Day: નવેમ્બર 16, 2012

મેરી ભીગી ભીગી સી …

ફિલ્મ – અનામિકા
વર્ષ – ૧૯૭૩
ગીત – મેરી ભીગી ભીગી સી …
ગાયક – કિશોર કુમાર
સંગીત – આર.ડી.બર્મન
ગીતકાર – મજરૂહ સુલતાનપુરી

મેજિક ! જાદુ ! એ કિશોર કુમારના અવાજમાં છે, અને એ જાદુ પણ કેવો ! “મેરી ભીગી ભીગીસી પલકો પે રહે ગયે ….” ગીત પહેલી વખત સાંભળ્યું ત્યારે હું ૧૧મા-૧૨મા માં હતો, અને ત્યારે કોઈ અનામિકાએ મારું દિલ નોતું તોડ્યું. મારું દિલ ત્યારે ટેબલની નીચે થયેલા જાળા ની જેમ કોઈ ના ધ્યાનમાં જ નોતું આવતું, એટલે જાળું જે રીતે ધ્યાનમાં ના આવવાને કારણે તૂટવાથી બચી જતું હોય તે જ રીતે મારું દિલ પણ કોઈના ધ્યાનમાં જ નોતું આવતું એટલે એ પણ બચી જતું (તમે દ્રાક્ષ ખાટી છે વાળી કહેવત સાંભળી હોય તો “બચી જતું” ને બદલે “રહી જતું ” વાંચવું )
તોય એ ગીત સાંભળું એટલે જાણ ખરેખર મેં કોઈને ખુબ પ્રેમ કરેલો હોય અને તેને મારું દિલ તોડ્યું હોય અને હું એ દિલ તૂટ્યાનું દર્દ અનુભવતો હોઉં એવું ફિલ કરું ! મને એવું ફિલ થાય કે જાને મારી પાંપણ ભીની છે, ટૂંક માં કહું તો મને એવું જ લાગે કે આ ગીત હું જ ગાઈ રહ્યો છું.
શું એ ગીતનો રાગ … શું એનું સંગીત …. શું એના ચોટદાર શબ્દો …. ને શું એ ગીતને ગાઈ રહેલો અવાજ !
“મેરી ભીગી ભીગી સી પલકો પે રહે ગયે જૈસે મેરે સપને બિખર કે …
જલે મન તેરા ભી કિસી કે મિલન કો અનામિકા તું ભી તરસે ”
આ ગીતનો રાગ ખુબ જ મીઠડો છે ! તમે કહેશો કે યાર શું પત્તર ખાંડો છો , આ તો દર્દ ભર્યું ગીત છે ને તમને મીઠું લાગે છે ! પણ હું સાચું કહું છું , દર્દભર્યું ગીત ભલે રહ્યું તોય તેના રાગમાં , તેના સંગીતમાં એક અનેરી મીઠાસ છે જેનાથી ગીત સાંભળતી વખતે કાનોને ખુબ જ સારું લાગે ! જાને કાનોમાં મધ રેડાતું હોય તેવું લાગે ! (કાનૂની ચેતવણી – અહી કાનમાં મધ રેડવાનો અર્થ ગીત સાંભળવાથી તે ગીત મનને મીઠું લાગે છે એવો છે માટે કાનમાં મધ રેડવાના પ્રયોગો ઘરે કરવા નહિ. બહાર જઈ ને કરવા હોય તો કરજો પણ મારું નામ ક્યાય આવવું ના જોઈએ) આટલુ સુરીલું ગીત હોવા છતાં તે ગાવામાં એકદમ સરળ છે , મારા જેવો કોઈ બેસુરો પણ આ ગીતને ગાતો હોય તોય આ ગીત સાંભળવામાં સુરીલું જ લાગે. મને ક્યારેક ક્યારેક એવા ભ્રમ થઇ જતા કે હું કોઈ મહાન ગાયક છું, મારા એ બધા ભ્રમ આવા સુરીલા ગીતોને આભારી છે. આ ગીત ગાઈ ગાઈ ને પણ હું મારી જાતને કોઈ મહાન ગાયક સમજવા લાગેલો. એ અરસામાં હું મજાકમાં એક વાત પપ્પાને વારંવાર કહેતો કે પપ્પા મારે એક આલ્બમ બહાર પાડવું છે! એટલે પપ્પા કહેતા કે એના માટે પૈસા ક્યાંથી આવશે ? હું કહેતો કે પૈસા માટે તમે આ ઘર તમે ગીરવે મૂકી દો!
કોલેજ માં આવ્યો ત્યારે “ઇન્ડિયન આઈડલ” ની પહેલી સીઝન આવેલી,જેમાં અભિજિત સાવંત જીતેલો.અભિજિત સાવંત મારી કોલેજ માં ફાઈનલ પહેલા પરફોર્મ કરવા આવેલો, અને એને મેં ખુબ તાળીઓ થી વધાવેલો. આઈ.એમ.પી. એટલે કે હું , મમ્મી અને પપ્પા એ શો જોતા. સ્પર્ધક ની સાથે સાથે હું ય પાછો ગાતો હોઉં એટલે મમ્મી બોલે – “આ ગીતો કેવા તને આખા ને આખા યાદ રહી જાય છે ! ખાલી ભણવાનું જ યાદ નથી રહેતું !”ત્યારે તેના ઓડીશન ફોન થી પણ અપાતા. એક મીનીટના છ રૂપિયા ! હું પોકેટ મની માંથી પપ્પા એ અપાવેલો નવો ફોન રીચાર્જ કરાવતો. એમાંથી મેં ફોન કર્યો , ઓડીશન આપવા, લગભગ મને યાદ છે ત્યાં સુધી મેં કલ હો ના હો નું ટાઈટલ સોંગ ગાયેલું. અને કઈક સાહીઠ સિત્તેર રૂપિયા કપાઈ ગયેલા. અને એ વખતે પાંચસોના રિચાર્જમાં કઈક સવાસો કે એવું બેલેન્સ મળતું ! પછી ફોનમાંથી અવાજ આવેલો કે તમારું ઓડીશન લેવાઈ ગયું છે, જો અમારા જજીસને તમારો અવાજ પસંદ આવશે તો તમને અમે બોલાવીશું.
અંતરો ૧
પ્રેમ ક્યાં જોઈ વિચારી ને થાય છે, હ્રદયને કોઈ સારું લાગે છે તો ત્યારે હ્રદય એ જાણવાની તસ્દી નથી લેતું કે સામે વાળું વ્યક્તિ કેવું છે ! એ તો બસ પ્રેમ કરી બેસે છે ! વિશ્વાસ કરી બેસે છે , પછી એ પ્રેમિકા પર હોય કે મિત્ર પર હોય કે કોઈ સગા સંબંધી પર હોય, અને જયારે એ વિશ્વાસ તૂટે ત્યારે કોઈ ના પણ હૃદયમાં થી સહજતાથી સૌ પહેલી એક જ ફરિયાદ નીકળે કે મેં તને સર્વસ્વ માન્યું અને તે મારી સાથે આવું કર્યું ? મારી સાથે ?
“તુજે બિન જાને , બિન પહેચાને , મૈને રીદય સે લગાયા ,
પર મેરે પ્યાર કે બદલે મેં તુને મુજકો યે દિન દિખલાયા,
જૈસે બિરહા કી ઋત મૈને કાટી તડપ કે આહે ભર ભર કે
જલે મન તેરા ભી કિસીકે મિલન કો , અનામિકા તું ભી તરસે ..
મેરી ભીગી ભીગી સી ……”
અંતરો ૨
રાજેન્દ્ર કપૂર વળી “તલાશ” ફિલ્મની શરૂઆતમાં એક બહુ મસ્ત સંવાદ આવે છે,(ગીત “મેરી દુનિયા હૈ માં તેરે આંચલ મેં ” આ ફિલ્મ નું. માં માટે હિન્દી ફિલ્મો માં જેટલા ગીતો બન્યા છે તે દરેકમાં આ સૌથી શ્રેષ્ઠ ગીત,જે એસ.ડી.બર્મને ગાયેલું છે. ) જેમાં રાજેન્દ્ર કપૂર તેની માં ને કહે છે કે તમે મને જીવન માટે કોઈ અમૂલ્ય શીખ આપો અને તેની માં તેને પ્રમાણિક રહેવાની શીખ આપે છે અને રાજેન્દ્ર કપૂર જીવનભર પ્રમાણિક રહીને જીવનની દરેક મોટી મુશ્કેલીઓ અને પરીક્ષાઓ માંથી કેવી રીતે સરળતાથી પસાર થઇ જાય છે એ ફિલ્મની વાર્તા છે.
મારા મમ્મી ઘણી વાર કહેતા કે સ્ત્રી એ ચાહે તો પુરુષને ખોટે માર્ગે પણ લઇ જઇ શકે અને ચાહે તો તારી પણ શકે. એ એવું પણ કહેતા કે સ્ત્રી અને પુરુષનો સંગાથ ઘી અને રૂ જેવો હોય છે, માટે આગ તો લાગે જ ! આગ એ અર્થમાં કે એ બંને એકબીજા થી આકર્ષણ અનુભવ્યા વગર ન રહી શકે અને એક બીજાને પોતાનું તન – મન નીરછાવર કરી દે !
માટે આગથી બચવું કે આગમાં હોમાવું એ આપણ હાથમાં હોય છે, જો બચવું હોય તો દૂર જ રહેવું સારું, પાસે આવ્યા પછી આગની લપટથી તમે ના બચી શકો , કોઈ નથી બચી શક્યું , અને એ આગ બે પ્રકારની હોય , એક તો જેને આપણ પ્રકાશ કહીએ છીએ તે, જે દીપ બનીને જીવનને રોશન કરે અને બીજી આગ એવી હોય જે જીવનને તબાહ કરી મુકે. આ ગીતના બીજા અંતરામાં બીજા પ્રકારની આગ વિશે કહેવામાં આવ્યું છે
“આગ સે નાતા , નારી સે રિશ્તા , કાહે મન સમજ ના પાયા ,
મુજે ક્યા હુઆ થા ઇક બેવફા પે , હાયે મુજે ક્યોં પ્યાર આયા,
તેરી બેવફાઈ પે , હસે જગ સારા, ગલી ગલી ગુઝરે જિધર સે,
જલે મન તેરા ભી કિસી કે મિલન કો, અનામિકા તું ભી તરસે …
મેરી ભીગી ભીગી સી … ! ”