yuvraj jadeja

દિશાઓ ભૂલી ગયો !

hello guyz & girls, વડીલો અને મિત્રો , વાત જાણે એમ છે કે વાત કઈ જ નથી ! અને મારી તો ટેવ જ છે કે મને જયારે ખબર હોય કે વાત માં ખાસ દમ નથી ત્યારે હું પોતે જ કહી દઉં છું -( એટલે સમજુ લોકો પોતાનું હિત સમજીને આનાથી દૂર રહે ) બીજું કોઈ કહે કે ના કહે ! તમે વખાણશો તોય મારો અભિપ્રાય એ જ રહેશે. તો પછી તમને કદાચ પ્રશ્ન થાય કે આ નબળું સાહિત્ય પ્રગટ કરવાનો કોઈ મતલબ ખરો ! જો લેખક પોતે જ એમ કહેતો હોય કે આ નબળું છે તો એ એને પ્રગટ કરવાની મુર્ખામી શું કામ કરે છે ? તો એ મુર્ખામી એટલા માટે કે સાહિત્ય ગમ્મે તેવું હોય નબળું કે સબળું એને પ્રગટ થવાનો પૂરે પૂરો હક છે ! કેમ કોઈ ફિલ્મ ખરાબ બની હોવા છતાં (અને દિગ્દર્શકને એની જાણ હોવા છતાં ) રીલીઝ કેમ થાય છે ? હા , પૈસા લાગ્યા હોય એ કારણ તો ખરું જ ! પણ સાથે મહિનાઓ સુધી પરસેવો પાડીને કરેલી મહેનત નું શું ? એ મહેનત માત્ર પૈસા માટે નથી હોતી , એ એક કલાકારની મહેનત હોય છે , કલાનું સર્જન કરવા માટે , પછી એ સર્જનમાં જો એની ઊણપ રહે તોય એ સર્જન ને એ સમાજની વચ્ચે મુકે છે , અને ઘણીવાર એવું પણ બને કે લોકો ખરાબ માંથી પણ સારું શોધીને મેળવી લે ! અને ક્યારેક એવું પણ થાય કે સર્જકને પોતાના સર્જનથી સહેજ પણ સંતોષ ના હોય પણ બીજા કોઈ ને એ સર્જન અતિશય પ્રિય થઇ પડે , જેમ કે રામ ગોપાલ વર્મા ની ફિલ્મ “મસ્ત ” મને ખુબ જ મસ્ત લાગેલી , અતિશય ગમેલી ને વારંવાર જોયેલી , પણ રામ ગોપાલ વર્માએ એ ફિલ્મ વિષે એમ કહ્યું છે કે મારી એ ફિલ્મ થી હું સંતુષ્ટ નથી , એના સર્જનમાં ઘણી ખામીઓ રહી છે સાથે આફતાબના અભિનય થી પણ રામ ગોપાલ વર્મા ને સંતુષ્ટિ ન હતી (અફકોર્સ મને તો આફતાબ નો અભિનય પણ ખૂબ ગમેલો)
સાહિત્ય બાબતે પણ મારું એવું જ માનવું છે કે લેખકને જો એમ લાગે કે આ સર્જનમાં કશીક ઊણપ રહી ગઈ છે , છતાં ય તેને પ્રગટ તો કરવું જ જોઈએ. (અફકોર્સ , લોકોના નેગેટીવ પ્રતિભાવ સાંભળવાની તૈયારી સાથે ) કારણ કે સર્જન થઇ ગયા પછી એ માત્ર તમારી જ મિલકત બની ને રહેતું નથી , એ સર્વે કલા રસિકોની મિલકત છે , જેમ કે દેવ આનંદની ફિલ્મ તીન દેવીયા નું “ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત… ” ગીત , રાજ કપૂરની દરેક ફિલ્મ અને દરેક ગીત … આ બધું મારા માટે કોઈ મિલ્કતથી કમ નથી ! એ રીતે તમારી પણ આવી મિલકતો હશે ! દરેકની હોય છે ! માટે હું મારા સર્જન ને એની તકદીર જાતે જ નક્કી કરવા દઉં છું , હું કોણ છું એને સારું કે ખરાબ કહેવા વાળો ! બે કે ત્રણ વ્યક્તિઓ ના મંતવ્યો કોઈ સર્જનનું ભાગ્ય નક્કી કરી શકતા નથી .
અને ઊણપ લાગતી હોય એવા સાહિત્યને પછી હું ક્યારેય ચૂંથતો પણ નથી . એવું મઠારવા જઈએ એમાં ક્યારેક એ સર્જનનો આત્મા મરી જતો હોય છે , એ આત્મા જેને લઇ ને એ સર્જન પેદા થયું હોય છે .
તો એટલે આ મેં બે દિવસ પહેલા કવિતા જેવું કશુક લખેલું , એ રજુ કરું છું , મન થયું એટલે લખેલું અને મન ફાવે એમ લખેલું , તમે વાંચવું હોય તો વાંચજો પણ બહુ મન પર ના લેતા …. જય માતાજી !

અંધકારમય જીવનમાં દિશાઓ ભૂલી ગયો
મારી હથેળીમાં ભાગ્યનો સુરજ આથમી ગયો

ચાર દીવાલની વચ્ચે વસાવેલા એક ઘરમાં
યાદ નથી ક્યારે હું પાતાળમય બની ગયો

ગરમ હવાઓના સુસવાટાઓમાં બળતો રહ્યો
જ્વાળામુખી જલતો રહ્યો ને હું રાખ બની ગયો

મારા અસ્તિત્વનો ઇનકાર કરતું એક નગર વસતું રહ્યું
હું કોઈને યાદ નથી એવો એક ભૂતકાળ બની ગયો

જીવનભર કોઈ તહેવાર નહોતો ઊજવ્યો “યુવરાજ ”
મોત આવ્યું તો મારે મન એ એક ઉત્સવ બની ગયો

કેમ નથી કહેતો ?

શું વીતે છે તારા પર , તું કેમ નથી કહેતો
એ બધું તારી આંખો કહે છે , જે તું નથી કહેતો

હું કઈ અમસ્તો જ આટલો ચુપ નથી રહેતો
વાત કહેવા જેવી નથી એટલે નથી કહેતો

બધા દુખદર્દ છૂપાવી હું ખડખડાટ હસું છું ત્યારે
સૌ ફરિયાદ કરે છે કે હું હસવાનું કારણ નથી કહેતો

કારેલુ તને ક્યાં ભાવે છે, એને જોઇને તું મોઢું બગાડે છે
સત્યતો કારેલાથી યે કડવું છે , એટલે નથી કહેતો

પોતાનું મૌન તોડીને જયારે ખરેખર બોલવાનું શરુ કરે છે “યુવરાજ”
સૌ કહે છે આ તો આડીઅવળી વાતો કરે છે , જે કહેવાનું છે એ નથી કહેતો

ઢોળાઈ ગયો

ભરેલો જામ પીધા વગર જ ઢોળાઈ ગયો ,
અચાનક યાદ આવેલો એક કિસ્સો ભુલાઈ ગયો

પંખા ના ફરતા ત્રણ પાંખીયાને તાકી રહ્યો ત્યાં
હવાની સાથે વિચારોનો પણ રુખ બદલાઈ ગયો

હું એમનો એમ રહ્યો , દીવાલ પર જડેલ ખીલ્લાની જેમ ,
બદલાતા તારીખીયાઓ સાથે જમાનો બદલાઈ ગયો

પાંજરામાં પૂરેલો પોપટ આજે ચોક્કસ ઊડી જવાનો
એની ફડફડ કરતી પાંખોનો અવાજ મને સંભળાઈ ગયો

સાંજના ખોળે માથું રાખીને સુતો હતો “યુવરાજ “,
સાંજને લેવા રાત આવી તો એ રાતથી રિસાઈ ગયો

નશો મને નહિ પણ બોટલને ચડી જાય છે !

નશો મને નહિ પણ બોટલને ચડી જાય છે
મારા હાથમાંથી સરકીને એ નીચે પડી જાય છે

હું તો જાણે સમજ્યા કે નવરો અને નખ્ખોદિયો છું પણ
વ્યસ્ત લોકોને શી રીતે મને “નકામો” કહેવાનો સમય મળી જાય છે

ઇન્કમટેક્સ વિસ્તારમાં આવેલું ગાંધીજી નું પૂતળું ,
માથે વ્હાલથી હાથ ફેરવીને મને “દીકરો” કહી જાય છે

મંઝીલની વાત છોડો મને તો રસ્તાની પણ જાણ નથી ,
એટલું ઓછુ હોય ત્યાં તમારા જેવા પત્થરો મળી જાય છે

તકદીર , સમય અને સંજોગો નો મને સાથ નથી ,
તો શું થયું અગર તમારો પણ સાથ છૂટી જાય છે

પોતાની મસ્તીમાં મસ્ત અને અલગારી છે “યુવરાજ”,
એને લોકોની નહિ પણ લોકોને એની જરૂર પડી જાય છે.

દિલ તો બચ્ચા હૈ જી !

ફિલ્મ – ઈશ્કિયા
વર્ષ – ૨૦૧૦
ગીત- દિલ તો બચ્ચા હૈ જી
ગાયક – રાહત ફતેહ અલી ખાન
ગીતકાર – ગુલઝાર
સંગીત – વિશાલ ભારદ્વાજ

“ઈશ્કિયા” ફિલ્મ આવી ત્યારે તેના બધા ગીતો હૃદયે વસી ગયેલા,(ગુલઝાર સાહેબ ની ખુબ સુંદર ગીત રચનાઓ), રાહત ફતેહ અલી ખાનને હું ત્યારથી સાંભળતો હતો જયારે તેણે બોલીવુડમાં ગાવાની શરૂઆત નોહતી કરી. એની પાકિસ્તાનમાં લોકપ્રિય એવી કવ્વાલીઓ મારા ખુબ ગમતા ગીતો માં શામિલ હતી. અને આ ગીત “દિલ તો બચ્ચા હૈ જી ” એના બોલીવુડના શ્રેષ્ઠ ગીતો માં નું એક. પણ તમારે અસલી રાહત સાંભળવો હોય તો એ પાકિસ્તાનવાળી કવ્વાલીઓ જ સાંભળવી પડે. એમાં જ એનો ક્લાસ છે, એની કળા માટેનું મોકળું મેદાન છે, મને તો ખરેખર પહેલા એ બોલીવુડના ગીતો ગાતો ત્યારે એમાં મને એની કલાનું અપમાન લાગતું, પણ ધીરે ધીરે ટેવાઈ ગયો.
ગીતનું ફિલ્માંકન નસરુદ્દીન શાહ પર થયું છે અને તેના પાત્રની ઉમર વધારે છે, અને ગીતના મુખડામાં બાખૂબી દર્શાવવામાં આવ્યું છે કે એને અફસોસ છે કે તેના ચેહરા નું નૂર ખોવાઈ ગયું છે, જેની તેને ખાસ જરૂર છે કારણ કે એ પ્રેમમાં પડ્યો છે, પ્રેમમાં પડ્યા પછી તે તેમાંથી બહાર નીકળવાને સક્ષમ નથી એ વાત મુખડાની પહેલી લાઈન માં જ ખબર પડે છે , અને છેલ્લી લાઈન માં ચોક્ખી વાત કે હવે તો બસ સાથી જોઈએ છે કારણ કે હૃદય હજી બાળક છે અને બાળકને થોડું કઈ રેઢું મુકાય !
એસી ઉલઝી નઝર ઉન સે હટતી નહિ, દાંત સે રેશમી ડોર કટતી નહિ,
ઊમ્ર્ર કબકી બરસ કે સુફેદ હો ગયી , કાલી બદરી જવાની કી છટતી નહિ ,
વલ્લા યે ધડકન બઢને લગી હૈ , ચેહરે કી રંગત ઊડને લગી હૈ ,
ડર લગતા હૈ તન્હા સોને મેં જી , દિલ તો બચ્ચા હૈ જી.. થોડા કચ્ચા હૈ જી …દિલ તો બચ્ચા હૈ જી …
અને એ પાત્રની લાગણીઓ હું ખુબ સારી રીતે સમજી શક્યો કારણ કે એણે જે ૪૦-૪૫ વર્ષે ફિલ કર્યું એવું જ કૈક મેં વીસ – પચ્ચીસ વર્ષે ફિલ કર્યું છે , અફકોર્સ એણે extreme લેવલે ફિલ કર્યું છે મેં બહુ નાના લેવલે ફિલ કર્યું છે , પણ તોય …. કર્યું તો છે ને !કોલેજમાં ભણતો હતો ત્યારે એક દિવસ સવારે ઊઠીને હું ખુબ જ અપસેટ થઈ ગયો , કારણ એ હતું કે સવારે ઊઠતા વેંત મેં મારો ચેહરો અરીસામાં જોયો અને મને લાગ્યું કે હું કાળો થઇ ગયો છું. મારું એ દુખ મેં મારી કળા દ્વારા ઓછું કરવાનો પ્રયાસ કર્યો. એ દિવસે મેં એક ટૂંકીવાર્તા લખી જેમાં મારા જેવા જ એક છોકરાને અચાનક એક દિવસ બધા લોકો કહેવા લાગે છે કે તું કાળો છે અને એ છોકરો ભગવાનને ફરિયાદ કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેના સપનામાં આવી ને કહે છે કે મને તું ગમે છે એટલે હું તારામાં રહું છું અને હું તારામાં રહું છું એટલે જ મારો રંગ તને મળ્યો છે અને પછી તે છોકરાને ઈશ્વરથી કોઈ ફરિયાદ રહેતી નથી. પણ મારા કેસમાં મને હંમેશા ફરિયાદ રહી છે. વાળને લઇ ને ! ચેહરાને લઇ ને ! શરીરને લઈને !
અંતરો ૧
કિસકો પતા થા પહેલું મેં રક્ખા,
દિલ ઐસા પાજી ભી હોગા
હમ તો હમેશા સમજતે થે કોઈ
હમ જૈસા હાં જી હી હોગા
હાયે ઝોર કરે , કિતના શોર કરે,
બેવજા બાતોં પે એવે ગૌર કરે,
દિલ સા કોઈ કમીના નહિ,
કોઈ તો રોકે , કોઈ તો ટોકે, ઇસ ઊમ્ર્ર મેં અબ ખાઓગે ધોકે,
ડર લગતા હૈ ઇશ્ક કરને મેં જી, દિલ તો બચ્ચા હૈ જી..
હું ગોરો પહેલા વધારે હતો, ચેહરો પણ એવો કે ખાસ્સા ટાઈમ સુધી અરીસા સામે ઊભો રહીને નખરા કરી શકતો , ફિલ્મો ના ડાયલોગો બોલતો , ખાસતો મારા રૂમમાં હું દાઢી કરતો હોવ ત્યારે ટેપ ચાલુ જ હોય એટલે મોટે ભાગે હું અરીસા સામે ઊભો રહીને ગીતના શબ્દો પર લીપ્સિંગ કરતો ! સમય જતા મારું વજન વધતું ગયું , એટલે ગાલ થોડા ફૂલ્યા , એટલે ચેહરાની નમણશ દેખાવાની ઓછી થઈ. ખેર એ બધું તો તોય સમજ્યા પણ સૌથી વધારે અફસોસ મને મારા વાળને લઈને થયો. મને મારા વાળ પર ખુબ ઘમંડ હતું. ખુબ ભરાવદાર, ઘટ્ટ અને કાળા , સિલ્કી , હંમેશા કપાળ પર વિખેરાયેલા હોય,એથી ક્યારેક કોઈ મિત્રે વિવેક ઓબેરોય સાથે સરખામણી પર કરેલી અને એથી ખુબ આનંદ થયેલો કારણ કે ત્યારે હું પણ મનમાં ને મન માં ખુદને વિવેક સાથે કમ્પેર કર્યા કરતો. પણ દુખની ઘડી ત્યારે આવી જયારે મને મારા માથામાં એક સફેદ વાળ દેખાયો. અને આજે ! કેટલાક વાળ સફેદ ! પહેલા અરીસામાં ખુદને જોઇને થતું કે સાલું આપડે હીરો તરીકે ચાલી જઈએ તો ખરા , હવે વિચારું છું કે હવે ભલે હીરો જેવો નથી રહ્યો પણ પરફેક્ટ વિલન મટેરિયલ તો છું જ ! વિલન તરીકે તો આપડે ચાલી જ જઈએ ફિલ્મો માં ! કેમ ? ખરું ને ?

હું , ત્યારે અને અત્યારે !


અંતરો ૨
ઐસી ઉદાસી બૈઠી હૈ દિલ પે
હસને સે ગભરા રહે હૈ
સારી જવાની કતરા કે કાટી
પીરી મેં ટકરા ગયે હૈ
દિલ ધડકતા હૈ તો ઐસે લગતા હૈ વોહ
આ રહા હૈ યહીં દેખતા હી ના વો
પ્રેમ કી મારે કટાર રે
તૌબા યે લમ્હે કટતે નહિ ક્યોં
આંખો સે મેરી હટતે નહિ ક્યોં
ડર લગતા હૈ ખુદ્સે કહેને મેં જી
દિલ તો બચ્ચા હૈ જી ..
ઉમર ભલે ગમે તેટલી વધે, ચેહરા પર કરચલીઓમાં ભલે સમય જતા ગમ્મે તેટલો વધારો થાય પણ હૃદય તો હંમેશા બાળક જેવું જ રહેશે, પ્રેમની કટાર કેવી રીતે વાગે અને વાગે ત્યારે કેવું દર્દ થાય એની વાત આજથી ૩૦ -૪૦ વર્ષ પછી હું કોઈ નવલકથા લખીશ ત્યારે પણ કરીશ ! અને એ પણ તે સમયના સંદર્ભમાં, કારણ કે જીવવું તો છે બાળક બની ને જ ! દેવ આનંદ ની જેમ ! મેં ઝીંદગી કા સાથ નિભાતા ચલા ગયા… હર ફિકર કો ધુએ મેં ઉડાતા ચલા ગયા….

ઓક્ટોબર ફિલ્મ રિવ્યુઝ

“ઈંગ્લીશ વિન્ગ્લીશ” ! એક એક ક્ષણમાં મનોરંજન ! ઠુંસી ઠુંસી ને ભરેલું મનોરંજન, તોય અર્થસભર, અમુક વાતો સમજતા કદાચ આખી જીંદગી નીકળી જાય તોય ના સમજી શકીએ એવી વાત આ ફિલ્મ લઇ ને આવ્યું છે, અને એવું કૈક થાય એટલે મોટે ભાગે ફિલ્મ આપણને ભાષણ આપતી હોય એવું લાગે, અને ભાષણ સાંભળવું કોને ગમે ? નાના બાળકને ભાષણ આપો તો એ ચિડાઈને ચાલ્યું જાય અને મોટા લોકો નો ઈગો હર્ટ થાય. કે સાલું મને આવું કઈ રીતે કોઈ કહી જાય. બટ ડોન્ટ વરી, આ ફિલ્મમાં આવું કઈ નહી થાય. ફિલ્મ ભાષણ આપતી હોય એવું એક પણ જગ્યાએ નહી લાગે. શું ઈંગ્લીશ આવડવું એટલું જરૂરી છે? આ ફિલ્મની નાયિકા માટે તો છે, કારણકે એને ઈંગ્લીશ નથી આવડતું એટલે જ બધા તેના પર હસે છે, બહારની દુનિયાનો સવાલ નથી, એતો હોય જ કઠોર, પણ માણસ હંમેશા પોતાના પરિવાર પાસે થી પ્રેમ અને આદરની અપેક્ષા રાખતું હોય, અને પરિવાર જ જયારે તમારી કદર ના કરે ત્યારે જરૂર લાગે પોતાની જાતને સાબિત કરવાની. વિદેશમાં એક યુવક નાયિકાના પ્રેમમાં પણ પડે છે ત્યારે પોતાની સતત ઊપેક્ષા કરનાર, પોતાના પર હસનાર, પોતાને અભણ ગવાર સમજનાર, અને પોતાની રસોઈ કળા ના બીઝનેસ ને નાનું અને ક્ષોભ વાળું કામ સમજનાર પતિ સાથે તે બેવફાઈ નથી કરતી, પણ તેને ત્યારે આનંદ જરૂર થાય છે કે કોઈકે તો મારી કદર કરી ! કોઈકે મારા રૂપની નોંધ લીધી ! કોઈકને હું રૂપાળી લાગુ છું ! શ્રીદેવી આઊટ સ્ટેન્ડિંગ ! બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ આ વખતે એને નામ ! એની એક્ટિંગ ના વખાણ કરું એટલા ઓછા. બચ્ચન સાથે નો તેનો સીન પણ અદભુત, જોકે ફિલ્મનો દરેક સીન અદભુત! અદભુત !અદભુત !

“ઐયા” મને તો ખુબ ગમી. નાયિકા એક તરફી પ્રેમમાં છે, અને સ્ત્રી જયારે પ્રેમમાં હોય ત્યારે તે કેવું અનુભવતી હોય, તે બાખૂબી દર્શાવવામાં આવ્યું છે. નાયિકા પોતાના જીવન પ્રત્યે જવાબદારી ભર્યું વલણ ધરાવે છે તોય તે થોડા રોમાન્ટિક મિજાજની છે. તેને પોતાની સપનાની દુનિયામાં રહેવું ગમે છે, અને એ જેને પ્રેમ કરે છે તે એના સપનાનો રાજકુમાર છે, એને જોઈ ને તે ઘેલી ઘેલી થઇ જાય છે. એની એક ઝલક મેળવવા તે પાગલો ની જેમ એની પાછળ પાછળ જાય છે. જે શર્ટની નીચે અન્ડરવેર ના પહેરતો હોય અને જે પોતાના શર્ટના ઉપરના બટન ખુલ્લા રાખતો હોય એવો પુરુષ તેને જોઈએ છે. દરેક છોકરો કે છોકરી ટીન એજમાં કે ભર યુવાની માં પોતાના મનમાં પોતાનું એક કાલ્પનિક નગર ઊભું કરે છે, પછી મોટા થઈએ એટલે એ નગર સ્ટેપ બાય સ્ટેપ તૂટતું જાય, પણ જયારે તે સંપૂર્ણ હોય એ અવસ્થામાં તે ખુબ સુંદર લાગતું હોય છે. નાયિકાનું આવું જ સુંદર કાલ્પનિક નગર જો તમારે જોવાની ઈચ્છા હોય તો જરૂર જોજો , રાની મુખર્જી અભિનીત ફિલ્મ “ઐયા”. રાની મુખર્જી ની એક્ટિંગ અને ડાન્સ કાબિલે તારીફ. આ વખતે શ્રીદેવી પછી જો કોઈ બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ ડિઝર્વ કરતુ હોય તો એ છે રાની મુખર્જી.
“સ્ટુડન્ટ ઓફ ધ યર” મહા હથોડો. ફિલ્મમાં કશું જ જોવા જેવું નથી, રિશી કપૂર માટે તો ખુબ આદર ભાવ છે એટલે તેમને આ ઉમરે ગે ના રોલમાં જોવા ગમતા નથી. ફિલ્મની કથા અતિશય નબળી અને એથી પણ નબળું કરન જોહરનું ફિલ્માંકન. ફિલ્મમાં ગીતો આવે ત્યારે મને તો એવું મન થયેલું કે પગમાં થી ચપ્પલ કાઢીને થીયેટરની સ્ક્રીન પર ફેંકુ. ઈશ્ક વાલા લવ ! મગજની બધી નસો સામટી ખેંચાઈ જાય કે સાલા બબુચક, ઈશ્ક એટલે જ લવ! કોઈ ખોપડી બાજે આ ગીતની સારી પટ્ટી ઉતારી છે નીચે આપેલા વીડીઓમાં , મસ્ટ વોચ !

“પેરાનોર્મલ એક્ટીવીટી ૪” ગમ્યું , એના આગળના ત્રણ ભાગની જેમ. આ મૂવીની સીરીઝ ના બધા ભાગમેં થીયેટરમાં જઈને જોયા છે. (એટલું ઓછું હોય ત્યાં મેં મારી નવલકથા “સળગતા શ્વાસો” ના પાત્રોને પણ વાર્તામાં એ ફિલ્મ જોવા મોકલ્યા છે ) પેરાનોર્મલ એક્ટીવીટીના બધા ભાગમાં કથા વસ્તુ એવી હોય છે કે આખા ઘરમાં બધે કેમેરા લગાવેલા હોય કારણકે ઘરમાં રહેનારને શંકા હોય છે કે ઘરમાં કોઈ સુપર નેચરલ પાવર એટલે કે ભૂત છે, અને એ કેમેરાની ફૂટેજમાં રેકોર્ડ થયેલા વિડીઓ થકી જ આખી ફિલ્મ દેખાડવામાં આવે, ફિલ્મમાં કોઈ બેકગ્રાઉન્ડ સાઉંડ નહીં, તોય આપણી બેકગ્રાઉન્ડ સાઉંડ વાળી હોરર ફિલ્મો કરતા વધુ ડરામણી. “પેરાનોર્મલ એક્ટીવીટી ૪” આ ફિલ્મ ની આખી સીરીઝમાં ક્રિએટીવીટી ની બાબતમાં અવ્વલ આવે, વ્હોટ એ ક્રિએટિવ ફિલ્મ ! ડોટ્સ વાળી લાઈટ માં ભૂત દેખાડવાનો કોન્સેપ્ટ એક્સેલેન્ટ! પણ ફિલ્મનો અંત આ સિરીઝની આગળની બધી ફિલ્મ્સ ની કમ્પેર માં નબળો.
બીજી કેટલીક મહત્વની ફિલ્મો જેવી કે “ચક્રવ્યૂહ” ના રીવ્યુ નથી આપી શક્યો કારણકે હજી જોવાઈ નથી. હું નવી ફિલ્મો માત્ર અને માત્ર થીયેટરમાં જઈને જ જોવું છું, અને હવે પહેલા કરતા ઓછી ફિલ્મો જોવા જઈ શકું છું, ગુજરાતી ફિલ્મો પણ હવે પહેલા જેટલી નથી જોવાતી, એટલે તમે બચી જાઓ છો, એના રીવ્યુ થી ! તોય ચલો વાત નીકળી છે તો કહી દઉં કે તાબડતોબ “મુરતિયો નમ્બર એક” ની વીસીડી લઇ આઓ, જે માર્કેટમાં હમણાંજ આવી છે. દેવાંગ પટેલ દ્વારા દિગ્દર્શિત અને અભિનીત આ ફિલ્મ અચૂક જોવા જેવી. મનોરંજનથી ભરપુર. મેં તો એઝ યુઝઅલ થીયેટરમાં જોયેલી, તોય ફરીથી સીડી લાવીને જોઈ અને ઘરમાં પણ બધાને દેખાડી.

તમે તો આવશો ને?

ચકલી પણ નથી આવતી,
હોલો પણ નથી આવતો…
અગરબત્તી વેચવાવાળો ઓલો ફેરિયો પણ નથી આવતો..
હું ઘરે આવું ત્યારે મારી પાછળ પાછળ
પૂછડી પટપટાવતો ઓલો શેરીનો કુતરો ય હવે નથી આવતો..
ટપાલ દેવા માટે
હવે ઓલા ટોપીવાળા કાંતીકાકા નથી આવતા..
છાપુ તો પહેલા છ વાગે આવી જતું,
હવે તો એય રાહ જોવડાવે છે…
કાચીંડાને તો હું ઘણીવાર શોધું છું..
વર્ષો થયા…નથી દેખાયો…
ઓફીસ ગુલાબના છોડ પર હવે ફૂલો ય નથી આવતા…
પતંગિયાતો તોય આવે છે…પણ ભમરા નથી આવતા…
મારા સેલ્યુલર પર ફોનેય નથી આવતા…
દુરદર્શન પર સમાચાર તો રોજ સાત વાગે આવે છે,
પણ એમાં હવે ઓલી કુટુંબ નિયોજનની જાહેરાત કેમ નથી આવતી…
ખેર જવા દો એ બધી વાત..
સાતસો ને છપ્પન થયા ને?
આમતો પૈસા હશે મારા ખિસ્સામાં,
પણ બીલ તમે ઘરે મોકલાવી આપજો ને..
એ બહાને કોઈક તો આવશે!

ખુદ કો માર ડાલા

ફિલ્મ – ડી
વર્ષ – ૨૦૦૫
ગીત – ખુદ કો માર ડાલા રે…
ગાયકો – માનો, મોહના સરકાર
સંગીત – નિતીન રાઈકવાર

ઓલું તેઝાબ ફિલ્મનું પ્રખ્યાત ગીત “સો ગયા, યે જહાં….” ના દ્રશ્યો જરા યાદ કરી જુઓ, તમને સૌથી પહેલા ચંકી પાંડે યાદ આવશે! અને આજે એમ નેમ ચંકી પાંડેને યાદ કરવાનું કોઈને કહેવામાં આવે તો તેને માત્ર ફિલ્મ “હાઉસફૂલ” અને હાઉસફૂલ ૨” નો ચંકી પાંડે યાદ આવશે. કોઈક વળી એને “લાફ ઇન્ડિયા લાફ” ના જજ તરીકે પણ યાદ કરશે. પણ હું એને સૌથી પહેલા યાદ કરું ફિલ્મ “ડી” માટે. ચંકી પાંડે ખોવાઈ ગયો, પછી તેને પાછો લાવ્યો રામ ગોપાલ વર્માએ ફિલ્મ “ડી”માં. પણ તેની ફિલ્મો ના ચાલી એટલે ચંકી પણ ના ચાલ્યો. રામુને બધાએ “આગ” માટે મન ભરીને ગાળો દીધી, પણ તેની શ્રેષ્ઠ ફિલ્મો કોઈ થીયેટરમાં જોવા સુદ્ધા ના ગયું. હું એની જગ્યાએ હોત તો લોકોને કહેત કે તમે “આગ”ને જ લાયક છો. કારણ કે “ડી”, “જેમ્સ”, “રણ”, “શિવા”(નવું) જેવી ક્લાસ ફિલ્મો તમારે જોવી નથી. એની સુપર ક્લાસ ફિલ્મ “રક્ત ચરિત્ર”ને પણ જોઈએ તેટલું ઓડિયન્સના મળ્યું તે વાતનો અફસોસ થોડા દિવસ પહેલાજ વિવેક ઓબેરોયે “કિસ્મત લવ પૈસા દિલ્લી” ના પ્રમોશનલ ઈન્ટરવ્યુ વખતે વ્યક્ત કર્યો.
ખેર, મારે વાત કરવી છે “ડી” ફિલ્મના એક ગીત “ખુદ કો માર ડાલા રે…” વિશે, જેનું ફિલ્માંકન ચંકી પાંડે અને ઈશા કોપીકર પર થયું છે. આ ગીત ખાસ પ્રખ્યાત નહોતું થયું, હું કૉલેજ ના બીજા વર્ષમાં હતો ત્યારે આ ફિલ્મ-ગીત આવેલું અને પહેલીવાર સંભાળતાવેંત જ હું આ ગીતના પ્રેમમાં પડી ગયો. એક તો ટપોરી ટાઈપ ગીતો વિશેનો લગાવ ત્યારે વધુ હતો, પણ ગીત ગમવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે ગીતના શબ્દો સાંભળીને એવું લાગતું કે જાણે મારી અંદરની લાગણીઓને કોઈ એ શબ્દદેહ આપ્યો છે. ગીતના શબ્દો મનની ગુંગળામણને વ્યક્ત કરે છે. ચંકીનુ પાત્ર ગીત દારૂ પીને ગાય છે, કારણકે કે આ શબ્દો, આ frustration એ પ્રકારનું છે કે જે સામાન્ય સ્થિતિમાં શબ્દરૂપે બહારના આવે.
“ખુદ કો માર ડાલા રે….ખુદ કો માર ડાલા… દિમાગ થા મેરે પાસ ફિર ભી ના ચલા સાલા ! “
હું દસમાં ધોરણમાં ગણિતમાં ફેઈલ થયેલો, પછી જોકે એક મહિનામાં રી ટેસ્ટ આપીને પાછો પાસ થઈને વર્ષ બગાડ્યા વગર અગ્યારમામાં આવી ગયો, અને પછી બારમામાં આવ્યો, બારમામાં પણ ભણવામાં એટલો જ નબળો. કોમર્સ લીધેલું, પહેલું પેપર એકાઉન્ટ નુ હતું, પરીક્ષા શરુ થવાને દોઢ કલ્લાકની જ વાર હતી, હું ઘરેથી નીકળવાનો હતો, અને અચાનકમેં રૂમ બંધ કર્યો, અને બંધ બારણા પાછળમેં કરેલા આયોજન મુજબ હું ઓલ આઊટ લીક્વીડની શીશી પી ગયો. એ શીશી પર મોટા અક્ષરે લખેલું આવે છે “પોઈઝન” એટલે! મમ્મી પપ્પાને પગે લાગીને સાયકલ પર નીકળી પડ્યો એક્ઝામ આપવા. આખી એકઝામમાં ઊલટી જેવું થયા કર્યું, માથું પણ સખ્ખત દુખ્યું પણ કઈ થયું નહી. એકઝામમાં પાસ પણ થઇ ગયો. નર્વસનેસ માં લેવાઈ ગયેલું કેટલું મોટું ખોટું પગલું! એતો ભગવાનની કૃપાથી હું બચી ગયો…! નહીંતો મર્યા પછી મારે ભૂત બનીને ગાવું પડેત – “ખુદ કો માર ડાલા રે….ખુદ કો માર ડાલા… દિમાગ થા મેરે પાસ ફિર ભી ના ચલા સાલા ! ” સુસાઇડ કરવાના નિર્ણયો માણસો ઇમોશનલ થઈને લેતા હોય છે, જો તેવે વખતે શાંત થઈને દિમાગનો ઊપયોગ કરીને વિચારવામાં આવે તો ખબર પડે કે એવી કોઈ કટોકટીની સ્થિતિ નથી આવી જીવનમાં, અને આના થી પણ વધારે કપરો સમય આવશે, પણ ત્યારે નાસીપાસ થયા વગર, ઇમોશનલ થયા વગર, દિમાગથી કામ લઈને એ તકલીફનું નિવારણ શોધવાનું છે, અને જો તકલીફનું કોઈ નિવારણના હોય તો પરિસ્થિતિ સાથે સમાધાન સાધીને જીવવાનું શીખવાનું છે.
ખોટા મિત્રોનો સંગ પણ કર્યો છે, અને એના લીધે જીવનમાં ઘણું બધું ગુમાવ્યું પણ છે, એ વાતોનો વિસ્તારથી ઊલ્લેખ કર્યા વગર માત્ર એટલું જ કહીશ કે “નોચ નોચ કે દોસ્ત ચલ દિયે, કુછ નહી બચાયા, સબ નિગલ ગયે, હાથ ફસ ગયા હાથ જીસ જગા પે ડાલા રે…ખુદ કો માર ડાલા રે….ખુદ કો માર ડાલા… “
ભીડથી હમેશા અલગ રહ્યો છું, વિખુટો રહ્યો છું, દાઢીતો હંમેશા વધેલી જ હોય, એતો હમણાથી થોડો સુધર્યો છું, અને લાઈફનો ગ્રાફ પણ ખુબ ઊંચો નીચો, આડો તેઢો. બારમામાં ૪૮ ટકા અને ફર્સ્ટ યરમાં પછી વિષય બદલીને આર્ટસ લીધું, મુખ્ય વિષય અંગ્રેજી સાથે. અને ફર્સ્ટ યરની ફર્સ્ટ ટેસ્ટમાં આખા ક્લાસમાં ફર્સ્ટ! ડીસ્ટીન્ક્શન! પાછો સેકન્ડ યરમાં સેકન્ડ ક્લાસ અને થર્ડ યરમાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ! ક્યારેક સાવ ઝિરો તો ક્યારેક હીરો! કભી સમુંદર તો કભી સાલા ગલી કા નાલા!
“ભીડ ભાડમે કટી પતંગ હો ગયા, જીને કા ઢંગ બેઢંગ હો ગયા, સમંદરમેં આકે મિલ ગયા ગલી કા નાલા રે….ખુદ કો માર ડાલા રે….ખુદ કો માર ડાલા… “
ગુલામ અલીની ગાયેલી ગઝલમાં જે આવારગીની વાત આવે છે તેવી આવારા લાઈફ હું પણ જીવ્યો છું, લોકો મને એક કોયડાની જેમ જોતા હોય એવું પણ અનુભવ્યુ છે, એક એવું તાળું જેની કોઈ ચાવી નથી….
“કલ ચલા ગયા કલકા ક્યા પતા… આયીનેમેં ભી તુ હૈ લાપતા, બન ગયા, તુ બન ગયા બીના ચાબી કા તાલા રે….ખુદ કો માર ડાલા રે….ખુદ કો માર ડાલા… “

હિંગોળગઢ અભયારણમાં “નવરંગ”

લાસ્ટ વિકેન્ડ માઈન્ડ બ્લોઇંગ રહ્યો. અમે કેટલાક મિત્રો હિંગોળગઢ અભયારણની ટ્રીપ પર ગયા. જે રાજકોટ જીલ્લામાં આવેલું છે. જેમાં મુખ્યત્વે નીલ ગાય, હરણ, સાપ તથા વિવિધ પક્ષીઓ જોવા મળે છે. ત્યાં જવા માટેનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી માર્ચ વચ્ચે નો સમયગાળો છે. મહિન્દ્રા મેક્સ નામની ગાડી, ગાડીના ચાલક રાજુભાઈ તથા અમે બધા મિત્રો – મહાનુભાવો- માથાનો દુખાવો……વિગેરે વિગેરે જેવા અમે નવ જણા. નવરંગી ચુંદડીના નવરંગ….! (બાય ધ વે,નવરંગ પરથી યાદ આવ્યું,આજથી નવરાત્રી શરૂ થાય છે તો, હેપ્પી નવરાત્રી ટુ ઓલ હોં! ) ચાલો એ નવરંગનો પરિચય આપું. પહેલો મુદ્દો – નેવિલ (મુખ્ય આયોજક, જે બધા આયોજનો કરીને બધાને અચૂક પૂછે – “બરાબર છે?” તેણે શ્રેષ્ટમ આયોજન કર્યું) , બીજો મુદ્દો – શિવાની. (મુખ્ય ફોટોગ્રાફર, ત્યાં અભયારણમાં એક પણ જીવડું કે પાંદડું એવું નોતું જે શિવાનીના કેમેરાથી બચી શક્યું હોય. એને તમે કાંઈ પણ બતાવો એટલે “યા, યા, નાઈસ!” બોલીને તેને કેમેરામાં કેદ કરી લે! પણ તેની કેમેરાગ્રાફી અદભુત હોં! ) ત્રીજો મુદ્દો – ઊર્વશી (શાંત અને ઊંડા પાણી), ચોથો મુદ્દો- ધારીણી (ગાયિકા, અમારી ગાડી ટેપ વગરની હતી, એટલે એને સાથે લેવી પડે જ તેમ હતી. 😉 ) પાંચમો મુદ્દો – સંકેત (અછાંદસ કવિતા કરનારો) છઠ્ઠો મુદ્દો – નિશિતા (બિન્દાસ બેબ) સાતમો મુદ્દો – કરણ (શાયરીઓ સંભળાવે રાખે, સાથે તે કોની શાયરી છે તે પણ અચૂક જણાવે, એના માઈન્ડ માં જબરું કલેક્શન છે) આઠમો મુદ્દો – પીયુષ (કાઠીયાવાડી – ઢળતા સુરજ જોડે, અભયારણમાં સાપ જોડે એમ બધા જોડે વાતો કરી લે ! ) અને નવમો મુદ્દો હું , હવે મારા વિશે તો તમે બધા જાણો જ છો, (ત્યાં પણ બધા મને “બાપુ” કહીને બોલાવતા) છે ને બધા નવરંગ જેવા! 😉

હિંગોળગઢ ના પેલેસમાં “નવરંગ” – ડાબેથી પહેલો (ટોપીવાળો) કરણ, એની પાછળ ધારીણી, આસમાની રંગના શર્ટમાં હું, પાછળ ટી-શર્ટમાં નેવિલ, એની બાજુમાં નિશિતા, સૌથી પાછળ શિવાની, જમણી બાજુ છેલ્લે ઊર્વાશીબેન, એમની બાજુમાં પીયુષ અને બાકી બચ્યો તે સૌથી આગળ બેસેલો સંકેત

શનિવારે સવારે નીકળ્યા તે સાડા દસે હિંગોળગઢ પહોંચ્યા. પહોંચતાવેંત ભાઈશ્રી નેવિલ બોલ્યા – “મેં તમને કીધેલું કે આપણે સાડા દસે પહોંચીશું, અત્યારે દસ ને અઠ્યાવીસ થઇ છે, બરાબર છે?” 🙂 ત્યાંના રાજા સાહેબનો પેલેસ જોયો, જે લાજવાબ છે, ઊંચા પર્વત પર બીરાજ એવો પેલેસ, દૂરથી પણ એટલો સોહામણો લાગે કે ના પૂછો વાત. પેલેસનો એક એક ઓરડો ક્લાસી ઈન્ટીરીયર નો નમુનો, ક્યા બ્બાત હૈ!

જેને જોયા પછી તમે તેના પ્રેમમાં પડ્યા વિના ના રહી શકો તેવો હિંગોળગઢના પર્વત પર બિરાજમાન શાહી પેલેસ


સુંદર પેલેસ જોઈ ને અમે “નવરંગ”મોજમાં આવી ગયા, પીધા વગર મદહોશ થઇ ગયા (ચઢી મુજે યારી તેરી એસી, જેસે દારૂ દેસી 😉 ) અને પેલેસની બહારના ભાગમાં અમે ગરબા ગાયા. સાંજ પડે જમવામાં રોડ સાઈડ લારી પર ભાજીપાવ, આઈસ્ક્રીમ, પાન વિગેરે વિગેરે ને રાત્રે મોડે સુધી વાતો, ટ્રુથ એન્ડ ડેર ની જમાવટ, ને અમે “નવરંગ” પ્રકૃતિ પ્રેમી જબરા, એટલે અડધી રાતે અભયારણમાં આંટો મારવા નીકળ્યા, આકાશમાંના તારા જોવા! તારાઓ ની ખુબસુરતી ની તારીફો કરીને અમે સૌ સુવા ભેગા થયા.

ચાય કે લિયે જૈસે ખારી બિસ્કીટ હોતા હૈ, વૈસે હર એક ફ્રેન્ડ ઝરૂરી હોતા હૈ !


સવારે ચાર વાગે સૌ ઊઠી ગયા, અને અમે નવરા નવરંગ સવાર સવારમાં ધાબે ચઢ્યા, ને ત્યાં કરણભાઈ ને હસવાના ઊમળકા થયા 🙂 , તો ભાઈશ્રી થોડા લાગણીમાં તણાઈને અમને લાફીંગ કલબની કસરતો સમજાવવા લાગ્યા, રાવણ હાસ્ય, સિંહ હાસ્ય, જેવા હાસ્યોના નમૂનાઓ તે પેશ કરી રહ્યો હતો ત્યાં જ અભ્યારણની ઓથોરીટીના માણસે આવી ને વારો પાડ્યો. ખરેખર, તેમની વાત સાચી હતી, અમે મુર્ખાઓ જંગલની શાંતિનો ભંગ કરી રહ્યા હતા, એટલે અમે પોત પોતાની પૂછડી પોત પોતાના પગો વચ્ચે દબાવીને ધાબા પર થી હેઠા ઊતર્યા. પાછા નાસ્તો કરીને ટ્રેકિંગ પર ઊપડ્યા, ઊપડ્યા તો સાથે, પણ પછી બધા બે ગ્રુપમાં ફંટાઈ ગયા. એમાં હું,નિશિતા અને નેવિલ ઊંચો પહાડ ચઢ્યા, ચઢ્યા તો ચઢ્યા, પણ ત્યાં ચઢીને બધા માનસિક તૈયારીઓ કરી રહ્યા હતા કે હજી આને પાછો ઊતરવાનો પણ છે, ત્યાં જ અભ્યારણનો એક ચોકીદાર કાઈનેટિક લઈને ત્યાં રસ્તામાં પ્રગટ થયો, એની પાછળ હું બિરાજમાન થઇ ગયો (ચલો ચોકીદાર ચલો, ગેસ્ટ હાઉસ કે પાસ ચલો…. 😉 ) ને ટૂંકમાં હું ફાઈ ગયો.
અભ્યારણમાં નીલગાય જોઈ, કેટલાક મિત્રો એ હરણ પણ જોયા, સાપ જોયા, અને પછી ત્યાંથી જવા માટે રવાના થયા, વળતા લોથલ પણ જઈ આવ્યા, અને સાંજ પડે તો ઘેર પણ પહોંચી ગયા, પત્યું લો !

જળ બિલાડી

સાપ !

એની હથેળીનો સ્પર્શ


આયુષી આજે મોડી આવી. કેફે કોફી ડે ની લાલ રંગની દીવાલને અડીને બેઠેલો હું, મલકાઈ ઊઠ્યો એના આગમન થી. આયુષી ના આગમનથી. મારી આયુષી ના આગમન થી. હા, આયુષી મારી, ફક્ત મારી… એવું ફક્ત બે જણા માને છે,પ્લીઝ તમે એવું ના વિચારતા કે હું ને આયુષી એવું વિચારતા હોઈશું! એવું માનવામાં પહેલો હું અને બીજું મારું હૃદય! હવે તમે કહેશો કે હૃદય પણ મારું જ છે તો તેને બીજી વ્યક્તિ તરીકે કેવી રીતે ગણાય? તો એ એવી રીતે ગણાય કે તે આજ કાલ મારું નથી રહ્યું. એકઝેટલી, હવે તમે બરાબર વિચાર્યું, તે આયુષીનું થઈ ગયું છે. મારી કોઈ વાત માનતું જ નથી. બસ એના વિચારો માં…. જ્યારથી તેને જોઈ છે ત્યાર થી! હા, બસ ત્યારથી જ ! એ જ ક્ષણે મને તેની સાથે પ્રેમ થઇ ગયો. લવ એટ ફર્સ્ટ સાઈટ! પહેલી જ નજરમાં પ્રેમ! છ છ મહિના થઇ ગયા, તેના પ્રેમમાં તડપતા તડપતા…! આયુષી…..આયુષી ….ને બસ આયુષી ના જાપ. દિવસ અને રાત! આયુષી આમ હસમુખી, બધા સાથે ભળી જાય, મારી સાથે પણ ભળી ગઈ. ચાલો, દોસ્તી તો થઇ. દોસ્તી દિવસેને દિવસે ગાઢ પણ થતી ગઈ. અને જોત જોતામાં અમે બેસ્ટ ફ્રેન્ડસ બની ગયા.
સાથે હરતા ,ફરતા , હસતા ,બોલતા , અલક મલકની વાતો કરતા, પણ પ્રેમ? હા, પ્રેમની પણ વાતો કરતા, પ્રેમની એટલે પ્રેમ વિશેની, આદર્શ પ્રેમની વ્યાખ્યા, પ્રેમીપાત્ર કેવું હોવું જોઈએ વગેરે વગેરે! મને તો પ્રેમ થઇ પણ ગયેલો, પણ તે આયુશીને કોણ સમજાવે? વેલ, મારે જ સમજાવવું પડે કે હું તેને કેટલો પ્રેમ કરું છું પણ તેવું કહેવાની હિંમત ક્યાં થી લાવવી? આમતો તેની સાથે કલ્લાકો ના કલ્લાકો સુધી વાતો કરી શકું, પણ એ એક વાત ના કહી શકું જે મારે તેને છ છ મહિના થી કહેવી છે. આજે કહી દઉ? ના, કાલે કહીશ, ડીનર પર લઇ જઈ ને કહું? કે અચાનક ચાલતા ચાલતા હાથમાં હાથ પરોવી લઉં અને એ રીતે શબ્દો વગર સ્પર્શ થી તે વાત કહી દઉં. પણ સ્પર્શેય ક્યાં કરી શકું છું. તે છુટા પડતી વખતે હાથ મિલાવવા હાથ લંબાવે છે ત્યારે તેની નાજુક હથેળીને અડી ને આખા શરીરમાં રોમાંચ વ્યાપી જાય છે.
પણ આજે હું તેને કહી દેવાનો છું, દિલની વાત! છ છ મહિનાથી જે વાત મેં ફક્ત તેને આંખો થી કહી છે, તોય તેણે નથી સમજી! સાવ ડોબી છે ને? આજે તો મોઢા મોઢ કહી જ દેવું છે “આયુષી આઈ લવ યુ!” ગભરાયા વગર, હિંમત કરીને આજે તો કહી જ દઈશ, આજે પાછો નઈ પડું, કારણકે છેલ્લા કેટલાક દિવસમાં મેં અનુભવ્યુ છે કે તે પણ કદાચ મને….?? પ્રેમ….!!!! કદાચ નહી, શ્યોર કરતી જ હશે, આગ દોનો તરફ બરાબર લગી હૈ. ધેટ્સ વ્હોટ આઈ ફિલ!
ફાઈનલ્લી આયુષી આવી ગઈ, થોડી મોડી આવી, પણ આવી ગઈ અને કેફે કોફી ડે ની લાલ રંગની દીવાલને અડીને બેઠેલો હું, મલકાઈ ઊઠ્યો એના આગમન થી. આયુષી ના આગમનથી. મારી આયુષી ના આગમન થી.
“આયુષી કેમ મોડું થયું તને આવવામાં તને ખબર છે આજે મારે તને કેટલી ઈમ્પોટર્ન્ટ વાત….”
“ના પહેલા તું મારી વાત સંભાળ કાર્તિક, આઈ એમ ઇન લવ!”
“ખરેખર આયુષી…..હું તને…..?”
“હા, તું જ મને પહેલો મળ્યો જેની સાથે હું આ વાત શેર કરી રહી છું! પેલો જીગર છે ને…! મને ગમતો હતો, એ પણ છ છ મહિનાથી, આજે તને અહિયાં મળવા આવતી હતી ત્યારે રસ્તામાં તે મળી ગયો, એન્ડ ગેસ વ્હોટ, એણે સામેથી પ્રપોઝ કર્યું ! માય ગોડ, આજે હું ખૂબ જ ખૂશ છું. ચાલ તને આજે ટ્રીટ આપું, શું લઈશ? ”
“તને સુખ આપીશ અને હું દુઃખ લઈશ” એવું કૈક હું મનમાં બોલ્યો ને પછી મેં તેને કહ્યું – “આયુષી, મારે જવું પડશે, તું આવી એ પહેલા જ પપ્પાનો ફોન આવેલો, ક્યાંક બહાર જવાનું છે…”
ઓહ, ધેન યુ શૂડ ગો, બાય….” તેણે હાથ મિલાવવા માટે હાથ લંબાવ્યો, મેં તેના હાથમાં હાથ પરોવ્યો, તેની નાજુક હથેળીનો સ્પર્શ મેળવીને હું કેફે કોફી ડે ની બહાર નીકળ્યો.