hitu kanodia

માવો થૂંકીને જુઓ .. આ પોસ્ટર ફેઇક છે !

અરે મારી વ્હાલુડી ગુજરાતી ફિલ્મો ને ખોટી બદનામ કરાય છે – તમે સહભાગી થાશોમાં ! જુઠી વાતોમાં દોરવાશોમાં ! એક ખોટું પોસ્ટર જે વોટ્સ અપમાં ફરતું થયું ,અને લોકો એ માની લીધું કે “માવો થૂંકી નાખજે સાયબા મોરા ” નામની ખરેખર એક ફિલ્મ છે . મેં કેટલાક મિત્રોને કહ્યું પણ ખરું કે એ ફેઇક પોસ્ટર છે તો નો માન્યા અને પાછા પૂરાવા માંગ્યા. તો મેં ય જહેમત ઉઠાવીને અસલી પોસ્ટર શોધી કાઢ્યું કે જેના પર આ કારીગરી કરવામાં આવેલી. એ પોસ્ટર અહી રજુ કરું છું. ફિલ્મનું ખરું નામ છે- “તું મારો કોણ લાગે” આ ફિલ્મ વર્ષ ૨૦૦૪ માં આવેલી.

ઓરીજીનલ પોસ્ટર

ઓરીજીનલ પોસ્ટર

ફેઇક પોસ્ટર

ફેઇક પોસ્ટર

બીજું એક પોસ્ટર ફરે છે “બેવફા ની બોનને પૈણું ” એ ફિલ્મનું પોસ્ટર છે જ નહિ. એ એક આલ્બમ છે.

ત્રીજું પોસ્ટર જે વોટ્સઅપ પર ફરે છે એનું શિર્ષક છે – “અમે ગુજરાતના ગઠીયા” તો ભાઈ આ શિર્ષક માં મને તો કશું હાસ્યાસ્પદ કે શરમજનક નથી લાગતું. ગઠીયા એટલે ચોર કે ઠગ એવો અર્થ થાય. પણ આપડું તો ભાઈ એવું ને કે અંગ્રેજીમાં “ગેન્ગસ ઓફ વાસેપુર” હાંભળવું ગમે , પ્રેમિકા ને “ડાર્લિંગ… ડાર્લિંગ ” કરો છો તો ક્યારેક “પ્રિયે … ” પણ કહી જોજો. પોતાની ભાષામાં જે ભાવ – જે વ્હાલ, જે આત્મીયતા ઊભરાશે એ પારકી ભાષામાં ક્યારેય નહિ ઉભરાય.

આ હિતુ કનોડિયા – મોના થોબા જેવા કલાકારોની મહાનતા છે કે આવી વાહિયાત બાબતોમાં એમના ફોટા જોડવામાં આવ્યા હોવા છતાં – સોશિયલ મીડિયાના યુગમાં પણ તેઓ આ ખોટી ભદ્દી મજાકને ઉઘાડી પાડવા સામે નથી આવતા. એમને ખબર જ હોય કે જે એમનો પ્રેક્ષક છે એ જાણે જ છે કે કનોડિયા કે મોના આવી ફિલ્મ કરે જ નહિ. કારણ કે એ પ્રેક્ષકને ખબર છે કે આ જોડી હંમેશા સારી ફિલ્મો આપવા માટે પ્રયત્નશીલ રહી છે. બોલીવૂડમાં આપડે અનેક ઉદાહરણો જોઈએ છીએ કે મનોજ કુમાર , સની દેઓલ જેવા કલાકારો પોતાની ઉપર થયેલા મજાક ને ગંભીરતા થી લઈને કેસ કરી દે છે. જયારે આ મીલેનીયમ સ્ટારનો પુત્ર હિતુ તો એક ઇન્ટરવ્યુ માં બોલેલો કે “ગામડાના લોકો હું કે પપ્પા ત્યાં જઈએ એટલે અમને “ઓલો કાનોડીયો આયો સે … કનોડીયો” એમ કહી ને બોલાવે. મને આ સંબોધન ખુબ વ્હાલું લાગે છે . એમાં એમનું ભોળપણ છલકે છે અને એ અમને કેટલા પોતીકા ગણે છે એ પણ દેખાઈ આવે છે.” આવા ખુલ્લા દિલથી પ્રેક્ષકોના પ્રેમને ઝીલતો કલાકાર છે હિતુ કનોડિયા. અને બીજા પણ અનેક પ્રેમાળ ગુજરાતી કલાકારો છે જ !

બીજી ભાષાની ફિલ્મો આજે બોક્સ ઓફીસ ગજવવા નાગાઈઓ ( તમારી સોફેસ્ટીકેટેડ ભાષામાં હું કિયે સે ઈને? હા … વલ્ગારીટી ) કરે જ છે જયારે મને એ વાતનો ખૂબ ગર્વ છે કે ગુજરાતી ફિલ્મોનું સ્તર ભલે જે હોય પણ તેણે ક્યારેય બોક્સ ઓફીસ માટે નાગાઈ નથી કરી. હા , આઈટમ સોંગ્સ નું ચલણ થોડું ઘૂસ્યું છે આજ કાલ. બટ ધેટ્સ ઈટ ! અધરવાઈઝ ધેર ઈઝ નોટ ઇવન અ કિસ !