રંગભુમી

આ અલ્લડ યુવતીને સલામ, સલામ છે તેના સર્જન ‘બુર્ક ઓફ’ને

વધુ પડતા અનુસાશનની થતી વિપરીત અસર વિષે મને મારી કોલેજમાં એક અધ્યાપકે ખૂબ બાખૂબી સમજાવેલું , જે મને આવા પ્રકારનો કોઈ04_theatre_stritch_3014_med કિસ્સો જોતાં અચૂક યાદ આવે છે. તેમણે કહેલું કે સ્પ્રિંગ ને જેટલી દબાવો તેટલી તે વધુ છટકે. માણસનું પણ એવું જ છે. એને જે વર્ષો સુધી ન કરવા મળ્યું હોય અને પછી કોઈક દિવસ અચાનક જો એ કરવા મળી જાય તો તે એને ભરપૂર માત્રામાં કરી નાંખશે. અને કોઈ ખોટા શોખ કે આદતને જો વધારવામાં આવે તો મોટાભાગના કિસ્સાઓમાં એ ‘અતિ’ ખુબ નુકસાનકારક નીવડતું હોય છે. પણ આ કિસ્સામાં એવું નથી. આ કિસ્સામાં અનુસાશન છે, સ્પ્રિંગ પણ ઉછળે છે, પણ એ નુકસાનકારક નથી નીવડતું, પણ એક સબળું પરિવર્તન લાવે છે. કારણકે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ ખોટી વાત મનાવવા માટે પણ અનુસાશનનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, અને એની સામે બધા બંધનો તોડીને અલ્લડ થવું એ તો એક પ્રકારનું રેવોલ્યુશન છે, જે વહેલા મોડું થાય જ છે. આજે તમે નહીં કરો તો ભવિષ્યની પેઢીએ એ કરવું પડશે, એવી ફરિયાદ સાથે કે મારી જૂની પેઢીએ મારી પહેલા જ આ કેમ ન કર્યું.

વાત બ્રિટેનમાં રહેતી યુવતી નાદીયાની છે. નાદિયા બ્રિટેનમાં જ જન્મી, ત્યાં જ ઉછરી , પણ ત્યાં ના કલ્ચર પ્રમાણે ન ઉછરી. એટલે નાદિયા જયારે ઘરની બહાર નીકળતી ત્યારે તેને જુદું જ કલ્ચર જોવા મળતું , અને ઘરમાં એક જુદું જ અનુસાશન તેના પર લાદવામાં આવતું. ઘરની બહારની દુનિયામાં જે સહજતા થી થતું , એને ઘરની અંદર ગુનો ગણવામાં આવતું. અને ઘરમાં એવું પણ શીખવવામાં આવતું કે બહાર જે થાય છે એ ખોટું છે, અને આપણાથી તે ન થાય. નાદિયા મૂળ પાકિસ્તાની પરિવારની છોકરી. અને જે પરિવારમાં તેનો જન્મ થયો ત્યાં તેને છોકરાઓ સાથે વાત કરવી, ગમતા કપડા પહેરવા, અને પોતાના નિર્ણય પોતે લેવા જેવી બાબતોની આઝાદી નહોંતી.

Burq-Off-Ad-for-London.3ઘરની બહારની દુનિયા અને ઘરની અંદરની દુનિયા ઉપરાંત નાદિયાની અંદર પણ તેનું પોતાનું એક વિશ્વ હતું , જેમાં તે પોતાની દરેક ઇચ્છાઓ પૂરી કરવા માંગતી હતી, અને જેમાં તેને જાણ હતી કે શું સાચું છે ને શું ખોટું. નાદીયાની અંદર ઘૂઘવાતા આ વિશ્વે જ ‘બુર્ક ઓફ’ નાટકની રચના કરી. આ નાટકએ નાદીયાનું સોલો – વન વુમન  પરફોર્મન્સ છે. અસલી જિંદગી પર આધારીત નાટક ‘બુર્ક ઓફ’માં નાદીયાએ પોતાની જિંદગી સાથે જોડાયેલા ૨૧ પાત્રો ભજવ્યા છે.જિંદગીના સંઘર્ષને નાદિરાએ ક્યાંક કોમેડી અને ક્યાંક કટાક્ષ દ્વારા નાટકમાં ઉતાર્યો છે. દોઢ કલ્લાકના આ નાટકમાં નાદિયા પાકિસ્તાની સમાજની સાથે સાથે પોતાના પરિવારની વિચારસરણી પર પણ આકરા પ્રહાર કરે છે. તેના પિતા તેને ખાવામાં પણ ટોકે છે કારણકે તેઓ એવું વિચારે છે કે જો તે જાડી થઇ ગઈ તો તેની સાથે લગ્ન કોણ કરશે , જયારે તેનો ભાઈ કટ્ટરવાદી વિચારસરણી ધરાવતો થઇ ગયો છે.

સેક્સ જેવા વિષયો ને આવરી લેતા તે પ્રત્યે પાકિસ્તાની સમાજના દ્રષ્ટિકોણ અંગે તે નાટકમાં ચપટી વગાડતા કહે છે, “પાકિસ્તાની સમાજમાં સેક્સની કોઈ જગ્યા નથી. ખરેખર માં તો પાકિસ્તાની સમાજમાં સેક્સ થતું જ નથી.” સમગ્ર નાટકમાં નાદિયાના નિશાના પર તેના પિતા રહ્યા છે જેમની ખૂબ નકારાત્મક અને રૂઢીવાદી છબી રજુ કરવામાં આવી છે.

પોતાના રૂઢીવાદી પિતાની નકારાત્મક છબીને નાદિયાએ નાટકમાં રજુ કરેલી. વાસ્તવિક જીવનમાં નાદિયા ઉપરાંત બીજા કોઈએ નાદિયાના પિતાના વિચારો પર આવા આકરા પ્રહારો નહીં કર્યા હોય. તેમના વિચારોને આદર્શ સિદ્ધાંત ગણીને તેમના ઘરના સભ્યોએ પોતાની જિંદગી કાઢી નાંખી હશે. આપણે સૌ બહુ સારી રીતે જાણીએ છીએ કે અમુક વિચારસરણી સાથે આખું જીવન જીવી ગયેલા વડીલને તમે સારામાં સારા સાઇકોલોજિસ્ટ પાસે પણ લઇ જાઓ તોય તે પોતાના વિચાર – સિદ્ધાંત ખોટા છે તેવું ન જ સ્વીકારે. એટલું જ નહીં , એમને આવા પ્રયત્નો પણ પોતાના સ્વમાન, પોતાના વ્યક્તિત્વ, પોતાના અહં પર પ્રહાર સમા લાગે, એથી એ સામો પ્રહાર પણ કરે. પણ આ નાટક થકી એક ચમત્કાર થયો. ન્યુયોર્કમાં એક શો દરમ્યાન નાદિયા પોતાના પિતાની નકારાત્મક છબીને સ્ટેજ પર ચાબખા મારી રહી હતી, અને એ દરમ્યાન તેના પિતા દર્શકગણમાં બેઠા હતા. નાદિયાએ પોતે જ તેમને આમંત્રિત કર્યા હતા. નાટક પત્યું, પછી નાદિયાએ તેમને સ્ટેજ પર બોલાવ્યા. અને પછી જે બન્યું એ ખૂબ મોટો ચમત્કાર છે. પિતા સ્ટેજ પર આવ્યા ત્યારે તેમનો દ્રષ્ટિકોણ બદલાઈ ચુક્યો હતો. એટલું જ નહીં નાદિયાના પિતાએ જણાવ્યું કે આજે તેઓ પોતાની પુત્રીના સૌથી મોટા સમર્થક છે.

nadio-parvez-manzoor-in-burq-off-3-copy

મેં હંમેશા એવું માન્યું છે કે તમારી અંદર ઘૂઘવાતા કોઈ વિચારને , કોઈ વ્યથાને , કોઈ વાર્તાને તમે નાટકનું સ્વરૂપ આપો ત્યારે તમારું રંગકર્મી હોવું સાર્થક થાય છે. અને રંગભૂમિને પણ એ થકી એક નોખી ભેટ મળે છે. એક સર્જક તરીકે પણ હું એવું દ્રઢ પણે માંનું છું કે પોતાને સ્પર્શેલા વિષય પર લખાય ત્યારે માસ્ટર પિસ સર્જાય છે. ‘બુર્ક ઓફ’ એ માસ્ટર પિસ છે. જેનો જગમાં જોટો જડી શકે તેમ નથી. સ્ત્રી સ્વાતંત્ર્યના આ પ્રશ્નો ઓછા વત્તા અંશે ભારત અને પાકિસ્તાનમાં આજે પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. એટલે જ તો આજે પણ ભારતમાં ‘હાઈવે’ અને ‘ક્વીન’ જેવી ફિલ્મો બને છે. નાદીયાની ઈચ્છા આ નાટકને ભારત અને પાકિસ્તાનમાં ભજવવાની પણ છે. વેલકમ નાદિયા, અહીં પણ કેટલીય દીકરીઓ અને તેમના પિતાઓને તારા આ ‘ટોનિક’ (નાટક) ની તાતી જરૂરીયાત છે.

જુઓ : નાદિયા ના ‘બુર્ક ઓફ’ની એક ઝલક