શ્રી ૪૨૦

હા, હું દીકરીનો બાપ

                                        સામાન્ય ગુજરાતી ફિલ્મો નીચલા વર્ગના કે નાના ગામડાના લોકોને આકર્ષે છે , શહેર ની જનતા એ ફિલ્મો જોવા આકર્ષાતી નથી. અને એ જોવામાં નાનામ પણ અનુભવે છે. આજ કાલ મોર્ડન ગુજરાતી ફિલ્મો બનવા લાગી છે , ખાસ આવા શહેરીલોકો ને ધ્યાનમાં રાખી ને , પણ આ શહેરીજનો એવી ફિલ્મો પણ જોવા નથી જતા , ગુજરાતી ફિલ્મો પ્રત્યેની સૂગને કારણે. અથવા તો બહુ ઓછી સંખ્યા માં આવી ફિલ્મોને મલ્ટીપ્લેક્ક્ષ નું ઓડીયન્સ મળે છે પણ સિંગલ સ્ક્રીન માં આવી ફિલ્મો રીલીઝ સુદ્ધા નથી થતી. કારણ , આવી ફિલ્મો એ સામાન્ય ગુજરાતી ફિલ્મના દર્શકને નથી આકર્ષી શકતી. એ વર્ગને એક અલગ પ્રકારના કોમેર્શીયલ મનોરંજનની અપેક્ષા હોય છે , જે આવી મોડર્ન ગુજરાતી ફિલ્મો માં નથી હોતું . જેમકે નીચલા વર્ગને ગુજરાતી ફિલ્મમાં આઈટમ સોંગ હોય તો ગમે છે , પણ મોર્ડન ગુજરાતીઓ ગુજરાતી ફિલ્મના આઈટમ સોંગ ને સ્વીકારી શકતા નથી. એમને એ બધું ચીપ અને વલ્ગર લાગે છે. (એ અલગ વાત છે કે એ મોર્ડન ગુજરાતીઓ “મુન્ની બદનામ ” અને “ફેવિકોલ સે ” જેવા ગીતો હોંશે હોંશે જુએ છે )
મારા મતે કરુણતા તો એ છે કે ગુજરાતી ફિલ્મો ના દર્શકોમાં વર્ગો શું કામ પડે છે ? ફિલ્મ એક ચોક્કસ વર્ગ માટે શું કામ બનવી જોઈએ? ફિલ્મ તો ભાષા વગરની હોય તોય દરેક ને સમજાય તેવી હોવી જોઈએ. શું “શોલે” માટે કોઈ એવું કહી શકે કે માત્ર આ જ વર્ગ માટે ની ફિલ્મ છે ? ! આખાય દેશના બધા પ્રકારના બધા લોકો ને એ ફિલ્મ આકર્ષી શકી છે , જો આખાય દેશની પસંદને ધ્યાનમાં રાખીને બોલીવૂડમાં ફિલ્મો બની શકતી હોય તો દરેક પ્રકારના ગુજરાતી લોકો ને આકર્ષી શકે એવી કોઈ ગુજરાતી ફિલ્મ કેમ ન બની શકે ? બની જ શકે ભાઈ ! “દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા ” એ ફિલ્મ દરેક ગુજરાતીને થીયેટર સુધી લઇ ગઈ હતી , એ જ રીતે “મૈયરમાં મનડૂ નથી લાગતું ” ફિલ્મે પણ દરેક વર્ગને મનોરંજન આપીને ખૂબ ધૂમ મચાવેલી . અને આવી જ એક ગુજરાતી ફિલ્મ આ અઠવાડિયે રીલીઝ થઇ છે, ” હા , હું દીકરી નો બાપ “. બધા પ્રકારની ઓડીયન્સને ગમે તેવી ! અને સર્વના દિલમાં ઊતરી જાય તેવી !

                                                                      422583_564004340278098_570009105_n

એક ખૂબ ભોળા હવાલદાર ભગવતી પ્રસાદ ઊર્ફે ભગુ ના રોલમાં હિતેન કુમાર. એ રડવામાં નથી માનતો , લડવામાં માને છે. જીવનના આકરા માં આકરા સંજોગો સામે પણ તે રડ્યા વગર તેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે છે . તે એક ઈમાનદાર પોલીસવાળો છે અને પોતાની દીકરી પ્રત્યે અપાર લાગણી ધરાવે છે. એને એના જીવનમાં બસ પોતાની નોકરી અને પોતાની છોકરી થી જ મતલબ ! અને બિચારો એમાં જ અટવાયા કરે ! પોતાની દીકરીને સમય આપે કે નોકરીને ! સાંજે સર્કસ માં લઇ જવાનું વચન આપી ને નોકરી એ ગયેલો હવાલદાર પોતાના સાથી હવાલદારોને હરખાઈ ને કહે છે કે પ્લીઝ ! આજે તમે થોડું સંભાળી લેજો , હું આજે અડધો કલ્લાક વહેલો ઘરે જઈશ. આજે મારે મારી દીકરીને સર્કસ બતાવવા લઇ જવાનું છે , ત્યાં જ ઇન્સપેકટર આવીને સુચના આપે છે કે આજે ઘરે મોડા જવાની તૈયારી રાખજો , આજે મોટા સાહેબ આવવાના છે ! ઘરે મોડા પહોંચવાથી નાની દીકરી કાલી કાલી જબાનમાં ફરિયાદ કરે છે કે સાહેબ ને એવું કહી દેવાય ને કે મારે મારી દીકરી સાથે સર્કસ માં જવાનું છે ! પછી પોતાની દીકરી ને વ્હાલથી ગીત ગાઈને મનાવતો હવાલદાર ભગુ દીકરીની બધી જરૂરિયાતો સંતોષવા હંમેશા તત્પર રહે છે.
ફિલ્મમાં મારું સૌથી પ્રિય દ્રશ્ય એ છે જયારે ભગુની દીકરીના લગન લેવાઈ રહ્યા છે , ભગુ તો ખુબ ખુશ છે ,પોતાની પોત્રિને વિદાય આપવાની હોઈ , ભગુની માતા પણ રડી રહી છે, બધા જ આ પ્રસંગે આંસુ સારી રહ્યા છે પણ ભગુ આનંદ માં છે ! એને તો પોતાની દીકરીના લગ્નનો હરખ છે. એ ખૂબ આનંદ માં છે કે એની “સસલી ” આજે પરણીને એના સાસરે જશે … બાપ – દીકરી નું ત્યાં એક સુંદર લાગણીસભર ગીત આવે છે – “દીકરી સાસરીયે જાય , બાપુ દ્યો ને વિદાય ….” ભગુના મિત્રો અને માં તેને સમજાવે છે કે ભગુ તું થોડું રડી લે …. તારી દીકરી કાયમને માટે એના સાસરે જઈ રહી છે. ભગુ રમુજ ખાતર ખોટું ખોટું રડે છે પણ તેને ખરેખર રડવું આવતું નથી , તેને દીકરીના લગ્ન નો આનંદ છે પણ એના ગયા પછી એની યાદ આવશે , એ વાતનો અણસાર સુદ્ધા નથી . અને પ્રસંગ પતી ગયા બાદ હસતો હસતો ઘરનો ઊમ્બરો ચઢી રહેલા ભગુ ને જયારે અચાનક દીકરીના સંસ્મરણો ઘેરી વળે છે ત્યારે તેને અહેસાસ થાય છે , પોતાની દીકરી વગર પોતાના જીવનમાં આવેલા ખાલીપા નો !

દીકરી સાસરીયે જાય .. બાપુ દ્યો ને વિદાય ..

દીકરી સાસરીયે જાય .. બાપુ દ્યો ને વિદાય ..

ભગુ વારંવાર કહે છે “આંસુ ની તો જાત જ ખારી , આપણા માટે એ નહિ બહુ સારી …” રડ્યા વગર, જે તે મુશ્કેલી નું સોલ્યુશન કાઢવાની શીખ ભગુ ના પાત્ર દ્વારા ખુબ સારી રીતે શીખવા મળે છે. ભોળું અને સરળ વ્યક્તિત્વ હોય, પ્રમાણિકતા અને સ્વજનો પ્રત્યે નો પ્રેમ સહજ રીતે સ્વભાવમાં વણાયેલો હોય એવું અત્યંત ઇનોસન્ટ પાત્ર જો સારા અભિનય દ્વારા સુંદર રીતે ભજવવામાં આવ્યું હોય તો આપડે એ પાત્રના પ્રેમમાં પડ્યા વિના રહી શકતા નથી. ફોર એકઝામ્પલ – રાજ કપૂર ઇન “શ્રી ૪૨૦” એન્ડ “અનાડી”. એક શ્રેષ્ઠ અભિનેતા બનવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે શ્રેષ્ઠ માનવી બનો ! જેના મનમાં કોઈ પૂર્વાગ્રહ કે દુરાગ્રહ ના હોય એ અભિનેતા હંમેશા પાત્રને સાચો ન્યાય આપી શકશે. હિતેન કુમારે આ ફિલ્મમાં ભોળા ભગુનું પાત્ર જીવંત બનાવ્યું છે. લેખક – દિગ્દર્શક અતુલ પટેલ વિષયને બરાબર સમજી અને સમજાવી શક્યા છે માટે ફિલ્મની વાર્તા એક પાટા પર જ ચાલે છે, બિન જરૂરી સબપ્લોટ ઉમેરવામાં આવ્યા નથી. ભગુ ના હવાલદાર મિત્રોનો રોલ કરતા બંને એક્ટર્સની કોમિક ટાઈમિંગ સારી. એમાંના એક અભિનેતા એ આજના જાણીતા ગુજરાતી ફિલ્મોના કોમેડિયન – જીતુ પંડ્યા. દીકરીના રોલમાં સોનું ચંદ્રપૌલ અને જમાઈ ના રોલમાં ચંદન રાઠોડ , વિલન રાકેશ પુજારા , માં ના રોલમાં જૈમીની ત્રિવેદી , ચંદન રાઠોડના મિત્રના રોલમાં રવિ પટેલ અને અન્ય કલાકારો નો અભિનય પણ સોનામાં સુગંધ ભળે તેવો ! શુક્રવારે જ નાઈટ શો માં જોયેલી આ ફિલ્મ નો રીવ્યુ લખવામાં મારે થોડું મોડું થયું , પણ તમે મોડું કર્યા વિના જોઈ જ લેજો – “હા , હું દીકરીનો બાપ”.