ઝીંદગી ના મીલ અજનબી બનકે.. બંદગી શામિલ હૈ દુઆ બનકે ..

  • આજે બસ એમ જ કૈક લખવાની ઈચ્છા સાથે – શું લખીશ એની જાણ વગર.. આપ સૌની સમક્ષ પ્રગટ થયો છું.. જસ્ટ લાઈક માય પ્રીવિયસ પોસ્ટ. એ પોસ્ટમાં આમ જુઓ તો કઈ ખાસ નહોંતુ, પણ બીટવીન ધી લાઈન્સ વાંચશો તો જણાશે કે મારા જીવનના હાલના તબક્કા વિષેની કેટલીક અંગત વાતો મેં એ પોસ્ટમાં શેર કરી છે.
  • મારા દિગ્દર્શન હેઠળ બની રહેલી બીજી ફિલ્મ ફ્લોર પર જવાની તૈયારીમાં છે, અને બંને ફિલ્મ બનાવવાની તક મને મળી એનો શ્રેય જાય છે નિર્માતા શ્રી રીતેશ મોકાસણા ને . એમણે મારા પર વિશ્વાસ મુક્યો અને હું “ઓલ્વેઝ રહીશું સાથે ” બનાવી શક્યો. અમારો પ્રાથમિક પરિચય બ્લોગ માધ્યમે જ થયેલો, એટલે બ્લોગના માધ્યમે હું એમનો આભાર ન માનું તો નગુણો ગણાઉં. તો રીતેશભાઈ , આજે હું એ આભાર માનીને મારા મનનો થોડો ભાર હળવો કરું છું. એમના વિષેની ઘણીબધી વાતો છે, સાથે વિતાવેલી સુંદર ક્ષણો છે, જે મારે આપ સૌ સમક્ષ શેર તો કરવી રહી.. પણ એ ક્યારેક શાંતિ થી.. પૂરતો સમય ફાળવીને .. પણ એટલું અત્યારે ચોક્કસ કહીશ કે હી ઈઝ અ મેન વિથ ગોલ્ડન હાર્ટ.
  •  ડાયરી લખવાનો સિલસિલો ફરીથી શરુ કર્યો છે, અને એ બહાને કામ અને સાહિત્ય સિવાય પોતાનું કૈક લખવાની આદત પડી .. તો ફરી પાછો બ્લોગ યાદ આવ્યો, તો આજે અહીં આવ્યો.
  • મમ્મી માર્ચમાં મને છોડીને અનંતની યાત્રાએ ચાલ્યા ગયા.. ૨૦૦૬ માં પપ્પાને ગુમાવ્યા પછી મને મમ્મીનો જ સહારો હતો.. અને અમને બંનેને એકબીજાનો.. પણ હવે એમના સહારા વગર અઘરું લાગે છે ..
  • તબિયતનો અત્યારે બિલકુલ સાથ નથી, પણ તબિયતનું વિચારીને બેસી રહેવું એ પણ મારી તબિયતને અનુકુળ નથી. એટલે એક્ટીવ થવા મથું છું, થાય તેટલા કામો પતાવું છું અને બાકીનો સમય દવામાં રહેલા ઘેનની અસર હેઠળ હાલ સુવામાં વીતે છે. બહુ હાઈ ડોઝની દવાઓ નો કોર્સ પ્રીસ્ક્રાઈબ થયો છે, જે લીધા વિના છૂટકો નથી.
  • બહુ વધારે નથી ફર્યો છતાં ઓછુ પણ નથી ફર્યો, પણ જેટલું ફર્યો છું એમાં આબુ મને વિશેષ પ્રિય રહ્યું છે. શૂટ પતે અને તબિયતના લફડા ઓછા થાય એટલે આબુ જવાની તલબ પૂરી કરવી છે. શિયાળામાં ત્યાં જવાની મજા અલગ છે. ઠંડીની ઋતુ શરુ થઇ છે, પણ હજી બરાબર જામી નથી..
  • તો હવે વિરમું ? આજકાલ મારા હાલ એવા છે કે હું જિંદગીને શોધી રહ્યો છું, અને એ મને શોધી રહી છે. પણ અમે બંને એકબીજાને જુદા જુદા રસ્તે શોધી રહ્યા છીએ એટલે ક્યારેય ભેટો નથી થતો.. શું લાગે છે ? થશે ખરો ? થયો કે ના થયો એની વાત આપણી હવે પછીની મુલાકાતમાં હું કરીશ..

 

12 comments

  1. આપની મમ્મી વિશે આજે જાણ્યું. દુઃખ થયું. જે થયું તે સ્વીકારવું પડે છે અને આમ જ આ દુનિયા હંમેશા આગળ વધતી રહી છે.

    અને હા, આપને પણ ખ્યાલ હશે જ કે.. “પહેલું સુખ તે જાતે નર્યા”, મને કોઇ સમયની લાંબી-અઘરી બીમારીએ તે વાક્યને કૃર રીતે શીખવ્યું છે. તમે સ્વાસ્થ્ય સંભાળજો ભાઇ…

  2. બીજી વિગતોની તો જાણ છે પણ તબીયતના સમાચાર તમારા જેવા કામઢા માણસ માટે તકલીફવાળા છે. શરીર જાતે રીપેર થાય છે એ વાસ્તવિકતા યાદ રાખી, શરીરને રીપેર થવા ‘સમય’ આપજો

  3. આંટી વિષે સહસા જાણીને શું કહેવું એ જણાવી શકતો નથી ! મારો અને આપના બ્લોગ થકી આપ સાથેનો મૈત્રીસંબંધ આંટી’ની એ સરળ અને સહજ બ્લોગપોસ્ટ થકી જ બંધાયેલો ને . . . ઘણા ઓછા કિસ્સાઓમાં માં અને મિત્રનો સુભગ સમન્વય રહેલો હોય છે , જાણેકે સમજ અને સ્વીકારનો સરવાળો .

    આશા છે કે તેઓ આપસૌની સુખદ સ્મૃતિઓ વળોટીને ગયા હશે અને તે જ રીતે તેમની પણ ઋજુ સ્મૃતિઓ તમારી ચેતનામાં વિસ્તરી રહેશે .

    મિત્ર તબિયત સંભાળતા રહેજો અને આપની મુવી પુરી થયે જરૂરથી બ્લોગ પર સંભારણા વહેંચજો .

    1. – હા, મમ્મી વિષેની વાતો અવારનવાર આ બ્લોગ પર શેર કરી છે એટલે .. તમારો પરિચય પણ મમ્મી સાથે ખરો..
      – હવે બસ એ સ્મૃતિઓ જ છે..
      – હા જરૂર .. સંભારણા વહેંચીશ અને તબિયત પણ સાચવીશ બંધુ ..

  4. બેટા…ખબર છે અત્યારે તું કપરા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. પણ તબ્યત બાબતે બેદરકારી ન રાખતો. એ માટે ના જરૂરી નિયમોનું પાલન કરજે.
    તારા કામમાં તને ફતેહ મળે ને તારું જીવન ગગનવિહારી પંખીની જેમ ઉડાઉડ કરે છે એમાં સ્થિરતા આવે એ જ દિલથી શુભકામના.

  5. કેમ છો બાપુ? ઘણા દિવસ પછી આપના બ્લોગની મુલાકાત કરી યુવરાજભાઈ… આપની માતા નાં સમાચાર સાંભળી દુખ થયું. ભગવાન એમના આત્માને શાંતિ આપે. આવી જ રીતે કૈક ને કૈક લખતા રહો… ક્યારેક મળવાનું ગોઠવો… આપે મને ૯૨૭૫૧૫૮૭૯૭ ઉપર સંપર્ક કરી શકો છો. આવજો… અને ખાસ તબિયત ઉપર ધ્યાન રાખજો એવી આપના એક ભાઈની સલાહ માનજો એવું હોય તો થોડો સમય…

Leave a comment