યાદોં કી બારાત

દિવાળીમાં મારે ઘેર … આવશો કે નૈ ? આવશો કે નૈ ?

મારા માટે નાનપણથી દિવાળીનું સૌથી મોટું આકર્ષણ – રંગોળી !નાનો હતો ત્યારે બહેનો જ બનાવે, આપણને કોઈ ચાન્સ ના આપે… પછી થોડો મોટો થયો એટલે સમજ64613_Diwali-Fireworks-Wallpapers_1024x768 આવી કે ચાન્સ કોઈ આપે નહીં પણ જાતે લઇ લેવો પડે. ત્યારથી દરવર્ષે રંગોળી બનાવું છું. એ પણ જેમતેમ નહીં હોં, પહેલા ગેરુ લગાડવાનું , પછી ચિતરવાની જુદી જુદી રચનાઓ …. ક્યારેક મોડર્ન આર્ટ તો ક્યારેક સિમ્પલ તો ક્યારેક ચાર્ટ ! આ બધું વાંચીને એવું ના માની લેતા કે હું રંગોલીનો ખેરખા છું, એવું બિલકુલ નથી. સામાન્ય કરતા પણ થોડી ઉતરતી કક્ષાની રંગોળીઓ માં મારી રંગોળી આવતી હોય છે. હવે પાછો ફોટાનો જમાનો આયો છે એટલે તમે કહેશો કે એ બધું જવાદો અને અમને જાતે જ નક્કી કરવા દો … લાવો બતાવો ફોટા ? તો એમાં એવું છે કે ફોટા તો બધા  ખૂબ આડાઅવળા … અને એથીયે અવરચંડી મારી આળસ એટલે ફોટા માટે હાલ પૂરતું મુલતવી.

ફટાકડાનું પણ જબ્બર આકર્ષણ નાનપણમાં હતું. ફટાકડા વાળો ઘરે આવીને એક કાગળ આપી જતો, જેમાં તેની દુકાનમાં ઉપલબ્ધ બધા ફટાકડાના નામ અને કિંમત લખેલા હોય અને દરેકની સામે એક ખાનું. પછી જે ફટાકડો લેવો હોય એની સામે આપેલા બે ખાનામાંથી એક ખાનામાં ટીક કરવાનું અને બીજા ખાનામાં ક્વોન્ટીટી લખવાની. પ્રાઈઝ પણ આપેલી હોય એટલે ઓર્ડર આપતી વખતે જ આપણ ને ખબર પડી જાય કે કેટલો ખર્ચ થશે. જોકે એ ટોટલ માં દુકાનવાળો થોડું ડિસ્કાઉન્ટ પણ કરી આપતો. અને પછી આવતો… ફટાકડાનો મોટ્ટો કોથળો ! જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એ કોથળાની સાઈઝ નાની થતી ગઈ… કોથળો નાનો થતા થતા ધીમે ધીમે ગાયબ જ થઇ ગયો. અને હવે મૂડ હોય તો એકાદું ૫૫૫ નું પેકેટ લઇ આવું , અને હા, તારામંડળ પણ ! તારામંડળ મને સૌથી વધુ ગમે…. એના તણખામાં જાણે મને કઈ કેટલીયે ઉજાણીઓ સમાયેલી લાગે. હું ૪ – ૫ તારામંડળ ઝાડ પર લટકાવીને પછી બધા સાથે સળગાવતો . સરસ નજારો સર્જાતો.

અને લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ , મીઠાઈઓ . આખો દિવસ દિવાળીના નાસ્તા આચળ કુચળ ખાધા કરવાની મજા જ જુદી . એમાં મારી અતિ પ્રિય સુંવાળી. સુંવાળી મને બહુ ભાવે બાપુ… દિવાળીના દિવસોમાં સવારે ઉઠું તો ચા ભેગી સુંવાળી…. ! તમે એવું પૂછશો કે ચા મોળીના લાગે ? અરે એવું કઈ ના લાગે… સુંવાળી નો સ્વાદ તો હરહંમેશ સુરીલો લાગે. મઠીયા બિલકુલ ના ભાવે… ચવાણું વાટકી ભરી ભરીને ટીવી જોતા જોતા ખાવાનું … પણ ગઈ દિવાળીએ એક પણ મીઠાઈ નહોંતી ખાધી…. માંદગી પછી ની પરેજી રૂપે… જોકે આ વખતે પરેજી ફરેજીના મૂડ આવે એવું હાલ તો લાગતું નથી.

દિવાળી પર રીલીઝ થયેલું મૂવી પણ દર બેસતા વર્ષે પહેલા જ શોમાં !

ઓહ્હ … દિવાળી ! કેટલો મોટો અને ભવ્ય તહેવાર ને ? આપ સૌને દિવાળીના ખૂબ ખૂબ વધામણા … અને મુજ આંગળે ભાવભર્યું સ્વાગત ….

અને ઓલી વ્હાલસોયી ચકલીનું પણ મીઠડું સ્વાગત…

ચકી બેન ચકી બેન … મારે ઘેર દિવાળીમાં … આવશો કે નૈ ? આવશો કે નૈ ?

બેસવાને સોફો (અને એના પર નવા કવર)…

જોવાને રંગોળી…. .

ખાવાને સુંવાળી …

આપીશ તને… આપીશ તને…..

આવશો કે નૈ ? આવશો કે નૈ ?

એક એવી દુનિયા …

ધેર વોઝ એ ટાઈમ જયારે હું પર્સનલ ડાયરી લખતો , વેલ ડાયરી એક એવું માધ્યમ છે જેમાં બધ્ધું એકદમ ખુલ્લા મને વ્યક્ત થઇ શકે. કોઈ પણ વાત એનો પૂરો પરિચય આપ્યા વગર શરુ કરી શકાય બીકોઝ પર્સનલ્લી પોતાને તો બધી વાતો – વ્યક્તિઓ નો પરિચય હોય છે .

યસ , ધેર વોઝ એ ટાઈમ કે જયારે હું ડાયરી લખતો હતો , પણ દરેક ચીજ કરવાનો , માણવાનો એક સમય હોય છે અને એ સમય વીતી જાય પછી માનવી એ ચીજ ને કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે , એટલીસ્ટ મારા કેસમાં તો મેં એવું થતું જોયું જ છે. ડાયરી લખવાના પણ અત્યારે હું ગમ્મે તેટલા અભરખા બતાવું તોય મને ખબર છે કે હું એ હવે કરવા સક્ષમ નથી . ના , મેં હાર નથી માની લીધી પણ હવે કદાચ એવા સંજોગો નથી , એવી કન્વીનીયંસી નથી . ડાયરી માં તો લવારી કરવાની પણ આઝાદી રહેતી. એક પર્સનલ નોટ માં કેટલાય વિષયો આવી જતા અને ક્યારેક કોઈ વિષય ન આવતો . ક્યારેક અઝીઝ મિયાં અને રાહત ફતેહ અલી ની કવ્વાલી આવતી તો ક્યારેક ગુલામ અલી ની ગઝલ , અને એને રીલેટેડ કોઈ અંગત વાત ! હા , એ રીતે ” મેરી કહાની ગીતો કી ઝુબાની” નું અસ્તિત્વ ત્યારે પણ હતું મારી વાતો માં ! મારી વાતો , જે મારા સુધી જ માર્યાદિત હતી . અને એનો એક અલગ આનંદ હતો.

એ પર્સનલ નોટ્સ કોઈ પરફેક્ટ શરૂઆત કે અંત ની મહોતાજ નહોતી , બે લીટી લખી ને પણ અટકાવી દઉં તો ક્યારેક ૧૦ – ૧૫ પાનાં પણ ભરી દઉં , ગમ્મે ત્યાં થી શરુ કરું અને ગમ્મે ત્યાં અટકાવી દઉં . મારા થી તો મારી એ દુનિયા છૂટી ગઈ છે , પણ જો તમે પણ એવી કોઈ દુનિયા બનાવી છે તો પ્લીઝ એને ક્યારેય ન છોડતા કેમકે એ અમૂલ્ય છે.

કે. લાલ – માયાજાલ (કલ ખેલ મેં હમ હો ના હો…)


બે મહિના પહેલા જૂલાઈ માં કે.લાલ ના શો એચ. કે. કોલેજ ના હોલ માં આવ્યા, છાપાઓ માં જાહેરાતો એવી થઇ હતી કે કે.લાલ રીટાયર થાય છે, અને રીટાયર થતા પહેલાના આ એમના છેલ્લા શો છે. મેં પહેલા ક્યારેય કોઈ જાદુ નો શો જોયેલો નહોતો, કે.લાલ ને પણ એક વાર જોવાની ઈચ્છા હતી. ટીકીટો લીધી. હું ને મારા પત્ની બેય એચ.કે. કોલેજ ના હોલ માં ગોઠવાયા અને શો ચાલુ થયો.
“હમ્બો હમ્બો હમ્બો…..કે લાલ જદુવાલા…..કમાલ હૈ નિરાલા….કે લાલ …માયાજાલ…માયાજાલ….માયાજાલ…” કે લાલ ના શો નું આ સિગ્નેચર ગીત વાગ્યું અને બે- ચાર છોકરીયો હાથ માં ઓલા ચીયર ગર્લ જેવા ફૂમતા લઇ ને નાચવા આવી. એમણે સ્કર્ટ ની નીચે ટાઈટસ પહેરેલું એ જોઈ મારા થી જરા જોર થી બોલાઈ ગયું – “એ…આતો છેતર્યા! “. પત્ની બોલી- “શાંતિ રાખો, તમે જાદુ જોવા આવ્યા છો તો માત્ર તે જોવાની જ અપેક્ષા રાખો! ” અને પછી કે.લાલ આવ્યા ને ઓલી ન્યુઝ ચેનલ વાળા આજકાલ પાંચ મિનીટ માં પચ્ચીસ ન્યુઝ ફટાફટી બતાવે છે તેમ તેમણે પહેલા તો પચાસેક જેટલા નાના જાદુ ફટાફટ બતાવી દીધા. દાંડી માંથી ફૂલ બનાવે ને એવા બધા. ને પછી મોટા જાદુના એક્ટ ચાલુ કર્યા. એમાય પાછી એમની થીમ એવી કે અમે તમને દુનિયા ની સફરે લઇ જઈએ છીએ એમ કહી ને બોલે કે આ ઈજીપ્ત આવ્યુ ને પછી એમનો એકટ ઈજીપ્ત ના કપડા ને મમી ને લાગતો હોય. એવી રીતે ચાઈના ને બીજા દેશો આવે.
અમુક એકટ ખરેખર અધધધ.. પંખા ની હવા થી છોકરી ઊડે!
છોકરીને પેટી માં પૂરે અને પેટી નો ઉપર નો ભાગ કાપી ને બાજુ ના ટેબલ પર મુકે પછી પેટી ખોલે તો તેમાં શરીર નું માથું ના હોય અને ઓલો ટેબલ પર મુકેલો ભાગ ખોલે તેમાં માથું હોય, અને તે માથું પાછુ આપડી જોડે વાતો પણ કરે. ઓડીયન્સ માંથી કોઈ ને બોલાવી ને કહે કે માથા જોડે વાતો કરો. એટલે પછી માથા ને જે પૂછો તેનો જવાબ આપે.
બધા એકટસની વચ્ચે વચ્ચે ઠીંગુજીની કોમેડી પણ આવે.
કે.લાલ દર્શકો માં દેશ ભક્તિ ની ભાવના જગાડવા થોડી થોડી વારે પાણી નો જગ લઇ ને આવે અને બોલે ” યે હૈ વોટર ઓફ ઇન્ડિયા” કહી ને ભારત માં ના ચરણો માં પાણી અર્પણ કરે.અને બેક ગ્રાઉન્ડ માં દેશ ભક્તિનું ગીત વાગે. જગમાં રહેલું પાણી ખાલી જ ના થાય!
છોકરી ને પેટી માં પૂરી ને તલવારો ઘુસેડે.
અને છેલ્લે એક એકટ એવું આવ્યું જેણે બધાને મંત્રમુગ્ધ કરી દીધા. કે.લાલ ના વચ્ચેથી બે ટુકડા. એક ભાગ સ્ટેજની ડાબી બાજુ તો બીજો સ્ટેજની જમણી બાજુ. પાછા બંને ભાગ હલતા હોય. માથા વાળા ભાગ માં કે.લાલ સ્મિત આપતા આપતા હાથ હલાવતા હોય ને બીજા ભાગ માં પગ હલતા હોય. ને પછી બંને ભાગ જોઈન્ટ કરવામાં આવે, બંને ભાગ જોઈન્ટ થાય, એટલે કે.લાલ ઊભા થઇ ને તાળીઓ પાડી રહેલા દર્શકો સમક્ષ બે હાથ ફેલાવે….
બધા એક્ટ પુરા થયા એટલે કે. લાલે જાહેરાત કરી કે કોઈ ઉભા ના થશો, અમારું છેલ્લું સ્પેશિઅલ એક્ટ બાકી છે. એ સ્પેસીઅલ એક્ટ ચાલુ થતા થોડી વાર લાગી, ત્યાં સુધી કે.લાલે દર્શકો વચ્ચે જઈ ને બાળકો સાથે હાથ મિલાવ્યા. કેટલાક લોકો ને હોલ છોડી જતા જોઈ તેમણે ફરી થી જાહેરાત કરી કે ડોન્ટ ગો, વી સ્ટીલ હેવ સમથિંગ ટુ શો. અને પડદો ખુલ્યો. તેમાં કે.લાલ અને તેમની આખી ટીમ અનોખા કપડામાં સજ્જ થઇ ને આવી અને પછી બેકગ્રાઉન્ડમાં રાજ કપૂરની ફિલ્મ “મેરા નામ જોકર” ના ગીત ની કડી અને તે લાઈન પર કે. લાલ અને તેમના સાથીઓ એ હળવું નૃત્ય કરી ને વિદાય લીધી ને પડદો પડી ગયો. તે લાઈન હતી – “કલ ખેલ મેં હમ હો ના હો, ગર્દિશ મેં તારે રહેંગે સદા, ધૂન્ઢોગે તુમ, ધુન્ડેગે વો, પર હમ તુમ્હારે રહેગે સદા,રહેગે યહી અપને નિશાં… ઇસકે સિવા જાના કહાં…”
પણ લોકોને તેમાં ક્યાં રસ હોય, બધું પતી ગયા પછી રાજ કપૂર ના ગીત દ્વારા પોતાની લાગણી બતાવી રહેલા કે.લાલ ને જોવા મારા જેવા કેટલાક ઉભા રહ્યા બાકીનાઓ એ ચાલતી પકડી. ગીત પતી ગયા પછી કેટલાકે દિલગીરી વ્યક્ત કરી કે અમને તો એમ હતું કે આ ગીત પછી કૈક જાદુ બતાવવાનું બાકી હશે, પણ આતો કઈ આવ્યું નહિ ને ખોટો ટાઈમ બગડ્યો.
હમણાં બે ચાર દિવસ પહેલાજ કે.લાલના અવસાનના સમાચાર સાંભળી ને મને તો નજર સમક્ષ સૌથી પહેલા એ ગીત જ આવ્યું, કે.લાલ સસ્મિત સહુ ને કહી રહ્યા હતા….”કલ ખેલ મેં હમ હો ના હો……” . મેં જે શો જોયો તે તેમના મૃત્યુ પહેલા ભજવાયેલા છેલ્લા શોઝ માં નો એક હતો. કે.લાલ આપણા સહુ ના હતા અને રહેશે. રાજ કપૂરના “મેરા નામ જોકર”માં છેલ્લે લખેલું આવે છે તેમ “પોઝીટીવલી નોટ ધી એન્ડ”

જબ મેં છોટા બચ્ચા થા !

હું બહુ નાનો હતો ત્યાર ની વાત છે, ચોથા કે પાંચમાં મા હોઈશ.હું સ્કુલ મા મસાલાવાળા ચણી બોર ખરીદતો, મને ચણીબોર ખાસ ભાવતા નહિ, પણ એના ઠળિયા નું મને આકર્ષણ રહેતું. બધા ઠળિયા સ્કૂલબેગ ના એક ખાના મા ભેગા કરતો, અને પછી એ ઠળિયા બધા ને મારતો, બહુ મજા પડતી. નોટમાંથી કાગળ ફાડી ને તેની ભૂંગળી બનાવતો, એ ભૂંગળી મા ઠળિયો ભરી ને પછી જોર થી ફૂક મારતો, એ ઠળિયા મોટે ભાગે ક્લાસની છોકરીયો ને જ મારતો. અને પાછો મારો નિશાનો એકદમ પાક્કો, જે છોકરી ને નિશાનો બનાવી હોય, ઠળિયો એને જ જઈ ને વાગે.ક્લાસ ના છોકરાઓ મારી પાસે ફરમાઇશો લઇ ને આવતા કે “ઓલી ને માર ને….,ઓલી ને માર ને….” એક દિવસ નિશાળ છુટી ત્યારે એક છોકરી મારી પાસે આવી ને બોલી – “મને ઠળિયો તે માર્યો હતો”, મેં કહ્યું “હા , મેં માર્યો હતો, શું કરી લઈશ? ” એનો જવાબ હતો “હું તો એમ પૂછવા આવેલી કે તારી પાસે બોર વધ્યા હોય તો આપ ને મને થોડા ખાવા”. અને પછી એક દિવસ મારા પર પણ ક્યાંક થી ઠળિયો આવેલો, હું સમજી ગયો કે એણે જ માર્યો હશે, મેં તેની સામું જોયું તો તેના ચેહરા પર સ્મિત હતું, એના ચેહરા પર મને શબ્દો વંચાયેલા “હા મેં માર્યો છે, શું કરી લઈશ?”
હમણાં થોડા દિવસ પહેલા માળિયું સાફ કરતા એ સ્કુલ બેગ હાથમા આવી. એના ખાના ફંફોડયા તો એમાંથી બે-ત્રણ ચણીબોર ના ઠળિયા નીકળ્યા. જાણે કોઈ જુનું ખોવાઈ ગયેલું સ્વજન પાછુ મળી ગયું હોય તેવી લાગણી ઊભરાઈ આવી.

નાનપણ ની બીજી પણ એક વાત અત્યારે યાદ આવે છે,લગભગ દસમામાં હોઈશ. ત્યારે રાતે સુતા સુતા હું સીલીંગ ફેનને તાક્યા કરતો. એ દિવસો મા હું એકલો જ સુતો હતો- મારા રૂમ મા. મારા રૂમ નો સીલીંગ ફેન હલ્યા કરતો. એને જોઈ ને મને સતત ડર લાગ્યા કરતો કે આ પંખો હલતા હલતા અચાનક પડી જશે તો?
મારું માથું કપાઈ જશે તો?
એને સતત જોયા કરતો…., સતત ડર્યા કરતો,પછી અચાનક મનમા કોઈ દ્રઢ વિચાર આવતો, અને પછી જે થવું હોય તે થાય તેવી તૈયારી સાથે પંખાને જોયા કરતો, પંખો પડશે અને મારું મૃત્યુ થશે તો એ મુકદ્દરની વાત હશે,ઈશ્વરે મુકદ્દર મા અત્યારે મરવાનું કે ઈજા પામવાનું લખ્યું હશે તો એ પંખો બંધ કરીશ તોય થઈનેજ રહેશે.
અને પછી પંખા ને તાક્તા તાકતા તેના પડવાની રાહ જોયા કરતો,અને એ રાહ જોતા જોતા જ ઊંઘ આવી જતી.શું હું સાવ ડરપોક હતો કે પંખા ને જોઈ ને પણ આવા વિચારો આવતા? કે પછી હું બહાદુર હતો, કારણ કે ત્યારે મારી ધારણા પ્રમાણે પંખા ની પડવાની પૂરી શક્યતા હોવા છતાં હું ત્યાં જ સુઈ રહેતો.આજે પણ હું એ નથી જાણી શક્યો કે એ સમયે હું ડરપોક હતો કે બહાદુર હતો!

રેકર્ડ પ્લેયરની રામ કહાણી

એક વર્ષ પહેલા એટલે કે ગયા વર્ષની પંદરમી ઓગસ્ટે મેં રેકર્ડ પ્લેયર લીધેલું. રવિવારી માં થી. રેકર્ડ પ્લયેર એ આપડે ભૂંગળા વાળા ગ્રામોફોન જોઈએ છીએ તેના થી થોડું અલગ. ગ્રમોફોન માં ભૂંગળું હોય આમાં ના હોય, એમાં સ્પીકર ના હોય અને આમાં એટલે કે રેકર્ડ પ્લેયર માં સ્પીકર હોય.
ગ્રમોફોનમાં બે જ ગીત હોય એક આગળ ને એક પાછળ અને લાંબુ ગીત હોય તો અડધું આગળ ને અડધું પાછળ. (રાજ કપૂર નું શ્રી ૪૨૦ ફિલ્મ નું “ઘર આયા મેરા પરદેસી” અડધું આગળ અને અડધું પાછળ આવતું, એવું પપ્પા કેહતા )રેકર્ડ પ્લેયરની રેકર્ડ માં ૧૦ થી ૧૫ ગીતો આવી શકે. કોઈ ફિલ્મ ની રેકર્ડ હોય તો તેમાં તે ફિલ્મ ના બધા ગીતો હોય . રેકર્ડ પ્લેયર લેવાનો નાનપણ થી શોખ પણ પપ્પા ખોટા ખર્ચા કરવા માં ના માને, અને ડીવીડીના જમાના માં રેકર્ડ પ્લેયર લેવું એ ખોટો ખર્ચો જ કહેવાય.ગયા વર્ષે પણ મેં રેકર્ડ પ્લેયરના લીધું હોત પણ રવિવારી માં મેં કેવું અદ્ ભૂત રેકર્ડ પ્લેયર જોયું તેની વાત મમ્મી ને ઘરે આવી ને વિસ્તાર થી કરી એટલે માં ની આંખો દીકરા નું રેકર્ડ પ્લયેર પ્રત્યે નું આકર્ષણ પારખી ગઈ અને તેમણે મને તરત કીધું “ગમ્યું છે તો લઇ લે ને ” પછી મારા થી ના રેહવાયુ ને હું લઇ આવ્યો પૂરા ૬ હજાર નું રેકર્ડ પ્લયેર. આમ તો ૧ કે ૨ હજાર માં પણ આવી જાય, પણ મેં લીધું છે એવું આજે ક્યાય જોવાય ના મળે.
ગુલામ અલી ની ૨ રેકર્ડ નો સેટ લીધો (રેકર્ડ ના ભાવ પણ એવા , ૧૦૦ રૂપિયા ની એક ! બોલો ! )
દિલીપ કુમાર ની ફિલ્મ “બાબુલ” ની રેકર્ડ, રાજેન્દ્ર કુમાર વાળું “તલાશ” , બેગમ અખ્તર ના અવાજ માં ગવાયેલી ગુજરાતી ગઝલ (બેગમ અખ્તર વાડી રેકર્ડ ૪૫r.p.m. ની. મારા રેકર્ડ પ્લયેર માં ૨ પ્રકાર ની રેકર્ડ ચાલે. એક 33r.p.m. ની જેમાં ૧૦ થી ૧૫ ગીતો હોય, અને બીજી ૪૫એમ.એમ. વાડી જે થોડી નાની આવે અને એમાં ૩ થી ૪ ગીતો જ હોય ) એ સિવાય પણ બીજી ઘણી બધી રેકર્ડ લીધી, રેકર્ડ પ્લયેર ઘરે આવ્યું એ અરસા માં પત્ની પિયર ગયેલી હતી એટલે તેને ફોન કર્યો અને “યારા દિલદારા” ફિલ્મ ની રેકર્ડ ચડાવી અને ફોન પર તેને તેનું સૌથી પ્રિય ગીત “બિન તેરે સનમ…..” રેકર્ડ પ્લેયરમાં વગાડી ને સંભળાવ્યું,
મજા પડી. સારી કવાલીટી ની રેકર્ડ ને તમે સાંભળો અને એમાં થી જે ઈફેકટ મળે તેવી સાઉન્ડ ઈફેકટ તમને સારા માં સારી ઔડીયો સીડી ને સારા માં સારા પ્લયેર માં વગાડતા પણ ના મળે.
રાજ કપૂર ની “પ્રેમ રોગ” ફિલ્મ નું “મેં હું પ્રેમ રોગી ” ગીત સંભાળવાની મને રેકર્ડ પ્લેયર માં જેટલી મજા આવી છે એટલી પેહલા ક્યારેય આ ગીત સાંભળી ને નથી આવી . એચ.એમ.વી. કમ્પની એ હાલ માં જ નવા રેકર્ડ પ્લયેર વેચવાનું શરુ કર્યું છે પણ તે અતિશય મોંઘા છે,કેટલીક નવી ફિલ્મો ની પણ રેકર્ડ બહાર પડતી હોય છે જેમ કે હાલ માં “રોકસ્ટર” અને “રા.વન” ફિલ્મ ની રેકર્ડ બહાર પડી છે, પણ અતિશય મોંઘી,૮૫૦રૂપિયા ની . આજ ની તારીખ માં પણ રાજશ્રી ફિલ્મ તેની દરેક ફિલ્મ ની રેકર્ડ બહાર પાડે છે. મારા જેવા લોકો ના શોખ ને ધ્યાન માં રાખી ને.