લઘુકથા

એની હથેળીનો સ્પર્શ


આયુષી આજે મોડી આવી. કેફે કોફી ડે ની લાલ રંગની દીવાલને અડીને બેઠેલો હું, મલકાઈ ઊઠ્યો એના આગમન થી. આયુષી ના આગમનથી. મારી આયુષી ના આગમન થી. હા, આયુષી મારી, ફક્ત મારી… એવું ફક્ત બે જણા માને છે,પ્લીઝ તમે એવું ના વિચારતા કે હું ને આયુષી એવું વિચારતા હોઈશું! એવું માનવામાં પહેલો હું અને બીજું મારું હૃદય! હવે તમે કહેશો કે હૃદય પણ મારું જ છે તો તેને બીજી વ્યક્તિ તરીકે કેવી રીતે ગણાય? તો એ એવી રીતે ગણાય કે તે આજ કાલ મારું નથી રહ્યું. એકઝેટલી, હવે તમે બરાબર વિચાર્યું, તે આયુષીનું થઈ ગયું છે. મારી કોઈ વાત માનતું જ નથી. બસ એના વિચારો માં…. જ્યારથી તેને જોઈ છે ત્યાર થી! હા, બસ ત્યારથી જ ! એ જ ક્ષણે મને તેની સાથે પ્રેમ થઇ ગયો. લવ એટ ફર્સ્ટ સાઈટ! પહેલી જ નજરમાં પ્રેમ! છ છ મહિના થઇ ગયા, તેના પ્રેમમાં તડપતા તડપતા…! આયુષી…..આયુષી ….ને બસ આયુષી ના જાપ. દિવસ અને રાત! આયુષી આમ હસમુખી, બધા સાથે ભળી જાય, મારી સાથે પણ ભળી ગઈ. ચાલો, દોસ્તી તો થઇ. દોસ્તી દિવસેને દિવસે ગાઢ પણ થતી ગઈ. અને જોત જોતામાં અમે બેસ્ટ ફ્રેન્ડસ બની ગયા.
સાથે હરતા ,ફરતા , હસતા ,બોલતા , અલક મલકની વાતો કરતા, પણ પ્રેમ? હા, પ્રેમની પણ વાતો કરતા, પ્રેમની એટલે પ્રેમ વિશેની, આદર્શ પ્રેમની વ્યાખ્યા, પ્રેમીપાત્ર કેવું હોવું જોઈએ વગેરે વગેરે! મને તો પ્રેમ થઇ પણ ગયેલો, પણ તે આયુશીને કોણ સમજાવે? વેલ, મારે જ સમજાવવું પડે કે હું તેને કેટલો પ્રેમ કરું છું પણ તેવું કહેવાની હિંમત ક્યાં થી લાવવી? આમતો તેની સાથે કલ્લાકો ના કલ્લાકો સુધી વાતો કરી શકું, પણ એ એક વાત ના કહી શકું જે મારે તેને છ છ મહિના થી કહેવી છે. આજે કહી દઉ? ના, કાલે કહીશ, ડીનર પર લઇ જઈ ને કહું? કે અચાનક ચાલતા ચાલતા હાથમાં હાથ પરોવી લઉં અને એ રીતે શબ્દો વગર સ્પર્શ થી તે વાત કહી દઉં. પણ સ્પર્શેય ક્યાં કરી શકું છું. તે છુટા પડતી વખતે હાથ મિલાવવા હાથ લંબાવે છે ત્યારે તેની નાજુક હથેળીને અડી ને આખા શરીરમાં રોમાંચ વ્યાપી જાય છે.
પણ આજે હું તેને કહી દેવાનો છું, દિલની વાત! છ છ મહિનાથી જે વાત મેં ફક્ત તેને આંખો થી કહી છે, તોય તેણે નથી સમજી! સાવ ડોબી છે ને? આજે તો મોઢા મોઢ કહી જ દેવું છે “આયુષી આઈ લવ યુ!” ગભરાયા વગર, હિંમત કરીને આજે તો કહી જ દઈશ, આજે પાછો નઈ પડું, કારણકે છેલ્લા કેટલાક દિવસમાં મેં અનુભવ્યુ છે કે તે પણ કદાચ મને….?? પ્રેમ….!!!! કદાચ નહી, શ્યોર કરતી જ હશે, આગ દોનો તરફ બરાબર લગી હૈ. ધેટ્સ વ્હોટ આઈ ફિલ!
ફાઈનલ્લી આયુષી આવી ગઈ, થોડી મોડી આવી, પણ આવી ગઈ અને કેફે કોફી ડે ની લાલ રંગની દીવાલને અડીને બેઠેલો હું, મલકાઈ ઊઠ્યો એના આગમન થી. આયુષી ના આગમનથી. મારી આયુષી ના આગમન થી.
“આયુષી કેમ મોડું થયું તને આવવામાં તને ખબર છે આજે મારે તને કેટલી ઈમ્પોટર્ન્ટ વાત….”
“ના પહેલા તું મારી વાત સંભાળ કાર્તિક, આઈ એમ ઇન લવ!”
“ખરેખર આયુષી…..હું તને…..?”
“હા, તું જ મને પહેલો મળ્યો જેની સાથે હું આ વાત શેર કરી રહી છું! પેલો જીગર છે ને…! મને ગમતો હતો, એ પણ છ છ મહિનાથી, આજે તને અહિયાં મળવા આવતી હતી ત્યારે રસ્તામાં તે મળી ગયો, એન્ડ ગેસ વ્હોટ, એણે સામેથી પ્રપોઝ કર્યું ! માય ગોડ, આજે હું ખૂબ જ ખૂશ છું. ચાલ તને આજે ટ્રીટ આપું, શું લઈશ? ”
“તને સુખ આપીશ અને હું દુઃખ લઈશ” એવું કૈક હું મનમાં બોલ્યો ને પછી મેં તેને કહ્યું – “આયુષી, મારે જવું પડશે, તું આવી એ પહેલા જ પપ્પાનો ફોન આવેલો, ક્યાંક બહાર જવાનું છે…”
ઓહ, ધેન યુ શૂડ ગો, બાય….” તેણે હાથ મિલાવવા માટે હાથ લંબાવ્યો, મેં તેના હાથમાં હાથ પરોવ્યો, તેની નાજુક હથેળીનો સ્પર્શ મેળવીને હું કેફે કોફી ડે ની બહાર નીકળ્યો.