આનંદ બક્ષી

કોરા કાગઝ થા યે મન મેરા….

ફિલ્મ – આરાધના

વર્ષ – ૧૯૬૯

ગીત – કોરા કાગઝ થા યે મન મેરા….

ગાયક – કિશોર કુમાર , લતા મંગેશકર

ગીતકાર – આનંદ બક્ષી

સંગીત – એસ. ડી. બર્મન

મન ! આ મન પર કેટકેટલી બાબતો અસર કરતી હોય છે. ક્યાંક આપડાથી કોઈને કશું ખોટું કહેવાઈ જાય , અને પછી તરત અહેસાસ થાય કે કદાચ મારી આ વાત થી સામેAradhna1969 વાળાની લાગણી દુભાશે તો તરત આપડે કહીશું કે ભાઈ મારી વાત ને તું મન પર ના લેતો. કારણ કે આપણ ને ખબર છે કે  મન ખુબ સંવેદનશીલ હોય છે. બધી સંવેદનાઓ નું ઘર મન છે તો મનમાં આ સંવેદનાઓ આવી ક્યાં થી ? વેલ અફકોર્સ નેચરલ્લી જ આવી પણ શેના કારણે આવી ? કોના માટે આવી ? અને હું મુખ્ય સંવેદન વિજાતીય પ્રેમ પર આવું તો મારા માં એ સંવેદન ફિલ્મો ના લીધે જ આવ્યું , અને તમે પણ કદાચ કબૂલ કરશો કે પ્રેમલા પ્રેમલી ની ફિલ્મો જોઇને જ તમને જીવનમાં સૌ પ્રથમ વખત વિજાતીય પ્રેમ નો ઇન્ટરોડકશન મળ્યો હશે. મારું મન પણ હતું કોરા કાગળ સમાન પણ ફિલ્મો જોઈ ને એના પર પ્રેમનો રંગ વિખરાયો.

પ્રેમની વેકેન્સી તો ખુલી ગઈ , હવે એ વેકેન્સી પર કોઈને એપોઇન્ટ કરવાનો વારો આવ્યો. અરજીઓ પણ ખૂબ આવી. કોઈના સ્વીટ ચહેરા એ અરજી આપી તો કોઈ હસીના ની ઘટાદાર ઝુલ્ફો એ ! કોઈ એ પોતાની અરજીમાં માસુમિયત ની લાગવગ લગાવી તો કોઈ એ કાતિલ આંખો ના તીર નો ખતરો બતાવી ને મને નિશાનો બનાવ્યો. જોત જોતામાં કોરા કાગળ પર કેટકેટલું ચિતરાતું ગયું ! વેલ , પ્રેમમાં પડેલું હૃદય તો હંમેશા પવિત્ર જ હોય છે , ઇન ફેક્ટ એતો દુનિયા નું સૌથી પવિત્ર હૃદય છે – અને એવા પવિત્ર હૃદય પર કોઈ નું નામ લખાય ત્યારે જેનું નામ લખાયું હોય એ વ્યક્તિ એ ધન્યતા ની લાગણી અનુભવવી જોઈએ. પણ મેં કહ્યું તેમ , એ હૃદય પવિત્ર હોય છે , મન સાફ હોય છે , પણ કોરું નથી હોતું . ફિલ્મનું આ ગીત સાંભળવામાં મધુરું છે , શબ્દો સરસ અને હાઈલી રોમેન્ટિક છે , પણ સાઈકોલોજીકલ તથ્ય એના કરતા કૈક જુદું છે ( અને ગીતો માં તથ્યો શોધવાનાય ના હોય , એને તો ફક્ત એન્જોય કરવાના હોય ) મારા મત મુજબ મન ક્યારેય કોરું નથી હોતું , એના પર ઘણું બધું લખાય છે , ભૂંસાય છે , ચિતરાય છે , અને આ બધી પ્રક્રિયાઓ માંથી પસાર થયા પછી જ મન કોઈ નક્કર નિર્ણય પર આવે છે – કે હા , હવે એ વેકેન્સી પર તું પર્મેનેન્ટલી એપોઇન્ટ થઇ ! મારા જીવનના સુના આંગન માં પ્રેમ સ્વરૂપે વસી ગઈ …..

“કોરા કાગઝ થા યે મન મેરા

લીખ દિયા નામ ઇસ પે તેરા

સુના આંગન થા જીવન મેરા

બસ ગયા પ્યાર જિસ પે તેરા…..”

                 દીવા સ્વપ્નો તો ઘણાય હોય , પણ એમાંનું કોઈ સપનું જયારે હકીકત બનતું દેખાવા લાગે ત્યારે ખુબ ડર લાગે કે ક્યાંક આ સપનું તૂટી ના જાય ! સપનું જ્યાં સુધી સપનું જ રહે છે ત્યાં સુધી કોઈ ડર નથી , પણ જેવું એ બીજ , નમણા છોડ નું સ્વરૂપ ધારણ કરે છે તેવું તરત તેને કઈ થઇ તો નહિ જાય ને ? એવો ભાવ મનમાં ઉદભવે છે. પ્રિયજન ને સપનામાં પોતાની સાથે જોયા હોય , અને ખરેખર માં એ આપડા પ્રેમ નો સ્વીકાર કરે , પોતાના જીવનમાં સ્થાન આપે …. પોતાનો પ્રેમ આપે ….. પછી ? પછી પ્રેમ જ્યાં સુધી નવો નવો હોય ત્યાં સુધી ખુબ ડર લાગે કે એ છોડી ને તો નહિ જતી રહે ને ? એની સાથે આખી જિંદગી સાથે વિતાવવાનું મારું સપનું સાચું તો થશે ને ? નહિ થાય તો ? કોઈ અડચણ આવશે તો ? તારી કજરારી અને મતવાલી આંખો ના ઈશારા દિલને ટાઢક તો આપે છે , પણ સાથે સાથે મનમાં ડર પણ જન્માવે છે કે મનના દર્પણમાં જેનું રૂપ મેં વસાવ્યું છે , એ દર્પણ તૂટી તો નહિ જાય ને !?

“તૂટ ના જાયે સપને મેં ડરતા હૂં

નીસ દિન સપનો મેં દેખા કરતા હૂં

નૈના કજરારે …. મતવારે …. યે ઈશારે

ખાલી દર્પન થા યે મન મેરા ,

રચ ગયા રૂપ ઇસ મેં તેરા…..”

                       નવો નવો પ્રેમ થયો હોય એ વ્યક્તિ ને ચૈન સાથે કોઈ સંબંધ ન હોય , માત્ર બેચેની હોય , નીંદર કરતા વધારે સપનાઓ સાથે સંબંધ હોય , સુતી વખતે જેટલા સપના દેખાય એથી વધુ સપનાઓ જાગતા દેખાય. અને એ જાગતા દેખાતા સપનાઓ ને લીધે ક્યારેક એવું બને કે આખી રાત ઉંઘ ન આવે ! માત્ર સપના આવે – જાગતા સપના . અથવા તો પછી એ માણસ યાદો ને મમળાવ્યા કરે – મીઠી , મધુરી યાદો. અને આબધી વાતો થી મન ખુશ છે , સંતુસ્ટ છે , અને પરમ આનંદિત છે , આ યાદોમાં , આ શમણાઓ માં , આ ક્ષણો માં , પ્રેમની આ અનુભૂતિ માં માત્ર આનંદ જ નહિ , આનંદ ની ચરમ સીમા છે – મારા મનમાં આ આનંદ તારા થકી છે – મારું મન હવે તારું મિત છે , અને જે મન તારું મિત નહોતું એ તો જાણે કોઈ દુશ્મન હતું ….

“ચૈન ગવાયા મૈને નીંદિયા ગવાયી

સારી સારી રાત જાગું દૂ મેં દુહાઈ

કહું ક્યા મેં આગે … નેહા લાગે … જી ના લાગે ..

કોઈ દુશ્મન થા યે મન મેરા

બન ગયા મિત જા કે તેરા ..”

અને ક્યારેક વિચાર આવે કે આ બધું એનું એ જ તો હતું , એજ સુરજ , એ જ ચાંદ , એજ વૃક્ષો ,એજ બગીચો અને એ જ રસ્તાઓ …. પણ એ બધા થી મને કોઈ લગાવ નહોતો , જે તારા આવ્યા પછી થયો છે. તું એ ગલી ના વળાંક પર આવી ને મળી ગઈ પછી તો માત્ર એ વળાંક જ નહિ , ગલી જ નહિ , બલકે એ ગલીના દરેક વૃક્ષો , પક્ષીઓ અને રસ્તા પર ખરી ને પડેલા પાંદડાઓ સાથે પણ મને પ્રીત થઇ ગઈ. મારી અંદર શબ્દો નો સાગર પણ મારી જાણ બહાર પડેલો હતો , જે તારી સાથેની વાતો થકી છલકાવા લાગ્યો, તારી સાથેની મુલાકાતોમાં , રળિયામણી રાતોમાં તૂટેલા તારા જેવો આ મુસાફિર તારા પ્રેમ થકી રોશન થઈ ને ચાંદ બની ગયો , તારી કિસ્મતનો , તારા થકી , તારા માટે – આ ચાંદ ….

“બાગો મેં ફૂલો કે ખીલને સે પહેલે

તેરે મેરે નૈનો કે મિલને સે પહેલે

કહા થી યે બાતે… મુલાકાતે … ઐસી રાતે …

તૂટા તારા થા યે મન મેરા

બન ગયા ચાંદ હોકે તેરા …”

મેરી આવારગી ને મુજકો આવારા બના ડાલા !

ફિલ્મ – આવારગી
વર્ષ –  ૧૯૯૦
ગીત – ચમકતે ચાંદ કો તૂટા હુઆ તારા બના ડાલા …
ગાયક – ગુલામ અલી
ગીતકાર –  આનંદ બક્ષી
સંગીત – અનુ મલિક

પપ્પા એ એકદિવસ કહ્યું , કે લાવ આજે તારી પસંદ નું કોઈ ગીત સાંભળું , અને મેં મારો ફોન એમને આપ્યો. એ મારો પહેલો ફોન હતો , જે પપ્પા એ મને કોલેજ ના બીજા વર્ષમાં અપાવેલો. એ જમાનામાં મને એમ.પી.થ્રી. પ્લેયર વાળો ફોન અપાવેલો. તો મેં એ ફોન માં આ ગીત ચાલુ કરી ને તેમને આપ્યું . પપ્પા ઈયરફોન લગાવીને સાંભળવા લાગ્યા. પપ્પા નો ટેસ્ટ બહુ ઊંચો. ક્યારેક કોઈ ગીત કે ફિલ્મ તેમને ગમે તો તેની ડેપ્થ માં રહેલું હાર્દ પણ સમજાવે , મન ભરીને વખાણે. કોઈ ગીત કે ફિલ્મ નું મોરલ એટલી સરસ રીતે સમજાવે કે મોટે ભાગે એવું બને કે જે ફિલ્મ કે ગીત એમને ગમતા હોય એ પછી મારા પણ ખૂબ પ્રિય બની જતા. ( એક્સેપ્શનલ કેસ – હેમંત ચૌહાણ ના ભજનો, જે એમને ગમતા – અને મને બિલકુલ ન ગમતા ) આ ગીતમેં સાંભળવા આપ્યું ત્યારે મને વિચાર એવો આવેલો કે પપ્પાને આ ગીત કઈ ખાસ નહિ ગમે. પણ એમણે આ ગીત વખાણ્યું અને સાથે ગુલામ અલીના અવાજને ખાસ વખાણ્યો. ત્યારે મને મારી પસંદ પર માન થયું. આ એ સમય હતો , જયારે હું રોજ દિવસમાં ગુલામ અલીની પાંચ સાત ગઝલો સાંભળી ના લઉં ત્યાં સુધી મને દિવસ અધુરો લાગતો.
હું ઘણા સેલેબ્રીટીઝ ને મળ્યો છું પણ મારું પાગલપન ગુલામ અલી ને માટે! એની કળા પ્રત્યે માન , અને એના અવાજ પ્રત્યે પ્રેમ! વીસેક વર્ષનો હતો ત્યારે હું એમના કોન્સર્ટ માં ગયેલો , અને કોન્સર્ટ પતી ગયા પછી જયારે એ જઈ રહ્યા હતા ત્યારે રીતસર હું એમની ગાડી ની પાછળ દોડેલો , ઓટોગ્રાફ લેવા ! ગાડી માં જે સાઈડ ગુલામ અલી બેઠા હતા , એ કાચ પર હાથ માર્યો , એટલે ગુલામ અલી એ નજર ફેરવી ને મારી સામું જોયું પણ ખરું , અને પછી ગાડી ઊપડી ગઈ. કોઈ ગાડી માં જતું હોય તો એમના કાચ પર હાથ ના મરાય , એ ગાડીની પાછળ ના ભગાય , એ અસભ્ય વર્તન કહેવાય એવું બધું ભાન પાછળ થી થયું. અને પછી મને જ આશ્ચર્ય થયું કે મેં આવું કર્યું ?! હું આવું ગાંડપણ કેવી રીતે કરી શકું ! પણ એ સમયે મને કશું જ ભાન ન હતું , એ સમયે ફક્ત હું અને મારો ગુલામ અલી ! મારા દિલને બહેલાવતો એ અવાજ !

thumb_Awargi - Ghulam Ali
મારી આવારગીની વાતો જેટલી કરું તેટલી ઓછી છે , અને ના કરું એટલું સારું છે ! પણ આ ગીતનો મુખડો જયારે પણ સાંભળું ત્યારે જીવનનો સફર રીવાઈન્ડ થઈને મનમાં પ્લે થાય છે –
“ચમકતે ચાંદ કો તૂટા હુઆ તારા બના ડાલા ,
મેરી આવારગીને મુજકો આવારા બના ડાલા”
આ શહેર બધું આપે છે અને બધું છીનવે પણ છે , રોજ જે રસ્તા પરથી પસાર થતા હોઈએ , એ રસ્તાઓ સાથે કેટલીક યાદો જોડાય . જુદી જુદી જગ્યાઓ સાથે જુદી જુદી યાદો જોડાય. એ યાદો જરૂર મીઠી લાગે . પણ જ્યાં સુધી તમે સમય સાથે ઘસાયા નથી ત્યાં સુધી. સમય જેમ જેમ વીતતો જાય , તેમ તેમ તે તમારી જોડે થી બધું છીનવી લેવા માંડે. અને પછી એ યાદો સાથે જોડાયેલું કશું જ તમારી જોડે બચ્યું નાં હોય ત્યારે એ જગ્યાઓ , એ રસ્તાઓ બહુ બિહામણા લાગે. કોલેજની બહાર આવેલી કીટલી , જ્યાં બેસી ને તમે કેટલીયે ગપ્પા ગોષ્ઠીઓ કરી હોય ત્યાં આજે બીજું કોઈ બેઠું છે , એ જગ્યા તમારી છે માટે તમારી જગ્યા પર કોઈ નહોતું બેસતું પણ સોરી , હવે એ જગ્યા તમારી નથી રહી. એ મિત્રો પણ ક્યાં રહ્યા છે ! છોકરીઓ આવતા જતા તમને જુએ , એ ચાર્મ પણ ક્યાં રહ્યો છે તમારા ચહેરામાં ! આ રંગીન શહેર , અને રાતમાં વધુ રંગીન લાગતા એના મકાનો , લોકો , જગ્યાઓ સાથે તમે પણ ક્યારેક ચમકતા હતા , પણ આજે ! આજે શહેરની ચમક યથાવત છે , પણ તમારું એ ચમકમાં કોઈ સ્થાન નથી. જે કાલે તમારું હતું એ આજે બેગાનું છે , આ શહેર તમારા માટે એક દર્દભર્યું ગીત છે , અને તમે છો , એ ગીતને ગાનારા – બંજારા ..

“બડા દિલકશ , બડા રંગીન હૈ યે શહેર કહેતે હૈ ,
યહાં પર હૈ , હઝારો ઘર , ઘરો મેં લોગ રહેતે હૈ
મુજે ઇસ શહેર ને ગલીયો કા બંજારા બના ડાલા”

આ બહારની દુનિયા , આ શહેરની ભીડ ની વચ્ચે ક્યાંક આપણું ઘર પણ છે! એ ઘરમાં પણ અનેક કશ્મકશ છે. ઘરના વડીલ પર જવાબદારી હોય છે ઘરની , ઘરના કાયદા ઘડવાની ! એ એનો હક પણ છે , અને ફરજ પણ ! ક્યારેક એ વડીલ હક ભોગવવા નહિ પણ ફરજ સમજીને , બધાની ભલાઈ , બધાનું સુખ શોધીને કશોક નિર્ણય કરે , અને ઘરના બાકી ના સભ્યો એનો વિરોધ કરે. પછી મતભેદો થાય , મનભેદો થાય. ત્યારે ઈશ્વરને કહેવાઈ જાય – હું કશું કરી શકતો નથી , અને તું બધું જ કરી શકે છે , અને ખાસ તો હું જે નથી કરી શકતો , એ તું બહુ સહેલાઈ થી કરી શકે છે.

“મેં ઇસ દુનિયા મેં અક્સર દેખ કર હેરાન હોતા હૂં ,
ના મુજસે બન સકા છોટા સા ઘર , દિન રાત રોતા હૂં ,
ખુદાયા તુને કૈસે યે જહાં સારા બના ડાલા”

બધું ગુમાવ્યા પછી દર્દ જરૂર થાય છે. જે પોતાનું હોય એ ગુમાવવું પડે , જેના પર હક ભોગવ્યો હોય એ ગુમાવવું પડે , અને સાથે જે હંમેશા મેળવવા મથ્યા હોઈએ , એ મળે જ નહિ . અથવા તો એવું બને કે સાવ નજીક થી પસાર થઇ જાય , પણ તમારા હાથમાં ન આવે તે ન જ આવે. બધી હાર તમારી ઓળખ બની જાય અને બધી જીત ભૂતકાળ ! તમારી હાર એટલી બધી હોય કે જીતને લોકો ભૂલી ગયા હોય , અને એક સમય એવો આવે કે લોકોની સાથે સાથે તમે પણ એ ભૂલી જાઓ. અને વર્તમાન ની હાર થી મનમાં આવેલી મુફલિસી , ઉદાસી માંથી ક્યારેક ફરિયાદ નીકળી જાય કે હું પણ એ બની શકયો હોત જે આજે બીજા છે પણ હું આજે બીજું કંઈક છું . ખેર , ખુદની આ જ મરજી હશે , અને એની મરજી આગળ ક્યાં કોઈ નું જોર ચાલે છે …

“મેરે માલિક , મેરા દિલ ક્યોં તડપતા હૈ , સુલગતા હૈ ,
તેરી મરઝી , તેરી મરઝી પે કિસકા ઝોર ચલતા હૈ
કિસી કો ગુલ , કિસી કો તુને અંગારા બના ડાલા”

બધું પોતાની પાસે થી જઈ રહ્યું હોય ત્યારે એક આછો અણસાર જરૂર હોય કે એક દિવસ આ બધું મને બરબાદી તરફ જરૂર લઇ જશે. છતાં પરિસ્થિતિ બદલવી એ આપણા હાથમાં નથી હોતી , કારણ કે તકદીર માં જ બરબાદી હોય , પછી લાખ પ્રયત્નો કરો તોય છેલ્લે તો બરબાદી જ નસીબ થાય. ક્યારેક પરિસ્થિતિ બદલવી અઘરી હોય છે એમ ક્યારેક પોતાનો સ્વભાવ બદલવો પણ અઘરો હોય છે. એમ સમજાતું હોય કે બધું બની રહ્યું છે એની પાછળ કારણ હું જ છું , છતાંય પોતાની જાત ને બદલવી ક્યારેક અશક્ય થઇ પડે છે. તકદીર થી મજબુર , ફિતરત થી મજબુર , હાલાત થી મજબુર થઇ ને જે થવાનું હતું , એ જ થયું છે –

“યેહી આગાઝ થા મેરા , યેહી અંજામ હોના થા ,
મુજે બરબાદ હોના થા , મુજે નાકામ હોના થા ,
મુજે તકદીરને તકદીર કા મારા બના ડાલા”

આ ફિલ્મ નું ગીત છે જેમાં પહેલા બે જ અંતરા છે –

આ આખું ગીત છે , જેમાં ચારેય અંતરા છે –

THIS DIWALI, FEEL SOME DARD !

એક બીજો લેખ , “મેરી કહાની , ગીતો કી ઝુબાની” હારમાળાનો. એટલે દિવાળી માટે હાલ પુરતું તો તમને પીરસવા માટે મારી પાસે કોઈ સ્પેશીયલ દિવાળી મીઠાઈ નથી. એ જ જુનો બાજરા નો રોટલો છે જે હું તમને હંમેશા પીરસતો આવ્યો છું, પણ દિવાળી છે તો સાથે ગોળ પણ મુક્યો છે તમારું મોઢું મીઠું કરવા. અને એ ગોળ છે મારી આપ સૌને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ, અને શુભ દીપાવલી. આપની જીંદગી નું આ વર્ષ મંગલમય રહે , એ જ પ્રભુ ને પ્રાર્થના. નવા વર્ષમાં બધા મિત્રોને ફોન કરીને સાલ મુબારક કહેતો હોઉં છું, આપ સૌના નંબર હોત તો નવા વર્ષમાં આપ સૌની સાથે પણ વાત કરત, પણ વાત નથી થઇ શકી તોય મને લાગે છે કે હું આપ સૌને બેસ્ટ રીતે સાલ મુબારક કહી શક્યો છું કારણ કે પહેલા તો આ જ રીવાજ હતો ને ! દિવાળી કાર્ડ , પોસ્ટ કાર્ડ! સો ધીસ ઈઝ માય દિવાળી કાર્ડ ટૂ યુ ! ગમ્યું ? તો પ્રિન્ટ કાઢી લેજો હો ને ?

ફિલ્મ – અનુરોધ
વર્ષ – ૧૯૭૭
ગાયક – કિશોર કુમાર
ગીતકાર – આનંદ બક્ષી
સંગીત – લક્ષ્મીકાંત પ્યારેલાલ
ઢળતી સાંજ હતી, મારું મન ઉદાસ હતું, શહેરની ભીડ વચ્ચે હું રસ્તા પર ચાલતો જઈ રહ્યો હતો ત્યાં જ કિશોર કુમારનો સુરીલો અવાજ કાને પડ્યો. એક ગીત, જે પહેલા ક્યારેય સાંભળેલું નહોતું,કોઈક દુકાનમાં વાગી રહ્યું હતું. જે સાંભળતાવેંત જ મન રિલેક્સ થઇ ગયું. શું શબ્દો હતા બાકી ! દિલ પોકારી ઊઠયું .. આફરીન ! આફરીન!
“જબ દર્દ નહિ થા સીનેમેં તબ ખાખ મઝાથા જીને મેં , અબ કે શાયદ હમભી રોયે, સાવનકે મહીનેમે..”
સંઘર્ષ વિનાનું જીવન બધા ઝંખતા હોય છે, પણ આપણે બોસ જરા જુદી માટીના…., સંઘર્ષ તો જોઈએ જ, જો બધું બરાબર ચાલતું હોય તો ના હોય ત્યાંથી સંઘર્ષ ઊભો કરવાવાળાઓની એક જમાત હોય છે, જેમાં હું પણ આવું છું. છેલ્લે કઈ નઈ તો મગજમાં કોઈ વિચારોનો સંઘર્ષ તો ચાલુ જ હોય, અને આ પ્રકારના માનસિક સંઘર્ષ સેન્સીટીવ લોકોને જ થાય. બાકીના લોકો ખાલી અક્ષય કુમાર વાળું “સંઘર્ષ” ફિલ્મ જોઈ શકે! (બાપુ, હથોડા ના મારો !!! )
દર્દનો પણ એક નશો છે યાર, દારૂડિયા તો ઘણા હોય, પણ એ બધા કઈ દેવદાસના હોય. (એક આડવાત કરી લઉં, કે અમુક લોકો એમ માને છે કે દેવદાસ નું પાત્ર નથી સારું. એણે દારુ પીને શું ધાડ મારી? એણે પારો સાથે શું ન્યાય કર્યો? પણ એવું નથી ભાઈ, જરા સમજો! એણે પારો સાથે ખોટું કર્યું એનો એને પસ્તાવો છે, અને તે દારૂડિયો થઇ જાય છે તે તેના પસ્તાવાની પરાકાષ્ઠા છે. height of guilt. એવી પ્રેમની કે પસ્તાવાની પરાકાષ્ઠા પર સેન્સીટીવ માણસ જ જઈ શકે, દેવદાસ જ જઈ શકે. પણ જે લોકો જીવનમાં ખાલી નાકે સુધી શાક લેવા જ ગયા હોય તે શું સમજી શકવાના કે પ્રેમની પરાકાષ્ઠાએ કઈ રીતે જવાય! ) દુનીયા કે સમાજ તમારા દુઃખને લાફ્ટર ચેલેન્જનો શો સમજે છે,(સાચું કહું છું યાર, લોકોને બીજાના દુઃખ પર હસવાના વિકૃત શોખ હોય છે,મેં તો થીયેટરમાં પણ જોયું છે, ફિલ્મનું કોઈ મુખ્ય પાત્ર પોતાના અંતિમ શ્વાસો ગણી રહ્યું હોય અને ક્યાંકથી હસવાનો અવાજ આવે! ) કારણ કે એમને કોથમીરના ભાવ જ ખબર હોય , હૃદયના ભાવ આ બેદર્દ દુનિયા શું જાણવાની,(હે દુનિયા, તું મારા પર હસે છે અને હું તારા પર! તું કેવી દયનીય છે, લોકોના દુઃખ પર હસે છે! ઈશ્વરે તને સંવેદનાઓ જ નથી આપી, પુઅર બેબી!) એટલે જ તો આ ગીતની શરૂઆતમાં જ દુનિયાની ફિતરતને ધ્યાનમાં રાખીને એક મસ્ત શેર કહેવામાં આવ્યો છે,
“ના હસના મેરે ગમ પે , ઇન્સાફ કરના,
જો મેં રો પડું તો , મુજે માફ કરના .”
ચાર્લી ચેપ્લિનનું એક વિધાન છે કે હું વરસાદમાં રડવાનું પસંદ કરું છું, જેથી કોઈને મારા આંસુ ના દેખાય. એના પરથી જ કદાચ ગીતકારે આ ગીતમાં શબ્દો લીધા હશે “અબ કે શાયદ હમભી રોયે, સાવનકે મહીનેમે..”
હીરો ઘસાયો છે એટલે ચમક્યો છે , મનમાં વિચારોના સંઘર્ષ થયા છે , એટલે દિમાગ ફળદ્રુપ બન્યું છે અને એટલે જ કહ્યું છે કે “જબ દર્દ નહી થા સીનેમેં તબ ખાક મઝા થા જીનેમેં“
*અંતરો ૧
જોકે દુનિયાની જેમ મારો પણ સ્વભાવ છે, બીજાના દુઃખ કરતા પોતાનું દુઃખ જ હંમેશા મોટું લાગે! ભાગ્યે જ કોઈક ની વાત, કોઈક નું દર્દ સ્પર્શી જાય, હા માનું છું કે મેં હમણાં જ ઈમોશનલ હોવાના દાવા કર્યા, જે હવે ખોટા સાબિત થતા હોય, તો એમ રાખો, પણ ક્યારેક મને પણ કોઈ મિત્રની કોઈ વાત સ્પર્શી જાય છે (જોકે મોટેભાગે એમાં પણ એવું હોય કે એ મિત્રનું દુઃખ પોતાના કોઈ દુઃખ સાથે સામ્ય ધરાવતું હોય ત્યારે આપણને તે વાત વધારે સ્પર્શે, ઓલો કોઈક જાણીતા શાયરનો કોઈક જાણીતો શેર છે ને કે – દૂસરો કે દર્દ પર કોન રોતા હૈ, વો તો અપને હી કિસી ગમ કો યાદ કર કે રોયા હોગા. શબ્દો જરા આગળ પાછળ હશે પણ શેર કૈક આવો જ છે, કદાચ અહેમદ ફરાઝ નો છે.) નામ નહિ કહું, પણ મારો એક મિત્ર છે ત્રીસેક વર્ષનો. એના જીવન ના પ્રેમ પ્રકરણની એણે વાત કાઢેલી અને પછી બોલતા બોલતા એ એવડી એ છોકરીને યાદ કરીને રડી પડેલો.
યારો કા ગમ ક્યા હોતા હૈ,
માલૂમના થા અન્જાનો કો,
સાહિલ પે ખડે હોકે અક્સર દેખા હમને તુફાનો કો,
અબ કે શાયદ દિલ ભી ડૂબે મોજો કે સાફિને મેં, જબ દર્દ નહિ થા…

*બીજો અંતરો
મારી પણ આદત એવી કે હશે યાર, જવા દો, ભૂલી જાઓ, થઇ ગયું, પતી ગયું….પણ ક્યાં સુધી? પહેલા ક્યારેય નહોતો રડતો પણ હવે ક્યારેક મને પણ રડવું આવી જાય છે, અને જયારે આવે છે, ત્યારે ભરપુર આવે છે, હૃદય પહેલા કદાચ વધારે મજબુત હશે….
ઐસે તો ઠેસ ના લગતી થી,
જબ અપને રૂઠા કરતે થે,
ઐસે તો દર્દ ના હોતા થા,
જબ સપને તૂટા કરતે થે,
અબ કે શાયદ દિલ ભી તૂટે,
અબ કે શાયદ હમ ભી રોયે, સાવન કે મહીને મેં
જબ દર્દ નહિ થા…

ત્રીજા અંતરામાં બહુ પ્રેક્ટીકલ વાત કીધી છે, કોઈ કોઈને ગમ્મે તેટલું ચાહતું હોય, પણ તે ના હોય ત્યારે તેના વગર પણ તે રહેતા શીખી લે છે,
ઇસ કદર પ્યાર તો કોઈ કરતા નહી,
મરનેવાલોં કે સાથ કોઈ મરતા નહીં

અને ગીતની આ બે લાઈન….આહ! “પ્યાસા” નો ગુરુદત્ત યાદ અપાવી દે છે
આપકે સામને ફિર ના મેં આઊંગા,
ગીત હી જબ ના હોંગે તો ક્યા ગાઉગા,
(આડવાત – “પ્યાસા” ની રીમેક બની રહી છે જેમાં આમીર ખાન અને કેટરીના મુખ્ય ભૂમિકામાં નજર આવશે )

આમીર ખાન અને કેટરીના- “પ્યાસા”ની રીમેકમાં


અને છેલ્લે ગીતમાં ફિલ્મનું પાત્ર (રાજેશ ખન્ના) રીક્વેસ્ટ કરે છે કે જો તમને મારો અવાજ સારો લાગ્યો હોય તો એટલું કરજો કે મારો એક મિત્ર મરણ પથારીએ છે, એ બચી જાય એવી પ્રાર્થના કરજો
મેરી આવાઝ પ્યારી હૈ તો દોસ્તો…
યાર બચ જાયે મેરા…. દુઆ! સબ કરો….
અને છેલ્લે હું એ રીક્વેસ્ટ કરું છું કે જો તમને મારું લખાણ સારું લાગતું હોય તો પ્લીઝ નીચે આપેલી લીંક પર ક્લિક કરી ને આ ગીત સાંભળો કારણ કે આ ગીત મારા ખૂબ ગમતીલા ગીતો માંનું એક છે…

OH MY DARLING I LOVE YOU

ફિલ્મ – મુજસે દોસ્તી કરોગે
વર્ષ – ૨૦૦૨
ગીત – ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ
ગાયકો – અલીશા ચિનય, સોનુ નિગમ
સંગીત – રાહુલ શર્મા
ગીતકાર – આનંદ બક્ષી

કોલેજમાં દાખલ થતા પહેલા વાતો એવી સાંભળેલી કે કોલેજમાં છોકરાઓ છોકરીઓને ફેરવતા હોય. પણ કોલેજમાં દાખલ થયા પછી જોયું તો કંઈક અલગ જ નજરો હતો, છોકરીઓ છોકરાઓ ને ફેરવતી હતી,
છોકરાઓ લટ્ટુ થઇ ને છોકરીઓની પાછળ ફરતા હોય, અને છોકરીઓ એમની પાસેથી કામો કઢાવી લે. મારા ક્લાસની સુંદર છોકરીઓની ક્લાસના બધા છોકરાઓ ફિલ્ડીંગો ભરે, હું ઊભો ઊભો ઓબઝર્વ કરું કે કયું વાંદરું રોટલી લઇ જશે, ત્યાં જ કહાની માં ટ્વિસ્ટ આવે, બહારની જ કોઈ કોલેજનો છોકરો એ છોકરીને પટાવી જાય, પાછી એ છોકરી તે છોકરાને અમારી કોલેજમાં ઇન્વાઇટ કરે, અને બધા વાંદરાઓ જોડે ઇન્ટરોડ્યુઝ કરાવે. અને તોય પેલા લટ્ટુઓ એવા ને એવા, જાણે પોતાનો જમાઈ આવ્યો હોય તેમ તે છોકરાના સ્વગતો કરે. સાવ આવા નજારાઓ વચ્ચે મારી જવાની વેડફાઈ રહી હતી.
આ ફિલ્મ-ગીત તો હું સ્કુલમાં હતો ત્યારે આવેલું, પણ કોલેજમાં આવીને મને તેના શબ્દોની યથાર્થતા સમજાઈ.

ગીતનું મુખડુ, ફિલ્માંકન- કરીના
“આજ કે લડકે આઈ ટેલ યુ , કિતને લલ્લુ વ્હોટ ટુ ડુ,
કોઈ મુજે પૂછે હાવ આર યુ, કોઈ મુજે બોલે હાવ ડુ યુ ડુ,
કભી કોઈ મુજસે ના કહે, ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ,
ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ..,ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ..”


અને એટલું હું શીખી ગયો કે પ્રપોઝ સિવાય ઉધ્ધાર નથી. એટલે મેં નક્કી એ મુજબનું કર્યું કે પ્રેમમાં પછી પડીશું, પહેલા પ્રપોઝ મારવાની પ્રેક્ટીસ કરી લઉ. જેના લીધે મારામાં એક નવા શોખનો ઉદભવ થયો!! પ્રપોઝ મારવાનો શોખ! અને એ શોખ પૂરો કરવા મેં રોઝ ડે સિલેક્ટ કર્યો. વાંદરા મંડળી ના બધા સભ્યો પીળા રંગના ફુલ ખરીદતા, અને ક્લાસની બધી છોકરીઓ ને આપતા. મેં કીધું યાર રોઝ લેવું તો લાલ ! પીળું શુ કામ! (આમતો બધાને ખબર જ છે પણ જેને ના ખબર હોય તેના માટે કહી દઉં કે તમે કોઈને પીળું રોઝ આપો એનો અર્થ એ થાય કે તમે તેની સાથે મિત્રતા કરવા માંગો છો, અને લાલ રોઝ આપો તો એવું માનવામાં આવે કે તમે તે વ્યક્તિને પ્રેમ કરો છો)
એટલે લલ્લુઓ ની કોલેજમાં પીળા ફૂલ ચપો ચપ વેચાઈ રહ્યા હતા, અને લાલ ગુલાબ ઓછા ત્યાં જ મેં ફૂલવાળી જોડે કેટલાક લાલ ફૂલ માંગ્યા, એટલે તેણે પણ ઊંચું જોઇને મારો ચેહરો જોવાની તસ્દી લીધી, એના મોઢા પર મેં લખેલું વાંચ્યું – “આજે આ ભાયડો ભડાકા કરવાનો લાગે છે! ”
છોકરીઓને પણ કોઈ એવો અફસોસ ના રહી જવો જોઈએ કે “કભી કોઈ મુજસે ના કહે, ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ”

ગીતનું બીજું મુખડુ, ફિલ્માંકન – રિતિક
આજ કી લડકી આઈ ટેલ યુ, નખરેવાલી સુન લે તુ,
ના મેં પૂછું હાવ આર યુ, ના મેં બોલું હાવ ડુ યુ ડુ,
અભી યહીં મેં કહેતા હૂં , ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ
હેય ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ ….ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ ….
ગીત નો અંતરો
કરીના – “રોઝ મિલે ચુપકે ચુપકે, પ્યાર કરે છૂપકે છૂપકે…”

પણ હું તો ખુલ્લે આમ ગયો, હું એસ.વાય. માં હતો, એફ.વાયની એક છોકરી (જે મને ઓળખતી હતી, હાય હેલ્લો નો વ્યવહાર હતો ) એના ગ્રુપના છોકરા છોકરીઓ સાથે ઊભી હતી, અને મેં હાથમાં ગુલાબનું ફૂલ પકડીને તેની તરફ કદમ ઊપાડ્યા, એ છોકરી , અને તેના ગૃપના બીજા મિત્રો એ મારી તરફ નજર સ્થિર કરી, હું એ છોકરીની નજીક ગયો અને તેને લાલ ગુલાબ ધર્યું,અને હું બોલ્યો – “હેપ્પી રોઝ ડે ! ” એ બિચારી ઓલમોસ્ટ ગભરાઈ ગઈ અને બોલી – “પણ યુ…વ…રા….જ…આતો લાલ…!!!!”
હવે, ગીતનો બાકીનો અંતરો, પછી આગળની વાત..

રિતિક – મેં કબ કિસી સે ડરતા હૂં, મેં તો તુમ પે મરતા હૂં
કરીના – મેં કૈસે યે માનું, ચલ મેરા હાથ પકડ લે તુ,
રિતિક – લો હાથ પકડ કે મેં બોલું , ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ…
ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ… હેય ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ…

મેં જવાબ આપ્યો – “પણ ગાંડી હું તને પ્રેમ કરું છું ” આટલું બોલીને થોડી વાર માટે અટકી ગયો, અને બધાના ચેહરાના હાવ ભાવ નોંધી રહ્યો, એ લોકો મારા હાવભાવ-કારસ્તાન ની નોંધ લેવામાં વ્યસ્ત હતા, સ્તબ્ધ હતા, એ સન્નાટા માં ભંગ પાડીને મેં મારું વાક્ય પૂરું કર્યું “અરે પણ ગાંડી હું તને પ્રેમ કરું છું…..એવું ક્યાં મેં તને કીધું! ઇટ્સ જસ્ટ એ રોઝ ટુ વિશ યુ અ હેપ્પી રોઝ ડે! ” અને તેણે એક હળવા સ્મિત સાથે એ ગુલાબ લઇ લીધું. પછી એ દિવસે જે તેને મળતું તે પૂછતુ કે આ ગુલાબ તને કોણે આપ્યું, એ કહેતી “યુવરાજે ! ” પછી લોકોનો બીજો પેટા પ્રશ્ન પણ હોય – “તો શું એણે તને પ્રપોઝ કર્યું?”, એનો પણ સ્વભાવ મારા જેવો મજાકિયો, એટલે તે કહેતી – “એ તો બધી એને ખબર….મને તો ખાલી એણે ગુલાબ આપ્યું, ને મેં લઇ લીધું ! ” આ જ રીતે મારા ક્લાસની કેટલીક છોકરીઓને પણ લાલ ગુલાબ આપ્યું, અને તે બધીઓ એ પણ સ્વીકાર્યું. અને છેલ્લે મારા પ્રિય મેમ ને પણ લાલ ગુલાબ આપી આવ્યો, પણ એમના માટે હૃદય માં ખુબ આદરભાવ ! શી વોઝ માય આઇડીયલ! એમના તો લેકચર બીજા ક્લાસમાં પણ હોય તોય હું ભરવા જતો “મે આય એટેન્ડ ધીસ લેકચર મેમ ? ” એમ પૂછીને તેમના બીજા ક્લાસના લેક્ચર્સ માં પણ ઘૂસી જતો.
આ કોલેજકાળ દરમ્યાન પ્રપોઝ શોખ અંતર્ગત બીજું પણ એક કાર્ય હાથ ધર્યું. જેમાં હું પ્રપોઝ તો કરતો , પણ મિત્રો માટે. એટલે કે જે બિચારા પ્રેમ કરતા હોય પણ પ્રપોઝ કરવામાં ગભરાતા હોય તેમના વતી તેમના હૃદયમાં વસેલી જે તે છોકરીને હું પ્રપોઝ કરી આવતો, એટલે કે તેમના માટેનું જ પ્રપોઝ, પણ મારા દ્વારા. મારા એક મિત્રને એફ.વાય. ના નવા સ્ટોકમાં આવેલી નવી એક છોકરી ગમેલી. મેં કીધું કે તારું પ્રેમ નું પૂછી લઉં? તો એણે કીધું કે ના યાર, મારે તો ખાલી દોસ્તીનું જ પૂછવું છે, બાકીનું કામ તો હું સ્ટેપ બાય સ્ટેપ કરી લઈશ. એટલે એક દિવસ પેલી છોકરી બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતી ઊભેલી, , બસતો ના આવી પણ હું ત્યાં આવી ગયો મારા એ મિત્રને લઇ ને. ને પછી મેં કીધું કે હેલ્લો મેડમ,અમે તમારા સીનીયર છીએ, મારું નામ યુવરાજ ને આ મારો મિત્ર, જે તમારી સાથે મિત્રતા કરવા માંગે છે, તમને રસ છે? છોકરીએ કોઈ જવાબ તો ના આપ્યો એટલે બસ સ્ટેન્ડ પર ઊભેલા બીજા લોકો કોઈ જવાબ આપે તે પહેલા અમે ચાલતી પકડી. પણ એ ઘટનાના થોડા દિવસ પછી જ મેં તે છોકરીને મારા એ મિત્ર સાથે કોલેજના પાર્કિંગમાં વાતો કરતા જોઈ.

ગીતનો બીજો અંતરો
રિતિક – અચ્છા તો ચલ પ્યાર કરે, સાત સમુંદર પાર કરે
કરીના – તેરે સાથ ના આઉ મેં, રસ્તે મેં ડૂબના જાઉં મેં
રિતિક – પ્યારમેં જો ડૂબ ગયે , યાર વહી તો પાર હુએ
કરીના – ઐસા હૈ તો સુન સોણેયા, ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ..
ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ.. ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ..

બીજા એક કિસ્સામાં તો મેં પોતે પ્રપોઝ મારેલું, ફોન કરીને. એક્ચુઅલ્લી એમાં એવું થયું કે એ મિત્રને પ્રપોઝ મારવું હતું પણ શું બોલવું તે ખબર નથી પડતી, એવી તકલીફ લઇ ને તે મારી પાસે આવ્યો, એટલે મેં તેને ચિટ્ઠી લખી લીધી (મારી અંદરના લેખકને તેણે છંછેડ્યો) મેં કીધું કે આમાં લખેલું આજે રાતે યાદ કરી લેજે અને કાલે સવારે જઈ ને કહી દેજે. એક કલ્લાક પછી તેનો ફોન આવ્યો કે મારા થી નહી થાય, જીભ નહી ઊપડે, ગભરાઈ જઈશ. એટલે અમે રાતે જ ટેલીફોન બૂથ પર ગયા, અને પેલીના હોસ્ટેલ પર ફોન જોડ્યો, મેં યુવરાજ તરીકે નહી પણ મારા મિત્ર તરીકે, પેલાના અવાજમાં પેલી સાથે વાત કરી. પેલી ને ખ્યાલના આવ્યોકે બીજું કોઈ બોલે છે, એટલે મેં વાત આગળ ચલાવી. મેં કીધું યાર આજે તું શું ગજ્જબ લાગતી હતી, શું તારા વાળ હતા…શેમ્પુ કરીને આવેલી? એણે કીધું – “પણ હું તો આજે કોલેજ આવી જ નહોતી ” મેં જવાબ આપ્યો – “ઓહ, યસ યસ, અફકોર્સ, હું તો એક્ચુઅલ્લી ગઈકાલની વાત કરું છું” અને પછી આડીઅવળી કેટલીક વાતો કરીને મુખ્ય વાત કરી ત્યારે પેલી એ ના પાડી. વેલ , એમાં મારો કોઈ વાંક નથી, ના તો એણે પેલા ને પાડેલી, એટલે થોડું ઘણું પેલાની પર્સનાલીટી પર પણ આધાર રાખે છે. (જોકે એ મિત્રને પહેલેથી જ કોન્ફિડેન્સ હતો કે પેલી ના જ પાડશે )છેલ્લે તોય મેં તે છોકરીને મનાવી લીધી કે “ગાંડી આવું બધું તો ચાલ્યા રાખે, કશું મગજ પર ના લેતી, અને આપણી દોસ્તી યથાવત ચાલુ રાખજે”
તમેય હવે આ ગીત જોઈ નાખો, એટલે પતે વાર્તા..