childhood

રેઇન ઈઝ ફોલીંગ છમા છમ છમ ..

ફિલ્મ – ગુનેહગાર
વર્ષ – ૧૯૯૫
ગીત – રેઇન ઈઝ ફોલીંગ છમા છમ છમ ..
ગાયક – સુદેશ ભોંસલે
ગીતકાર – સુરેન્દ્ર સાથી
સંગીત – શ્યામ સુંદર

નાનપણમાં શાવર નીચે નહાતા નહાતા નાચ્યો છું – અઢળક વખત ! અને એ રેઇન ડાન્સ વખતે કઈ કેટલાય ગીતો ગાઈ નાખયા હશે. વેલ , મોસ્ટલી જે દિવસે મારો મૂડMovie_Gunehgar 3061411111715 સારો હોય એ દિવસે જ હું શાવરમાં નહાતો , ( મુડ ના હોય તો ક્યારેક નહાવાનું માંડી પણ વાળતો ) પછી તો સાબુ માઈકમાં કન્વર્ટ થઇ જતું અને ફોર્સ્ફૂલ્લી પડતા પાણીમાં ફોર્સ્ફૂલ્લી હાથ પગ નાખીને સ્ટેપ્સ કરવામાં આવતા , જાણે ખરેખરમાં કોઈ સ્લોમોશન માં મને શૂટ ન કરી રહ્યું હોય ! રિતિક જુએ તો એ બી ટેન્શનમાં આવી જઈને એવું વિચારે કે મારે હજુ થોડી વધુ ડાન્સની ટ્રેનીંગ લઈને ફિલ્મોમાં આવવાની જરૂર હતી , પણ મારો સ્વભાવ બી પાછો આમ ઉદાર એટલે મેં મારી ડાન્સની કલાને બાથરૂમ સુધી જ મર્યાદિત રાખી ! આપડે કીધું ક્યાં રિતિક ફીતિક ના પેટ પર લાત મારવી ! અહી આ ગીતમાં હીરો પણ વરસાદમાં ડાન્સ કરી ને છોકરીએ આંખ મારી છે એ વાતનો આનંદ વ્યક્ત કરી રહ્યો છે. મને પણ સ્કુલ – કોલેજમાં ક્લાસની કોઈ સુંદર છોકરીએ સ્માઈલ આપી હોય તો હું પણ બીજા દા’ડે કાયદેસર રીતે શાવર નીચે ડાન્સ કરી ને આનંદ વ્યક્ત કરતો . અને મન ભરી ને ડાન્સ કર્યા બાદ હેમ ખેમ બાથરૂમની બહાર નીકળી જતો. ક્યારેય ડાન્સ કરતા કરતા પડી જવાનો રેકોર્ડ મેં નોંધાયો નથી. પણ અહિયાં આ ગીતમાં તો ભાઈ અર્થાત હીરો અર્થાત અતુલ અગ્નિહોત્રી પડી જાય છે ! અને એનું પડી જવું વ્યાજબી પણ છે કારણ કે આફ્ટર ઓલ છોકરીએ તેને આંખ મારી છે. એ જમાનો જ થોડો એડવાન્સ હતો, જયારે અમે સ્કુલ – કોલેજમાં હતા . છોકરીઓ અને છોકરાઓ એકબીજાને આંખ મારે એવા કિસ્સા બનતા , જયારે હવે તો છોકરા છોકરીઓ માત્ર ફેસબુક પર એકબીજાના ફોટા પર લાઈક મારતા દેખાય છે. એમાય સાલ્લુ ખબર ચમની પડે કે આ લાઈન વાળું લાઈક છે કે ભાઈ સમજી ને મારેલું લાઈક ! બોલો , એના કરતા અમારો જમાનો ટનાટન ના કહેવાય ?

“ટન ટના ટન ટનન ટનન ….
રેઇન ઈઝ ફોલીંગ છમા છમ છમ
લડકીને આંખ મારી ગીર ગયે હમ
ટન ટના ટન ટનન ટનન …”

દરેક જમાનામાં ધાબા પર કે બાલ્કની પર થી પ્રેમો થતા આવ્યા છે , થઇ રહ્યા છે અને થતા રહેશે. સીધું ગણિત છે કે માણસ બાલ્કની પર કે ધાબા પર કેમ આવે ? ઘરમાં કંટાળો આવતો હોય એટલે બહાર કોઈ સુંદર નજારો જોવા મળશે એવી આશાએ જ આવે ને ? અને જુવાન છોકરા માટે જુવાન છોકરી અને જુવાન છોકરી માટે જુવાન છોકરા થી વિશેષ સુંદર નજારો બીજો કયો હોય ! મેં તો આવા અનેક કિસ્સાઓ સાંભળ્યા છે , આઈ એમ શ્યોર કે તમે પણ સાંભળ્યા હશે , કદાચ અનુભવ્યા પણ હશે ! કાલિદાસ ના જમાનાના કવિઓ ચાંદ અને સુરજના નીકળવાના ટાઈમ વિષે કવિતાઓ લખતા , કદાચ એ વખતે પાડોશ માં પ્રેમિકા રહેતી હોય એવા સદનસીબ એમને પ્રાપ્ત નહિ થયા હોય , બાકી મેં જેટલી દુનિયા જોઈ છે એમાં મેં તો એવું જ જોયું છે કે લોકો શેરી માં સેટિંગ થતું હોય તો શેરીની બહાર નીકળવાનું પ્રીફર નથી કરતા . અને શેરી માં સેટિંગ કરવું એ પાછુ જેવા તેવા નું કામ નથી , એના માટે ખૂબ ડેરિંગ જોઈએ. અને સ્વભાવે છુપા રુસ્તમ ની પ્રકૃતિ હોય તો જ આવા પ્રકારના સેટિંગ થઇ શકે . કારણ કે કોલેજ ના લફરા આખી કોલેજમાં ફેલાયેલા હોય , જોબ માં પણ એ જ હાલ ! પણ જો એક શેરીમાં પ્રેમી યુગલ હોય તો ભાગ્યે જ એવું જોવા મળે કે કોઈને એ વાતની ખબર પડી હોય . સૌથી વધુ છુપા રુસ્તમ ટાઈપ ના પ્રેમી યુગલ જો કોઈ હોય તો એ આ શેરીઓમાં વસતા યુગલ ! એ ક્યારેય કોઈ ને જાણ ન થવા દે , અને જો કોઈ ને જાણથઇ પણ જાય તો એવા કેસીસ માં સવારે જાણ થઇ હોય અને સાંજે તો ખબર પડે કે બંને પ્રેમીઓ એ ભાગી ને લગ્ન કરી લીધા છે ! એક અલગ જ પ્રકાર ની દીવાનગી હોય છે આવા શેરી રોમેન્સીસ માં …

“છત પે ખડી થી મેરી ગુલબદન ,
મેં થા ગલી મેં મેરે લડ ગયે નયન
દેખ કે દિલ મચલ ગયા , પાવ મેરા ફિસલ ગયા ,
દેખો રે દેખો મેરા દીવાનાપન “

છોકરીઓ ની અદાઓ એટલે તોબા તોબા ! એમાં જાદુગર ના જાદુ કરતા પણ વિશેષ જાદુ હોય છે અને મદારી ના ખેલ કરતા ય વિશેષ ખેલો હોય છે ! અને એની પાછળ ક્રેઝી થવાનું લખાયું હોય છે છોકરાઓના માથે ! મને દસમાં ધોરણમાં દસ વાર ગોખેલો પ્રમેય યાદ નહોતો રહેતો , પણ પેલીએ ખભા પરથી સરકેલો દુપટ્ટો પાછો કેવી રીતે ઓઢ્યો હતો એ સીન ફ્રેમ ટૂ ફ્રેમ યાદ હોય ! કોઈ સ્મિત ! કોઈ હાસ્ય રૂપી ગીત ! હવાઓ માં ગુંજતું ઝુલ્ફો નું એ સંગીત ! એ બધું કેવી રીતે વિસરાય ! ઓલો મનહર ઉધાસ ગાય છે ને …”શાંત ઝરુખે વાટ નીરખતી ….” એમાં પણ સ્ત્રીના સોંદર્ય ના કેટલા બધા વખાણ થાય છે ! આંખ ના કાજળ થી લઇ ને હાથ ની મહેંદી ની પણ વાત થાય છે , અને લખલૂટ વખાણો- વર્ણનો કર્યા બાદ છેલ્લે ફક્ત એક જ લાઈનમાં બધો ભાવ – કે હવે એના વિના “બહુ સુનું સુનું લાગે છે…બહુ વસમું વસમું લાગે છે” બહુ નેચરલ વાત છે ભાઈ કે છોકરીઓ ની અદાઓ પર છોકરાઓના હૃદય એક ધડકન ચુકી જ જાય , જો એવું ન થાય તો સમજવું કે કાં તો છોકરીમાં કે એની અદામાં ખાસ કઈ માલ નથી , અથવા તો એ છોકરો ખરેખરમાં પૂરે પૂરો છોકરો નથી (આઈ મીન રીયલ મર્દ નથી ), અને જો એ રીયલ મર્દ છે તો કાં તો એ કોઈ સાધુ છે ને કાં તો કોઈ તપસ્વી , અને એ પણ એવા પ્રકાર નો તપસ્વી જેનું તપ મેનકા ટાઈપ ની બલાઓ પણ ભંગ ન કરી શકે ! બાકી નોર્મલ માણસ ની તો હાર્ટ બીટ સ્કીપ થઇ જ જાય …. ક્યારેક અટકી પણ જાય (આ ગીતમાં દર્શાવ્યા મુજબ ) !

“દિલ મેં ઉઠા હૈ દેખો કૈસા તુફાન ,
ઉસકી અદાઓ ને લે લી મેરી જાન ,
આંખો સે લૂટ લિયા , બાતો સે માર દિયા ,
રુકને લગી મેરે દિલ કી ધડકન
અરે યે તો ગયા …
ટન ટના ટન ટનન ટનન …”

જિસ દેશ મેં ગંગા રહેતા હૈ

ફિલ્મ – જિસ દેશ મેં ગંગા રહેતા હૈ
વર્ષ – ૨૦૦૦
ગીત – જિસ દેશ મેં ગંગા રહેતા હૈ
ગાયક – અભિજિત ભટ્ટાચાર્ય
ગીતકાર – દેવ કોહલી , પ્રવીણ ભારદ્વાજ
સંગીત – આનંદ રાજ આનંદ

દુનિયાભરમાં રખડીને જયારે ઘરે પાછા આવીએ ત્યારે તરત બોલાઈ જાય – “પૃથ્વીનો છેડો ઘર “ ! મારી સાથે તો એવું બન્યું છે કે હું લાંબા સમય સુધી jisdesh3બહારગામ રહી ને આવું પછી મારા વિસ્તારમાં પ્રવેશું કે તરત મને એકે એક દુકાન જોઈ ને ભાવ ઊભરાય. રસ્તાઓ , રીક્ષાઓ , શાકની લારીઓ , રસ્તા પર ફરતી ગાય , કુતરા – બધા ને જોઇને ભાવુક થઇ જઉં . એટલું ય ઓછુ હોય ત્યાં મને તો આકાશના વાદળો , પવનની લહેરો અને આથમતા સુરજની આછી આછી કિરણો જોઇને પણ મન ભાવુક થઇ જાય કે આહાહા … મારા વિસ્તારના વાદળો , મારા એરિયાનો સુરજ ! મારા રે મલકનો આ પવન !
મારા પરિવારમાં બધા એકબીજાને પ્રેમતો ખુબ કરે , પણ પ્રેમના પ્રદર્શનોમાં મારા ઘરના બધા થોડા પાછા પડે . અને એવા ઘરમાં હું ફિલ્મી ટાઈપનો પાકેલો , એટલે આપણે બધા જોડે બહુ બબાલો કરી ! મમ્મી ને પણ કહી દઉં – ના ગમતો હોઉં તો જતો રહીશ આ ઘર છોડી ને ! આવા તો બીજા કેટલાય ડાયલોગો પપ્પાને ,બહેનોને, પત્નીને સંભળાવ્યા હશે , પણ આવા પ્રકારના ડાયલોગ્સની આપ – લે મારે મમ્મી જોડે વિશેષ થાય . મમ્મી ક્યારેક ગુસ્સામાં મેલોડ્રામેટીક ડાયલોગો ફટકારે , એટલે મારે તો એટલું જ જોઈતું હોય , પછી હું પણ શરુ કરું . થોડીવાર જુગલબંધી ચાલે ! પછી હું કહું કે એ બધી વાત મુકો અને ચા પીવી છે કે નહિ એમ કહો , અને મમ્મી સહેજ રિસાયેલા ટોન માં “હા “ પાડે , પછી હું રસોડામાં ચા બનાવવા જઉં . એમને મારા હાથની ચા વિશેષ પ્રિય . પ્રેમના પ્રદર્શનનો પણ એક મેલોડ્રામેટીક અને ખુબ ઈમોશનલ પ્રસંગ મને યાદ આવે છે , હું કોલેજના પહેલા વર્ષમાં હતો – અને નડિયાદના હરી ઓમ આશ્રમના મૌન મંદિરમાં એક અઠવાડિયું રહી ને આવેલો , અને મને ત્યાં ફાવતું હશે કે કેમ ટાઈપસ ની ચિંતાઓ કરી કરી ને પરેશાન થયેલા મમ્મી એ હું આવ્યો કે તરત મને જોઈ એમની આંખમાં પાણી આવ્યું , થોડો મારા ગળે પણ ડૂમો આવ્યો અને મમ્મી એ મારૂ માથું ચૂમ્યું .
સિમ્પલ વર્ડ્સ માં કહીએ તો મારી દુનિયામાં ,મારા ઘરમાં , મારી શેરીમાં , બધું સિમ્પલ જ છે. એવું સિમ્પલ જેના પર કરોડો સ્પેશીયલ કુરબાન ! આખી દુનિયા નથી જોઈતી , આખી દુનિયા નહિ પણ મને વ્હાલી ફક્ત મારી આ નાનકડી દુનિયા. જગતભર ના સુંદર પક્ષીઓ જોઈ લઉં , એમને કેમેરામાં કેદ પણ કરી લઉં તોય મારા ફળિયામાં ચણતી ચકલી મને જે આનંદ આપે છે , એ આનંદની તોલે કશું ના આવે ! મારા ફળિયામાં જ મેં સૌપ્રથમ વખત ચકલી જોયેલી , ચકો જોયેલો , કાબર જોયેલી – પપ્પા એ કીધેલું કે જો તારા કરતા તો કાબર ડાહ્યી , કેવું મસ્ત માથું ઓળી ને આવી છે ! એ માથું ઓળેલી કાબર જયારે અદાથી મારા ફળિયામાં ચાલે છે ત્યારે મારા હોઠ પર અચૂક સ્મિત આવી જાય છે.

“ભાભી કંગન ખનકાતી હૈ , ઔર માં લોરિયા ગાતી હૈ ,
મધ્ધમ મધ્ધમ સી પવન ચલે, કોયલિયા ગીત સુનાતી હૈ ,
બચ્ચા વહાં આજ ભી ચાંદ કો ચંદામામા કહેતા હૈ ,
જિસ દેશમે ગંગા રહેતા હૈ … “

મારા ઘરની નજીક જ મારી સ્કુલ , અને મારી સ્કુલની નજીક આવેલું એક બસ સ્ટેન્ડ! અને એ બસ સ્ટેન્ડ પર ઊભેલી એક છોકરી ! હું અગિયારમાં ધોરણમાં હતો ત્યારે એ બસ સ્ટેન્ડ પર એક સુંદર સ્કુલ ગર્લ આવી ને ઊભી રહેતી , જેને મેં જોયેલી જયારે હું રીસેસમાં ભૂંગળા નું એક રૂપિયા વાળું પેકેટ ખરીદવા એ બસ સ્ટેન્ડ પાસે આવેલી દુકાન પર ગયેલો . પછી તો રોજ નો સિલસિલો બની ગયો , હું રોજ રીસેસમાં એને જોવા જતો , એના લીધે પેલા દુકાનવાળાને પણ ભૂંગળા માટેની રોજ એક રૂપિયાની ગરકી બંધાઈ ગઈ ! આજે પણ ક્યારેક એ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા એ દિવસો નું સ્મરણ થાય એ દિવસો નું ! એ સ્કુલના દિવસો , જયારે હું વહેલી સવારે ઊઠીને સાઈકલ પર સવાર થઈને સ્કુલે જતો , સાઈકલ ચલાવતા જે થોડો પરસેવો થયો હોય એના પર વહેલી સવારના ઠંડા પવનની લહેર ! આહ ! ગજ્જબ આનંદ ! અને સાઈકલ પરથી ઊતરી ને શર્ટ ને પેન્ટમાં બરાબર ઇન કરી ને જ ક્લાસમાં ઇન થવાનું ! અને ટાઈ તો હંમેશા થોડી લૂઝ જેથી પહેલું બટન ખુલ્લું રાખી શકાય ! બસ સ્ટેન્ડ પર ઊભી રહેતી એ દીવાની , એ વહેલી સવારની ઠંડી લહેરોમાં ચલાવેલી સાઈકલ , હા , મારી તરુણાવસ્થા માં કરેલા આ અનુભવો ! , મારા દેશમાં રહેતા બીજા લોકો પણ મારા આ અનુભવો સાથે પોતાના અનુભવો રીલેટ કરી શકશે , કારણ કે એક પ્રદેશ માં રહેતા દરેક લોકો ની વાત મોટેભાગે એક જ હોય છે , “ આ ત્યાની વાત છે જે દેશમાં હું રહું છું…” એમ કહું એમાં જ બધાનો ઉલ્લેખ આવી ગયો કારણ કે મારા આ શબ્દો સાંભળતા જ અનેક દેશવાસીઓ બોલી ઊઠશે – “હું પણ ત્યાં જ રહું છું , જ્યાં આ રહે છે , મારી પણ એ જ વાત છે , જે એની છે “ ખરેખર, સાર્થક છે આ ગીત ના શબ્દો – જિસ દેશ મેં ગંગા રહેતા હૈ …..

“ગાવ કા પનઘટ , પનઘટ કા પાની , ભરે ગગરીયા કોઈ દીવાની ,
ઠંડી ઠંડી પુરવાઈ મેં મીઠી મીઠી ખુશ્બુ ,
મત પૂછો ઉસ ખુશ્બુમે હોતા હૈ કૈસા જાદુ ,
જાદુ ઐસા હોતા હૈ કે હર કોઈ ઝૂમતા રહેતા હૈ ,
જિસ દેશમે ગંગા રહેતા હૈ “

ગીતનો હવે પછી નો જે અંતરો છે એ મને વિશેષ પ્રિય છે, એના ફિલ્માંકન ના લીધે ! ગામ છોડીને આવેલા અભણ ગંગા નું શહેરમાં અપમાન થાય છે , એ પાર્ટીમાં ઉપસ્થિત જનમેદની વચ્ચે હાસ્યાસ્પદ અને ગમાર સાબિત થાય છે ત્યારે બેપરવાહ બની ને પાર્ટીમાં ઢોલક વગાડીને આ શબ્દો ગાય છે ! આ દ્રશ્ય નું ફિલ્માંકન એવું ગજ્જબ છે કે આ દ્રશ્ય હું જયારે પણ જોઉં છું ત્યારે ગળે ડૂમો અચૂક આવી જાય છે , ખુબ ઈમોશનલ થઇ જાઉં છું. પોતાનો પ્રદેશ છોડ્યા નું દર્દ જે ગંગા અનુભવે છે એ ખુબ સહેલાઇ થી સમજી શકાય એવું છે . કારણ કે એક સાચો , ભોળો અને સીધો માણસ પૈસા ની લાલચે પણ પોતાના દેશથી વધુ દૂર ન રહી શકે , કારણ કે એને મન એની સાચી સંપત્તિ એનો પ્રદેશ જ છે . વ્યક્તિઓ ની સાથે જે તે જગ્યા જોડે પણ માણસ લાગણીના તંતુ થી જોડાઈ જતો હોય છે , પછી એ બીજી જગ્યા એ જાય તો પણ એ શોધતો રહેશે એ જ બધું જે એને પોતાના પ્રદેશમાં મળતું હતું – એવા લાગણીશીલ લોકો , એવું ઘર , એવા પક્ષીઓ .. અને જયારે એ કશું એને નહિ મળે ત્યારે એ બધું એ નવી જગ્યામાં ઊભું કરશે . જસ્ટ લાઈક કોઈ ભારતીય વિદેશમાં રહેવા જાય , અને ત્યા રેસ્ટોરાં ખોલી, ત્યાંના લોકોને પોતાની રેસ્ટોરાંમાં દેશી ભોજન જમાડે , ગરબે રમાડે, થોડુક ત્યાનું અપનાવે અને થોડુક પોતાનું ફ્લેવર ત્યાં ના કલ્ચરમાં એડ કરે ! અને પછી જે ફ્લેવર બને એ પણ બહુ ચાખવા લાયક હોય હો !

“દિલમે બસા કર , ગાવ કી મમતા ,
શહેરમેં આયા મેં જોગી રમતા ,
સુખ દુખ સારે માન કર , ઔર ઉનકો અપના કર ,
તરહ તરહ કે નાતો સે ઘર બન જાતા હૈ સુંદર ,
પલ પલ સચ્ચે રિશ્તો કા વહાં પ્યાર બરસતા રહેતા હૈ ,
જિસ દેશમે ગંગા રહેતા હૈ “

મમ્મા !

ફિલ્મ – દસવીદાનીયા

વર્ષ – ૨૦૦૮

ગીત – મા… મેરી મા…પ્યારી મા….મમ્મા

ગાયક – કૈલાશ ખેર

ગીતકાર – કૈલાશ ખેર

સંગીતકાર – કૈલાશ ખેર , નરેશ કામથ , પરેશ કામથ

“દસવિદાનીયા” એ મારા જીવનમાં મેં જોયેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક , વારંવાર જોયેલી અને મારા હૃદયથી ખુબ જ નજીક આ ફિલ્મ !  આ ફિલ્મ માં અમર(વિનય પાઠક ) ના મમ્મી , અને મારા મમ્મી વચ્ચે ઘણું સામ્ય. અમરના મમ્મી ટી.વી. ના રીમોટ સાથે હંમેશા ગોથા ખાધા કરતા હોય , મારા મમ્મી પણ ! મમ્મીના આ રીમોટ સાથેના સંઘર્ષ પર તો મેં એક શોર્ટ ફિલ્મ પણ બનાવી કાઢી – “ટીવી , રીમોટ એન્ડ મમ્મી “ અને મમ્મીએ એ ફિલ્મમાં બહુ મસ્ત અભિનય કર્યો, એ પણ ૬૬ વર્ષની ઉમરે , આ પહેલા તેમણે અભિનય તો શું , એવી કલ્પના સુદ્ધા નહોતી કરેલી કે હું ક્યારેય અભિનય કરીશ. (આ સિવાય મમ્મી એ મારી બીજી બે શોર્ટ ફિલ્મ્સ માં પણ અભિનય કર્યો છે. )

અમરના મમ્મીની જેમ મારા મમ્મીને પણ અથાણા વિશેષ પ્રિય. અમરના મમ્મીનો કાયમી પોશાક સલવાર કમીઝ , મારા મમ્મીની જેમ  ! અમરના મમ્મી તેને બાવા પાસે લઇ જાય છે , તેની જીવલેણ માંદગી ના ઈલાજ માટે, (તોય અમરનું મૃત્યુ થાય જ છે )હું દસમા માં હતો ત્યારે મારા મમ્મી પણ મને બાવા પાસે લઇ ગયેલા , જયારે તેમને લાગેલું કે આ છોકરો ગણિતમાં કદાચ ફેઈલ થશે (તોય હું ગણિતમાં ફેઈલ થઈને જ રહ્યો  )

“મા… મેરી મા…પ્યારી મા….મમ્મા

હો …ઓ …મા… મેરી મા…પ્યારી મા….મમ્મા”

હું નાનો હતો ત્યારે મમ્મી એક વાર્તા મને વારંવાર કહેતા , કે એક છોકરાને હાથમાં રેખાઓ જ નહિ , તેણે જાતે ચાકુ લઈને પોતાના હાથમાં રેખાઓ પાડી , અને મહાન હસ્તી બન્યો. પુરુષાર્થ નો મહિમા તેમણે મને આ રીતે સમજાવેલો …

“હાથો કી લકીરે બદલ જાયેગી ,

ગમ કી યે ઝંઝીરે પિઘલ જાયેગી ……”

મારી કોઈ વસ્તુ ખોવાઈ જાય એટલે મારા કરતા વધારે તેની ચિંતા મમ્મી ને હોય , હું થોડીક વાર શોધીને પડતું મુકું અને એ આખો દિવસ શોધ્યા કરે , ભગવાનનો દીવો માને , અને માનતા માને એના એક કલ્લાકમાં તો તેમનો દીવો થઇ જ જાય … એ દીવો માને …અને વસ્તુ તરત મળી જાય … એવું હંમેશા બને ..

“……..હો ખુદા પે ભી અસર , તું દુઆઓં કા હૈ ઘર ,

 મેરી મા… મેરી મા…પ્યારી મા….મમ્મા

હો …ઓ ….. મા…મેરી મા…પ્યારી મા….મમ્મા “

હું અને મમ્મી ( હું ૮મા કે ૯મા ધોરણમાં ભણતો હોઈશ , ત્યારનો ફોટો )

હું અને મમ્મી ( હું ૧૦મા કે ૧૧મા ધોરણમાં ભણતો હોઈશ , ત્યારનો ફોટો )

અમરને ખબર છે કે એ મરવાનો છે પણ તેને એ વાતની કોઈ ફિકર નથી , કોઈ ચિંતા નથી , કારણ કે તે એની મા પાસે છે , અને તેમની પાસે તેના બધ્ધા દુખ હળવા થઇ જાય છે. એક ટાઈમે જયારે મને ભગવાનમાં બિલકુલ શ્રદ્ધા નહોતી રહી , ત્યારે પણ મને મમ્મી ની પ્રાર્થનાઓ અને દુઆઓ માં તો અતુટ શ્રદ્ધા હતી. હું જ્યારે ખુબ ચિંતામાં હોઉં કે કોઈ બાબતને લઈને ખૂબ દુખી હોઉં ત્યારે મમ્મીના ખોળ માં જઈને સુઈ જાઉં, પછી બધું દુખ , બધી ચિંતા , બધી પરેશાનીઓ ગાયબ થઇ જાય છે

“બિગડી કિસ્મત ભી સંવર જાયેગી ,

ઝીંદગી તરાને ખુશી કે ગાયેગી ,

તેરે હોતે કિસકા ડર , તું દુઆઓં કા હૈ ઘર ,

 મેરી મા… મેરી મા…પ્યારી મા….મમ્મા”  

ક્યારેક જો મુશ્કેલીઓથી વધારે ડરી ગયો હોઉં, ક્યારેક વધારે પડતી નકારાત્મકતા આવી જાય અને એવું લાગે કે દુનિયામાં કશુય નથી સારું , જીવન અર્થહીન છે કારણકે બધા મનુષ્યો લાગણી વગરના છે,  ત્યારે એવો વિચાર પણ આવે કે કાશ હું ફરીથી નાનો થઇ જાઉં , અને મમ્મીના ઉદરમાં ફરી થી ઊછરું, ટૂંટિયું વાળ ને પડ્યો રહું

યુ તો મેં સબસે ન્યારા હૂં , તેરા માં મેં દુલારા હૂં ,

યુ તો મેં સબસે ન્યારા હૂં , પર તેરા માં મેં દુલારા હૂં ,

દુનિયા મેં જીને સે ઝ્યાદા ઊલ્જન હૈ માં , તું હૈ અમર કા જહાં ..

જેમ મા ને તેનું બાળક જેવું હોય તેવું, ખુબ ગમે તેમ બાળકને પણ તેની મા ખુબ વ્હાલી લાગે , ભલે તે તેના પર ખુબ ગુસ્સે થતી હોય તોય તેને મા વિના એક ક્ષણ ના ચાલે !

તું ગુસ્સા કરતી હૈ , બડા અચ્છા લગતા હૈ ,

તું કાન પકડતી હૈ , બડી ઝોર સે લગતા હૈ , મેરી મા …

 મેરી મા… મેરી મા…પ્યારી મા….મમ્મા  

જબ મેં છોટા બચ્ચા થા !

હું બહુ નાનો હતો ત્યાર ની વાત છે, ચોથા કે પાંચમાં મા હોઈશ.હું સ્કુલ મા મસાલાવાળા ચણી બોર ખરીદતો, મને ચણીબોર ખાસ ભાવતા નહિ, પણ એના ઠળિયા નું મને આકર્ષણ રહેતું. બધા ઠળિયા સ્કૂલબેગ ના એક ખાના મા ભેગા કરતો, અને પછી એ ઠળિયા બધા ને મારતો, બહુ મજા પડતી. નોટમાંથી કાગળ ફાડી ને તેની ભૂંગળી બનાવતો, એ ભૂંગળી મા ઠળિયો ભરી ને પછી જોર થી ફૂક મારતો, એ ઠળિયા મોટે ભાગે ક્લાસની છોકરીયો ને જ મારતો. અને પાછો મારો નિશાનો એકદમ પાક્કો, જે છોકરી ને નિશાનો બનાવી હોય, ઠળિયો એને જ જઈ ને વાગે.ક્લાસ ના છોકરાઓ મારી પાસે ફરમાઇશો લઇ ને આવતા કે “ઓલી ને માર ને….,ઓલી ને માર ને….” એક દિવસ નિશાળ છુટી ત્યારે એક છોકરી મારી પાસે આવી ને બોલી – “મને ઠળિયો તે માર્યો હતો”, મેં કહ્યું “હા , મેં માર્યો હતો, શું કરી લઈશ? ” એનો જવાબ હતો “હું તો એમ પૂછવા આવેલી કે તારી પાસે બોર વધ્યા હોય તો આપ ને મને થોડા ખાવા”. અને પછી એક દિવસ મારા પર પણ ક્યાંક થી ઠળિયો આવેલો, હું સમજી ગયો કે એણે જ માર્યો હશે, મેં તેની સામું જોયું તો તેના ચેહરા પર સ્મિત હતું, એના ચેહરા પર મને શબ્દો વંચાયેલા “હા મેં માર્યો છે, શું કરી લઈશ?”
હમણાં થોડા દિવસ પહેલા માળિયું સાફ કરતા એ સ્કુલ બેગ હાથમા આવી. એના ખાના ફંફોડયા તો એમાંથી બે-ત્રણ ચણીબોર ના ઠળિયા નીકળ્યા. જાણે કોઈ જુનું ખોવાઈ ગયેલું સ્વજન પાછુ મળી ગયું હોય તેવી લાગણી ઊભરાઈ આવી.

નાનપણ ની બીજી પણ એક વાત અત્યારે યાદ આવે છે,લગભગ દસમામાં હોઈશ. ત્યારે રાતે સુતા સુતા હું સીલીંગ ફેનને તાક્યા કરતો. એ દિવસો મા હું એકલો જ સુતો હતો- મારા રૂમ મા. મારા રૂમ નો સીલીંગ ફેન હલ્યા કરતો. એને જોઈ ને મને સતત ડર લાગ્યા કરતો કે આ પંખો હલતા હલતા અચાનક પડી જશે તો?
મારું માથું કપાઈ જશે તો?
એને સતત જોયા કરતો…., સતત ડર્યા કરતો,પછી અચાનક મનમા કોઈ દ્રઢ વિચાર આવતો, અને પછી જે થવું હોય તે થાય તેવી તૈયારી સાથે પંખાને જોયા કરતો, પંખો પડશે અને મારું મૃત્યુ થશે તો એ મુકદ્દરની વાત હશે,ઈશ્વરે મુકદ્દર મા અત્યારે મરવાનું કે ઈજા પામવાનું લખ્યું હશે તો એ પંખો બંધ કરીશ તોય થઈનેજ રહેશે.
અને પછી પંખા ને તાક્તા તાકતા તેના પડવાની રાહ જોયા કરતો,અને એ રાહ જોતા જોતા જ ઊંઘ આવી જતી.શું હું સાવ ડરપોક હતો કે પંખા ને જોઈ ને પણ આવા વિચારો આવતા? કે પછી હું બહાદુર હતો, કારણ કે ત્યારે મારી ધારણા પ્રમાણે પંખા ની પડવાની પૂરી શક્યતા હોવા છતાં હું ત્યાં જ સુઈ રહેતો.આજે પણ હું એ નથી જાણી શક્યો કે એ સમયે હું ડરપોક હતો કે બહાદુર હતો!