હાજર છું , ડીસેમ્બર-૨૦૧૨ મહિનામાં આવેલી , અને એમાંથી મેં જોયેલી ફિલ્મોના રિવ્યુઝ લઇ ને.
ફિલ્મ – “દબંગ ટુ” વિષે
“દબંગ ટુ” ના નંબરીયા(ટાઈટલ્સ) તો ભાઈ જોરદાર , ઢાસુ મ્યુઝીક , વિદેશ ના લોકો પણ જોવે તો ઈમ્પ્રેસ થઇ જાય તેવા નંબરીયા . બીજા કોઈને ગમે કે ના ગમે પણ ભાઈ , મને તો ખૂબ જ ગમ્યા , દબંગ ટુ ના નંબરીયા. જોરદાર , જબરદસ્ત , માઈન્ડ બ્લોઇંગ ! મારી આપ સહુને ખાસ વિનંતી , કે જરૂરને જરૂરથી જોજો દબંગ ટુ ના નંબરીયા! કીટલી પર કટિંગ માંગો છો તેમ ટીકીટબારી પર જઈને કહેવાનું કે દબંગ ટુ ની ટીકીટ આપો , પણ અડધી , નંબરીયા પુરતી ! સો કે દોઢસો ના બદલે દસ રૂપિયા કાઢીને ખાલી નંબરીયા જોઈ લેજો , બેસવાની ના પાડે તો ઊભા ઊભા …. પણ ભાઈ દબંગ ટુ ના નંબરીયા તો છોડવા પોસાય તેવા જ નથી , હા , નંબરીયા પછી પણ કંઈક આવે છે , જેને કદાચ ફિલ્મ કહેવાય ! પણ હું શ્યોર નથી કે એને ફિલ્મ કહેવાય કે નહિ ? ! નંબરીયા પછી જે કઈ બતાવ્યું છે તેના કરતા એક મદારી ને બોલાવીને તેના વાંદરાના ખેલ જોઈ ને તમને વધુ આનંદ આવશે ! (અથવા એટલો જ આનંદ આવશે ! ) બાકી જેવી તમારી ઈચ્છા . ગીતના નામે ફેવિકોલની એડ , એ સિવાય ફિલ્મમાં એક મોબાઈલ કંપની અને હાજમોલા ની શીશીની પણ જાહેરાત કરવામાં આવી છે. એક મિત્ર ને મેં મારો દ્રષ્ટિકોણ કીધો તો માનવા તૈયાર ના થાય. મેં કહ્યું કે ફેવીકોલના ગીત દ્વારા ફેવિકોલની જાહેરાત કરવામાં આવી છે અને એના માટે ફેવિકોલ વાળા જોડેથી તગડી રકમ મેળવી જ હશે , બાકી હું જાણું છું ત્યાં સુધી કોઈ પણ ફિલ્મવાળા કોઈ પણ પ્રોડક્ટ ની , આટલા મોટા પાયે મફતમાં જાહેરાત કરે જ નહિ . અને હકીકત એ છે કે “ઇન ફિલ્મ એડ” દ્વારા ફિલ્મે ૫ કરોડ રૂપિયા કમાયા છે .
હડીમ્બા જેવી સોનાક્ષીને તો જોવી જ નથી ગમતી , તોય મહીને એકાદ ફિલ્મ લઈને હાજર થઇ જ જાય છે , એમાં પાછુ થીયેટરમાંથી એને જોઈ કોઈ સીટી મારે , એટલે મારી છટકે , પણ પછી હું સમજી જઉં કે એને સોનાક્ષી ગમે છે તેમાં એ બિચારાની પણ કોઈ મજબૂરી હશે , એની વાઈફ કે ગર્લફ્રેન્ડ સોનાક્ષીને ટક્કર આપે એવી ભેંસ હશે , એટલે આ ભાઈ સોનાક્ષીને જોઇને ધન્યતાની લાગણી અનુભવતા હશે – વાહ , આપડો ફટકો હિરોઈન ! અને મારી ખાસ પ્રિય હિરોઈન માહી ગીલ , આહ…….! , ભલે આ ફિલ્મ માં તેનો કોઈ ખાસ રોલ નહિ , ભલે એક સીન માટે આવી , પણ આવી એટલે ભગવાનનો પાડ માન્યો . એ પહેલી અને છેલ્લી વાર હું આખી ફિલ્મ દરમ્યાન હરખાયો. એને જોવીતો ગમે જ , પણ સાથે સાથે દુખ પણ થયું કારણ કે આ રોલ એની એક્ટિંગની ઊંચાઈઓ ને જોતા એને શોભે તેવો નહોતો.
ફિલ્મ – “લાઈફ ઓફ પાઈ” વિષે
“લાઈફ ઓફ પાઈ” ! અદભુત ફિલ્મ ! એક છોકરો એક વાઘ સાથે , મધદરિયે , બોટમાં …. અને પછી શરુ થાય છે સંઘર્ષ , જીવન માટેનો ….એ પણ કેવો ! ફિલ્મ જોતા તમને ક્યારેક તો એવો વિચાર આવી જ જાય કે આનાથી વધુ વિકટ પરિસ્થિતિ તો હોઈ જ ન શકે , ફિલ્મની થ્રીડી ઈફેકટસ કાબિલે તારીફ છે. જકડી રાખશે , એક બીજી જ દુનિયામાં લઇ જશે , જીવનભર યાદ રહી જશે , અને ખૂબ ખૂબ આનંદ અપાવશે – લાઈફ ઓફ પાઈ !
ફિલ્મ – “ખિલાડી ૭૮૬” વિષે
“ખિલાડી ૭૮૬” , હિમેશ માટે જોવા ગયેલો , એના ગીતો તો ફિલ્મમાં લાજવાબ છે જ ( જોકે મને હુક્કાબાર ગીત જરાય પસંદ નથી પડ્યું , અહી મારે કબૂલવું જોઈએ કે હું અપવાદ છું કારણ કે બીજા ઘણા લોકોને આ ગીત સહુ થી વધારે ગમ્યું છે) હિમેશ આ ફિલ્મમાં એકટર હતો અને મને તેને એકટર તરીકે જોવો પણ ખૂબ ગમે છે , પણ આ ફિલ્મમાં તેણે દાટ વાળ્યો છે , આ ફિલ્મમાં એક્ટિંગ માટે તેને વધારે મહેનત કરવાની જરૂર હતી , બાકી તેની ફિલ્મ્સ “રેડીયો” અને “દમાદમ” એક ફિલ્મ તરીકે પણ શ્રેષ્ઠ છે અને હિમેશ તેમાં હીરો તરીકે પણ જામે છે. એ ફિલ્મનો પ્રોડ્યુસર છે એટલે એનો રોલ ફિલ્મમાં ખાસ્સો મોટો છે , એના લીધે બીજા કલાકારો-કોમેડીયનો ને ખૂબ નાના રોલ મળ્યા છે, જો એ કોમેડીયનો ના કેરેક્ટર વિકસાવ્યા હોત તો ફિલ્મ નીખરી હોત . ફિલ્મ કોમેડી પ્રકારની , પણ હસવું ક્યારેક જ આવે , એ પણ તમારો મૂડ સારો હોય તો ! બાકી હસવા પર મજબૂર કરે તેવું કશું જ આ ફિલ્મમાં નથી. ફિલ્મનો પ્રચાર એક્શન ફિલ્મ તરીકે થયેલો , ફિલ્મની શરૂઆતમાં એક્શન કમ કોમેડી દ્રશ્ય છે , જે સારું છે , પછી ની આખી ફિલ્મમાં થી એક્શન ગાયબ છે , અને એન્ડમાં અક્ષય સાવ પપલુ જેવા વિલનને મારીને હીરોગીરી કરવા જાય છે , ત્યારે તો દિમાગની %$#@& !!!