rahasya

નસીર મારા અનઓફીશીયલ ગુરૂ છે : કે કે મેનન

૧૭ /૧ / ૨૦૧૫ ના રોજ ફિલ્મ અભિનેતા કે કે મેનન GSTV ચેનલની મુલાકાતે આવ્યા. ત્યારે મેં GSTV વેબસાઈટ માટે તેમનો ઇન્ટરવ્યુ61fcadc4e41f48c55667c176ea5f8dee_L લીધો હતો. થયું કે આપની સાથે પણ એ ઇન્ટરવ્યુ શેર કરું! તો લો આ કર્યો ! કે કે મેનન તેમની આવનારી ફિલ્મ ‘રહસ્ય’ ને પ્રમોટ કરવા આવેલા. ફિલ્મ સંબંધિત મોટાભાગના પ્રશ્નો GSTV ચેનલ પરના તેમના ઇન્ટરવ્યુ માં આવરી લેવાયા હોવાથી એ ફિલ્મ વિષે પૂછી શકાય એવા ઝાઝા કોઈ પ્રશ્નો બચ્યા નહોંતા. છતાં જે ન પૂછાયા હોય એવા પ્રશ્નો સહીત કેટલાક એ ફિલ્મ સિવાયના પ્રશ્નો પૂછીને આ બંદાએ ઇન્ટરવ્યુ લઇ નાંખ્યું. અહીં પેલ્લો અને છેલ્લો આભાર અમારા વેબ હેડ કુણાલ પંડ્યાનો માનવો પડે, જેમણે મને આ જવાબદારી સોંપી.

પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં લખવાની ભાષા અહીં લખું છું એના કરતા જુદી અને ડીસન્ટ હોય, માટે એ ઇન્ટરવ્યુ જીએસ. ની વેબસાઈટ પર ડીસન્ટ રીતે મુકાયો છે, અર્થાત ફક્ત પ્રશ્નો અને એના ટૂ ધી પોઈન્ટ જવાબ. પણ અહીં એક્સકલુઝીવલી ખાસ તમારા માટે, પ્રશ્નો અને જવાબો સહીત ક્યાંક ક્યાંક મારી ટીપ્પણીઓ અને બ્રેકેટસ નો તડકો !

હું ઇન્ટરવ્યુ માટે કે કે મેનન આગળ પ્રગટ થયો ત્યારે એ ખૂબ ઉતાવળમાં હતા. લગભગ ઉભા જ થવા જતા હતા, ત્યાં મેં એમને બેસાડ્યા. અને કહ્યું, “અ વેરી સ્મોલ ઇન્ટરવ્યુ ફોર અવર વેબસાઈટ સર! ” કે કે સસ્મિત બેસતા બોલ્યા, “વેરી સ્મોલ, રાઈટ? પહેલે દો લબ્ઝ કાફી ઈમ્પોર્ટન્ટ હોતે હૈ… રીમેમ્બર ! ” જવાબમાં મારું હાસ્ય અને પહેલો જ પ્રશ્ન –
પ્રશ્ન : ફિલ્મનું ટ્રેલર જોતાં તે આરૂષી મર્ડર કેસ પર આધારિત હોય એવી લોકોની અટકળ છે ત્યારે આ કેસ સાથે જોડાયેલ તલવાર ફેમિલીની આ ફિલ્મ પ્રત્યે શું પ્રતિક્રિયા છે ?

જવાબ : અમે તલવાર ફેમિલીને આ ફિલ્મ દેખાડી છે અને એમને આ ફિલ્મ સામે કોઈ વાંધો નથી. અને જો આ પ્રકારનો આ એકલો કેસ હોત તો તમે કહી શકો કે આ ફિલ્મ એ ઘટના પર આધારિત છે, પણ એવું નથી.

પ્રશ્ન : ‘રહસ્ય’ ફિલ્મમાં દિગ્દર્શક મનીષ ગુપ્તા સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો ?
અહીં કે કે હસ્યા, જાણે એવું વિચારી ને કે સાલું આ તે કેવો પ્રશ્ન ? અનુભવ તો સારો જ હોય ને યાર ? અને જવાબ પણ એ જ આપ્યો કે … “અનુભવ સારો રહ્યો. જેવો બીજા દિગ્દર્શકો સાથે હોય છે એવો જ સારો અનુભવ.” મને થયું કે આ ફિક્કા સવાલનો ફિક્કો જવાબ અહીં પૂરો થયો હશે પણ ત્યાં જ આવ્યો કહાનીમાં ટ્વીસ્ટ ! અને તેમણે કહ્યું, ” છતાં આ દિગ્દર્શક માટે હું એવું કહી શકું કે આ દિગ્દર્શકનું ફોકસ ફક્ત એની ફિલ્મમાં હતું. જે ખૂબ સારી વાત છે, અને એવું આજકાલ બહુ ઓછું જોવા મળે છે. બીજા દિગ્દર્શકોનું ફોકસ ફિલ્મ કરતા વધારે બીજી ઘણી બાબતોમાં હોય છે. ( અહીં “બીજી ઘણી બાબતો” પર સ્ટ્રેસ હતું , પોઝ હતું, અને મારી સામે એક સ્માઈલવાળું લુક હતું – જાણે કહી રહ્યા હોય કે “યુ નો વ્હોટ આઈ મીન !” બ્રેવો કે કે ! મેઈનસ્ટ્રીમ બોલીવૂડના ટોપના એક્ટર તરીકે આવી વાતનો ખુલાસો કરવો એ મારા મતે બહુ મોટી વાત છે.

મી વિથ કે.કે. મેનન...

મી વિથ કે.કે. મેનન…

પ્રશ્ન : શું તમારો બોલીવૂડમાં કોઈ મેન્ટર છે ?
જવાબ : હું નસીર (નસીરુદ્દીન શાહ ) ને મારા ગુરુ માનું છું. સાથે ઘણું કામ કર્યું છે, થીયેટર પણ કર્યું છે, અને તેઓ મારા ‘અનઓફીશીયલ’ ગુરુ છે. એમની જોડેથી હું ઘણું શીખ્યો છું, થીયેટર કરતી વખતે એમના શીખવાડ્યા વગર હું એમની જોડેથી ઘણું શીખ્યો છું. એકલવ્ય ની જેમ ! એમના શીખવાડ્યા વગર હું એમની જોડેથી ઘણું શીખી ગયો.

પ્રશ્ન : શું તમારો કોઈ ડ્રીમ રોલ છે ?
જવાબ : હું ડ્રીમ અને રોલ બંનેને અલગ રાખું છું.

પ્રશ્ન : કોઈ પ્રિય અભિનેતા કે અભિનેત્રી ?
જવાબમાં કે કે બોલી ઉઠ્યા, “યાર… યે ક્યોં કર રહે હો… ક્યોં મુજે ફસાના ચાહતે હો… ” જવાબમાં પછી તે બધા જ દિગ્ગજ નામ બોલી ગયા, અને એ પણ ફક્ત જુના !
જવાબ : ઘણા બધા ગમતા કલાકારો છે, જ્યારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી શરુ થઇ ત્યારથી લઈને અત્યાર સુધી કેટલા બધા કલાકારો છે જેમકે બલરાજ સહાની, બચ્ચન સાહેબ, નસીર, ઓમ પુરીજી જેવા ઘણા કલાકારો છે એમાંથી ચોક્કસ કોઈ એક નામ લેવું અઘરું છે.

પ્રશ્ન : ફિલ્મ ‘રહસ્ય’ બોલીવૂડની બીજી મર્ડર મિસ્ટ્રી કરતા કઈ રીતે અલગ છે?
જવાબ : આજે ફિલ્મના નામે નોન-સેન્સ ઘણું બને છે. તો આ ફિલ્મ એવી નથી એટલે સૌપ્રથમ તો આ ફિલ્મ એ રીતે જ અલગ થઇ ગઈ, અને આ એવા પ્રકારની ફિલ્મ છે જેમાં એક જગ્યાએ જ્યાં રહસ્ય ખુલ્લુ પડી જાય પછી પણ તમને આ ફિલ્મ એટલી જ જકડી રાખશે.

પ્રશ્ન : તમે કઈ ફિલ્મને વધારે સફળ માનો છો ? જેનું બોક્સ ઓફીસ કલેક્શન સારું હોય એવી ફિલ્મને કે જેને વિવેચકોની પ્રશંસા પ્રાપ્ત થઇ હોય એવી ફિલ્મને ?
જવાબ : આ બંને બાબતો સાથે ચાલવી જોઈએ. બંને બાબતો જુદી છે એ જ દુઃખની વાત છે. હું એવું માનું છું કે વિવેચકોની પ્રશંસા વગર બોક્સ ઓફીસ કલેક્શન થવું જ ન જોઈએ. જો કોઈ વસ્તુનું કોઈ સ્તર જ ન હોય તો એ શા માટે વેચાવી જોઈએ? શું તમે સડેલું રીંગણ ખરીદશો ? પણ જો હું સડેલા રીંગણનું સારું પેકેજીંગ કરી લઉં તો કદાચ તમે એને ખરીદી પણ લો. તમારી પાસે પૈસા છે તો તમે સડેલા રીંગણ ને વેચવા માટે એક અલગ પેકેજીંગ ડીપાર્ટમેન્ટ બનાવી દીધું. આ નાજાયઝ ને જાયઝ બનાવવાનો એક રસ્તો છે. મારું માનવું છે કે જે સારી વસ્તુ છે એ જ વેચાવી જોઈએ, બાકી બધું દંભ અને દેખાડો છે. બાકી સબ ઢકોસલા હૈ…

પ્રશ્ન : તમારું આ યુનિક નામ શું સૂચવે છે ?
જવાબ : ચાઇનીઝ ભાષામાં કે કે નો અર્થ વ્હીકટરી અર્થાત વિજય એવો થાય. મારું નામ પણ એ જ સૂચવે છે.

પ્રશ્ન : ‘રહસ્ય’ ઉપરાંત આપની બીજી આવનારી ફિલ્મો કઈ કઈ છે?
જવાબ : આ ફિલ્મ ‘રહસ્ય’ સૌથી પહેલા રીલીઝ થશે, ઉપરાંત ‘બેબી’ ફિલ્મમાં મેં એક કેમિયો કર્યો છે, એ સિવાય ‘બોમ્બે વેલવેટ’ માં પણ એક સ્પેશીયલ અપીયરન્સ છે ઉપરાંત ‘સાત ઉચક્કે’ અને ‘સન પીછત્તર’ જેવી ફિલ્મો છે. પણ સૌથી પહેલા તો ‘રહસ્ય’ આવશે અને મને લાગે છે કે આ ફિલ્મ સારી ચાલશે પણ ખરી. (સબસે પહેલે તો રહસ્ય લગેગી… ઔર મુજે લગતા હે કે બોહોત સહી તરીકે સે લગેગી.. )

જીએસટીવી વેબસાઈટ પરથી સાભાર….