સમીર

જબ જબ પ્યાર પે પહેરા હુઆ હૈ..

ફિલ્મ – સડક

વર્ષ – ૧૯૯૧

ગીત- જબ જબ પ્યાર પે પહેરા હુઆ હૈ

ગીતકાર- સમીર

ગાયક – અનુરાધા પોંડવાલ , કુમાર સાનુ

સંગીત – નદીમ – શ્રવણ

મહેશ ભટ્ટના ઘણા ગીતોમાં રસ્તા પર ના વણઝારા ગીતો ગાતા હોય.. અને એમના શબ્દો પ્રેમી યુગલની ભાવનાઓની વાચા બનતા હોય.

sadak-1991-200x275યાદ કરો આશિકી ફિલ્મનું “તું મેરી ઝીંદગી હૈ..” માં પણ વણઝારા અને એમાંય મુખ્યત્વે એક નાની ક્યુટ છોકરી આ ગીત ગાય છે, પછી ભટ્ટ કેમ્પનું જ બીજું મુવી ‘નાજાયઝ’ નું મારું અતિપ્રિય ગીત “અભી ઝીંદા હું તો જી લેને દો’ માં નસીરુદ્દીન રસ્તે ગઈ રહેલા લોકો સાથે જોડાય છે. હજુ યાદ કરીશ તો આવા બીજા મીનીમમ ૫ ગીતો તો મળી જ આવશે. આ ગીત, ” જબ જબ પ્યાર પે પહેરા હુઆ હૈ..” મુઝરામાં ગવાઈ રહ્યું છે, તવાયફો નાચી રહી છે અને પ્રેમી યુગલની લાગણીને વાચા મળી રહી છે. ભટ્ટની ફિલ્મો માં આવતી કોમન બાબતો વિષે તો હું આખી લેખોની હારમાળા લખી શકું. પણ અત્યારે તો ફક્ત બીજી એક જ વાત કરીને વિરમીશ… એ બીજી વાત એ કે ઘણી ભટ્ટ કેમ્પ ફિલ્મમાં વિષય તરીકે એવું બતાવાયું છે કે વેશ્યાવૃત્તિ માં ધકેલાયેલી યુવતી સાથે હીરો પ્રેમમાં પડે , સમાજનો સામનો કરે અને એ યુવતીને એ દલદલમાંથી બહાર કાઢે. આ વિષય સાથેની સૌથી પોપ્યુલર ફિલ્મ એટલે ‘સડક’. ઉપરાંત ભટ્ટ કેમ્પની જ સલમાન સ્ટારર ‘બાગી’ અને આ પ્રકારની એમની સૌથી લેટેસ્ટ હિમેશ સ્ટારર ‘કજરારે’ જે પૂજા ભટ્ટે જ ડીરેક્ટ કરેલી. આ વિષય સાથેની બીજી પણ કેટલીક ફિલ્મો ભટ્ટ કેમ્પમાં બની છે જેમકે ઇમરાન હાશ્મી સ્ટારર ‘આવારાપન’. પણ આ દરેક ફિલ્મમાં મને સૌથી વધુ ખૂંચતી બાબત એક જ છે, કે દરેક ફિલ્મમાં હિરોઈન વેશ્યાવૃત્તિ માં ધકેલાઈ તો હોય પણ છતાં પ્યોર રહી હોય. એનું શિયળ લુંટાયું ના હોય. આવું દર્શાવવા પાછળનું કારણ હું એમ સમજુ છું કે ભારતના લોકો કે પુરુષો એક ડહોળાઈ ગયેલા શરીરવાળી છોકરીને હિરોઈન તરીકે ન સ્વીકારે એવું આ ફિલ્મ મેકર માનતા હશે. વેલ, કદાચ તેમણે રિસ્ક ઉપાડીને એવું દર્શાવ્યું હોત કે હીરોઈનનું શિયળ લુંટાઈ ચુક્યું છે છતાં હીરો એને સ્વીકારી રહ્યો છે તો કદાચ સમાજમાં એની સારી છાપ પણ પડી શકી હોત. વિવિધ સંસ્થાઓ સહીત સરકાર યુવાનોને પ્રોત્સાહિત કરવા સ્કીમો કાઢે છે કે એક વેશ્યાને પરણો તો તમને બિરદાવવા આટલા રૂપિયા આપવામાં આવશે. છતાં ભાગ્યે જ કોઈ યુવાન આ સ્કીમનો લાભ લે છે. અથવા જે લે છે એને કદાચ રૂપિયામાં જ રસ હોય છે. સરકારને બદલે ફિલ્મોએ આ કામ કર્યું હોત તો રૂપિયા આપ્યા વગર પણ સમાજમાં આ સુધારો થઇ શક્યો હોત, અને એ લગ્નો પણ કરોડો રૂપિયામાં ન ખરીદી શકાય તેવી લાગણીવાળા સંબંધોમાં પરિણમ્યા હોત. પણ એક કેલ્ક્યુલેટેડ ફિલ્મ મેકર એવું રિસ્ક શું કામ લે?

અને આ ધંધામાં ધકેવાયેલી છતાં પ્યોર રહેલી સ્ત્રીને પ્રત્યે તો કોઈ પણ સામાન્ય પુરુષને લાગણી ઉપજે, એમાં વળી શું મોટી વાત. આ ધંધાનો સંપૂર્ણપણે ભોગ બનેલી કોઈ છોકરીને જો અપનાવામાં આવે તો જ વિષય સાર્થક થયો ગણાય. અને ત્યારે જ હીરો ની અનન્ય લાગણીનો પરિચય થાય.

હવે ગીત તરફ આગળ વધીએ… આ ગીતમાં નદીમ શ્રવણની ખુબ જ કર્ણપ્રિય કમ્પોઝીશન છે, અને ગીતકાર સમીરે પણ સરળ શબ્દોમાં અદભુત વાત કરીને બાજી મારી છે. ઇન્ડીયન કલ્ચર પ્રમાણે કોઈ છોકરા છોકરી પ્રેમમાં પડે એ ટોક ઓફ ધ ટાઉન ગણાય છે. અને પાછા નાત જાતના સીમાડાઓ પણ અનેક. અરે એની ચરમસીમા તો જુઓ, ક્યારેક છોકરો છોકરી એક જ નાત ના હોય છતાં માં-બાપને પરિવાર અનુકુળ ન આવતું હોય એટલે લગ્ન ન થવા દેતા હોય. આવા સીમાડાઓને કારણે જ ભારતમાં મહાન પ્રેમકથાઓ જન્મ લે છે. એની ખાતરી કરવા તમે તમારા જ મિત્ર વર્તુળમાં કે રીલેટીવ્સમાં જોઈ જોજો, તમને ૧૦ માં થી ૩ યુગલો તો ઓછામાં ઓછા એવા જોવા મળશે જેમણે પ્રેમ લગ્ન કર્યા હશે અને એ માટે તેઓ સમાજ સામે લડ્યા હશે કે માં-બાપના વિરોધનો સામનો કર્યો હશે. મુખડામાં એક ખુબ જ સુંદર વાત કરાઈ છે કે આવી રોક ટોક થાય છે ત્યારે પ્રેમીઓનો સંબંધ વધુ ગાઢ થાય છે. એનું સીધું અને સ્પષ્ટ કારણ એક જ છે કે બે માંથી એક જણ આ લડાઈમાં એક ડગલું પણ ભરે તો બીજાને એના માટે ભારોભાર માન અને ગર્વ ઉપજે. છોકરીને જાણ થાય કે છોકરાએ એના માટે પોતાના ઘરમાં ઝગડો કર્યો હતો તો છોકરી છોકરા પર વધુ આફરીન થઇ જાય.. એ તો પછી એના પ્રેમીને વ્હાલથી ભરી મુકે. અને એનાથી પ્રેરિત થઈને પોતે પણ આ લડાઈમાં બે ડગલા આગળ વધે, અને આવી રીતે જ ડગલા ભરતા ભરતા પ્રેમીઓ એમની મંઝીલ સુધી પહોંચી જતા હોય છે. અને આ સફરમાં તેઓ એકબીજાનું મહત્વ પણ સમજતા થાય છે. એકબીજાને ગુમાવવાનો વારો આવશે તો એમના પર શું વીતશે એ પણ આ સફરમાં તેમને સમજાઈ ગયું હોય છે…

“જબ જબ પ્યાર પે પહેરા હુઆ હૈ,

પ્યાર ઔર ભી ગહેરા…ગહેરા… હુઆ હૈ,

દો પ્યાર કરને વાલો કો જબ જબ દુનિયા તડપાયેગી..

મુહબ્બત…. બઢતી જાયેગી….

કુછ ભી કર લે દુનિયા… યે ના મીટ પાયેગી…

મુહબ્બત …. બઢતી જાયેગી….

હો…. જબ જબ પ્યાર પે પહેરા હુઆ હૈ…. “

14060565849a7a1-original-1પ્રેમ એ સાહજિક છે અને એથી વિશેષ એ પ્રાકૃતિક છે. જેમ વાદળોનું વરસવું, વીજળીનું ચમકવું , ફૂલોનું મહેકવું અને બુલબુલનું ચાહેકવું એ પ્રકૃતિનો નિયમ છે ,એમ પ્રેમ થવો એ પણ એટલું જ પ્રાકૃતિક છે. ઘણા લોકો આ પ્રેમીઓને આગળ વધતા અટકાવવા માટે આગળ વધે છે, તેમના પર શામ ડામ દંડ ભેદ અપનાવે છે, છતાં એ પ્રેમીઓનો નિર્ણય અફર હોય છે. અને પછી લોકો એવું કહે છે કે સાલાઓ કેવા છે? આટલું બધું થયું છતાં સુધારતા નથી, મરવા તૈયાર છે, પણ એક બીજાને છોડવા માટે નહીં. મૂરખા છે ને સાલાઓ? અરે ભાઈ, એ મૂરખા નથી, તું મુરખો છે. એમનો પ્રેમ એ તો ઈશ્વરે આ ધરતી પર પાથરેલું સૌન્દર્ય છે. અને ઈશ્વર પોતાની સૌથી સુંદર રચના એટલી નબળી થોડી બનાવે કે જેને કોઈ પણ આવીને નષ્ટ કરી જાય !  ઈશ્વરે મોકલેલા આ વાદળો તો વરસવાના જ… ભરપૂર વરસવાના… અને પછી વીજળીના કડાકા પણ થવાના… ઈશ્વરે મોકલેલા આ પ્રેમીઓ પણ એકબીજાના થઈને જ રહેવાના… એકબીજામાં સમાઈને મહેક્વાના … અને પ્રેમની વાતો કરીને ચહેકવાના…

 “બાદલ કો બરસને સે, બીજલી કો ચમકને સે

કોઈ ભી રોક ના પાયેગા… કોઈ ભી રોક ના પાયેગા..

ફૂલોં કો મહેકને સે… બુલબુલ કો ચહેકને સે

કોઈ ભી રોક ના પાયેગા… કોઈ ભી રોક ના પાયેગા..

જબ જબ ઉલ્ફત કી રાહોં મેં દુનિયા દીવાર ઉઠાયેગી ,

મુહબ્બત… બઢતી જાયેગી…

હો…. જબ જબ પ્યાર પે પહેરા હુઆ હૈ…. “

 પ્રેમીઓની મિલકત એમનો પ્રેમ જ છે, અને આ મિલકત કોઈ ન લૂંટી શકે. લૂંટી લૂંટી ને કોઈ શું લૂંટશે. જમાનો તેમને એકબીજાથી અલગ કરી દેશે, ઝંઝીરોમાં બાંધી દેશે, પણ એથી કાંઈ તેમણે એકબીજાને આપેલા વાયદાઓ થોડા બંધાઈ જશે. અરે પરાકાષ્ઠાએ જઈને તમે તેમને અલગ કરી લો તોય એ વાયદાઓની પરાકાષ્ઠા.. એ પ્રેમની.. યાદોની.. પરાકાષ્ઠા બે ડગલા આગળ જ રહેવાની. એનું કારણ પણ બહુ સરળ છે કે નફરત ની પરાકાષ્ઠા કરતા પ્રેમની પરાકાષ્ઠા વધુ શક્તિશાળી હોય છે. પ્રેમીઓને જુદા કરવા અશક્ય છે. દુનિયાની મોટામાં મોટી તાકાત પણ આ કામ ન કરી શકે અને ન જ કરી શકે. એમને જુદા કરવા તમે એમને દીવાલમાં ચણી દેશો તોય એ હૃદય છેલ્લા ધબકારા સુધી એકબીજા માટે જ ધબકતા રહેશે, અને એકબીજા માટે ફના થવાના ગૌરવ સાથે આ હ્રદય ધબકતા બંધ થશે. અને એ દીવાલ, કે જ્યાં એ ચણાયા હશે, કે એ જમીન જ્યાં એ દફનાવાયા હશે… એ જગ્યા સદીઓ સુધી પ્રેમનું પ્રતિક બની ને રોશન થયા કરશે. આવનારી અનેક જનરેશન્સ તેમને આદર્શ પ્રેમી તરીકે યાદ કરશે… ગામડાના ડાયરાઓમાં એમને યાદ કરવામાં આવશે, બોલીવૂડની ફિલ્મોમાં એમને કંડારવામાં આવશે… અને પ્રેમીઓના ટેક્સ્ટ મેસેજીસમાં એમના ઉલ્લેખ આવશે, કોઈ પોતાની પ્રિયતમાના મુખે રોમિયો સંબોધન સાંભળીને હરખાશે તો કોઈ છોકરી ને કોઈ દીવાનો પોતાની જુલિયટ કહેશે ત્યારે એ છોકરી તો શું સાચે સાચી જુલિયટ પણ પોતાનો જન્મ સાર્થક થયેલો ગણશે.

 “ઇસ દિલ કી યાદોં કો.. મહેબૂબ કે વાદો કો…

કોઈ કયા બાંધે ઝંજીરો સે… કોઈ કયા બાંધે ઝંજીરો સે…

ચાહત કે ખઝાનો કો.. નઝરો કે ફસાનો કો..

કોઈ પા ન સકે જાગીરો સે.. કોઈ પા ન સકે જાગીરો સે…

જબ જબ દુનિયા દીલવાલો કો દીવારો મેં ચુનવાયેગી ..

મુહબ્બત… બઢતી જાયેગી…

હો…. જબ જબ પ્યાર પે પહેરા હુઆ હૈ….”

હાલ-એ-દિલ

ફિલ્મ – હાલ-એ-દિલ
વર્ષ – ૨૦૦૮
ગીત- હાલ-એ-દિલ
સંગીત – વિશાલ ભારદ્વાજ , આનંદ રાજ આનંદ , રાઘવ સચર
ગાયક – રાહત ફતેહ અલી ખાન , શ્રેયા ઘોષાલ
ગીતકાર – સમીર , આદિત્ય ધર, મુન્ના ધીમાન

કેટલો, કંઇક ૧૬-૧૭ વર્ષનો હોઈશ જયારે દિલમાં મૂર્તિ રચાતી ! અને એ મૂર્તિની સવાર સાંજ પૂજા થાતી. મને બહુ ડાહ્ય છોકરામાં ગણતા મારા વડીલો, આપ જો અત્યારે આ લખાણ વાંચી રહ્યા છો તો પ્લીઝ એવું ના સમજતા કે હું અહીં હનુમાનજી ની મૂર્તિ વિષે વાત કરવાનો હોઈશ. એ મૂર્તિ હતી મારી પ્રેયસી ની ! એક છોકરી ની. હું એક છોકરો હતો (એટલે, હજી પણ છું જ યાર! 🙂 ) એક એવો છોકરો જેના જીવનમાં કોઈ છોકરી પ્રવેશી ન હતી. અને એટલે જ એના મનમાં એ કાલ્પનિક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઇ, અને નિયમિત રૂપે તેની પૂજા પણ થઇ.
હું પ્રેમ માં કઈ પરાકાષ્ઠા એ જઈ શકુ? જેવા પ્રશ્નો દિલને થયા કરે. એક કાલ્પનિક દુનિયા મારા મનમાં રોજ વિકસતી જાય, અને હું તેમાં ખોવાતો જાઉં. અને એ સમયગાળામાં મેં ખુબ સપના જોયા. ભરપુર સપના જોયા. અઢળક સપના જોયા. અને સપના એવા કે મારા જીવન માં કોઈ આવશે તેને હું આટલો પ્રેમ કરીશ, તેટલો પ્રેમ કરીશ, તૂટી ને પ્રેમ કરીશ, મરી ને પ્રેમ કરીશ. આમ કરીશ, તેમ કરીશ, તેને રીઝવવા ! પણ તે માનશે ? શું તે પણ મને પ્રેમ કરશે ? કોઈ છોકરી, અને મને પ્રેમ કરે? હું તે સમયે એવું પણ દ્રઢ પણે માનતો કે કોઈ છોકરી મને પ્રેમ ના કરી શકે, કે મારા પ્રેમમાં ના પડી શકે. એનું કારણ એમ હતું કે હું લુક્સમાં પોતાની જાતને હંમેશા અન્ડર એસ્ટીમેટ કરતો. હું ત્યારે એવું માનતો કે આઈ એમ નોટ ધેટ મચ ગુડ લુકિંગ, અને ખાસ તો હું થોડો ફેટી હતો, અને એ બહુ મોટું કારણ હતું મારી એ માન્યતા પાછળ. પણ આજે જયારે હું મારા એ વખતના ફોટા જોવું છું તો ખ્યાલ આવે છે કે મારો એ ખ્યાલ સાવ ખોટો હતો, હું સારો લાગતો હતો, એન્ડ આઈ વોઝ નોટ ધેટ મચ ફેટ એટ ધેટ ટાઈમ, ખાલી થોડો હેલ્ધી હતો. પણ મારા માટે એ વખતે એટલું બી ચાલે એમ ન હતું કારણ કે મારી કલ્પના ની મૂર્તિ ખુબ જ સુંદર હતી, અને એવી સુંદર છોકરીને હું કેવી રીતે કહી શકું કે હું તને કેટલું ચાહું છું, મેં તારી સાથે કેવા કેવા સપના જોયા છે! હું તો ના કહી શકું, પણ શું તે મારી આંખો ના વાંચી શકે? મારા હૃદયમાં ઊતરીને ના જોઈ શકે?
“જાન વે જાન લે હાલ – એ – દિલ, જાન વે બોલ દે હાલ – એ – દિલ,”
અને જો એ જાણી જાય મારા દિલ નો હાલ તો હું તેને કહું, મારા સપના… એને મન ભરીને પ્રેમ કરવાના, વ્હાલ કરવાના, ઈરાદાઓ નો એકરાર….
“આજા તેરે સીને મેં સાંસ સાંસ પીઘલું મેં,
આજા તેરે હોઠો સે બાત બાત નીકલું મેં ,
તુ મેરી આગ સે રોશની છાંટ લે
યે ઝમીં આસમા જો ભી હૈ બાંટ લે
જાન વે જાન લે હાલ – એ – દિલ, જાન વે બોલ દે હાલ – એ – દિલ,”
અને એના હૃદયના પણ એ જ અરમાન હોય, જે મારા હૃદયના હોય…કોઈ મીઠા સંબોધન થી એ પણ મને આવું કંઈક કહે …..
“આજા માહિયા આજા…..આજા માહિયા આજા…..બેબસીયા આજા….આજા માહિયા આજા “
ચાંદ! મારી તનહાઈ નો સાથી. મારી કવિતાઓ નો સાક્ષી! ખુલ્લી આંખે પણ રાત્રે ચાંદ ને જોઈને જોયા છે અનેક સપના!
“આજા તેરે માથે પે ચાંદ બન કે ઊતરું મેં
આજા તેરી આંખો સે ખ્વાબ ખ્વાબ ગુઝરૂ મેં
રગ રગ પે તેરે સાયે વે રગ રગ પે તેરે સાયે
રંગ તેરા ચઢ ચઢ આયે વે રંગ તેરા ચઢ ચઢ આયે
જાન વે….જાન વે…..જાન લે…..જાન લે….. હાલ – એ – દિલ “
કલ્પનાઓ હંમેશા વાસ્તવિકતા કરતા વધારે સુંદર હોય છે . કોઈ માને કે ના માને પરંતુ માણસ વધારે રોમેન્ટીક ત્યારે હોય છે જયારે તેના જીવનમાં કોઈ સાથી નથી હોતું , કારણ કે ત્યારે માત્ર સુંદર,મહેકતી કલ્પનાઓ જ હોય છે, જેમાં વાસ્તવિકતા નો વઘાર નથી હોતો. વાસ્તવ માં માણસ પ્રેમમાં પડે ત્યારે બધું જ સુંદર ન જ હોય. એમાં મુશ્કેલીઓ તો આવે જ. અને ધારો કે તમે મુશ્કેલીઓની પણ કલ્પના પહેલેથી કરી હોય કે આવી મુશ્કેલી આવશે તો તેનો સામનો હું આવી રીતે કરીશ , પણ જીવનમાં ક્યારે આપણl ધાર્યા પ્રમાણે બધું થાય છે? અને જો થાય , એટલે કે જો ધાર્યા પ્રમાણેની જ મુશ્કેલીઓ આવે તોય તમે તેનો તેવો ઉકેલ તો ન જ લાવી શકો જેવો તમે ધારીને બેઠા હો. આ ગીત આવ્યું ત્યારે મેં એવી જ રીતે માણેલું , સુંદર કલ્પનાઓ કરી કરીને , જાણે હું મારા પ્રણય જીવનનું આયોજન કરી રહ્યો હોઉં , જાણે હું મારી કિસ્મતમાં કોઈને લખી રહ્યો હોઉં , ભલે એને કોઈ નામ ના હોય , ભલે એનો ચહેરો પણ ધૂંધળો હોય , પણ તે સૌથી સુંદર , સૌથી પ્રેમાળ અને સૌથી ખાસ હતી , હા , તે મારી કલ્પના હતી . એક તરુણ ની કલ્પના , એના પાગલ દિલનું હેલ્યુસીનેશન …મુન્નાભાઈની ભાષામાં બોલેતો કેમિકલ લોચા !
“આજા તુજે હાથોપે કિસ્મતો સા લીખ લૂ મેં ,
આજા તેરે કાંધે પે ઊમ્ર્ર ભર કો ટીકલુ મેં
તેરી અખિયો કે દો ગહેને વે તેરી અખિયો કે દો ગહેને…
થીરતે હૈ પહેને પહેને વે થીરતે હૈ પહેને પહેને….
જાન વે જાન લે હાલ – એ – દિલ…
અને મુખ્ય વાત એ કે એ કલ્પનાઓ માં એક કલ્પના સૌથી મોટી અને સૌથી ખાસ , અથવાતો જેને કલ્પનાઓ નો પાયો કહી શકાય કે જેના પર બાકીની બીજી કલ્પનાઓની ઈમારત રચાઈ હોય , અને એ કલ્પના એ છે કે એ મને સમજશે , મારા દિલની લાગણીઓને સમજશે. આ ગીતનો ભાવ પણ એ જ છે કે તું મારા દિલનો ભાવ , મારા દિલનો હાલ, હાલ – એ – દિલ વાંચી લે અને તારા દિલનો હાલ, હાલ – એ – દિલ કહી દે કારણ કે એ જ એ કલ્પનાઓ નો , સપનાઓ નો પાયો છે જેના પર નભેલા છે બીજા સપના ….જેવા કે … “આજા તેરે સીને મેં સાંસ સાંસ પીઘલું મેં…..આજા તેરે હોઠો સે બાત બાત નીકલું મેં ……“