aanand milind

પાપા કહેતે હૈ

ફિલ્મ – કયામત સે કયામત તક
વર્ષ – ૧૯૮૮ (મારો જન્મ ૮૭ માં)
ગીત – પાપા કહેતે હૈ
ગાયક – ઉદિત નારાયણ
ગીતકાર – મજરૂહ સુલતાનપુરી
સંગીત – આનંદ-મિલિંદ

મારું એવું માનવું છે કે કોઈ ગીતમાં “પાપા” કે “મમ્મી” આવતું હોય તો તે ગીત નાના બાળકોને ખાસ પ્રિય હોય. મને પણ નાનપણમાં જે ગીત ખૂબ પ્રિય હતું તેમાં પાપા આવતું. અરે બરાબર બોલતાય નોહતું આવડતું, ભાખોડિયા ભરતો હતો અને ગીત ગમતું ફિલ્મ “કયામત સે કયામત તક”નુ, “પાપા કહેતે હૈ બડા નામ કરેગા….”! ઘરના બધા સભ્યોનુ એવું કહેવું છે કે હું એ ગીત પાછળ ગાંડો હતો. ટેપ- કેસેટનો જમાનો હતો, અને મને આ ગીત ખુબ ગમતું એટલે પપ્પા મારા માટે કેસેટ લઇ આવ્યા ફિલ્મ “કયામત સે કયામત તક”ની. (આ તેમણે મારા માટે લાવેલી પહેલી કેસેટ હશે) અને એ કેસેટ પછી બની ગઈ મારું ફેવરીટ રમકડું. દિવસમાં દસ થી પંદર વખત પાપા કહેતે હૈ ના સાંભળી લઉં ત્યાં સુધી ચેન ના પડે. હું સાંભળી સાંભળીને ના કંટાળું પણ કેસેટ કંટાળે અને પછી તે બગડે. અને બગડે એટલે પપ્પા બીજી નવી લઇ આવે. ટોટલ ૫ વખત પપ્પા “કયામત સે કયામત તક”ની કેસેટ મારા માટે લાવેલા. મારી મોટી બહેનો પછી બોલે – “પપ્પા તમે યુવરાજ માટે એકની એક કેસેટ વારંવાર લાવો છો, પણ અમારા માટે નવા પિકચરોની કેસેટો નથી લાવતા.” “કયામત સે કયામત તક”ની કેસેટ પાછી બગડી, મારું રડવાનું પાછુ ચાલુ થયું, બહેનો બોલી – “પ્લીઝ નો “કયામત સે કયામત તક” એની મોર!!!” અને પપ્પા કેસેટ લાવ્યા ટુ ઈન વન! એ સાઈડ પર “કયામત સે કયામત તક”ના ગીતો અને બી સાઈડ પર “રામ લખન”!
એક દિવસ મમ્મી ઘરના કામમાં બીઝી હતા અને મેં રડવાનું ચાલુ કર્યું, એટલે મમ્મીએ મને મારી મોટી બહેન ઝરણાને સોંપ્યો, ઝરણાએ મને ડાયનીંગ ટેબલ પર બેસાડ્યો અને મારી બાજુ માં ટેપ મુક્યું અને “પાપા કહેતે હૈ…” ચાલુ કર્યું, ટેપમાં ભૂલથી મારી રેકોર્ડના બટન પર આંગળી દબાઈ ગઈ અને ગીત બંધ થયું એટલે મેં રડવાનું ચાલુ કર્યું, ઝરણા બોલી – “શું થયું? શું થયું?” હું રડતા રડતા બોલ્યો “બંધ થઇ ગયું! ” અને તેનું ધ્યાન ગયું કે રેકોર્ડનું બટન દબાઈ ગયું છે, તેણે રેકોર્ડીંગ સ્ટોપ કર્યું અને ગીત પાછુ વાગવા લાગ્યું. આજે પણ ઘરમાં તે કેસેટ પડી છે, જેમાં પાપા કહેતે હૈ ગીત માં વચ્ચે મારું અને મારી બહેનનું તે રેકોર્ડીંગ આવે છે. પહેલા મારો રડવાનો અવાજ, પછી બેના પૂછે “શું થયું?” અને હું રડતા રડતા બોલું “બંધ થઇ ગયું”!
મારી બહેન ઝરણાને યાદ છે કે “કયામત સે કયામત તક” ફિલ્મ આવેલી ત્યારે મારા કાકા(સ્વ.મહેન્દ્રસિંહ ભગવતસિંહ જાડેજા)એ તે ફિલ્મમાં આમીર ખાનને જોઈ ને કહેલું કે આ છોકરો ખૂબ આગળ આવશે.
આજે પણ ટીવીમાં જયારે “પાપા કહેતે હૈ” ગીત આવે ત્યારે મમ્મી મારું નાનપણ યાદ કરે!
આમીર ખાને તે ફિલ્મમાં બરાબર જ કહેલું કે “મગર યે તો કોઈ ના જાને કે મેરી મંઝીલ હૈ કહાં”, તેના આ શબ્દો મુજબ તે પાત્ર અંતે ઈશ્કમાં ફના થઇ જાય છે! મારું પાત્ર પણ મને લાગે છે કે જરૂર પડે ફના થઇ જાય તેવું છે, પણ ઈશ્કમાં નહીં, ઔર ભી ગમ હે દુનિયામે મુહાબ્બત કે સિવા… 😉