Month: નવેમ્બર 2012

નવેમ્બર ૨૦૧૨ ના ફિલ્મ રિવ્યુઝ

ગયા મહિના ના ફિલ્મ રિવ્યુઝ વખતે અંતમાં મેં અફસોસ વ્યક્ત કરેલો કે “ચક્રવ્યૂહ” અને બીજી કેટલીક ફિલ્મો નથી જોવાઈ, પણ નવેમ્બરની શરૂઆતમાં તે ફિલ્મો જોવાઈ ગયેલી માટે શરૂઆત એ ફિલ્મોના રીવ્યુઝ્થી જ કરીએ.
“ચક્રવ્યૂહ” મારા મત મુજબ પ્રકાશ જહા નું અત્યાર સુધીનું શ્રેષ્ઠ સર્જન છે. યસ, “ગંગાજલ” કરતા પણ ક્યાય સારી. ફિલ્મમાં અભય દેઓલ નકસલવાદીઓ ની ટોળકીમાં જાય છે પોલીસ – અર્જુન રામપાલ ના ખબરી તરીકે , પણ ત્યાં રહેતા રહેતા તેને માલુમ પડે છે કે નક્સલીઓ જે કરી રહ્યા છે તે યોગ્ય છે માટે તે પણ એક નક્સલી બની જાય છે , અને પછી અર્જુન અને અભય વચ્ચે ટક્કર. ખુબ સરસ વાર્તા , જકડી રાખે તેવું ફિલ્માંકન, અને જહાની ફિલ્મ એટલે સંવાદો પણ ચોટદાર રહેવાના. અભય દેઓલ છવાઈ ગયો, મસ્ત એક્ટિંગ ! અર્જુન રામપાલ પાત્ર માં સુટેબલ, ઓમ પૂરી અને મનોજ બાજપાઈ, લાઈક ઓલવેયઝ શ્રેષ્ટમ અભિનય. અને નકસલવાદ પર એક ફિલ્મ ત્રણ- ચાર વર્ષ પહેલા આવેલી ” રેડ એલર્ટ ” ખાસમ ખાસ જોજો. અફલાતુન ફિલ્મ. મેં મારા જીવનમાં જોયેલી શ્રેષ્ઠ ફિલ્મો માં ની એક. એમાં તમે સુનીલ શેટ્ટીનો અભિનય જોશો તો દંગ રહી જશો. અને સમીરા રેડ્ડીનો અભિનય પણ ખુબ સરસ એ ફિલ્મમાં.

“અજબ ગજબ લવ” એક સારો ફની પ્લોટ લઈને આવી છે, શરૂઆતમાં સારી જમાવટ છે પણ પાછલ થી થોડી ઢીલી પડી જાય છે. ગીતો સારા. આ ફિલ્મમાં મારું ખુબ ગમતીલું ગીત “તું મેરા આસમાં સા લગે ક્યોં…”

“લવ શવ તે ચીકન ખુરાના” મસ્ત ! સિમ્પલી સુપર્બ ફિલ્મ ! એક એક પાત્ર નીખર્યું છે, માવજત પામ્યું છે, લવ સ્ટોરી ટૂંકી પણ દિલચસ્પ. થોડાક મહિના પહેલા મેં એક ગ્રીક ફિલ્મ જોયેલી “ટચ ઓફ સ્પાઈસ” દિગ્દર્શક – tasos boulmetis. એ ફિલ્મ સંપૂર્ણ રીતે કુકિંગ પર બનેલી. ફિલ્મ નું પહેલું દ્રશ્ય, બાળક સ્તનપાન નથી કરી રહ્યું અને સ્તન પર મીઠું ભભરાવવામાં આવે છે અને બાળક રડવાનું બંધ કરી સ્તનપાન કરવા લાગે છે. આ રીતે અને બીજી અનેક રીતે તે ફિલ્મમાં મીઠાનું મહત્વ દર્શાવાયું. પોસ્ટ કાર્ડમાં મસાલો ભભરાવી પોતાની વાનગીઓની સુગંધની આપ લે. કુકર પહેલી વાર ઘરમાં આવતા વાપરતા ન આવડતું હોવાને કારણે ફાટી જાય છે અને દાદીને હાથમાં પેરાલીસીસ થઇ જાય છે અને મિક્સચર ઘરમાં પહેલી વાર આવે છે ત્યારે એની સાથે પણ એક રમુજી પ્રસંગ બને છે જેનાથી દાદીનું પેરાલીસીસ ઠીક થઇ જાય છે. અને હું જો લખવા બેસું તો માત્ર એ જ ફિલ્મ વિષે લખાય તોય મારું મન નાં ભરાય માટે વધારે નથી લખતો પણ એ ફિલ્મ જોયાના કેટલાક મહિના પછી “લવ શવ…” નું ટ્રેલર જોયું અને થયું વાહ ! ભારતમાં પણ કુકીન્ગને મુખ્ય વિષય બનાવીને ફિલ્મ બની ! ફિલ્મ આખી ચીકન ખુરાનાની રેસીપી શોધવામાં વ્યતીત થાય છે અને છેલ્લે રેસીપી મળે છે , ફિલ્મ પૂરી થાય છે ત્યારે આપણને ટેસ્ટી ફૂડ જમ્યાનો ઓડકાર થાય છે.

“૧૯૨૦ – એવિલ રીટર્ન ” just o.k. ફિલ્મ. છેલ્લે આત્માને મારે છે તે આત્મા ના પોતાના શરીરમાં નાખી અને તેને બાળીને! પણ ભલા માણસ, આત્મા તે કોઈ દિવસ બળતી હશે ? શું મગજની …..%&$#@ !!!!
“મક્ખી” મનોરંજક . વિલન હીરોને મારી નાખે છે અને હીરોનો પુન જનમ થાય છે, માખી સ્વરૂપે અને એ માખી કેવી રીતે બદલો લે છે તે છે ફિલ્મની વાર્તા. ખાસ જોવા જેવી ફિલ્મ. બાળકોને ખુબ ગમે એવી અને મોટાઓ ને બાળસહજ આનંદ અપાવે તેવી.

“જબ તક હૈ જાન ” માં યશ ચોપરાનું ફિલ્માંકન હંમેશની જેમ સુંદર, હું ફિલ્મમાં પૂરે પૂરો ડૂબી ગયેલો, ત્રણ કલ્લાકનું આ પિક્ચર ચાર કલ્લાક પણ ચાલ્યું હોત તોય મને વાંધો ન હતો. ફિલ્મ થ્રીલર નહિ પણ લવ સ્ટોરી હોય અને તે પણ ત્રણ કલ્લાક ની હોય છતાં તે તમને જકડી રાખે, તમારો રસ જળવાઈ રહે તે બહુ મોટી વાત છે, જોકે ફિલ્મ ની વાર્તા મને યશ ચોપરા ના લેવલ કરતા થોડી ઊતરતી લાગી, પણ ચાલે ! એક્શન ફિલ્મો લાર્જર ધેન લાઈફ હોય છે તોય આપડે તેને વધાવી લેતા હોઈએ છીએ તો પછી રોમાન્સમાં પણ થોડું વધારે રોમાન્ટિક કરવા ક્યારેક અ-વાસ્તવિક કથાઓ ચલાવી લેવાય ! અનુષ્કા ની એક્ટિંગ કાબિલે તારીફ , શાહરૂખનું કામ રાબેતા મુજબ અને કેટરીના ને કોઈ એક્ટિંગ શીખવાડો યાર ! શું કરે છે આ છોકરી , દસ દસ વર્ષ થયા બોલીવુડમાં આયે તોય….મગજની ……&%$# !! પણ ડાન્સ માં તેનો જવાબ નથી , આ ફિલ્મમાં પણ અદ્ ભૂત ડાન્સ રજુ કરીને જમાવટ કરી છે.

“સન ઓફ સરદાર” વોચેબલ ! અજય દેવગણ ને સંજય દત્ત મારવા માંગે છે, પચ્ચીસ વર્ષ થી. અને મને ખબર હતી કે એન્ડમાં તો નહિ જ મારે, છોડી દેશે કારણ કે અજય ફિલ્મનો હીરો છે અને ફિલ્મ કોમેડી પ્રકારની છે એટલે છેલ્લે કોઈ પણ મરે તે ના પોસાય , પણ પચ્ચીસ વર્ષ થી બદલાની આગમાં સળગતો સંજય દત્ત માત્ર પચ્ચીસ સેકન્ડમાં તેને માફ કરવા રાજી થઇ જાય છે એ પણ કોઈ ખાસ કારણ વગર. અરે એવું પણ બતાવી દીધું હોત કે સંજયે અજયને માર્યો ને અજય આઈ.સી.યુ માં જઈ ને પણ બચ્યો ને પછી તોયે અજયે સમય આવ્યે સંજયની જાન બચાવી, એના કોઈક દુશ્મનો થી. પચ્ચીસ વર્ષ થી બદલાની આગમાં સળગતા માણસ નું હૃદય પરિવર્તન કરાવવા માટે કોઈ મોટું કારણ જોઈએ. પણ અહી તો પિક્ચરની છેલ્લી એક મિનીટ બાકી છે એટલે પતાવવા માટે સંજય માફ કરી દે, ઘરના બીજા લોકો પણ અજયને છોડી દે અને પોતાનો જમાઈ બનાવી લે ને પછી પો પો પો પો… કરી ને નંબરીયા !

હવે વાત ગુજરાતી ફિલ્મો ની ! દિવાળી પર બે ગુજરાતી ફિલ્મો રજુ થઇ. બંને ના દિગ્દર્શક શુભાષ. જે . શાહ. પ્રથમ વાત કરીશું ફિલ્મ “પ્રીત સાયબા ના ભૂલાય” ની. હીરો- હિરોઈન લડે ઝગડે પણ નફરત એ પ્યારની પહેલી નિશાની – મુજબ પ્રેમ થાય છે અને પછી ખબર પડે છે કે બંને ના પરિવાર એક બીજાના દુશ્મન છે, શરૂઆતમાં હીરો પરિવારને પ્રાયોરીટી આપે છે , અને પછી બંને પરિવારોને નજીક લાવવાના પ્રયત્નો થાય છે. હીરો તરીકે ડાયરાનો ગાયક રાકેશ બારોટ . સારું ગાય છે હો ….
પ્રીત સાયબા ના ભૂલાય નું ટ્રેલર

બીજી ફિલ્મ “ઓ ગોરી મેં તો દિલ થી બાંધી છે પ્રીત” . હિરોઈન ના લગ્ન થાય છે. એરેન્જ મેરેજ. આપડી લોકોની વાર્તા તો અહિયાં જ પૂરી થયી જાય છે – પતિ થયો એટલે પતિ ગયો ! 🙂 પણ આતો ફિલ્મ છે એટલે વાર્તા અહીંથી આગળ વધે છે અને પેલીનો પતિ મરી જાય છે એટલે પરિવારના લોકો તેને તેના દિયર સાથે પરણાવવા રાજી કરે છે અને પછી twists & turns, melodrama & all… આ ફિલ્મથી ડાયરાનો ગાયક રોહિત ઠાકોર પહેલી વાર રૂપેરી પડદે. વાહ ભાઈ વાહ ! 🙂 આ બંને ફિલ્મ ટીકીટ બારી ગજવશે , ગજવી રહી છે. દિગ્દર્શક શુભાષ જે. શાહ હંમેશા ગુજરાતી ફિલ્મના દર્શકોની નસ પકડીને ચાલે છે , એમને ખબર છે કે દર્શકોને શું પસંદ પડશે અને તેમને શું જોઈએ છે , બસ એ મુજબ જ એ પીરસે છે. એક સુપર ડુપર હિટ ફિલ્મ નો ફોર્મ્યુલા લઈને જ એ ફિલ્મ બનાવે છે.
હવે બોલીવુડના પ્રેક્ષકોને ઈન્તેજાર છે સલમાનની “દબંગ ૨ “નો , અને ઢોલીવુડના પ્રેક્ષકો વાયટૂ જોઈ રહ્યા છે ફિલ્મ “માં- બાપ ના આશીર્વાદ” ની , જેનો હીરો છે વિક્રમ ઠાકોર !

દિલ તો બચ્ચા હૈ જી !

ફિલ્મ – ઈશ્કિયા
વર્ષ – ૨૦૧૦
ગીત- દિલ તો બચ્ચા હૈ જી
ગાયક – રાહત ફતેહ અલી ખાન
ગીતકાર – ગુલઝાર
સંગીત – વિશાલ ભારદ્વાજ

“ઈશ્કિયા” ફિલ્મ આવી ત્યારે તેના બધા ગીતો હૃદયે વસી ગયેલા,(ગુલઝાર સાહેબ ની ખુબ સુંદર ગીત રચનાઓ), રાહત ફતેહ અલી ખાનને હું ત્યારથી સાંભળતો હતો જયારે તેણે બોલીવુડમાં ગાવાની શરૂઆત નોહતી કરી. એની પાકિસ્તાનમાં લોકપ્રિય એવી કવ્વાલીઓ મારા ખુબ ગમતા ગીતો માં શામિલ હતી. અને આ ગીત “દિલ તો બચ્ચા હૈ જી ” એના બોલીવુડના શ્રેષ્ઠ ગીતો માં નું એક. પણ તમારે અસલી રાહત સાંભળવો હોય તો એ પાકિસ્તાનવાળી કવ્વાલીઓ જ સાંભળવી પડે. એમાં જ એનો ક્લાસ છે, એની કળા માટેનું મોકળું મેદાન છે, મને તો ખરેખર પહેલા એ બોલીવુડના ગીતો ગાતો ત્યારે એમાં મને એની કલાનું અપમાન લાગતું, પણ ધીરે ધીરે ટેવાઈ ગયો.
ગીતનું ફિલ્માંકન નસરુદ્દીન શાહ પર થયું છે અને તેના પાત્રની ઉમર વધારે છે, અને ગીતના મુખડામાં બાખૂબી દર્શાવવામાં આવ્યું છે કે એને અફસોસ છે કે તેના ચેહરા નું નૂર ખોવાઈ ગયું છે, જેની તેને ખાસ જરૂર છે કારણ કે એ પ્રેમમાં પડ્યો છે, પ્રેમમાં પડ્યા પછી તે તેમાંથી બહાર નીકળવાને સક્ષમ નથી એ વાત મુખડાની પહેલી લાઈન માં જ ખબર પડે છે , અને છેલ્લી લાઈન માં ચોક્ખી વાત કે હવે તો બસ સાથી જોઈએ છે કારણ કે હૃદય હજી બાળક છે અને બાળકને થોડું કઈ રેઢું મુકાય !
એસી ઉલઝી નઝર ઉન સે હટતી નહિ, દાંત સે રેશમી ડોર કટતી નહિ,
ઊમ્ર્ર કબકી બરસ કે સુફેદ હો ગયી , કાલી બદરી જવાની કી છટતી નહિ ,
વલ્લા યે ધડકન બઢને લગી હૈ , ચેહરે કી રંગત ઊડને લગી હૈ ,
ડર લગતા હૈ તન્હા સોને મેં જી , દિલ તો બચ્ચા હૈ જી.. થોડા કચ્ચા હૈ જી …દિલ તો બચ્ચા હૈ જી …
અને એ પાત્રની લાગણીઓ હું ખુબ સારી રીતે સમજી શક્યો કારણ કે એણે જે ૪૦-૪૫ વર્ષે ફિલ કર્યું એવું જ કૈક મેં વીસ – પચ્ચીસ વર્ષે ફિલ કર્યું છે , અફકોર્સ એણે extreme લેવલે ફિલ કર્યું છે મેં બહુ નાના લેવલે ફિલ કર્યું છે , પણ તોય …. કર્યું તો છે ને !કોલેજમાં ભણતો હતો ત્યારે એક દિવસ સવારે ઊઠીને હું ખુબ જ અપસેટ થઈ ગયો , કારણ એ હતું કે સવારે ઊઠતા વેંત મેં મારો ચેહરો અરીસામાં જોયો અને મને લાગ્યું કે હું કાળો થઇ ગયો છું. મારું એ દુખ મેં મારી કળા દ્વારા ઓછું કરવાનો પ્રયાસ કર્યો. એ દિવસે મેં એક ટૂંકીવાર્તા લખી જેમાં મારા જેવા જ એક છોકરાને અચાનક એક દિવસ બધા લોકો કહેવા લાગે છે કે તું કાળો છે અને એ છોકરો ભગવાનને ફરિયાદ કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેના સપનામાં આવી ને કહે છે કે મને તું ગમે છે એટલે હું તારામાં રહું છું અને હું તારામાં રહું છું એટલે જ મારો રંગ તને મળ્યો છે અને પછી તે છોકરાને ઈશ્વરથી કોઈ ફરિયાદ રહેતી નથી. પણ મારા કેસમાં મને હંમેશા ફરિયાદ રહી છે. વાળને લઇ ને ! ચેહરાને લઇ ને ! શરીરને લઈને !
અંતરો ૧
કિસકો પતા થા પહેલું મેં રક્ખા,
દિલ ઐસા પાજી ભી હોગા
હમ તો હમેશા સમજતે થે કોઈ
હમ જૈસા હાં જી હી હોગા
હાયે ઝોર કરે , કિતના શોર કરે,
બેવજા બાતોં પે એવે ગૌર કરે,
દિલ સા કોઈ કમીના નહિ,
કોઈ તો રોકે , કોઈ તો ટોકે, ઇસ ઊમ્ર્ર મેં અબ ખાઓગે ધોકે,
ડર લગતા હૈ ઇશ્ક કરને મેં જી, દિલ તો બચ્ચા હૈ જી..
હું ગોરો પહેલા વધારે હતો, ચેહરો પણ એવો કે ખાસ્સા ટાઈમ સુધી અરીસા સામે ઊભો રહીને નખરા કરી શકતો , ફિલ્મો ના ડાયલોગો બોલતો , ખાસતો મારા રૂમમાં હું દાઢી કરતો હોવ ત્યારે ટેપ ચાલુ જ હોય એટલે મોટે ભાગે હું અરીસા સામે ઊભો રહીને ગીતના શબ્દો પર લીપ્સિંગ કરતો ! સમય જતા મારું વજન વધતું ગયું , એટલે ગાલ થોડા ફૂલ્યા , એટલે ચેહરાની નમણશ દેખાવાની ઓછી થઈ. ખેર એ બધું તો તોય સમજ્યા પણ સૌથી વધારે અફસોસ મને મારા વાળને લઈને થયો. મને મારા વાળ પર ખુબ ઘમંડ હતું. ખુબ ભરાવદાર, ઘટ્ટ અને કાળા , સિલ્કી , હંમેશા કપાળ પર વિખેરાયેલા હોય,એથી ક્યારેક કોઈ મિત્રે વિવેક ઓબેરોય સાથે સરખામણી પર કરેલી અને એથી ખુબ આનંદ થયેલો કારણ કે ત્યારે હું પણ મનમાં ને મન માં ખુદને વિવેક સાથે કમ્પેર કર્યા કરતો. પણ દુખની ઘડી ત્યારે આવી જયારે મને મારા માથામાં એક સફેદ વાળ દેખાયો. અને આજે ! કેટલાક વાળ સફેદ ! પહેલા અરીસામાં ખુદને જોઇને થતું કે સાલું આપડે હીરો તરીકે ચાલી જઈએ તો ખરા , હવે વિચારું છું કે હવે ભલે હીરો જેવો નથી રહ્યો પણ પરફેક્ટ વિલન મટેરિયલ તો છું જ ! વિલન તરીકે તો આપડે ચાલી જ જઈએ ફિલ્મો માં ! કેમ ? ખરું ને ?

હું , ત્યારે અને અત્યારે !


અંતરો ૨
ઐસી ઉદાસી બૈઠી હૈ દિલ પે
હસને સે ગભરા રહે હૈ
સારી જવાની કતરા કે કાટી
પીરી મેં ટકરા ગયે હૈ
દિલ ધડકતા હૈ તો ઐસે લગતા હૈ વોહ
આ રહા હૈ યહીં દેખતા હી ના વો
પ્રેમ કી મારે કટાર રે
તૌબા યે લમ્હે કટતે નહિ ક્યોં
આંખો સે મેરી હટતે નહિ ક્યોં
ડર લગતા હૈ ખુદ્સે કહેને મેં જી
દિલ તો બચ્ચા હૈ જી ..
ઉમર ભલે ગમે તેટલી વધે, ચેહરા પર કરચલીઓમાં ભલે સમય જતા ગમ્મે તેટલો વધારો થાય પણ હૃદય તો હંમેશા બાળક જેવું જ રહેશે, પ્રેમની કટાર કેવી રીતે વાગે અને વાગે ત્યારે કેવું દર્દ થાય એની વાત આજથી ૩૦ -૪૦ વર્ષ પછી હું કોઈ નવલકથા લખીશ ત્યારે પણ કરીશ ! અને એ પણ તે સમયના સંદર્ભમાં, કારણ કે જીવવું તો છે બાળક બની ને જ ! દેવ આનંદ ની જેમ ! મેં ઝીંદગી કા સાથ નિભાતા ચલા ગયા… હર ફિકર કો ધુએ મેં ઉડાતા ચલા ગયા….

મેરી ભીગી ભીગી સી …

ફિલ્મ – અનામિકા
વર્ષ – ૧૯૭૩
ગીત – મેરી ભીગી ભીગી સી …
ગાયક – કિશોર કુમાર
સંગીત – આર.ડી.બર્મન
ગીતકાર – મજરૂહ સુલતાનપુરી

મેજિક ! જાદુ ! એ કિશોર કુમારના અવાજમાં છે, અને એ જાદુ પણ કેવો ! “મેરી ભીગી ભીગીસી પલકો પે રહે ગયે ….” ગીત પહેલી વખત સાંભળ્યું ત્યારે હું ૧૧મા-૧૨મા માં હતો, અને ત્યારે કોઈ અનામિકાએ મારું દિલ નોતું તોડ્યું. મારું દિલ ત્યારે ટેબલની નીચે થયેલા જાળા ની જેમ કોઈ ના ધ્યાનમાં જ નોતું આવતું, એટલે જાળું જે રીતે ધ્યાનમાં ના આવવાને કારણે તૂટવાથી બચી જતું હોય તે જ રીતે મારું દિલ પણ કોઈના ધ્યાનમાં જ નોતું આવતું એટલે એ પણ બચી જતું (તમે દ્રાક્ષ ખાટી છે વાળી કહેવત સાંભળી હોય તો “બચી જતું” ને બદલે “રહી જતું ” વાંચવું )
તોય એ ગીત સાંભળું એટલે જાણ ખરેખર મેં કોઈને ખુબ પ્રેમ કરેલો હોય અને તેને મારું દિલ તોડ્યું હોય અને હું એ દિલ તૂટ્યાનું દર્દ અનુભવતો હોઉં એવું ફિલ કરું ! મને એવું ફિલ થાય કે જાને મારી પાંપણ ભીની છે, ટૂંક માં કહું તો મને એવું જ લાગે કે આ ગીત હું જ ગાઈ રહ્યો છું.
શું એ ગીતનો રાગ … શું એનું સંગીત …. શું એના ચોટદાર શબ્દો …. ને શું એ ગીતને ગાઈ રહેલો અવાજ !
“મેરી ભીગી ભીગી સી પલકો પે રહે ગયે જૈસે મેરે સપને બિખર કે …
જલે મન તેરા ભી કિસી કે મિલન કો અનામિકા તું ભી તરસે ”
આ ગીતનો રાગ ખુબ જ મીઠડો છે ! તમે કહેશો કે યાર શું પત્તર ખાંડો છો , આ તો દર્દ ભર્યું ગીત છે ને તમને મીઠું લાગે છે ! પણ હું સાચું કહું છું , દર્દભર્યું ગીત ભલે રહ્યું તોય તેના રાગમાં , તેના સંગીતમાં એક અનેરી મીઠાસ છે જેનાથી ગીત સાંભળતી વખતે કાનોને ખુબ જ સારું લાગે ! જાને કાનોમાં મધ રેડાતું હોય તેવું લાગે ! (કાનૂની ચેતવણી – અહી કાનમાં મધ રેડવાનો અર્થ ગીત સાંભળવાથી તે ગીત મનને મીઠું લાગે છે એવો છે માટે કાનમાં મધ રેડવાના પ્રયોગો ઘરે કરવા નહિ. બહાર જઈ ને કરવા હોય તો કરજો પણ મારું નામ ક્યાય આવવું ના જોઈએ) આટલુ સુરીલું ગીત હોવા છતાં તે ગાવામાં એકદમ સરળ છે , મારા જેવો કોઈ બેસુરો પણ આ ગીતને ગાતો હોય તોય આ ગીત સાંભળવામાં સુરીલું જ લાગે. મને ક્યારેક ક્યારેક એવા ભ્રમ થઇ જતા કે હું કોઈ મહાન ગાયક છું, મારા એ બધા ભ્રમ આવા સુરીલા ગીતોને આભારી છે. આ ગીત ગાઈ ગાઈ ને પણ હું મારી જાતને કોઈ મહાન ગાયક સમજવા લાગેલો. એ અરસામાં હું મજાકમાં એક વાત પપ્પાને વારંવાર કહેતો કે પપ્પા મારે એક આલ્બમ બહાર પાડવું છે! એટલે પપ્પા કહેતા કે એના માટે પૈસા ક્યાંથી આવશે ? હું કહેતો કે પૈસા માટે તમે આ ઘર તમે ગીરવે મૂકી દો!
કોલેજ માં આવ્યો ત્યારે “ઇન્ડિયન આઈડલ” ની પહેલી સીઝન આવેલી,જેમાં અભિજિત સાવંત જીતેલો.અભિજિત સાવંત મારી કોલેજ માં ફાઈનલ પહેલા પરફોર્મ કરવા આવેલો, અને એને મેં ખુબ તાળીઓ થી વધાવેલો. આઈ.એમ.પી. એટલે કે હું , મમ્મી અને પપ્પા એ શો જોતા. સ્પર્ધક ની સાથે સાથે હું ય પાછો ગાતો હોઉં એટલે મમ્મી બોલે – “આ ગીતો કેવા તને આખા ને આખા યાદ રહી જાય છે ! ખાલી ભણવાનું જ યાદ નથી રહેતું !”ત્યારે તેના ઓડીશન ફોન થી પણ અપાતા. એક મીનીટના છ રૂપિયા ! હું પોકેટ મની માંથી પપ્પા એ અપાવેલો નવો ફોન રીચાર્જ કરાવતો. એમાંથી મેં ફોન કર્યો , ઓડીશન આપવા, લગભગ મને યાદ છે ત્યાં સુધી મેં કલ હો ના હો નું ટાઈટલ સોંગ ગાયેલું. અને કઈક સાહીઠ સિત્તેર રૂપિયા કપાઈ ગયેલા. અને એ વખતે પાંચસોના રિચાર્જમાં કઈક સવાસો કે એવું બેલેન્સ મળતું ! પછી ફોનમાંથી અવાજ આવેલો કે તમારું ઓડીશન લેવાઈ ગયું છે, જો અમારા જજીસને તમારો અવાજ પસંદ આવશે તો તમને અમે બોલાવીશું.
અંતરો ૧
પ્રેમ ક્યાં જોઈ વિચારી ને થાય છે, હ્રદયને કોઈ સારું લાગે છે તો ત્યારે હ્રદય એ જાણવાની તસ્દી નથી લેતું કે સામે વાળું વ્યક્તિ કેવું છે ! એ તો બસ પ્રેમ કરી બેસે છે ! વિશ્વાસ કરી બેસે છે , પછી એ પ્રેમિકા પર હોય કે મિત્ર પર હોય કે કોઈ સગા સંબંધી પર હોય, અને જયારે એ વિશ્વાસ તૂટે ત્યારે કોઈ ના પણ હૃદયમાં થી સહજતાથી સૌ પહેલી એક જ ફરિયાદ નીકળે કે મેં તને સર્વસ્વ માન્યું અને તે મારી સાથે આવું કર્યું ? મારી સાથે ?
“તુજે બિન જાને , બિન પહેચાને , મૈને રીદય સે લગાયા ,
પર મેરે પ્યાર કે બદલે મેં તુને મુજકો યે દિન દિખલાયા,
જૈસે બિરહા કી ઋત મૈને કાટી તડપ કે આહે ભર ભર કે
જલે મન તેરા ભી કિસીકે મિલન કો , અનામિકા તું ભી તરસે ..
મેરી ભીગી ભીગી સી ……”
અંતરો ૨
રાજેન્દ્ર કપૂર વળી “તલાશ” ફિલ્મની શરૂઆતમાં એક બહુ મસ્ત સંવાદ આવે છે,(ગીત “મેરી દુનિયા હૈ માં તેરે આંચલ મેં ” આ ફિલ્મ નું. માં માટે હિન્દી ફિલ્મો માં જેટલા ગીતો બન્યા છે તે દરેકમાં આ સૌથી શ્રેષ્ઠ ગીત,જે એસ.ડી.બર્મને ગાયેલું છે. ) જેમાં રાજેન્દ્ર કપૂર તેની માં ને કહે છે કે તમે મને જીવન માટે કોઈ અમૂલ્ય શીખ આપો અને તેની માં તેને પ્રમાણિક રહેવાની શીખ આપે છે અને રાજેન્દ્ર કપૂર જીવનભર પ્રમાણિક રહીને જીવનની દરેક મોટી મુશ્કેલીઓ અને પરીક્ષાઓ માંથી કેવી રીતે સરળતાથી પસાર થઇ જાય છે એ ફિલ્મની વાર્તા છે.
મારા મમ્મી ઘણી વાર કહેતા કે સ્ત્રી એ ચાહે તો પુરુષને ખોટે માર્ગે પણ લઇ જઇ શકે અને ચાહે તો તારી પણ શકે. એ એવું પણ કહેતા કે સ્ત્રી અને પુરુષનો સંગાથ ઘી અને રૂ જેવો હોય છે, માટે આગ તો લાગે જ ! આગ એ અર્થમાં કે એ બંને એકબીજા થી આકર્ષણ અનુભવ્યા વગર ન રહી શકે અને એક બીજાને પોતાનું તન – મન નીરછાવર કરી દે !
માટે આગથી બચવું કે આગમાં હોમાવું એ આપણ હાથમાં હોય છે, જો બચવું હોય તો દૂર જ રહેવું સારું, પાસે આવ્યા પછી આગની લપટથી તમે ના બચી શકો , કોઈ નથી બચી શક્યું , અને એ આગ બે પ્રકારની હોય , એક તો જેને આપણ પ્રકાશ કહીએ છીએ તે, જે દીપ બનીને જીવનને રોશન કરે અને બીજી આગ એવી હોય જે જીવનને તબાહ કરી મુકે. આ ગીતના બીજા અંતરામાં બીજા પ્રકારની આગ વિશે કહેવામાં આવ્યું છે
“આગ સે નાતા , નારી સે રિશ્તા , કાહે મન સમજ ના પાયા ,
મુજે ક્યા હુઆ થા ઇક બેવફા પે , હાયે મુજે ક્યોં પ્યાર આયા,
તેરી બેવફાઈ પે , હસે જગ સારા, ગલી ગલી ગુઝરે જિધર સે,
જલે મન તેરા ભી કિસી કે મિલન કો, અનામિકા તું ભી તરસે …
મેરી ભીગી ભીગી સી … ! ”

THIS DIWALI, FEEL SOME DARD !

એક બીજો લેખ , “મેરી કહાની , ગીતો કી ઝુબાની” હારમાળાનો. એટલે દિવાળી માટે હાલ પુરતું તો તમને પીરસવા માટે મારી પાસે કોઈ સ્પેશીયલ દિવાળી મીઠાઈ નથી. એ જ જુનો બાજરા નો રોટલો છે જે હું તમને હંમેશા પીરસતો આવ્યો છું, પણ દિવાળી છે તો સાથે ગોળ પણ મુક્યો છે તમારું મોઢું મીઠું કરવા. અને એ ગોળ છે મારી આપ સૌને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ, અને શુભ દીપાવલી. આપની જીંદગી નું આ વર્ષ મંગલમય રહે , એ જ પ્રભુ ને પ્રાર્થના. નવા વર્ષમાં બધા મિત્રોને ફોન કરીને સાલ મુબારક કહેતો હોઉં છું, આપ સૌના નંબર હોત તો નવા વર્ષમાં આપ સૌની સાથે પણ વાત કરત, પણ વાત નથી થઇ શકી તોય મને લાગે છે કે હું આપ સૌને બેસ્ટ રીતે સાલ મુબારક કહી શક્યો છું કારણ કે પહેલા તો આ જ રીવાજ હતો ને ! દિવાળી કાર્ડ , પોસ્ટ કાર્ડ! સો ધીસ ઈઝ માય દિવાળી કાર્ડ ટૂ યુ ! ગમ્યું ? તો પ્રિન્ટ કાઢી લેજો હો ને ?

ફિલ્મ – અનુરોધ
વર્ષ – ૧૯૭૭
ગાયક – કિશોર કુમાર
ગીતકાર – આનંદ બક્ષી
સંગીત – લક્ષ્મીકાંત પ્યારેલાલ
ઢળતી સાંજ હતી, મારું મન ઉદાસ હતું, શહેરની ભીડ વચ્ચે હું રસ્તા પર ચાલતો જઈ રહ્યો હતો ત્યાં જ કિશોર કુમારનો સુરીલો અવાજ કાને પડ્યો. એક ગીત, જે પહેલા ક્યારેય સાંભળેલું નહોતું,કોઈક દુકાનમાં વાગી રહ્યું હતું. જે સાંભળતાવેંત જ મન રિલેક્સ થઇ ગયું. શું શબ્દો હતા બાકી ! દિલ પોકારી ઊઠયું .. આફરીન ! આફરીન!
“જબ દર્દ નહિ થા સીનેમેં તબ ખાખ મઝાથા જીને મેં , અબ કે શાયદ હમભી રોયે, સાવનકે મહીનેમે..”
સંઘર્ષ વિનાનું જીવન બધા ઝંખતા હોય છે, પણ આપણે બોસ જરા જુદી માટીના…., સંઘર્ષ તો જોઈએ જ, જો બધું બરાબર ચાલતું હોય તો ના હોય ત્યાંથી સંઘર્ષ ઊભો કરવાવાળાઓની એક જમાત હોય છે, જેમાં હું પણ આવું છું. છેલ્લે કઈ નઈ તો મગજમાં કોઈ વિચારોનો સંઘર્ષ તો ચાલુ જ હોય, અને આ પ્રકારના માનસિક સંઘર્ષ સેન્સીટીવ લોકોને જ થાય. બાકીના લોકો ખાલી અક્ષય કુમાર વાળું “સંઘર્ષ” ફિલ્મ જોઈ શકે! (બાપુ, હથોડા ના મારો !!! )
દર્દનો પણ એક નશો છે યાર, દારૂડિયા તો ઘણા હોય, પણ એ બધા કઈ દેવદાસના હોય. (એક આડવાત કરી લઉં, કે અમુક લોકો એમ માને છે કે દેવદાસ નું પાત્ર નથી સારું. એણે દારુ પીને શું ધાડ મારી? એણે પારો સાથે શું ન્યાય કર્યો? પણ એવું નથી ભાઈ, જરા સમજો! એણે પારો સાથે ખોટું કર્યું એનો એને પસ્તાવો છે, અને તે દારૂડિયો થઇ જાય છે તે તેના પસ્તાવાની પરાકાષ્ઠા છે. height of guilt. એવી પ્રેમની કે પસ્તાવાની પરાકાષ્ઠા પર સેન્સીટીવ માણસ જ જઈ શકે, દેવદાસ જ જઈ શકે. પણ જે લોકો જીવનમાં ખાલી નાકે સુધી શાક લેવા જ ગયા હોય તે શું સમજી શકવાના કે પ્રેમની પરાકાષ્ઠાએ કઈ રીતે જવાય! ) દુનીયા કે સમાજ તમારા દુઃખને લાફ્ટર ચેલેન્જનો શો સમજે છે,(સાચું કહું છું યાર, લોકોને બીજાના દુઃખ પર હસવાના વિકૃત શોખ હોય છે,મેં તો થીયેટરમાં પણ જોયું છે, ફિલ્મનું કોઈ મુખ્ય પાત્ર પોતાના અંતિમ શ્વાસો ગણી રહ્યું હોય અને ક્યાંકથી હસવાનો અવાજ આવે! ) કારણ કે એમને કોથમીરના ભાવ જ ખબર હોય , હૃદયના ભાવ આ બેદર્દ દુનિયા શું જાણવાની,(હે દુનિયા, તું મારા પર હસે છે અને હું તારા પર! તું કેવી દયનીય છે, લોકોના દુઃખ પર હસે છે! ઈશ્વરે તને સંવેદનાઓ જ નથી આપી, પુઅર બેબી!) એટલે જ તો આ ગીતની શરૂઆતમાં જ દુનિયાની ફિતરતને ધ્યાનમાં રાખીને એક મસ્ત શેર કહેવામાં આવ્યો છે,
“ના હસના મેરે ગમ પે , ઇન્સાફ કરના,
જો મેં રો પડું તો , મુજે માફ કરના .”
ચાર્લી ચેપ્લિનનું એક વિધાન છે કે હું વરસાદમાં રડવાનું પસંદ કરું છું, જેથી કોઈને મારા આંસુ ના દેખાય. એના પરથી જ કદાચ ગીતકારે આ ગીતમાં શબ્દો લીધા હશે “અબ કે શાયદ હમભી રોયે, સાવનકે મહીનેમે..”
હીરો ઘસાયો છે એટલે ચમક્યો છે , મનમાં વિચારોના સંઘર્ષ થયા છે , એટલે દિમાગ ફળદ્રુપ બન્યું છે અને એટલે જ કહ્યું છે કે “જબ દર્દ નહી થા સીનેમેં તબ ખાક મઝા થા જીનેમેં“
*અંતરો ૧
જોકે દુનિયાની જેમ મારો પણ સ્વભાવ છે, બીજાના દુઃખ કરતા પોતાનું દુઃખ જ હંમેશા મોટું લાગે! ભાગ્યે જ કોઈક ની વાત, કોઈક નું દર્દ સ્પર્શી જાય, હા માનું છું કે મેં હમણાં જ ઈમોશનલ હોવાના દાવા કર્યા, જે હવે ખોટા સાબિત થતા હોય, તો એમ રાખો, પણ ક્યારેક મને પણ કોઈ મિત્રની કોઈ વાત સ્પર્શી જાય છે (જોકે મોટેભાગે એમાં પણ એવું હોય કે એ મિત્રનું દુઃખ પોતાના કોઈ દુઃખ સાથે સામ્ય ધરાવતું હોય ત્યારે આપણને તે વાત વધારે સ્પર્શે, ઓલો કોઈક જાણીતા શાયરનો કોઈક જાણીતો શેર છે ને કે – દૂસરો કે દર્દ પર કોન રોતા હૈ, વો તો અપને હી કિસી ગમ કો યાદ કર કે રોયા હોગા. શબ્દો જરા આગળ પાછળ હશે પણ શેર કૈક આવો જ છે, કદાચ અહેમદ ફરાઝ નો છે.) નામ નહિ કહું, પણ મારો એક મિત્ર છે ત્રીસેક વર્ષનો. એના જીવન ના પ્રેમ પ્રકરણની એણે વાત કાઢેલી અને પછી બોલતા બોલતા એ એવડી એ છોકરીને યાદ કરીને રડી પડેલો.
યારો કા ગમ ક્યા હોતા હૈ,
માલૂમના થા અન્જાનો કો,
સાહિલ પે ખડે હોકે અક્સર દેખા હમને તુફાનો કો,
અબ કે શાયદ દિલ ભી ડૂબે મોજો કે સાફિને મેં, જબ દર્દ નહિ થા…

*બીજો અંતરો
મારી પણ આદત એવી કે હશે યાર, જવા દો, ભૂલી જાઓ, થઇ ગયું, પતી ગયું….પણ ક્યાં સુધી? પહેલા ક્યારેય નહોતો રડતો પણ હવે ક્યારેક મને પણ રડવું આવી જાય છે, અને જયારે આવે છે, ત્યારે ભરપુર આવે છે, હૃદય પહેલા કદાચ વધારે મજબુત હશે….
ઐસે તો ઠેસ ના લગતી થી,
જબ અપને રૂઠા કરતે થે,
ઐસે તો દર્દ ના હોતા થા,
જબ સપને તૂટા કરતે થે,
અબ કે શાયદ દિલ ભી તૂટે,
અબ કે શાયદ હમ ભી રોયે, સાવન કે મહીને મેં
જબ દર્દ નહિ થા…

ત્રીજા અંતરામાં બહુ પ્રેક્ટીકલ વાત કીધી છે, કોઈ કોઈને ગમ્મે તેટલું ચાહતું હોય, પણ તે ના હોય ત્યારે તેના વગર પણ તે રહેતા શીખી લે છે,
ઇસ કદર પ્યાર તો કોઈ કરતા નહી,
મરનેવાલોં કે સાથ કોઈ મરતા નહીં

અને ગીતની આ બે લાઈન….આહ! “પ્યાસા” નો ગુરુદત્ત યાદ અપાવી દે છે
આપકે સામને ફિર ના મેં આઊંગા,
ગીત હી જબ ના હોંગે તો ક્યા ગાઉગા,
(આડવાત – “પ્યાસા” ની રીમેક બની રહી છે જેમાં આમીર ખાન અને કેટરીના મુખ્ય ભૂમિકામાં નજર આવશે )

આમીર ખાન અને કેટરીના- “પ્યાસા”ની રીમેકમાં


અને છેલ્લે ગીતમાં ફિલ્મનું પાત્ર (રાજેશ ખન્ના) રીક્વેસ્ટ કરે છે કે જો તમને મારો અવાજ સારો લાગ્યો હોય તો એટલું કરજો કે મારો એક મિત્ર મરણ પથારીએ છે, એ બચી જાય એવી પ્રાર્થના કરજો
મેરી આવાઝ પ્યારી હૈ તો દોસ્તો…
યાર બચ જાયે મેરા…. દુઆ! સબ કરો….
અને છેલ્લે હું એ રીક્વેસ્ટ કરું છું કે જો તમને મારું લખાણ સારું લાગતું હોય તો પ્લીઝ નીચે આપેલી લીંક પર ક્લિક કરી ને આ ગીત સાંભળો કારણ કે આ ગીત મારા ખૂબ ગમતીલા ગીતો માંનું એક છે…

ચાલો , પાંચ પાંચ રૂપિયા, દસ દસ રૂપિયા !

બસ ગઈ કાલ સાંજ ની જ વાત છે, હું મેડીકલ સ્ટોર પર ગયેલો, ત્યાં એક ગરીબ છોકરી આવી, વીસેક વર્ષની હશે, સાવ જુના લઘર વઘર કપડા, માથું પણ વિખાયેલું , અને એની ચામડીનો રંગ કાળો. મોઢું બેઢંગુ. ગાલ ફૂલેલા, ખરબચડા અને ચેહરો ઉપર થી અને નીચેથી સાંકડો. યસ, મેં એને બરાબર નોટીસ કરેલી ( તમે પણ મારી જેમ આવી છોકરીઓ નોટીસ કરો, પછી બૈરું નહિ બગડે તમારા પર !) તેના હાથમાં પાંચનો સિક્કો હતો, તેવીએ એ સિક્કો મેડીકલ સ્ટોર વાળાને આપ્યો, મેડીકલ સ્ટોર વાળાએ તેને જોઈ , સિક્કો જોયો અને તરત એ બોલ્યો – ” ફેર એન્ડ લવલી? ” છોકરી એ હા માં માથું હલાવ્યું. એ “ફેર એન્ડ લવલી”નું પાંચ રૂપિયા વાળું પાઊંચ લેવા આવી હતી, પહેલા પણ ઘણી વાર લઇ ગઈ હશે, એટલે જ તો એને શું જોઈએ છે તે કહેવાની જરૂર ના પડી, મેડીકલ સ્ટોર વાળાએ તેને જોઈ, તેના હાથમાં પાંચ રૂપિયાનો સિક્કો જોયો, અને સમજી ગયો કે આ તેની રાબેતા મુજબની વસ્તુ લેવા જ આવી છે. મેડીકલ સ્ટોર વાળો પાઊચ લઇ ને આવ્યો એટલે તે બોલી – “આ નહિ પેલું , પેલા દિવસે પેલા ભાઈ એ આપેલું એ ! ” એ જ દુકાનના બીજા સેલ્સમેને તેને “ફેર એન્ડ લવલી” પ્રોડક્ટ ની કોઈ નવી વેરાયટી આપેલી. એ છોકરી “ફેર એન્ડ લવલી”ની નવી વેરાયટી ખરીદીને ત્યાં થી ચાલતી થઇ .
ચાલો સારું થયું , તેને પોસાય તેવી કિમતમાં – પાંચ રૂપિયામાં તે એક સપનું ખરીદી શકી. મોટા લોકો મોટી કીમત ચૂકવીને મોટા સપના ખરીદતા હોય છે, આણે એના બજેટમાં આવતું હતું તે સપનું ખરીદ્યું. ક્યારેય પુરા ના થઇ શકે તેવા અશક્ય સપના પણ જીવનમાં હોવા જરૂરી છે, એ તૂટે ત્યારની વાત ત્યારે, પણ છે ત્યાં સુધી તો તે જીવવાનો જુસ્સો પૂરો પાડ્યા કરે છે, અને તે તૂટવાની આરે આવે ત્યારે તેને ખમવાની ક્ષમતા પણ માણસે તે સપનું સેવતા સેવતા મેળવી લીધી હોય છે
ને શું માર્કેટીગ છે બાકી આ ફેરનેસ ક્રીમ વાળાઓ નું ! કહેવું પડે! હમણાં એક એડ આવે છે ટી.વી. પર, ગાર્નીયાર નું ક્રીમ , પ્રિયંકા ચોપરા બોલે – “સિર્ફ દસ રૂપયે, બસ ! ” એ “બસ” બોલે છે ત્યારે તેના હાવ ભાવખાસ નોંધવા જેવા છે, એ એક હાવભાવ માં જ જાણે એ કહી દેતી હોય કે મને ખબર છે કે તમારું બજેટ ઓછું છે, પણ જુઓ ! ચિંતા ના કરો ! આ માત્ર તમારા માટે ! તમારા વધારે પૈસા નહિ લઈએ ! “સિર્ફ દસ રૂપયે, બસ ! ”
આ મોંઘવારીના જમાનામાં જયારે દસ રૂપિયા એ પાંચ રૂપિયાનું સ્થાન લઇ રહ્યા છે (હવે તો દસ નો સિક્કો પણ નીકળ્યો છે ) ત્યારે બચ્ચન બાબુ માત્ર પાંચ રૂપિયામાં ગરીબ બાળકો ને મેગીના રવાડે ચડાવવા નીકળ્યા છે!

હું નાનો હતો ત્યારે પપ્પા એ આ વાત કરેલી, તેમણે પ્રોપર નામ કીધેલું પણ મને યાદ નથી બટ- સમબડી, વિદેશનો કોઈ પ્રેસિડેન્ટ કે મલ્ટીનેશનલ કંપનીના કોઈ માલિકે કહેલું કે ભારતમાં જે ગામડામાં ખાવાને અનાજ નહિ પહોચતું હોય ત્યાં પણ અમારો લક્સ સાબુ તો પહોંચતો જ હશે ! તો મિત્રો , “સ્વદેશી અપનાઓ અને વિદેશી હટાઓ ” પણ એના માટે જરૂરી નથી કે રામદેવ મહારાજની દુકાને થી જ ખરીદીએ!
અને છેલ્લે બહુ ટાઈમ પછી જલસો કરાવી દે તેવી કોઈ એડ આવી, વોડાફોન ની ! એકેએક છોકરીનું પરફોર્મન્સ આઊટ સ્ટેન્ડિંગ ! લવલી ! i have just fallen in love with this ad.

OH MY DARLING I LOVE YOU

ફિલ્મ – મુજસે દોસ્તી કરોગે
વર્ષ – ૨૦૦૨
ગીત – ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ
ગાયકો – અલીશા ચિનય, સોનુ નિગમ
સંગીત – રાહુલ શર્મા
ગીતકાર – આનંદ બક્ષી

કોલેજમાં દાખલ થતા પહેલા વાતો એવી સાંભળેલી કે કોલેજમાં છોકરાઓ છોકરીઓને ફેરવતા હોય. પણ કોલેજમાં દાખલ થયા પછી જોયું તો કંઈક અલગ જ નજરો હતો, છોકરીઓ છોકરાઓ ને ફેરવતી હતી,
છોકરાઓ લટ્ટુ થઇ ને છોકરીઓની પાછળ ફરતા હોય, અને છોકરીઓ એમની પાસેથી કામો કઢાવી લે. મારા ક્લાસની સુંદર છોકરીઓની ક્લાસના બધા છોકરાઓ ફિલ્ડીંગો ભરે, હું ઊભો ઊભો ઓબઝર્વ કરું કે કયું વાંદરું રોટલી લઇ જશે, ત્યાં જ કહાની માં ટ્વિસ્ટ આવે, બહારની જ કોઈ કોલેજનો છોકરો એ છોકરીને પટાવી જાય, પાછી એ છોકરી તે છોકરાને અમારી કોલેજમાં ઇન્વાઇટ કરે, અને બધા વાંદરાઓ જોડે ઇન્ટરોડ્યુઝ કરાવે. અને તોય પેલા લટ્ટુઓ એવા ને એવા, જાણે પોતાનો જમાઈ આવ્યો હોય તેમ તે છોકરાના સ્વગતો કરે. સાવ આવા નજારાઓ વચ્ચે મારી જવાની વેડફાઈ રહી હતી.
આ ફિલ્મ-ગીત તો હું સ્કુલમાં હતો ત્યારે આવેલું, પણ કોલેજમાં આવીને મને તેના શબ્દોની યથાર્થતા સમજાઈ.

ગીતનું મુખડુ, ફિલ્માંકન- કરીના
“આજ કે લડકે આઈ ટેલ યુ , કિતને લલ્લુ વ્હોટ ટુ ડુ,
કોઈ મુજે પૂછે હાવ આર યુ, કોઈ મુજે બોલે હાવ ડુ યુ ડુ,
કભી કોઈ મુજસે ના કહે, ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ,
ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ..,ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ..”


અને એટલું હું શીખી ગયો કે પ્રપોઝ સિવાય ઉધ્ધાર નથી. એટલે મેં નક્કી એ મુજબનું કર્યું કે પ્રેમમાં પછી પડીશું, પહેલા પ્રપોઝ મારવાની પ્રેક્ટીસ કરી લઉ. જેના લીધે મારામાં એક નવા શોખનો ઉદભવ થયો!! પ્રપોઝ મારવાનો શોખ! અને એ શોખ પૂરો કરવા મેં રોઝ ડે સિલેક્ટ કર્યો. વાંદરા મંડળી ના બધા સભ્યો પીળા રંગના ફુલ ખરીદતા, અને ક્લાસની બધી છોકરીઓ ને આપતા. મેં કીધું યાર રોઝ લેવું તો લાલ ! પીળું શુ કામ! (આમતો બધાને ખબર જ છે પણ જેને ના ખબર હોય તેના માટે કહી દઉં કે તમે કોઈને પીળું રોઝ આપો એનો અર્થ એ થાય કે તમે તેની સાથે મિત્રતા કરવા માંગો છો, અને લાલ રોઝ આપો તો એવું માનવામાં આવે કે તમે તે વ્યક્તિને પ્રેમ કરો છો)
એટલે લલ્લુઓ ની કોલેજમાં પીળા ફૂલ ચપો ચપ વેચાઈ રહ્યા હતા, અને લાલ ગુલાબ ઓછા ત્યાં જ મેં ફૂલવાળી જોડે કેટલાક લાલ ફૂલ માંગ્યા, એટલે તેણે પણ ઊંચું જોઇને મારો ચેહરો જોવાની તસ્દી લીધી, એના મોઢા પર મેં લખેલું વાંચ્યું – “આજે આ ભાયડો ભડાકા કરવાનો લાગે છે! ”
છોકરીઓને પણ કોઈ એવો અફસોસ ના રહી જવો જોઈએ કે “કભી કોઈ મુજસે ના કહે, ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ”

ગીતનું બીજું મુખડુ, ફિલ્માંકન – રિતિક
આજ કી લડકી આઈ ટેલ યુ, નખરેવાલી સુન લે તુ,
ના મેં પૂછું હાવ આર યુ, ના મેં બોલું હાવ ડુ યુ ડુ,
અભી યહીં મેં કહેતા હૂં , ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ
હેય ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ ….ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ ….
ગીત નો અંતરો
કરીના – “રોઝ મિલે ચુપકે ચુપકે, પ્યાર કરે છૂપકે છૂપકે…”

પણ હું તો ખુલ્લે આમ ગયો, હું એસ.વાય. માં હતો, એફ.વાયની એક છોકરી (જે મને ઓળખતી હતી, હાય હેલ્લો નો વ્યવહાર હતો ) એના ગ્રુપના છોકરા છોકરીઓ સાથે ઊભી હતી, અને મેં હાથમાં ગુલાબનું ફૂલ પકડીને તેની તરફ કદમ ઊપાડ્યા, એ છોકરી , અને તેના ગૃપના બીજા મિત્રો એ મારી તરફ નજર સ્થિર કરી, હું એ છોકરીની નજીક ગયો અને તેને લાલ ગુલાબ ધર્યું,અને હું બોલ્યો – “હેપ્પી રોઝ ડે ! ” એ બિચારી ઓલમોસ્ટ ગભરાઈ ગઈ અને બોલી – “પણ યુ…વ…રા….જ…આતો લાલ…!!!!”
હવે, ગીતનો બાકીનો અંતરો, પછી આગળની વાત..

રિતિક – મેં કબ કિસી સે ડરતા હૂં, મેં તો તુમ પે મરતા હૂં
કરીના – મેં કૈસે યે માનું, ચલ મેરા હાથ પકડ લે તુ,
રિતિક – લો હાથ પકડ કે મેં બોલું , ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ…
ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ… હેય ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ…

મેં જવાબ આપ્યો – “પણ ગાંડી હું તને પ્રેમ કરું છું ” આટલું બોલીને થોડી વાર માટે અટકી ગયો, અને બધાના ચેહરાના હાવ ભાવ નોંધી રહ્યો, એ લોકો મારા હાવભાવ-કારસ્તાન ની નોંધ લેવામાં વ્યસ્ત હતા, સ્તબ્ધ હતા, એ સન્નાટા માં ભંગ પાડીને મેં મારું વાક્ય પૂરું કર્યું “અરે પણ ગાંડી હું તને પ્રેમ કરું છું…..એવું ક્યાં મેં તને કીધું! ઇટ્સ જસ્ટ એ રોઝ ટુ વિશ યુ અ હેપ્પી રોઝ ડે! ” અને તેણે એક હળવા સ્મિત સાથે એ ગુલાબ લઇ લીધું. પછી એ દિવસે જે તેને મળતું તે પૂછતુ કે આ ગુલાબ તને કોણે આપ્યું, એ કહેતી “યુવરાજે ! ” પછી લોકોનો બીજો પેટા પ્રશ્ન પણ હોય – “તો શું એણે તને પ્રપોઝ કર્યું?”, એનો પણ સ્વભાવ મારા જેવો મજાકિયો, એટલે તે કહેતી – “એ તો બધી એને ખબર….મને તો ખાલી એણે ગુલાબ આપ્યું, ને મેં લઇ લીધું ! ” આ જ રીતે મારા ક્લાસની કેટલીક છોકરીઓને પણ લાલ ગુલાબ આપ્યું, અને તે બધીઓ એ પણ સ્વીકાર્યું. અને છેલ્લે મારા પ્રિય મેમ ને પણ લાલ ગુલાબ આપી આવ્યો, પણ એમના માટે હૃદય માં ખુબ આદરભાવ ! શી વોઝ માય આઇડીયલ! એમના તો લેકચર બીજા ક્લાસમાં પણ હોય તોય હું ભરવા જતો “મે આય એટેન્ડ ધીસ લેકચર મેમ ? ” એમ પૂછીને તેમના બીજા ક્લાસના લેક્ચર્સ માં પણ ઘૂસી જતો.
આ કોલેજકાળ દરમ્યાન પ્રપોઝ શોખ અંતર્ગત બીજું પણ એક કાર્ય હાથ ધર્યું. જેમાં હું પ્રપોઝ તો કરતો , પણ મિત્રો માટે. એટલે કે જે બિચારા પ્રેમ કરતા હોય પણ પ્રપોઝ કરવામાં ગભરાતા હોય તેમના વતી તેમના હૃદયમાં વસેલી જે તે છોકરીને હું પ્રપોઝ કરી આવતો, એટલે કે તેમના માટેનું જ પ્રપોઝ, પણ મારા દ્વારા. મારા એક મિત્રને એફ.વાય. ના નવા સ્ટોકમાં આવેલી નવી એક છોકરી ગમેલી. મેં કીધું કે તારું પ્રેમ નું પૂછી લઉં? તો એણે કીધું કે ના યાર, મારે તો ખાલી દોસ્તીનું જ પૂછવું છે, બાકીનું કામ તો હું સ્ટેપ બાય સ્ટેપ કરી લઈશ. એટલે એક દિવસ પેલી છોકરી બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતી ઊભેલી, , બસતો ના આવી પણ હું ત્યાં આવી ગયો મારા એ મિત્રને લઇ ને. ને પછી મેં કીધું કે હેલ્લો મેડમ,અમે તમારા સીનીયર છીએ, મારું નામ યુવરાજ ને આ મારો મિત્ર, જે તમારી સાથે મિત્રતા કરવા માંગે છે, તમને રસ છે? છોકરીએ કોઈ જવાબ તો ના આપ્યો એટલે બસ સ્ટેન્ડ પર ઊભેલા બીજા લોકો કોઈ જવાબ આપે તે પહેલા અમે ચાલતી પકડી. પણ એ ઘટનાના થોડા દિવસ પછી જ મેં તે છોકરીને મારા એ મિત્ર સાથે કોલેજના પાર્કિંગમાં વાતો કરતા જોઈ.

ગીતનો બીજો અંતરો
રિતિક – અચ્છા તો ચલ પ્યાર કરે, સાત સમુંદર પાર કરે
કરીના – તેરે સાથ ના આઉ મેં, રસ્તે મેં ડૂબના જાઉં મેં
રિતિક – પ્યારમેં જો ડૂબ ગયે , યાર વહી તો પાર હુએ
કરીના – ઐસા હૈ તો સુન સોણેયા, ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ..
ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ.. ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ..

બીજા એક કિસ્સામાં તો મેં પોતે પ્રપોઝ મારેલું, ફોન કરીને. એક્ચુઅલ્લી એમાં એવું થયું કે એ મિત્રને પ્રપોઝ મારવું હતું પણ શું બોલવું તે ખબર નથી પડતી, એવી તકલીફ લઇ ને તે મારી પાસે આવ્યો, એટલે મેં તેને ચિટ્ઠી લખી લીધી (મારી અંદરના લેખકને તેણે છંછેડ્યો) મેં કીધું કે આમાં લખેલું આજે રાતે યાદ કરી લેજે અને કાલે સવારે જઈ ને કહી દેજે. એક કલ્લાક પછી તેનો ફોન આવ્યો કે મારા થી નહી થાય, જીભ નહી ઊપડે, ગભરાઈ જઈશ. એટલે અમે રાતે જ ટેલીફોન બૂથ પર ગયા, અને પેલીના હોસ્ટેલ પર ફોન જોડ્યો, મેં યુવરાજ તરીકે નહી પણ મારા મિત્ર તરીકે, પેલાના અવાજમાં પેલી સાથે વાત કરી. પેલી ને ખ્યાલના આવ્યોકે બીજું કોઈ બોલે છે, એટલે મેં વાત આગળ ચલાવી. મેં કીધું યાર આજે તું શું ગજ્જબ લાગતી હતી, શું તારા વાળ હતા…શેમ્પુ કરીને આવેલી? એણે કીધું – “પણ હું તો આજે કોલેજ આવી જ નહોતી ” મેં જવાબ આપ્યો – “ઓહ, યસ યસ, અફકોર્સ, હું તો એક્ચુઅલ્લી ગઈકાલની વાત કરું છું” અને પછી આડીઅવળી કેટલીક વાતો કરીને મુખ્ય વાત કરી ત્યારે પેલી એ ના પાડી. વેલ , એમાં મારો કોઈ વાંક નથી, ના તો એણે પેલા ને પાડેલી, એટલે થોડું ઘણું પેલાની પર્સનાલીટી પર પણ આધાર રાખે છે. (જોકે એ મિત્રને પહેલેથી જ કોન્ફિડેન્સ હતો કે પેલી ના જ પાડશે )છેલ્લે તોય મેં તે છોકરીને મનાવી લીધી કે “ગાંડી આવું બધું તો ચાલ્યા રાખે, કશું મગજ પર ના લેતી, અને આપણી દોસ્તી યથાવત ચાલુ રાખજે”
તમેય હવે આ ગીત જોઈ નાખો, એટલે પતે વાર્તા..