loneliness

જિસ દેશ મેં ગંગા રહેતા હૈ

ફિલ્મ – જિસ દેશ મેં ગંગા રહેતા હૈ
વર્ષ – ૨૦૦૦
ગીત – જિસ દેશ મેં ગંગા રહેતા હૈ
ગાયક – અભિજિત ભટ્ટાચાર્ય
ગીતકાર – દેવ કોહલી , પ્રવીણ ભારદ્વાજ
સંગીત – આનંદ રાજ આનંદ

દુનિયાભરમાં રખડીને જયારે ઘરે પાછા આવીએ ત્યારે તરત બોલાઈ જાય – “પૃથ્વીનો છેડો ઘર “ ! મારી સાથે તો એવું બન્યું છે કે હું લાંબા સમય સુધી jisdesh3બહારગામ રહી ને આવું પછી મારા વિસ્તારમાં પ્રવેશું કે તરત મને એકે એક દુકાન જોઈ ને ભાવ ઊભરાય. રસ્તાઓ , રીક્ષાઓ , શાકની લારીઓ , રસ્તા પર ફરતી ગાય , કુતરા – બધા ને જોઇને ભાવુક થઇ જઉં . એટલું ય ઓછુ હોય ત્યાં મને તો આકાશના વાદળો , પવનની લહેરો અને આથમતા સુરજની આછી આછી કિરણો જોઇને પણ મન ભાવુક થઇ જાય કે આહાહા … મારા વિસ્તારના વાદળો , મારા એરિયાનો સુરજ ! મારા રે મલકનો આ પવન !
મારા પરિવારમાં બધા એકબીજાને પ્રેમતો ખુબ કરે , પણ પ્રેમના પ્રદર્શનોમાં મારા ઘરના બધા થોડા પાછા પડે . અને એવા ઘરમાં હું ફિલ્મી ટાઈપનો પાકેલો , એટલે આપણે બધા જોડે બહુ બબાલો કરી ! મમ્મી ને પણ કહી દઉં – ના ગમતો હોઉં તો જતો રહીશ આ ઘર છોડી ને ! આવા તો બીજા કેટલાય ડાયલોગો પપ્પાને ,બહેનોને, પત્નીને સંભળાવ્યા હશે , પણ આવા પ્રકારના ડાયલોગ્સની આપ – લે મારે મમ્મી જોડે વિશેષ થાય . મમ્મી ક્યારેક ગુસ્સામાં મેલોડ્રામેટીક ડાયલોગો ફટકારે , એટલે મારે તો એટલું જ જોઈતું હોય , પછી હું પણ શરુ કરું . થોડીવાર જુગલબંધી ચાલે ! પછી હું કહું કે એ બધી વાત મુકો અને ચા પીવી છે કે નહિ એમ કહો , અને મમ્મી સહેજ રિસાયેલા ટોન માં “હા “ પાડે , પછી હું રસોડામાં ચા બનાવવા જઉં . એમને મારા હાથની ચા વિશેષ પ્રિય . પ્રેમના પ્રદર્શનનો પણ એક મેલોડ્રામેટીક અને ખુબ ઈમોશનલ પ્રસંગ મને યાદ આવે છે , હું કોલેજના પહેલા વર્ષમાં હતો – અને નડિયાદના હરી ઓમ આશ્રમના મૌન મંદિરમાં એક અઠવાડિયું રહી ને આવેલો , અને મને ત્યાં ફાવતું હશે કે કેમ ટાઈપસ ની ચિંતાઓ કરી કરી ને પરેશાન થયેલા મમ્મી એ હું આવ્યો કે તરત મને જોઈ એમની આંખમાં પાણી આવ્યું , થોડો મારા ગળે પણ ડૂમો આવ્યો અને મમ્મી એ મારૂ માથું ચૂમ્યું .
સિમ્પલ વર્ડ્સ માં કહીએ તો મારી દુનિયામાં ,મારા ઘરમાં , મારી શેરીમાં , બધું સિમ્પલ જ છે. એવું સિમ્પલ જેના પર કરોડો સ્પેશીયલ કુરબાન ! આખી દુનિયા નથી જોઈતી , આખી દુનિયા નહિ પણ મને વ્હાલી ફક્ત મારી આ નાનકડી દુનિયા. જગતભર ના સુંદર પક્ષીઓ જોઈ લઉં , એમને કેમેરામાં કેદ પણ કરી લઉં તોય મારા ફળિયામાં ચણતી ચકલી મને જે આનંદ આપે છે , એ આનંદની તોલે કશું ના આવે ! મારા ફળિયામાં જ મેં સૌપ્રથમ વખત ચકલી જોયેલી , ચકો જોયેલો , કાબર જોયેલી – પપ્પા એ કીધેલું કે જો તારા કરતા તો કાબર ડાહ્યી , કેવું મસ્ત માથું ઓળી ને આવી છે ! એ માથું ઓળેલી કાબર જયારે અદાથી મારા ફળિયામાં ચાલે છે ત્યારે મારા હોઠ પર અચૂક સ્મિત આવી જાય છે.

“ભાભી કંગન ખનકાતી હૈ , ઔર માં લોરિયા ગાતી હૈ ,
મધ્ધમ મધ્ધમ સી પવન ચલે, કોયલિયા ગીત સુનાતી હૈ ,
બચ્ચા વહાં આજ ભી ચાંદ કો ચંદામામા કહેતા હૈ ,
જિસ દેશમે ગંગા રહેતા હૈ … “

મારા ઘરની નજીક જ મારી સ્કુલ , અને મારી સ્કુલની નજીક આવેલું એક બસ સ્ટેન્ડ! અને એ બસ સ્ટેન્ડ પર ઊભેલી એક છોકરી ! હું અગિયારમાં ધોરણમાં હતો ત્યારે એ બસ સ્ટેન્ડ પર એક સુંદર સ્કુલ ગર્લ આવી ને ઊભી રહેતી , જેને મેં જોયેલી જયારે હું રીસેસમાં ભૂંગળા નું એક રૂપિયા વાળું પેકેટ ખરીદવા એ બસ સ્ટેન્ડ પાસે આવેલી દુકાન પર ગયેલો . પછી તો રોજ નો સિલસિલો બની ગયો , હું રોજ રીસેસમાં એને જોવા જતો , એના લીધે પેલા દુકાનવાળાને પણ ભૂંગળા માટેની રોજ એક રૂપિયાની ગરકી બંધાઈ ગઈ ! આજે પણ ક્યારેક એ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા એ દિવસો નું સ્મરણ થાય એ દિવસો નું ! એ સ્કુલના દિવસો , જયારે હું વહેલી સવારે ઊઠીને સાઈકલ પર સવાર થઈને સ્કુલે જતો , સાઈકલ ચલાવતા જે થોડો પરસેવો થયો હોય એના પર વહેલી સવારના ઠંડા પવનની લહેર ! આહ ! ગજ્જબ આનંદ ! અને સાઈકલ પરથી ઊતરી ને શર્ટ ને પેન્ટમાં બરાબર ઇન કરી ને જ ક્લાસમાં ઇન થવાનું ! અને ટાઈ તો હંમેશા થોડી લૂઝ જેથી પહેલું બટન ખુલ્લું રાખી શકાય ! બસ સ્ટેન્ડ પર ઊભી રહેતી એ દીવાની , એ વહેલી સવારની ઠંડી લહેરોમાં ચલાવેલી સાઈકલ , હા , મારી તરુણાવસ્થા માં કરેલા આ અનુભવો ! , મારા દેશમાં રહેતા બીજા લોકો પણ મારા આ અનુભવો સાથે પોતાના અનુભવો રીલેટ કરી શકશે , કારણ કે એક પ્રદેશ માં રહેતા દરેક લોકો ની વાત મોટેભાગે એક જ હોય છે , “ આ ત્યાની વાત છે જે દેશમાં હું રહું છું…” એમ કહું એમાં જ બધાનો ઉલ્લેખ આવી ગયો કારણ કે મારા આ શબ્દો સાંભળતા જ અનેક દેશવાસીઓ બોલી ઊઠશે – “હું પણ ત્યાં જ રહું છું , જ્યાં આ રહે છે , મારી પણ એ જ વાત છે , જે એની છે “ ખરેખર, સાર્થક છે આ ગીત ના શબ્દો – જિસ દેશ મેં ગંગા રહેતા હૈ …..

“ગાવ કા પનઘટ , પનઘટ કા પાની , ભરે ગગરીયા કોઈ દીવાની ,
ઠંડી ઠંડી પુરવાઈ મેં મીઠી મીઠી ખુશ્બુ ,
મત પૂછો ઉસ ખુશ્બુમે હોતા હૈ કૈસા જાદુ ,
જાદુ ઐસા હોતા હૈ કે હર કોઈ ઝૂમતા રહેતા હૈ ,
જિસ દેશમે ગંગા રહેતા હૈ “

ગીતનો હવે પછી નો જે અંતરો છે એ મને વિશેષ પ્રિય છે, એના ફિલ્માંકન ના લીધે ! ગામ છોડીને આવેલા અભણ ગંગા નું શહેરમાં અપમાન થાય છે , એ પાર્ટીમાં ઉપસ્થિત જનમેદની વચ્ચે હાસ્યાસ્પદ અને ગમાર સાબિત થાય છે ત્યારે બેપરવાહ બની ને પાર્ટીમાં ઢોલક વગાડીને આ શબ્દો ગાય છે ! આ દ્રશ્ય નું ફિલ્માંકન એવું ગજ્જબ છે કે આ દ્રશ્ય હું જયારે પણ જોઉં છું ત્યારે ગળે ડૂમો અચૂક આવી જાય છે , ખુબ ઈમોશનલ થઇ જાઉં છું. પોતાનો પ્રદેશ છોડ્યા નું દર્દ જે ગંગા અનુભવે છે એ ખુબ સહેલાઇ થી સમજી શકાય એવું છે . કારણ કે એક સાચો , ભોળો અને સીધો માણસ પૈસા ની લાલચે પણ પોતાના દેશથી વધુ દૂર ન રહી શકે , કારણ કે એને મન એની સાચી સંપત્તિ એનો પ્રદેશ જ છે . વ્યક્તિઓ ની સાથે જે તે જગ્યા જોડે પણ માણસ લાગણીના તંતુ થી જોડાઈ જતો હોય છે , પછી એ બીજી જગ્યા એ જાય તો પણ એ શોધતો રહેશે એ જ બધું જે એને પોતાના પ્રદેશમાં મળતું હતું – એવા લાગણીશીલ લોકો , એવું ઘર , એવા પક્ષીઓ .. અને જયારે એ કશું એને નહિ મળે ત્યારે એ બધું એ નવી જગ્યામાં ઊભું કરશે . જસ્ટ લાઈક કોઈ ભારતીય વિદેશમાં રહેવા જાય , અને ત્યા રેસ્ટોરાં ખોલી, ત્યાંના લોકોને પોતાની રેસ્ટોરાંમાં દેશી ભોજન જમાડે , ગરબે રમાડે, થોડુક ત્યાનું અપનાવે અને થોડુક પોતાનું ફ્લેવર ત્યાં ના કલ્ચરમાં એડ કરે ! અને પછી જે ફ્લેવર બને એ પણ બહુ ચાખવા લાયક હોય હો !

“દિલમે બસા કર , ગાવ કી મમતા ,
શહેરમેં આયા મેં જોગી રમતા ,
સુખ દુખ સારે માન કર , ઔર ઉનકો અપના કર ,
તરહ તરહ કે નાતો સે ઘર બન જાતા હૈ સુંદર ,
પલ પલ સચ્ચે રિશ્તો કા વહાં પ્યાર બરસતા રહેતા હૈ ,
જિસ દેશમે ગંગા રહેતા હૈ “

તમે તો આવશો ને?

ચકલી પણ નથી આવતી,
હોલો પણ નથી આવતો…
અગરબત્તી વેચવાવાળો ઓલો ફેરિયો પણ નથી આવતો..
હું ઘરે આવું ત્યારે મારી પાછળ પાછળ
પૂછડી પટપટાવતો ઓલો શેરીનો કુતરો ય હવે નથી આવતો..
ટપાલ દેવા માટે
હવે ઓલા ટોપીવાળા કાંતીકાકા નથી આવતા..
છાપુ તો પહેલા છ વાગે આવી જતું,
હવે તો એય રાહ જોવડાવે છે…
કાચીંડાને તો હું ઘણીવાર શોધું છું..
વર્ષો થયા…નથી દેખાયો…
ઓફીસ ગુલાબના છોડ પર હવે ફૂલો ય નથી આવતા…
પતંગિયાતો તોય આવે છે…પણ ભમરા નથી આવતા…
મારા સેલ્યુલર પર ફોનેય નથી આવતા…
દુરદર્શન પર સમાચાર તો રોજ સાત વાગે આવે છે,
પણ એમાં હવે ઓલી કુટુંબ નિયોજનની જાહેરાત કેમ નથી આવતી…
ખેર જવા દો એ બધી વાત..
સાતસો ને છપ્પન થયા ને?
આમતો પૈસા હશે મારા ખિસ્સામાં,
પણ બીલ તમે ઘરે મોકલાવી આપજો ને..
એ બહાને કોઈક તો આવશે!

એકલતા (TWO SHORT POEMS)

એક સુની હવેલીમાં
સંગીત ગુંજે છે,
સાલું પાગલ હૃદય…
કોઈ સાંભળતું નથી તોય
એકલું એકલું ગાય છે !

* * *

* * *
મારા ઘરનો દરવાજો બંધ છે,
કોઈ કહે છે કે અંદર કોઈ
રહેતું નથી ને
કોઈ કહે છે કે ત્યાં કોઈ
આવતું નથી.

* * *