એક પ્રેમનો દીવાનો અને એની ફેન્ટસીસ !

આ વખતે ઉતરાયણ માં એક પણ પતંગ નથી ચગાવ્યો , અરે ધાબે પણ નથી ચડ્યો ! બધા શોખ નાનપણમાં જ પૂરા કરી લીધા ! વાત મારે મૂળ પતંગ ની કરવી છે – એટલે કે કાચી ઉમ્મરમાં રહેલા પતંગ ના શોખની ! જોકે વાત આમ તો એક નવી આવેલી ગુજરાતી ફિલ્મની પણ કરવી છે , જેનું નામ છે “એક પ્રેમનો દીવાનો , એક પ્રેમની દીવાની” . જી હા , મારા ગુજરાતી ફિલ્મોના રિવ્યુઝ પ્રત્યે ના તમારા પોઝીટીવ એપ્રોચથી પ્રભાવિત થઈને મેં આ કૃત્ય ચાલુ જ રાખવાનું નક્કી કર્યું છે – ગુજરાતી ફિલ્મ્સ વિષે લખવાનું ! પણ આ વખતે જરા અલગ રીતે વાતને પ્રસ્તુત કરીશ . બધી વાતો ભેગી કરીને એનો ખીચડો કરીશ. આમ પણ બહુ સમયે મળ્યો છું – બે મહિનાના લાંબા સમય પછી ની આ પોસ્ટ નો તમે નારાજ થઈને બહિષ્કાર નથી કરી રહ્યા એ જ તમારી મહાનતા દર્શાવે છે ! અને બબ્બે મહિના સુધી પોસ્ટ ન લખાય – એ મારી આળસાઈની પરાકાસ્ઠા ! કાં મારા વાલીડા વિરાજભાઈ , લાડીલા નિરવભાઈ , અગેઇન લાડીલા દર્શીતભાઈ અને વડીલબંધુ જગદીશભાઈ .. લખું ને આગળ ? કોમેન્ટ્સ અને લાઈક્સની અસીમકૃપા કરવાના હો તો જ લખું યાર ! જોકે ઘણા સમયથી  મેં કોઈને ત્યાં લાઈક કોમેન્ટ પણ નથી કરી – પણ તમારું તો મોકળું હૃદય ખરું ને ? એટલે આવી બાબતો ના વેર તમે લો , એવા તો તમે છો જ નહિ ! ઓકે બેક ટૂ ધી બકવાસ … આઈ મીન – પોસ્ટ !

                              હું નાનો હતો ત્યારથી જ એવો હતો – ચાલુ કે વંઠેલો જેવા શબ્દો તમને બોલવા શોભે નહિ એટલે સારી ભાષામાં તમે મને થોડો રોમેન્ટિક મિજાજનો હતો એમ કહી શકો છો ! હું પાછો અંતર્મુખી , એટલે બહારની દુનિયા મારી સાવ નાની , પણ અંદરની દુનિયા એકદમ વિશાળ ! લોટસ ઓફ ફેન્ટસીસ ! અને બીલીવ મી , ફેન્ટસીસમાં જીવતા માણસની દુનિયા ખુબ જ રંગીન હોય ! કંઈ કેટલાય રંગ વડે તેણે એ દુનિયા સજાવી હોય … જેમાં સપના તૂટવાનો ડર ન હોય , અરે સપના સાકાર થવાની આશા પણ ભાડમાં ગઈ , અહી તો બસ સપના છે ને ! એનો જ સંતોષ છે . એ સપનાઓ પ્રત્યે પ્રીત છે .. એ સપનાઓમાં એક જીવન છે – ઓલું “જાગતે રહો” ફિલ્મમાં મારા પ્રિય ગીતકાર શૈલેન્દ્ર એ એક ગીત લખ્યું છે .. “ઝીંદગી ખ્વાબ હૈ .. ખ્વાબ મેં જુઠ ક્યા ! ઔર ભલા સચ હૈ ક્યા !  ” હું વળી એથી ઉલટી ફિલોસોફી એપ્લાય કરી બેઠેલો .. ખ્વાબ ઝીંદગી હૈ ! મારા જ લખેલા એક ગીતની પંક્તિ છે – “ફ્યુચર જોવા માટે આપણી આંખો હજી નાની છે ,સપનાઓના સામ્રાજ્યની બાદશાહી માણી છે” . ત્યારે વાસ્તવિક જીવનમાં જે અશક્ય લાગતું , સપનાની દુનિયામાં એજ સત્ય લાગતું ! જેમ કે કોઈ છોકરી ને જોયા મળ્યા વિના … એના પ્રેમમાં પડવું ! એની સાથે સંકળાયેલી દરેક વસ્તુને દિવાનની જેમ ચાહ્યા કરવી . અને સતત અનુભવવો – એક દૈવિક સંકેત ! કે એક દૈવિક સંકેત જ મને એના પ્રેમમાં પાડી રહ્યો છે .. મારું એના પ્રેમમાં પડવું , અને દિવસે ને દિવસે એના પ્રેમમાં ઊંડાને ઊંડા ડૂબતા જવું એ બધું કોઈ ઈશ્વરીય ઈચ્છા કે કૃપાથી થઇ રહ્યું છે એ વાતનો સતત અનુભવ થવો ! તમને આ બધું કદાચ “રબીશ” લાગશે , પણ આ સત્ય છે , આ શક્ય છે … વિશ્વાસ ન આવતો હોય તો મારા જેવા કોઈ પણ દીવાનને પૂછી જુઓ , જેની અંતરની દુનિયા વિશાળ હોય ! અથવા તો જોઈ જ લો “એક પ્રેમનો દીવાનો , એક પ્રેમની દીવાની”

                           રાધા ને જીવનમાં સાચા પ્રેમની તલાશ છે એટલે એ માતાજી પાસે સાચા પ્રેમની માંગણી કરે છે , માતા એની અરજ સાંભળે છે અને ત્યારે જ રાધાની ઓઢણી ઊડી જાય છે , અને એ બાઈક લઈને રસ્તા પરથી પસાર થતા વિક્રમ પર પડે છે. વિક્રમએ ઓઢણી ના સ્પર્શ થી જાણે કોઈ ના અસ્તિત્વનો સ્પર્શ પામી ગયો હોય તેમ એ “ઓઢણીવાળી” સાથે પ્રેમના તાંતણે બંધાઈ જાય છે. હવે એ દીવાનાની જેમ એને શોધ્યા કરે છે – જેની આ ઓઢણી છે .1476474_1435933356620571_935120233_n

ઓઢણી ને એના સુધી પહોંચાડનાર દૈવિક સંકેતને એ પામી ગયો છે અને એટલે જ એક પતંગ પર પોતાના પ્રેમનો સંદેશો લખીને એ પતંગની ડોર તે કાપી નાખે છે , એ વિશ્વાસ સાથે કે એ પતંગ પેલી ઓઢણીવાળી પાસે જ પહોંચશે. (આ પોસ્ટ ની શરૂઆત જ મેં પતંગ થી કરી છે , રીવાઈન્ડ કરો જરા ! અને નાનપણમાં હું પણ પતંગ પર સંદેશાઓ , શાયરીઓ લખીને જાવા દેતો – અને મનોમન મલકાતો કે આ પતંગ ની ડોર કોઈ સુંદર કન્યાના હાથમાં આવે તો ..! )  એ સંદેશમાં એવી સ્પષ્ટતા કરેલી છે કે તમારી ઓઢણી મારી પાસે છે અને હું તે થકી આપના પ્રેમમાં પડી ચુક્યો છું. અફકોર્સ એ પતંગ રાધાને જ મળે છે અને એ પણ મનોમન એ પતંગવાળાને વરી જાય છે. બંને મળે છે , ખાટી મીઠી તકરારો કરે છે અને પ્રેમની દેવી ના મદિર ના પૂજારી ના કહેવાથી દેવી આગળ પોતાના પ્રેમ સાથે મેળાપ કરાવી આપવાની અરજ કરે છે ત્યારે બંનેની બેગ એકબીજા સાથે એક્સચેન્જ થઇ જાય છે ! રાધાને મળે છે વિક્રમના બેગમાં થી એની ઓઢણી અને વિક્રમને રાધાની બેગમાં થી પેલો પતંગ ! બંને નો મેળાપ … અને પ્રેમની દુશ્મન દુનિયા સાથે લડાઈ અને છેલ્લે પ્રેમની જીત. ફિલ્મમાં એક સંવાદ પણ છે – પ્રેમની મંઝીલ એક જ છે – મિલન અથવા મોત !

                         નવોદિત અભિનેત્રી રશ્મી ઈઝ જસ્ટ અબાઉટ એવરેજ , ફિરોઝ ઈરાની મારો ઓલટાઈમ ફેવરીટ વિલન જે આ ફિલ્મમાં પોઝીટીવ રોલમાં છે અને જમાવટ કરે છે . જીતુ પંડ્યા નું કોમિક ટાઈમિંગ પણ સારું છે અને આ ફિલ્મમાં પણ તેણે એ સાબિત કર્યું છે , અનેક ફિલ્મો હીરો તરીકે આપી ચુકેલો , આપી રહેલો જાણીતો સ્ટાર ચંદન રાઠોડ આ ફિલ્મમાં વિલનના રોલમાં છે. ઢોલીવૂડમાં હમણાં આ નવો ટ્રેન્ડ શરુ થયો હોય તેવું લાગી રહ્યું છે . કારણ કે ગત વર્ષે જ આવેલી ફિલ્મ “દેશ પરદેશ” માં પણ જાણીતા હિરો જીત ઉપેન્દ્ર એ પણ વિલનની ભૂમિકા ભજવેલી , અને એકાદ મહિના પહેલા જ આવેલી ફિલ્મ “મારી પ્રીત કરે પોકાર” માં પણ હિતેન કુમાર વિલન બનેલો. ફિલ્મના બીજા ટેકનીકલ પાસાઓ જેમકે ડીરેક્શન અને સંગીત વિષે પણ સારું – નરસું ઘણું છે પણ એ બધી બાબતો પ્રસ્તુત ન કરતા અહિયાં જ અટકું છું . પણ હા , કોઈને કશું વધારે જાણવાની ઈચ્છા હોય તો કહેજો – કોમેન્ટમાં વિસ્તારથી જવાબ આપીશ.

                   તો આ હતી ફિલ્મ અને એમાં રહેલી રોમેન્ટિક ફેન્ટસીસની વાત ! ઓલું કહે છે ને .. કે ફિલ્મનું તો કામ જ સપના બતાવવાનું , વાસ્તવિકતા એવી ન હોય . પણ હું તો એમ કહું છું કે વાસ્તવિક જીવનમાં જો સપના ન હોય તો જીવનમાં સ્પાઈસ ન હોય , ટેસ્ટ ન હોય અને અંતર ના ઊંડાણ ઉછળતો આનંદ પણ ન જ હોય !

22 comments

  1. જેમ નિરવભાઈ ના હોલીવુડ, બોલીવુડ અને શોર્ટ ફિલ્મના રીવ્યુ મજા કરાવે છે એમ તમારા ઢોલીવૂડ ના રીવ્યુએ મોજ પાડી દીધી.

    અને તમે એટલુ મસ્ત લખો છો કે વિરાજભાઈ, નિરવભાઈ, દર્શીતભાઈ, જગદીશભાઈ અને બીજા બધા તમારા બધુંઓ તમારા પર પ્રેમ વરસાવતા રહેશે (મતલબ તમારા બ્લોગ પર 🙂 )…

  2. રોમેન્ટિક મિજાજ – અંતર્મુખી સાયકોલોજીમાં મેચીંગ નથી. છતાંય ચલાવીએ અને એમાં પણ “લોટસ ઓફ ફેન્ટસીસ” ! લાગે છે – ‘ઘણીય’ 😉 ન કહી શકવાને વાંકે વઈ ગઈ હશે નહીં ?
    બાકી ડાયરેક્ટરો ને ઓઢણી અને દુપટ્ટાઓ સિવાયના બીજા સંકેતો મળતા નથી શું ?

    1. તમે કદાચ ઓલું સાંભળ્યું નથી લાગતું – “શાંત પાણી ઊંડા હોય” 😉 .. રોમેન્ટિક મિજાજ બાબતે મેં ચોખવટ કરી જ છે કે એ અંદર જ ઉછળતો હતો ! અને હા ડીરેકટર્સ નું એવું ખરું કે સ્ટોરી માં જુનું – જોવાયેલું જ વધુ આવતું હોય , પણ મને એ બાબતથી ફરક નથી પડતો . કારણ કે મારા માટે વિષય કરતા તેની માવજત વધુ અગત્યની છે. ઘણી વખત કહેવાયેલી વાતને તમે કઈ રીતે કહેશો તો એ અગાઉ રજુ થયેલી આ જ વાત કરતા અલગ પડશે … રસપ્રદ અને ફ્રેશ લાગશે – એ જ ક્રિએટીવીટી છે .. અને ત્યાં જ ડીરેક્ટરે પોતાનો કમાલ દેખાડવાનો હોય છે.

  3. હેરી પોટર સીરીઝ’માં એક સંવાદ છે કે જેમાં ડંબલડોર સુતેલા હેરી’ને જોઇને કહે છે કે . . . તેને સપનાઓ જોવા દો , કેમકે ત્યાં તે સુખી રહેશે અને પોતાની એક અલગ જ દુનિયા બનાવી શકશે !

    હું સપનાઓ જોઉં , તેના કરતા તો સપનાઓ મને પરાણે આવી જાય છે { વિચિત્રતાઓ’થી ભરપુર ! } એકવાર એવું સાંભળ્યું હતું કે સપનાઓ’માં રંગ નથી હોતો [ બ્લેક & વ્હાઈટ ] તો થોડી રાત્રિઓમાં તો હું કલરફૂલ સપનાઓ જોવાની મથામણ કરતો હતો 😉

    બે બે મહિના !! { બે મહિના માટે બે આશ્ચર્યચિહ્નો 😉 } લો ત્યારે હવે ઢોલીવુડ’નો ઢોલીડા પધારી ચુક્યા છે . . . તો હવે બે મહિના’ની કસર માંડો પૂરી કરવા અને પીટો પોસ્ટ’રૂપી દાંડી અમારે માથે 🙂

    { વૈધાનિક ચેતવણી : આગોતરી જાણ કર્યા વિના હવે આટલી રજા મંજુર નહિ કરવામાં આવે ❗ }

    1. ૧ ) હેરી પોટર નો આ ક્વોટ / પ્રસંગ મારા વિચારો સાથે સાંકળવા / સરખાવવા બદલ આભાર !
      ૨ ) એ તો એવું થાય ! એક અજ્માયેલો જાત પ્રયોગ કહું – તમે સવારથી લઈને રાત સુધી જયારે અને જેટલો સમય મળે ત્યારે મહત્તમ એ વિષે વિચાર્યા કરજો , જે વિષે તમારે સપનું જોવું છે – અને એ “ટોપિક” પર સપનું આવશે જ – ગેરંટેડ ! કારણ કે સપનાઓ એ કોન્શિયસ અને સબ – કોન્શિયસ માઈન્ડ ના વિચારોનું જ પ્રતિબિંબ હોય છે.
      ૩) આ સમયગાળામાં બ્લોગસંદર્ભે મહત્તમ તમને જ યાદ કર્યા , અને મહત્તમ આનંદ તમારી આ કોમેન્ટ જોઈ ને જ થયો કારણ કે મહત્તમ કોમેન્ટ નો વાટકી વ્યવહાર મારે તમારી જોડે જ છે ! અને રજા બાબતે હવે એવું લાગે છે કે મારો બ્લોગીંગ નો ચસ્કો જરા ઓછો થઇ ગયો છે …!! ખબર નહિ કેમ ! પણ પ્રયત્ન પૂરો રહેશે , એ ચસ્કાને બુસ્ટ કરવાનો અને જાળવી રાખવાનો !

      1. ત્રીજા પોઈન્ટ માટે આભારરરર્ર 🙂 અને બ્લોગીંગ માટેના ચસકા ઉર્ફે રસ’માં આવો ચડાવ ઉતાર આવવાનો જ ( હું પણ થોડો ઘણો વેઠી ચુકયો જ છું ) પણ આશા છે કે આપ મહિના દીઠ ઓછામાં ઓછી બે પોસ્ટ્સ તો આપશો જ Requesttttttttt .

      2. હું પણ એવું જ ઈચ્છું છું બંધુ ! લેટ્સ સી , આપડા બંનેની ઈચ્છા ફળે છે કે કેમ ! પણ હા , તમારા આવા મસ્ત પ્રોત્સાહનની અસર જરૂર પડશે …

  4. વેલકમ બેક! થોડા સમય પહેલાં જ ઉપરોક્ત વિષયના અનુસંધાને આપને યાદ કર્યા’તા. (કયારે? -એવું ન પુછશો. યાદ નહી આવે.)

    હવે, આપની પોસ્ટના સંદર્ભમાં વાત કરું તો…. સપનાઓ અને લાગણી અંગે લખવા માટે અંતર્મુખી હોવું કદાચ મુખ્ય શરત હશે એવું મને લાગે છે. મેં પણ એ જ સ્વભાવના કારણે નામ-સરનામું જણાવ્યા વગર લખવાનું શરૂ કર્યું હતું. મને હજુ પણ કયારેક થાય છે કે મેં ગુમનામ રહેવાનો નિયમ બનાવ્યો હોવા છતાં જાહેરમાં (અને કેટલાક મિત્રો સામે) આવીને ભુલ તો નથી કરી ને?….

    ખૈર, એક નવી ગુજરાતી ફિલ્મ વિશે જાણીને આનંદ થયો. ગુજરાતી ફિલ્મ વિશે કેટલાક પ્રશ્ન હજુયે છે કે અભિનેતાઓના પહેરવેશ લગભગ બદલાયા છે પણ અભિનેત્રીઓ હજુયે ઘાઘરા-ચોલીમાં જ કેમ હોય છે? 😮 ગુજરાતમાં લગભગ દરેક ઠેકાણે શહેરીકરણની હવા પહોંચી ગઇ છે ત્યારે ફિલ્મ બનાવનારે તેમની ફિલ્મના કેરેક્ટર્સને થોડા અપગ્રેડ કરવામાં શું વાધો હોય છે? અને આ લાંબા-લાંબા નામ ન હોય તો શું ફિલ્મ નહી ચાલે એવો ગુજરાતમાં રિવાજ છે? 😉 …… આ તો તમે ‘એ’ લાઇન સાથે થોડા નજીક છો એટલે થયું કે પુછી લઉ… બીજુ કહો, કઇ બાજુ ખોવાયેલા છો આજકાલ?

    1. હેલ્લો દર્શીતભાઈ ,
      ….જોકે મુખ્ય શરત તો નથી જ , બહિર્મુખી લોકો પણ સારું જ લખતા હોય છે , પણ અંતર્મુખી લોકો સાથે મોટેભાગે એવું થતું હોય છે કે હોઠે થી વાચા ન નીકળે એટલે કાગળ પર નીકળી જાય , અને જેને જેવું તેવું બોલવામાં અર્થ ન દેખાતો હોય એટલે એ મોટેભાગે ચુપ રહેતો હોય ( મારી બાબતમાં આવું છે 😉 ) … અને ભારે ભરખમ બોલે તો દુનિયા ગાંડી સમજે … એટલે એ અર્થપૂર્ણ વાતો લખ્યા સિવાય તે વ્યક્ત જ શી થાય ?

      અને ગુજરાતી ફિલ્મ એટલે અફકોર્સ એક રીજનલ ફિલ્મ. હવે રીજનલ ફિલ્મમાં ટીપીકલ ગુજરાતી વસ્ત્રો નહિ આવે તો શેમાં આવશે. વેસ્ટર્ન ફલેવરને તો જનતા હિન્દી ફિલ્મોમાં માણી જ રહી છે , પણ પોતાના જ ઘરનો સ્વાદ ચાખવા , પોતાની ભૂમિ પર , પોતાના જુના સંસ્કારો પર ગર્વ લેવા …. આવા અનેક આનંદો લુંટાવવા એક રીજનલ ફિલ્મ બનતી હોય છે. અને આવું ફક્ત ગુજરાતી ફિલ્મ પૂરતું નથી , પંજાબી ફિલ્મમાં પણ ટીપીકલ પંજાબભક્ત પંજાબીઓ હોય છે , પછી ભોજપુરી જોઈ લ્યો , કે તામિલ , તેલુગુ અને મરાઠી. ૯૯ % રીજનલ ફિલ્મો એમની ભૂમિની સોડમ છોડતી નથી … ( છતાય સફળ જાય છે , માત્ર ગુજરાતી ફિલ્મોને જ સફળતા માટે ઝઝૂમવું પડે છે ) , અફકોર્સ વેસ્ટર્ન કપડા પણ હોવા જોઈએ , અને એ હોય છે પણ ખરા … ( આ જ ફિલ્મમાં હિરોઈને મોટે ભાગે ટી – શર્ટ અને શોર્ટ સ્કર્ટ પહેર્યું છે ) અને લાંબા નામ નો તો બસ એક ટ્રેન્ડ ચાલ્યો છે ( જેમ હિન્દી ફિલ્મોમાં અમુક ટ્રેન્ડ ચાલતા હોય છે ) , જોકે હમણાં થી એક શબ્દના ટાઈટલ નો પણ ગુજરાતી ફિલ્મોમાં ટ્રેન્ડ છે , એટલે છેલ્લી અનેક ફિલ્મોના ટાઈટલ સિંગલ વર્ડ ના જ છે !

  5. ગુજરાતી ફીલ્મો ઘણા સમયથી નથી જોઇ, છેલ્લી તો સોમનાથની સખાતે જોઇ હતી, અને મોડર્ન ગુજરાતી કેવી રીતે જઇશ… પણ તમારા અક્ષરે ગુજરાતી રીવ્યુ વાંચવાની ઓલવેઝ મજા આવે છે. કેરી ઓન..! બોસ..!

  6. કાલ્પનીક ચીત્રો અને સ્વપ્નો ઘણુંખરું ખુબ જ સુંદર, આકર્ષક, મનભાવન, રંગીન (આથી વધુ વીશેષણો પણ મુકી શકાય) હોય છે, અને તેથી વાસ્તવીક એની સમક્ષ સાવ ફીક્કું જણાતું હોય છે.
    સરસ લેખ. જો કે મને કોઈ ગુજરાતી ફીલ્મો અહીં ન્યુઝીલેન્ડમાં જોવા મળી શકતી નથી, આથી એના રીવ્યુ વીષે કશું કહી ન શકું. તમારું લખાણ ગમ્યું.

    1. આભાર પ્રેમજી.

      ખરેખરમાં તો મહેફિલમાં રંગત ગાયક નથી જમાવતો, એને દરેક શે’ર પર બિરદાવનારા મહામૂલા પ્રેક્ષકો જમાવતા હોય છે. એમ જો તમને અહીં રંગત દેખાઈ હોય તો એનો શ્રેય પણ તમને જ જાય છે.

      સ્ક્રીન પ્લે એટલે પડદા પર ભજવાતી વાર્તા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s