વેલેન્ટાઈન ડે

વેલેન્ટાઈન ડે પર બનતી મુખ્ય ઘટનાઓ !

ફરી આવી ગયો વેલેન્ટાઈન ડે, આ દિવસે શું શું થાય ? આ દિવસે મુખ્યત્વે નીચે  મુજબની ઘટનાઓ થાય –

ઘટના નંબર ૧ – વાંઢાઓ જલી જલી ને મરે

ક્યુકી સાસ ભી કભી બહુ થી , એમ હું ભલે અત્યારે પરણેલો છું પણ ભાઈઓ હું પણ ક્યારેક વાંઢો હતો ,  એક વાંઢા ને વેલેન્ટાઈન ડે ના દિવસે દુનિયા કેવી દેખાય , તો ભાઈઓ , એને આખી દુનિયા લાલ અને પોતાની જાત સફેદ રંગની દેખાય. સવારથી ” મેરા જીવન કોરા કાગઝ “ જેવા ગીતો યાદ આવે, વળી પાછો કોઈ ચહેરો યાદ આવે , જ્યાં તેને ક્યારેક કશા પ્રકાર ની સંભાવનાઓ દેખાઈ હોય , અને સમય જતા એ છોકરી ને બીજા કોઈની સાથે રસ્તા પર જતા જોઈ હોય , એવો અઘરો ચહેરો આ વેલેન્ટાઈન ડે ના દિવસે ખાસ યાદ આવે , કે કાશ ત્યાં મેળ પડી ગયો હોત , તો આજે સાંજે હું પણ તેની સાથે લો – ગાર્ડન જાત અને એને લાલ રંગનો ફુગ્ગો અપાવત. આવા નિસાસા અને સાથે યાદ આવે વિવિધ પ્રકારના કેટલાક ગીતો – સચ કહે રહા હૈ દીવાના , દિલ ના કિસી સે લગાના ….

તું પ્યાર હૈ કિસી ઔર કા , તુજે ચાહતા કોઈ ઔર હૈ….

આવા ગીતો ગાતો ગાતો ભાઈ ગલ્લે પહોંચે , વળી પાછો મનમાં નિસાસો નાંખે , કાશ એ સાથે હોત તો હું અત્યારે ૧૩૫ ના મસાલા ને બદલે , ગુલાબ નું ફૂલ ખરીદવા નીકળ્યો હોત ….

૧૩૫નો મસાલો અને ગુલાબ નું ફૂલ !

૧૩૫નો મસાલો અને ગુલાબ નું ફૂલ !

પછી એ વાંઢો પોતાના જેવા જ બીજા મિત્રો સાથે ગલ્લે ગોસ્ઠી જમાવે , પછી વાત માં થી વાત નીકળે ને કોઈ બોલે ” પેલો સુરીયો , ક્યાં ગયો , આજે સવારથી દેખાયો જ નથી , એટલે કોઈક જવાબ આપે – “અરે એને તો એક પટાઈ લીધી , અને આજે એને એ ફેરવવા લઇ જવાનો છે ”

એટલે ક્યાંક થી અવાજ આવે ” છોકરીઓ સાવ કેવા કેવા ચંબુ જેવા છોકરાઓને પસંદ કરે છે , એથી આપણી જેવા હેન્ડસમ છોકરાઓ વાંઢા રહી જાય છે .

ટૂંક માં એમના માટે આ આખો  દિવસ, જલન , નિસાસા અને દર્દ ભર્યા ગીતો થી ભરપૂર હોય –

દિલ કે રાસ્તે મેં કૈસી ઠોકર મેને ખાઈ ….તન્હાઈ …..

ઘટના નંબર ૨  – રોજે રોજ સાથે રખડતા કપલીયા , આજે થોડું વધારે રખડે …

આમ તો આ કપલીયા રોજે રોજ રખડતા હોય , પણ આ દિવસે અચૂક સાથે રખડવા નીકળે , એટલે રોજ રખડવામાં ક્યારેક ક્યારેક ખાડો પડતો હોય , પણ આ દિવસે એ લોકો ને ખાડો પડે તે ના પોસાય. છોકરીના પક્ષે એટલે ના પોસાય કારણ કે એનો લુક્ખો બોયફ્રેન્ડ આ દિવસે એને ગીફ્ટ આપવાનો હોય , રોજ ગાર્ડનમાં જ કામ પતી જતું હોય એના બદલે આજે એ પિક્ચર બતાવવા લઇ જવાનો હોય , અને છેલ્લે બહાર જમાડી ને ઘરે મોકલવાનો હોય . છોકરાના પક્ષે આજ ના દિવસે ખાડો પાડવો એટલે ના પોસાય કારણ કે આ દિવસે એને થોડી વધુ ચુમ્મા ચાટી કરવા મળશે તેવી અપેક્ષા હોય , અને આ દિવસે એ છોકરી ને ઈમોશનલ બ્લેકમેઈલ પણ કરી શકે ” બકા આવું કરવાનું ?, મેં તને ગીફ્ટ આપી , તું મને એક પપ્પી પણ નઈ આપે ? ”

અને આજ ના દિવસે આવા કપલીયાઓ ને બહાર નીકળવું પણ અઘરું પડી જાય , રોજ તો ઘરે કોઈ પણ બહાનું ચાલી જાય , પણ વેલેન્ટાઈન ડે ના દિવસે છોકરો સાંજે કે રાતના સમયે બહાર નીકળે એટલે માં – બાપ ને તરત શંકા જાય અને એ પ્રશ્ન કરે “આજે જ જવું જરૂરી છે ? ”

પછી એમને પણ ઈમોશનલી બ્લેકમેઈલ જ કરવા પડે ” મને તો ખબરેય નહોતી , પણ ભૈબંધે મારી પણ પિક્ચરની ટીકીટ લઇ લીધી , આ પિક્ચર તો મને જોવાની ખુબ ઈચ્છા હતી , અને બધા દોસ્તો પણ આજે જ જાય છે , પણ વાંધો નહિ , તમે ના પાડશો તો નહિ જઉં ”

પછી ભલે ને બિચારા માં – બાપ સવારથી નક્કી કરીને બેઠા હોય કે ભલે ગમ્મે તે થાય પણ આજે તો છોકરાને ઘરની બહાર નથી જ નીકળવા દેવો તોય , આ સાંભળ્યા પછી તેમને કહેવું જ પડે ” સારું , જઈ આવ , પણ પિક્ચર પતે એટલે તરત ઘરે આવી જજે …”

ઘટના નંબર ૩ –  વિવિધ ધંધાઓ ને પ્રોત્સાહન !

ગીફ્ટ આર્ટીકલ અને ફૂલ વાળા લોકો ને માટે દિવાળી કરતા પણ મોટો અવસર આવે ! આ દિવસ આવે એટલે ફૂલની દુકાને મુરજાયેલા ફૂલ અને ગીફટની દુકાને  ફાટી ગયેલા દિલ પણ વેચાઈ જાય , એ પણ હોય એના કરતા વધારે ભાવ માં ! આજ ના દિવસે નો ડિસ્કાઊન્ટ . આખો દિવસ ઓન્લી મની કાઊન્ટ ! એજ રીતે આજના દિવસે  હોટલો વાળા પણ ફાવી જાય , એક તો ડીનર ના ભાવ વધુ લેવાના અને વીજળી નો ખર્ચો પણ બચાવવાનો ! કેન્ડલ લાઈટ ડીનર યુ સી ! અને કપલીયાઓ પાછા ખાય ઓછું અને વાતો વધારે કરે , એટલે ખાવાનું બધું પ્લેટમાં એમ નું એમ પડ્યું રહે ! એટલે એ વધેલું ખાવાનું બીજા કોઈની પ્લેટ માં ! “હેપ્પી વેલેન્ટાઈન ડે સર ! ” કહી ને ! અને આજ ના દિવસે વેઈટરો ને ટીપ પણ વધારે મળે , ઓછી ટીપ આપીએ તો સાથે આવેલી છોકરી શું વિચારે ! એજ રીતે થીયેટરો વાળા પણ ખૂબ કમાય ! આખા થીયેટરમાં ચારે બાજુ કપલીયા જ કપલીયા દેખાય ! અને ગમ્મે તેવું પિક્ચર હોય , એ દિવસે તો બોક્સ ઓફીસ બ્રેક કરી નાખે ! પિક્ચર કેવું છે એના થી શું ફરક પડે છે ,  કપલીયાઓ ને તો અંદર જઈ ને ચુમ્મા ચાટી જ કરવી છે ને !

ત્રણ ઘટનાઓ પછી ત્રણ રોમેન્ટિક વાત કરી ને આ લેખ નું સમાપન !

વાત નંબર એક – મેં , કોમલે અને મમ્મી એ આજના દિવસે સ્ટાર ગોલ્ડ પર પારિવારિક રોમેન્ટિક ફિલ્મ “કુછ કુછ હોતા હૈ “ જોઈ નાખી. એ દરમ્યાન મને જાણવા મળ્યું કે કોમલે નાનપણમાં આ ફિલ્મ જોઈ ને કાજોલ ઊર્ફે અંજલી જેવા વાળ કપાવેલા !

વાત નંબર બે – એક રોમેન્ટિક પોસ્ટ , આવતીકાલે રીલીઝ થનારી ફિલ્મ મર્ડર ૩ ના રોમેન્ટિક ગીત ” તેરી ઝુકી નઝર … ” ગીત પર !

વાત નંબર ત્રણ – એક ખુબ જ રોમેન્ટિક વેલેન્ટાઈન ડે એડ