયું

એના માથા પર ફરતા સીલીંગ ફેનને એ તાકી રહ્યો..

એણે રડવાનો વિચાર પડતો મુક્યો.. અને સુવાનો વિચાર કર્યો

એ સુઈ ગયો.. રુદન કરતા કરતા..

રુદન.. જે ગળે ડૂમો સુદ્ધા ન લાવ્યું.. પણ છાતીના ધબકારા થંભાવી ગયું

 

Advertisements

પડખું !

જીવનમાં સપના જોવાની શરૂઆત

મેં એના આવ્યા પછી કરી..

એના પ્રત્યે પ્રીત મેં આંખોમાં ભરી ,

મારી પડખે એના સ્વરૂપે સુતો –

જંગ જીત્યાનો અહેસાસ

જગ જીત્યાનો અહેસાસ

સંપૂર્ણતા નો અહેસાસ

હા, હવે એને પામ્યા પછી બીજું કશું નથી પામવું,

પણ એના માટે .. અને અમારા માટે ઘણું બધું પામવું છે..

પણ જુઓ તો ખરા.. જીવન કેટલું સુંદર છે.. મારી પાસે બધું જ છે

આખા દિવસની દોડાદોડીનો થાક.. અને જીવનભરના ભારણ

માત્ર એને પડખામાં સુતેલી જોઇને ઉતરી જાય ,

હું મારી જાતને કહું કે ભગવાનની મહેરબાનીથી મળેલો..

આ ભવ ભવનો આ સાથી મારી પાસે છે.. મારી પાસે બધું જ છે !

હું કેટલો ભાગ્યશાળી.. હું કેટલો પર ભવના પૂણ્યવાળો ..

અને હું કેટલો અભાગીયો..

“કેમ અભાગીયો ?“ એણે પૂછ્યું

મેં બહુ સહજતાથી જવાબ આપ્યો , “કેમકે હવે તો અમારા ડિવોર્સ થઇ ગયા ને ! “

“સામાનની લેવડ દેવડ પણ પતી ગઈ છે.. પણ ક્યારેક મળે તો કહેવું છે –

ગીલા મન શાયદ બિસ્તર કે પાસ પડા હો,

વો ભિજવા દો .. મેરા વો સામાન લૌટા દો

ઝીંદગી ના મીલ અજનબી બનકે.. બંદગી શામિલ હૈ દુઆ બનકે ..

  • આજે બસ એમ જ કૈક લખવાની ઈચ્છા સાથે – શું લખીશ એની જાણ વગર.. આપ સૌની સમક્ષ પ્રગટ થયો છું.. જસ્ટ લાઈક માય પ્રીવિયસ પોસ્ટ. એ પોસ્ટમાં આમ જુઓ તો કઈ ખાસ નહોંતુ, પણ બીટવીન ધી લાઈન્સ વાંચશો તો જણાશે કે મારા જીવનના હાલના તબક્કા વિષેની કેટલીક અંગત વાતો મેં એ પોસ્ટમાં શેર કરી છે.
  • મારા દિગ્દર્શન હેઠળ બની રહેલી બીજી ફિલ્મ ફ્લોર પર જવાની તૈયારીમાં છે, અને બંને ફિલ્મ બનાવવાની તક મને મળી એનો શ્રેય જાય છે નિર્માતા શ્રી રીતેશ મોકાસણા ને . એમણે મારા પર વિશ્વાસ મુક્યો અને હું “ઓલ્વેઝ રહીશું સાથે ” બનાવી શક્યો. અમારો પ્રાથમિક પરિચય બ્લોગ માધ્યમે જ થયેલો, એટલે બ્લોગના માધ્યમે હું એમનો આભાર ન માનું તો નગુણો ગણાઉં. તો રીતેશભાઈ , આજે હું એ આભાર માનીને મારા મનનો થોડો ભાર હળવો કરું છું. એમના વિષેની ઘણીબધી વાતો છે, સાથે વિતાવેલી સુંદર ક્ષણો છે, જે મારે આપ સૌ સમક્ષ શેર તો કરવી રહી.. પણ એ ક્યારેક શાંતિ થી.. પૂરતો સમય ફાળવીને .. પણ એટલું અત્યારે ચોક્કસ કહીશ કે હી ઈઝ અ મેન વિથ ગોલ્ડન હાર્ટ.
  •  ડાયરી લખવાનો સિલસિલો ફરીથી શરુ કર્યો છે, અને એ બહાને કામ અને સાહિત્ય સિવાય પોતાનું કૈક લખવાની આદત પડી .. તો ફરી પાછો બ્લોગ યાદ આવ્યો, તો આજે અહીં આવ્યો.
  • મમ્મી માર્ચમાં મને છોડીને અનંતની યાત્રાએ ચાલ્યા ગયા.. ૨૦૦૬ માં પપ્પાને ગુમાવ્યા પછી મને મમ્મીનો જ સહારો હતો.. અને અમને બંનેને એકબીજાનો.. પણ હવે એમના સહારા વગર અઘરું લાગે છે ..
  • તબિયતનો અત્યારે બિલકુલ સાથ નથી, પણ તબિયતનું વિચારીને બેસી રહેવું એ પણ મારી તબિયતને અનુકુળ નથી. એટલે એક્ટીવ થવા મથું છું, થાય તેટલા કામો પતાવું છું અને બાકીનો સમય દવામાં રહેલા ઘેનની અસર હેઠળ હાલ સુવામાં વીતે છે. બહુ હાઈ ડોઝની દવાઓ નો કોર્સ પ્રીસ્ક્રાઈબ થયો છે, જે લીધા વિના છૂટકો નથી.
  • બહુ વધારે નથી ફર્યો છતાં ઓછુ પણ નથી ફર્યો, પણ જેટલું ફર્યો છું એમાં આબુ મને વિશેષ પ્રિય રહ્યું છે. શૂટ પતે અને તબિયતના લફડા ઓછા થાય એટલે આબુ જવાની તલબ પૂરી કરવી છે. શિયાળામાં ત્યાં જવાની મજા અલગ છે. ઠંડીની ઋતુ શરુ થઇ છે, પણ હજી બરાબર જામી નથી..
  • તો હવે વિરમું ? આજકાલ મારા હાલ એવા છે કે હું જિંદગીને શોધી રહ્યો છું, અને એ મને શોધી રહી છે. પણ અમે બંને એકબીજાને જુદા જુદા રસ્તે શોધી રહ્યા છીએ એટલે ક્યારેય ભેટો નથી થતો.. શું લાગે છે ? થશે ખરો ? થયો કે ના થયો એની વાત આપણી હવે પછીની મુલાકાતમાં હું કરીશ..

 

હંગામા હૈ ક્યોં બરપા

મારું માનસ ફંફોળો … અથવા અડધી રાતે ઉંઘ માંથી ઉઠાડી ને કૈક બોલવાનું કહો.. તો હું શું બોલું ?

ગુલામ અલીએ ગાયેલા અને અહેમદ ફરાઝ સાહેબે લખેલા કેટલાક શેર..

ચમકતે ચાંદ કો તૂટા હુઆ તારા બના ડાલા,

મેરી આવારગીને મુજકો આવારા બના ડાલા..

 

કહા થા ઉસને કે અપના બના કે છોડેગી ‘ફરાઝ’

હુઆ ભી યું કે અપના બના કે છોડ દિયા..

 

એ ખુદા મેરે મુકદ્દર મેં યે તુને કયા લિખા ,

રાતો કી કાલી સ્યાહી, આંખ કા જગના લિખા..

 

હમણાં એકલો થયો છું તો ઘર ની પણ હાલત મારા જેવી છે. જેને જોઇને મારી મોટી બહેને તો પ્રણ લઇ લીધું કે ક્યારેય આ ઘરમાં પગ નહીં મુકે.. પણ ઓલ આઈ કેન સે ટૂ હર ઈઝ..

ઇસ શહેરે નામુરાદ કી ઇઝ્ઝત કરેગા કૌન

અરે અગર હમ હી ના રહે તો મુહાબ્બ્ત કરેગા કૌન,

ઇસ ઘર કી દેખભાલ કો વિરાનીયા તો હો,

જાલે હટા દિયે તો હિફાઝત કરેગા કૌન !

આ શહેરે જેટલું આપ્યું છે, એટલું જ વ્યાજ સહીત પાછું પણ લીધું છે, એટલે પહેલા હતો એવો ભાવ કે લાગણી આ શહેર માટે હવે રહી નથી. ભલે અહીં જ જન્મીને મોટો થયો છું. વિચાર પણ કરી જોયો, બીજે શિફ્ટ થવાનો, પણ ઓટલો તો બીજે મળી પણ જાય, પણ રોટલા ની બાબતમાં આ શહેર સિવાય મારા કેસમાં છૂટકો નથી.

છોડો, તમે પણ શું મારી ડીપ્રેસીવ લવારી સાંભળવા બેસી ગયા…

કોમેન્ટ માં એકાદો શે’ર ઠપકારો… તમને મિર્ઝા ગાલીબ ના સમ …

દૂતી ચાંદ … અને બીજા અનેક !

કોઈ છોકરો થોડાઘણા અંશે છોકરી જેવો દેખાતો કે વર્તતો હોય કે કોઈ છોકરી માં છોકરાના લક્ષણ હોય તે અંગે સોસાયટી – સમાજ કઈ રીતે વર્તે છે? એક હદ કરતા વધારે તેમની મજાક થાય… તમારી સાથે ક્યારેક હોસ્ટેલમાં કે કોલેજમાં રેગીગ થયું હશે તો એ તમને જીવનભર યાદ રહી ગયું હશે… જયારે આ તો રોજબરોજ નું રેગીંગ ! આ રીતે વર્તતી વખતે માણસો માણસાઈ ભૂલી જાય છે… આવા બનાવોના ભોગ બનેલા વ્યક્તિને તો કદાચ અપંગ કે અંધની પણ ઈર્ષા આવતી હશે…. કારણ કે દુનિયા એમની સાથે સહાનુભુતિ થી વર્તે છે અને એમની ખોડ નો મજાક નથી બનાવતી (જનરલ્લી ).

કોઈ ગોરું હોય, કોઈ કાળું હોય તેમ કોઈ સ્ત્રીમાં પુરુષના હોર્મોન્સ હોવા અને પુરુષમાં સ્ત્રીના હોર્મોન્સ હોવા એ નેચરલ છે. જીહા, દુનિયાના દરેક પુરુષ માં સ્ત્રી હોર્મોન્સ હોય છે , પણ તેની માત્રા માર્યાદિત હોય છે. અને પ્રાકૃતિક રીતે આ માત્રાનું બેલેન્સીંગ વધારે ઓછું થઇ શકે છે -કોઈ પણ પુરુષ ના શરીર માં , બટ ધેટ ડઝ નોટ મીન કે એ સંજોગોમાં એ પુરુષ ગે બની ગયો કે સ્ત્રી બની ગયો. પુરુષોની જેમ સ્ત્રીઓમાં પણ આ પ્રશ્ન એટલું જ સ્થાન ધરાવે છે. ખાસ કરીને સ્ત્રી એથલીટસ માટે તો આ એક યક્ષ પ્રશ્ન છે.

ભારતની યુવા એથલીટ દૂતી ચાંદને શારીરિક બદલાવને કારણે આંતરરાષ્ટ્રીય રમતોમાંથી બહાર કરવામાં આવી, અને આ પ્રકારનો આ પહેલો કિસ્સો નથી. ૧૯૭૮ની બેંગકોક એશિયન ગેમ્સમાં ભારતની એક સ્પ્રિટર શાંતિ સુંદરરાજનને જેન્ડર ટેસ્ટમાં ફેલ થવાને લીધે રમતમાંથી બહાર કાઢવામાં આવી હતી, શાંતિ સુંદરરાજને ૨૦૦૬માં એશીયાઇ રમતમાં રજત પદક જીત્યું હતું પણ જેન્ડર ટેસ્ટમાં ફેઈલ થવાને કારણે તેની પાસેથી આ પદક છીનવી લેવાયું હતું. અને એથી તેણીએ હોટલની બારીમાંથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.

શાંતિ સુંદરરાજન

શાંતિ સુંદરરાજન

આ ટેસ્ટ જે કોઈ પણ કારણ સર થતો હોય, પણ એની સીધી અસર સ્ત્રીના વ્યક્તિત્વ પર પડે છે, જરા કલ્પના તો કરો… કોઈ સ્ત્રીને જાહેરમાં પડકારવી કે તું સ્ત્રી છું કે નહીં… તેની કસોટી કરવામાં આવશે… અને પછી એવું કહી દેવામાં આવે કે તું સ્ત્રી જ નથી એટલે તને સ્ત્રી સ્પર્ધામાં ભાગ લેવા નહીં મળે. આવી પરિસ્થિતિ માંથી પસાર થયેલી સ્ત્રી ની માનસિક સ્થિતિ શું થાય ? અને કદાચ એ પોતાની જાતને સંભાળી પણ લે, પણ આ સમાજ કેવો છે? એને ભૂલવામાં મદદ કરે એવો ? કે દાઝ્યા પર ડામ દે એવો? ૧૯૮૦ના દાયકામાં બીજી એક સ્પ્રિટર ખેલાડી નૈની રાધા ટેસ્ટમાં ફેલ થવાને કારણે ઓપરેશન કરાવીને રાધાકૃષ્ણન બની ગઈ, અને પૂરૂષની જેમ જીવન વિતાવવા લાગી.

141010153958__78072018_173104702

આ ટેસ્ટ વ્યક્તિનું નર કે નારી હોવાનું નક્કી કરે છે. ૧૯૭૩ ના મોન્ટ્રીયલ રમતોત્સવમાં બ્રિટેનની રાજકુમારી એને ઘોડેસવારીમાં ભાગ લીધો હતો, પણ ફક્ત એમને આ ટેસ્ટ માંથી બાદ રાખવામાં આવ્યા હતા જયારે બાકીની બધી સ્ત્રીઓએ ટેસ્ટ આપવો પડ્યો હતો. આ ટેસ્ટ સ્ત્રીઓને ઘણો ક્રૂર લાગતો હતો અને સતત એનો વિરોધ પણ થતો રહ્યો. પણ એ નક્કી કરવું પણ જરૂરી હતું કે સ્ત્રીઓની સ્પર્ધામાં ફક્ત પૂર્ણરૂપે સ્ત્રીઓ જ ભાગ લે. છતાં વિરોધને કારણે એટલાન્ટા ઓલમ્પિક બાદ આ ટેસ્ટને બંધ કરી દેવામાં આવ્યો. પણ જયારે દક્ષીણ આફ્રિકી એટલીટ કાસ્ટર સેમેન્યા નો કેસ સામે આવ્યો તો એકવાર ફરી લિંગ પરીક્ષણની વાત ઉછળી.

પણ આ વખતે કંઇક અંશે સુધાર આવ્યો, શારીરિક પરીક્ષણને બદલે સ્ત્રીઓ ના હાયરાઇન્દ્રોજૈનીસ્મ ને તપાસવામાં આવ્યું જેથી સ્ત્રીઓના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન સ્તર માપી શકાય. ટેસ્ટોસ્ટેરોન પુરુષ પ્રધાન હોર્મોન હોય છે, જે પુરુષો માં વધુ માત્રામાં હોવાથી તેઓ વધુ બળવાન હોય છે. આંતરરાષ્ટ્રીય એથ્લેટિક સંઘ માને છે કે જો કોઈ સ્ત્રીમાં આ હોર્મોનની માત્રા વધુ હોય તો તેને સ્ત્રી તરીકે સ્પર્ધામાં ભાગ લેવાનો હક નથી. દૂતી ચાંદના શરીરમાં પણ આ હોર્મોનનું પ્રમાણ વધારે હોવાથી તે ઝડપી દોડી શકે છે. આ હોર્મોન પ્રકૃતિની ભેટ છે. જેમ કોઈ ગોરું હોય અને કોઈ કાળું ,બિલકુલ એ જ રીતે કોઈનામાં આ હોર્મોન વધુ હોય અને કોઈનામાં ઓછા, આથી આપણે જો રંગભેદ નથી કરતા તો હોર્મોન ભેદ શા માટે?

દૂતી ચાંદને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો હક અપાવવામાં કેનેડાનો પૂર્વ એથલીટ બ્રુસ કીડનો મોટો ફાળો છે. કીડે પોતાની એથલીટ કેરિયરમાં ઘણો સમય જયપુરના સોશિયલ વર્કમાં વિતાવ્યો છે અને હવે એ ટોરંટો યુનીવર્સીટી નો ડીન છે. કીડે જણાવ્યું કે આ ટેસ્ટનો અર્થ કોઈ સ્ત્રીને પુરુષ કરાર આપવાનો નથી. તેમણે કહ્યું કે એ નક્કી કરવું વધારે જરૂરી છે કે કેવી પરિસ્થિતિમાં સ્ત્રીમાં ટેસ્ટેસ્ટીરોન નું પ્રમાણ વધે છે. તેમનો ઈશારો એવી સ્ત્રીઓ તરફ હતો જે જાણી જોઇને પોતાનું ટેસ્ટેસ્ટીરોન વધારી દે છે , જેથી એમને બાકીની સ્ત્રીઓ કરતા વધુ શક્તિ મળે. આ અપ્રમાણિકતા છે અને આને ડોપિંગ કરાર આપવામાં આવે છે. અને એથી જ આ નિયમની જરૂર પડી. કિડને વિશ્વાસ છે કે તે દૂતી ચાંદનો કેસ જીતી જશે, ભલે તેમાં લાંબો સમય લાગી જાય.

ઢોલીવૂડનો આ ‘ઢોલીડો’

“ધી અનુપમ ખેર શો”ની ટેગલાઈન મસ્ત છે – “કુછ ભી હો સકતા હૈ” ! અનુપમ ખેરનો આ શો એના જીવનની અવિસ્મરણીય સિધ્ધિ બની રહેવાનો છે. શો ફિલ્મી સિતારાઓના ઈન્ટરવ્યુનો છે, અને કોઈ સામાન્ય માણસ જયારે સિતારો બને ત્યારે ચોક્કસ એમ કહી શકાય કે સાલું આ લાઈફમાં તો કઈ પણ થઇ શકે. એક મિત્ર છે નિરવ કલાલ, એની આજે વાત કરવી છે. એની લાઈફમાં હજુ એટલા ચમત્કારો નથી સર્જાયા જેટલા આવનારા ભવિષ્યમાં સર્જાશે. અને એટલે જ એના કેસમાં પણ કહેવું સાર્થક રહેશે “કુછ ભી હો સકતા હૈ” ! આ બ્લોગ પર લખાતા ગુજરાતી ફિલ્મોના રિવ્યુઝ એ રેગ્યુલર વાંચે , કલાકારની સાથે સાથે એક ભાવક પણ ખરો. અને એવા કલાકારો ભાગ્યે જ જોવા મળે છે. શહેરમાં વસતા, ઠાઠમાઠથી જીવતા કલાકારો ગુજરાતી ફિલ્મોમાં કામ કરતા થઇ જાય છે, પણ એ કામની શરૂઆત પહેલા તેમણે ક્યારેય ગુજરાતી ફિલ્મો થીયેટરમાં જઈને જોઈ ન હોય. અને કેરિયર શરુ થઇ ગયા પછી તો “રાય” ભરાઈ જાય એટલે ભૂલ થી પણ ન જાય , અને પછી પોતાની ફિલ્મોમાં જયારે થીયેટરમાં કાગડા ઉડે ત્યારે ફેસબુકમાં સ્ટેટસ ઠોકે “ગુજરાતી ઇન્ડસ્ટ્રી ને તમારી જરૂર છે, ફિલ્મો જોવા કેમ નથી જતા” , અરે એ એટલે નથી જતા કારણ કે તારી ફિલ્મોમાં એ ભાવના જ નથી જેની ઓડીયન્સને ઝંખના છે. ઓડીયન્સ ક્યા દ્રશ્યોમાં સીટીઓ મારે છે , તેમને ક્યા કલાકારો ગમે છે, કેવા પ્રકારની ફિલ્મ કેવો પ્રતિભાવ ઝીલે છે , એ માત્ર થીયેટરમાં બેસીને ફિલ્મ જોવાથી જ જાણી શકાય અને માટે જ એક કલાકારે એક ભાવક હોવું જ ઘટે. નીરવ એક એવો ભાવક છે, જેણે ગુજરાતી ફિલ્મોમાં કદમ મુક્તા પહેલા સામાન્ય કક્ષાના થીયેટરમાં બેસીને ગુજરાતી ફિલ્મો જોયેલી છે. તો આજે એને આ ઇન્ડસ્ટ્રીમાં જે કઈ પણ મળશે તો એ ચોક્કસ એની કદર કરી જાણશે. એની કેરિયરના શરૂઆતના સ્ટેજમાં એક મોટી ફિલ્મમાં તેણે એક નાનકડો રોલ કરેલો, પણ એ નાનકડો રોલ કર્યા નો તેને હરખ હતો, અને આજે મોટા રોલ કર્યા પછી પણ એ પેલા નાનકડા રોલને ભૂલ્યો નથી, કોઈ સંદર્ભે વાત નીકળે તો આજે પણ એ રોલ વિષે એટલા જ ઉત્સાહથી વાત કરતો નીરવ , નાટકો કે ફિલ્મોમાં પ્રોડકશનના કામ પણ કરી ચુક્યો છે.

કરૂણતાએ છે કે નાના રોલ કરનારને હંમેશા નાના રોલ જ મળે છે. પણ નિરવના કિસ્સામાં સદભાગ્યે એવું ન બન્યું. સતત અને સખત કામ કરવાની

Nirav in his upcoming film "Dholida"

Nirav in his upcoming film “Dholida”

આદત તેને સફળતા તરફ દોરી ગઈ. અને આજે મોટા બેનરની ફિલ્મોમાં પહેલી હરોળના રોલ કરી રહ્યો છે. એક – બે ફિલ્મોમાં તો એણે મેઈન લીડ પણ કર્યું છે. પણ એના વિષે શરૂઆતથી જરા માંડીને વાત કરું …

રાજસ્થાનના ઉદયપુર જીલ્લાના સાલુમ્બર તાલુકાના ભાભરાના ગામનો વતની નીરવ , અમદાવાદમાં જનમ્યો. પિતાની અમદાવાદમાં પોતાની સ્કુલ અને તેઓ તેના પ્રિન્સીપાલ એટલે પુત્ર નિરવે પણ એજ્યુકેશન લાઈનનું શિક્ષણ મેળવ્યું , બી.એ. બી.એડ. થયો, પણ શાળા કોલેજથી જ તેને અભિનયનો ચટકો લાગેલો હતો એટલે એ ક્ષેત્રમાં આગળ વધ્યો. નાટકો કર્યા , પછી “જોગ સંજોગ”, “કાળજાનો કટકો” અને “ખલનાયક” જેવી સીરીયલોમાં કામ કર્યું. તેને શરૂઆતની તક બાપોદરા સાહેબે અને જેકી સાહેબે આપી, પછી તેણે પાછળ વળીને નથી જોયું.

તેના સ્વભાવના લીધે તે ઇન્ડસ્ટ્રીના લોકોમાં પણ સરળતાથી હળી મળી જાય છે. ઇન્ડસ્ટ્રીના મિત્રોને સપોર્ટ કરવો , સાથે આખા યુનિટ સાથે મિત્રભાવે વર્તન કરવું અને પોતાનું કામ જવાબદારીપૂર્વક કરવું જેવા એક સારા કલાકારના બેઝીક ગુણો એનામાં છે. હા, ક્યારેક પોતાની વાતોમાં “બોસ્ટીંગ” કરતો હોય એવું લાગે, પણ એ એનો એક અલગ રંગ છે, અને એની ય અલગ મજા છે. અથવા તો એમ કહી શકાય કે એ એની એક મજાની મર્યાદા છે. આમ પણ એને થોડું વધારે બોલવાની આદત છે,અને એ જરૂરી પણ છે કારણ કે બોલે એના બોર વેચાય ! બે – ત્રણ મેગેઝીન્સમાં નીરવના ઈન્ટરવ્યુ આવેલા છે છતાં આ બ્લોગ પ્રત્યે એક તાંતણો બંધાયેલો હોવાથી એ મને કહેતો , “યાર ક્યારેક તું ઈન્ટરવ્યુ કર ને મારો ! ” એક જાણીતી વેબસાઈટ માટે એક સમયે મેં કેટલાક નવા તો કેટલાક જુના જાણીતા જોગીઓના ઈન્ટરવ્યુ કરેલા, પણ એ સિવાય ક્યારેય નહિ ! ઇન ફેક્ટ , મને ઈન્ટરવ્યુ જોવા ખૂબ ગમે, અને મને “મોટા માથાઓ”ને પ્રશ્નો કરવાની પણ ખૂબ આદત, છતાં મને ઓફીશીયલ ઈન્ટરવ્યુ કરવા ખાસ ન ગમે. કારણ કદાચ એ પણ હોય કે ઓફીશીયલ ઈન્ટરવ્યુમાં લોકો મોટે ભાગે ઓફીશીયલ જવાબો જ આપે છે, જે મને રૂચતા નથી. નીરવ પોતાના વિષે કંઈ કહે અને પછી હું એનું અર્થઘટન કરું એ કરતા હું એને જેવો માનું છું એ સીધે સીધું કહી દેવું મને વધુ યોગ્ય લાગ્યું.

એણે એકડે એક થી કરેલી શરૂઆત આજે કેટલાય સરવાળા અને ગુણાકારોમાં પરિણમી છે, નાની સુની વાત નથી. અને એને કહીશ કે બધા મિત્રોને તારા પર ગર્વ છે નીરવ, તો એ ચોક્કસ કહેશે, “બસ , હવે મારી જવાબદારી વધી જાય છે.” એટલે વધુ કશું કહ્યા વગર અને કશું અધૂરું રાખ્યા વગર અહીં જ વિરમું છું.

ટૂડે ઇઝ્ઝ માય બર્થડે

કેટલાક લોકો માત્ર ખુશી વહેંચતા હોય , ગોડ પ્રોમિસ મને એવું બહુ મન થાય કે હું પણ ખૂબ ખુશીઓ વહેંચું પણ મારી ઝોળીમાં હોય છે માત્ર કાંટા ! અહી વાત મારી લેવાની ઝોળી ની નહિ બલકે આપવાની ઝોળીની થાય છે. જોકે લેવાની ઝોળીમાં વધુ કાંટા હોય છે છતાં હું એવું બિલકુલ નહિ કહું કે મેં કાંટાઓ જ મેળવ્યા છે એટલે કાંટાઓ જ આપીશ. કેમકે મને ખબર છે કે કાંટાઓ મેળવીને પણ ફુલ વહેંચી શકાય છે.

હા , આજે જન્મદિવસ છે , કહેવાનું તો ઘણું છે પણ એ બધું કહું તો ટાઢક થાય … નહિ કે લખી ને ! આખરે રંગમંચ નો કલાકાર ખરો ને , એટલે કદાચ લાઈવ પ્રતિભાવ ઝીલવાની આદત પડી ગઈ છે… પ્રતિભાવ નહિ આપો તો ય હું મારા શો ને જ ઊતરતો ગણીશ , એવું બિલકુલ નહિ કહું કે ઓડીયન્સ જ નીરસ છે , પણ તમે આવો તો ખરા ક્યારેક …. જે લખાયું નથી એ સાંભળવા !

પોસ્ટ લાંબી લખવી હતી એટલે મારા છેલ્લા નાટકનું પોસ્ટર મૂકી રહ્યો છું  , સાથે હમણાં એક સીરીયલમાં ફિરોઝ ઈરાની સામે ટક્કર લેતા પાત્રનો સબળો રોલ કર્યો – એ સિરિયલનું પોસ્ટર પણ , અને સાથે કેટલાક ગમતા ગીતો … ખબર છે તમને એ ગીતોમાં રસ નહિ પડે … તોય મને વહેંચ્યા નો આનંદ થશે … સો હેવ ઈટ , ઓર લીવ ઈટ …. ચીયર્સ !!!!!

10491079_694470960608430_3389941658861251389_nUntitled-3 (1)