શર્મિલા ટાગોર

કોરા કાગઝ થા યે મન મેરા….

ફિલ્મ – આરાધના

વર્ષ – ૧૯૬૯

ગીત – કોરા કાગઝ થા યે મન મેરા….

ગાયક – કિશોર કુમાર , લતા મંગેશકર

ગીતકાર – આનંદ બક્ષી

સંગીત – એસ. ડી. બર્મન

મન ! આ મન પર કેટકેટલી બાબતો અસર કરતી હોય છે. ક્યાંક આપડાથી કોઈને કશું ખોટું કહેવાઈ જાય , અને પછી તરત અહેસાસ થાય કે કદાચ મારી આ વાત થી સામેAradhna1969 વાળાની લાગણી દુભાશે તો તરત આપડે કહીશું કે ભાઈ મારી વાત ને તું મન પર ના લેતો. કારણ કે આપણ ને ખબર છે કે  મન ખુબ સંવેદનશીલ હોય છે. બધી સંવેદનાઓ નું ઘર મન છે તો મનમાં આ સંવેદનાઓ આવી ક્યાં થી ? વેલ અફકોર્સ નેચરલ્લી જ આવી પણ શેના કારણે આવી ? કોના માટે આવી ? અને હું મુખ્ય સંવેદન વિજાતીય પ્રેમ પર આવું તો મારા માં એ સંવેદન ફિલ્મો ના લીધે જ આવ્યું , અને તમે પણ કદાચ કબૂલ કરશો કે પ્રેમલા પ્રેમલી ની ફિલ્મો જોઇને જ તમને જીવનમાં સૌ પ્રથમ વખત વિજાતીય પ્રેમ નો ઇન્ટરોડકશન મળ્યો હશે. મારું મન પણ હતું કોરા કાગળ સમાન પણ ફિલ્મો જોઈ ને એના પર પ્રેમનો રંગ વિખરાયો.

પ્રેમની વેકેન્સી તો ખુલી ગઈ , હવે એ વેકેન્સી પર કોઈને એપોઇન્ટ કરવાનો વારો આવ્યો. અરજીઓ પણ ખૂબ આવી. કોઈના સ્વીટ ચહેરા એ અરજી આપી તો કોઈ હસીના ની ઘટાદાર ઝુલ્ફો એ ! કોઈ એ પોતાની અરજીમાં માસુમિયત ની લાગવગ લગાવી તો કોઈ એ કાતિલ આંખો ના તીર નો ખતરો બતાવી ને મને નિશાનો બનાવ્યો. જોત જોતામાં કોરા કાગળ પર કેટકેટલું ચિતરાતું ગયું ! વેલ , પ્રેમમાં પડેલું હૃદય તો હંમેશા પવિત્ર જ હોય છે , ઇન ફેક્ટ એતો દુનિયા નું સૌથી પવિત્ર હૃદય છે – અને એવા પવિત્ર હૃદય પર કોઈ નું નામ લખાય ત્યારે જેનું નામ લખાયું હોય એ વ્યક્તિ એ ધન્યતા ની લાગણી અનુભવવી જોઈએ. પણ મેં કહ્યું તેમ , એ હૃદય પવિત્ર હોય છે , મન સાફ હોય છે , પણ કોરું નથી હોતું . ફિલ્મનું આ ગીત સાંભળવામાં મધુરું છે , શબ્દો સરસ અને હાઈલી રોમેન્ટિક છે , પણ સાઈકોલોજીકલ તથ્ય એના કરતા કૈક જુદું છે ( અને ગીતો માં તથ્યો શોધવાનાય ના હોય , એને તો ફક્ત એન્જોય કરવાના હોય ) મારા મત મુજબ મન ક્યારેય કોરું નથી હોતું , એના પર ઘણું બધું લખાય છે , ભૂંસાય છે , ચિતરાય છે , અને આ બધી પ્રક્રિયાઓ માંથી પસાર થયા પછી જ મન કોઈ નક્કર નિર્ણય પર આવે છે – કે હા , હવે એ વેકેન્સી પર તું પર્મેનેન્ટલી એપોઇન્ટ થઇ ! મારા જીવનના સુના આંગન માં પ્રેમ સ્વરૂપે વસી ગઈ …..

“કોરા કાગઝ થા યે મન મેરા

લીખ દિયા નામ ઇસ પે તેરા

સુના આંગન થા જીવન મેરા

બસ ગયા પ્યાર જિસ પે તેરા…..”

                 દીવા સ્વપ્નો તો ઘણાય હોય , પણ એમાંનું કોઈ સપનું જયારે હકીકત બનતું દેખાવા લાગે ત્યારે ખુબ ડર લાગે કે ક્યાંક આ સપનું તૂટી ના જાય ! સપનું જ્યાં સુધી સપનું જ રહે છે ત્યાં સુધી કોઈ ડર નથી , પણ જેવું એ બીજ , નમણા છોડ નું સ્વરૂપ ધારણ કરે છે તેવું તરત તેને કઈ થઇ તો નહિ જાય ને ? એવો ભાવ મનમાં ઉદભવે છે. પ્રિયજન ને સપનામાં પોતાની સાથે જોયા હોય , અને ખરેખર માં એ આપડા પ્રેમ નો સ્વીકાર કરે , પોતાના જીવનમાં સ્થાન આપે …. પોતાનો પ્રેમ આપે ….. પછી ? પછી પ્રેમ જ્યાં સુધી નવો નવો હોય ત્યાં સુધી ખુબ ડર લાગે કે એ છોડી ને તો નહિ જતી રહે ને ? એની સાથે આખી જિંદગી સાથે વિતાવવાનું મારું સપનું સાચું તો થશે ને ? નહિ થાય તો ? કોઈ અડચણ આવશે તો ? તારી કજરારી અને મતવાલી આંખો ના ઈશારા દિલને ટાઢક તો આપે છે , પણ સાથે સાથે મનમાં ડર પણ જન્માવે છે કે મનના દર્પણમાં જેનું રૂપ મેં વસાવ્યું છે , એ દર્પણ તૂટી તો નહિ જાય ને !?

“તૂટ ના જાયે સપને મેં ડરતા હૂં

નીસ દિન સપનો મેં દેખા કરતા હૂં

નૈના કજરારે …. મતવારે …. યે ઈશારે

ખાલી દર્પન થા યે મન મેરા ,

રચ ગયા રૂપ ઇસ મેં તેરા…..”

                       નવો નવો પ્રેમ થયો હોય એ વ્યક્તિ ને ચૈન સાથે કોઈ સંબંધ ન હોય , માત્ર બેચેની હોય , નીંદર કરતા વધારે સપનાઓ સાથે સંબંધ હોય , સુતી વખતે જેટલા સપના દેખાય એથી વધુ સપનાઓ જાગતા દેખાય. અને એ જાગતા દેખાતા સપનાઓ ને લીધે ક્યારેક એવું બને કે આખી રાત ઉંઘ ન આવે ! માત્ર સપના આવે – જાગતા સપના . અથવા તો પછી એ માણસ યાદો ને મમળાવ્યા કરે – મીઠી , મધુરી યાદો. અને આબધી વાતો થી મન ખુશ છે , સંતુસ્ટ છે , અને પરમ આનંદિત છે , આ યાદોમાં , આ શમણાઓ માં , આ ક્ષણો માં , પ્રેમની આ અનુભૂતિ માં માત્ર આનંદ જ નહિ , આનંદ ની ચરમ સીમા છે – મારા મનમાં આ આનંદ તારા થકી છે – મારું મન હવે તારું મિત છે , અને જે મન તારું મિત નહોતું એ તો જાણે કોઈ દુશ્મન હતું ….

“ચૈન ગવાયા મૈને નીંદિયા ગવાયી

સારી સારી રાત જાગું દૂ મેં દુહાઈ

કહું ક્યા મેં આગે … નેહા લાગે … જી ના લાગે ..

કોઈ દુશ્મન થા યે મન મેરા

બન ગયા મિત જા કે તેરા ..”

અને ક્યારેક વિચાર આવે કે આ બધું એનું એ જ તો હતું , એજ સુરજ , એ જ ચાંદ , એજ વૃક્ષો ,એજ બગીચો અને એ જ રસ્તાઓ …. પણ એ બધા થી મને કોઈ લગાવ નહોતો , જે તારા આવ્યા પછી થયો છે. તું એ ગલી ના વળાંક પર આવી ને મળી ગઈ પછી તો માત્ર એ વળાંક જ નહિ , ગલી જ નહિ , બલકે એ ગલીના દરેક વૃક્ષો , પક્ષીઓ અને રસ્તા પર ખરી ને પડેલા પાંદડાઓ સાથે પણ મને પ્રીત થઇ ગઈ. મારી અંદર શબ્દો નો સાગર પણ મારી જાણ બહાર પડેલો હતો , જે તારી સાથેની વાતો થકી છલકાવા લાગ્યો, તારી સાથેની મુલાકાતોમાં , રળિયામણી રાતોમાં તૂટેલા તારા જેવો આ મુસાફિર તારા પ્રેમ થકી રોશન થઈ ને ચાંદ બની ગયો , તારી કિસ્મતનો , તારા થકી , તારા માટે – આ ચાંદ ….

“બાગો મેં ફૂલો કે ખીલને સે પહેલે

તેરે મેરે નૈનો કે મિલને સે પહેલે

કહા થી યે બાતે… મુલાકાતે … ઐસી રાતે …

તૂટા તારા થા યે મન મેરા

બન ગયા ચાંદ હોકે તેરા …”