ફિલ્મ – કમીને : ધી સ્કાઉન્ડરલ્સ
વર્ષ – ૨૦૦૯
ગીત – કમીને
ગાયક – વિશાલ ભારદ્વાજ
ગીતકાર – ગુલઝાર
સંગીતકાર – વિશાલ ભારદ્વાજ
સંત કબીર કહે છે કે “બુરા જો દેખન મેં ચલા , બુરા ન મિલયા કોઈ ,જો મેં ખોજા આપ મેં તો મુજસે બુરા ન કોઈ ! ” દરેક માણસ જાણે જ છે કે તે પોતે અંદરથી કેટલો ખરાબ છે . પોતાની સાથે કશું ખરાબ થાય તો હંમેશા માણસ દોષનો ટોપલો બીજાના માથે નાખતો હોય છે , પણ તે ખરાબ થયું એમાં પોતાનો કેટલો વાંક છે એ તે જોતો નથી. માણસ ખરાબ બને છે પોતાના સ્વાર્થ માટે , પણ ખરાબ બનવાથી તે પોતાનું પણ ક્યારેક નુકસાન કરી બેસે છે. અને મારા જેવા માણસો જેમને ખરાબ બનતા ન આવડતું હોય અને શીખાઉ ધોરણે ખરાબ બનવા હાલી નીકળે , પછી બીજા નું તો ખરાબ કરતા કરે , પહેલા તો એ પોતાની જ વાટ લગાડે ! મારા બદઈરાદા હોય ત્યારે હું પાછો એમ તો સજાગ હોઉં કે આ હું ખોટું વિચારી રહ્યો છું અને એટલે આ માટે મારે ભગવાનની હેલ્પ ન લઇ શકાય કારણ કે ભગવાન તો હંમેશા ટ્રુથની સાઈડ હોય છે . પછી હું હિન્દી ફિલ્મો ના અમરીશ પૂરી ના પાત્રો માંથી પ્રેરણા લઉં , જેમાં અમરીશ પૂરી વિલન હોય , હંમેશા ખરાબ કામ જ કરતો હોય છતાં ભગવાનનો મોટો ભક્ત હોય , અને કોઈ મોટું ખરાબ કામ કરતા પહેલા તે ભગવાનની પૂજા કરી ને આશીર્વાદ માંગે ! ઉદાહરણ સ્વરૂપે “કરણ અર્જુન” માં અમરીશ પૂરી મહાકાલી માતા નો ભક્ત હોય છે , અને માત્ર અમરીશ પૂરી જ નહિ , બોલીવુડના બીજા પણ કેટલાક ખ્યાતનામ વિલનો પણ આવું કરતા આવ્યા છે માટે એમના પરથી પણ પ્રેરણા લઇ શકાય , જેમ કે “ક્રાંતિવીર” માં ડેની ને પણ બહુ મોટો ભક્ત બતાવ્યો છે. આ બધા ને જોઈ ને મને પણ થોડી હિંમત આવતી અને હું ભગવાનને પ્રાર્થના કરતો કે હે ભગવાન હું જાણું છું કે હું માંગવા જઈ રહ્યો છું એ ખોટું છે પણ તમે તો જાણો જ છો કે મારે માટે આમ કરવું , કે ફલાણું મેળવવું કેટલું જરૂરી છે માટે હે ભગવાન , પ્લીઝ, બ્લેસ મી ફોર ધેટ!
“ક્યા કરે ઝીંદગી ઇસકો હમ જો મિલે ,
ઇસકી જાન ખા ગયે , રાત દિન કે ગીલે ,
રાત દિન ગીલે , મેરી આરઝુ કમીની ,
મેરે ખ્વાબ ભી કમીને ,
ઇક દિલ સે દોસ્તી થી , વો હુઝુર ભી કમીને …”
આપણે કેટલા હેરાન થઈએ છીએ એ માટે ઝીંદગી પાસે થી આપણી અપેક્ષાઓ પણ બહુ મોટો ભાગ ભજવે છે. ક્લાસની સૌથી સુંદર છોકરી જ હંમેશા ગમે ! અરે બીજી પણ સુંદર છોકરીઓ છે ક્લાસ માં , પણ નહિ ! એ બધી છોકરીઓમાં કોઈ એના જેટલી સુંદર નથી , એના કરતા સૌન્દર્યમાં બીજી બધી ઊતરતી છે , અને થોડું પણ ઊતરતું આપડે શું કરવા ચલાવી લઈએ ! આઈ ડિઝર્વ ધી બેસ્ટ ! પણ એ બેસ્ટ તને ભાવેય નહિ આપે ! ભલે નાં આપતી ! અલા પણ તારીય જીભડી નહિ ખુલે એની આગળ . અરે ભલે ને ના ખુલતી , આપણે મનોમન તેને પ્રેમ કરી ને રાજી રહીશું . અરે પણ બીજી છોકરીઓ તો સામે થી લાઈનો આપે છે તો મનોમન શું કરવા ! ભલે લાઈનો આપ્યા કરતી , એ આપણી આગળ ના શોભે ! શોભે તો ફક્ત ઓલી ! મેરે તો ગીરીધર ગોપાલ , દૂસરા ન કોઈ !
કોલેજમાં એક મેડમ ખૂબ ગમતા , પછી ક્લાસ ની એક છોકરી એ કહ્યું કે એ મેડમ તો મેરીડ છે , મેં કહ્યું વાંધો નહિ , મેરીડ લોકો જોડે અનુભવ વધારે હોય , આપણને એમની જોડે થી ઘણું બધું શીખવા મળે ! પછી તે મને કહે કે એમને એમના પતિ જોડે બહુ બનતું નથી , ને મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે એમના તલાક થવાના છે , મેં કહ્યું ધેટ્સ ગ્રેટ ! હું તો ભગવાન ને પ્રાર્થના કરીશ કે જલ્દી થી એમના તલાક થઇ જાય , એટલે આપણો રસ્તો ક્લીયર ! એમના તલાક થઇ જાય પછી હું તેમની સાથે મેરેજ કરી લઈશ … 😉
“કભી ઝીંદગી સે માંગા , પિંજરે મેં ચાંદ લા દો,
કભી લાલટેલ દેકે , કહા આસમાં પે ટાંગો ,
જીને કે સબ કરીને , હૈ હમેશા સે કમીને
કમીને …કમીને …. કમીને … કમીને …
મેરી દાસ્તાં કમીની , મેરે રાસ્તે કમીને ,
ઇક દિલ સે દોસ્તી થી , વો હુઝુર ભી કમીને !”
સાલું મારી સાથે એવું હંમેશા થતું – નાનપણથી થતું કે હું કોઈ વ્યક્તિને એકદમ સારો સમજીને એની સાથે ગાઢ મિત્રતા કરું અને પછી થી એનો અસલ ચેહરો સામે આવે ત્યારે મને થાય કે અ ર ર ર … આને તો મેં શું સમજેલો અને શું નીકળ્યો ! હું ધૂળિયા નિશાળમાં ભણ્યો એમ કહું તો ચાલે ! મારી સ્કૂલમાં તોફાની છોકરાઓ અને થોડા લોવર ક્લાસના છોકરાઓ જ વધારે રહેતા . અને મારો સ્વભાવ શાંત , એટલે મને એવા છોકરાઓ સાથે ઓછુ બને ! મારો નાનપણનો સ્કૂલ સમયનો એક કિસ્સો મેં મારી વાઈફને કીધેલો , મેં તો એક વાર કહેતા કહી દીધો , પણ એને એમાં એવી તે રમૂજ દેખાણી કે એ વારંવાર એ કિસ્સો યાદ કરી ને હસે ! આમેય જ્યારે મારું પોપટ થાય , ત્યારે તેને બહુ મજા પડે. ( પોપટ થવું એટલે સુરસુરિયું થવું ) એ કિસ્સામાં એવું હતું કે એક દિવસ ક્લાસના મોનીટરે મારી વોટરબેગ માંથી પાણી માંગ્યું , મને એની સાથે ખાસ બને નહિ , ક્યારેક ઝગડા પણ થાય એટલે મેં તેને ના પાડી , પછી એને મને કહ્યું કે તું મને તારી વોટરબેગ માંથી પાણી પીવા દે એના બદલા માં કાલે હું તારું હોમવર્ક ચેક નહિ કરું , મેડમને ખોટું ખોટું કહી દઈશ કે તું હોમવર્ક લાવ્યો છે , હું લાલચમાં આવી ગયો ને ઘરે જઈ ને ખાલી પતંગો જ ચગાયા કર્યા , અને બીજા દિવસે એ ફરી ગયો ! અને મને મેડમે બેંચ પર ઊભો રાખ્યો – અંગુઠા પકડાવી ને ઉપર ફૂટપટ્ટી મૂકી , સાલું મને તો સમજાતું નહોતું કે મને સજા મળી રહી છે કે સરકસમાં વાંદરાની જગ્યા એ ભરતી થવાની ટ્રેનીંગ ! ખેર , આ તો નાનપણની વાત પણ બીજી રીતે જોવા જઈએ તો મારા માટે એ પ્રકારના અનુભવો ની શરૂઆત પણ ખરી કે માણસો ના બે ચહેરા હોય છે , છતાં હું લોકો પર અપાર લાગણી અને વિશ્વાસ મુકવાની ભૂલ હંમેશા કરતો આવ્યો છું , ભાઈ કરતા પણ જેને વિશેષ માન્યો હોય અને એ જ દોસ્તે પીઠમાં છુરો ભોન્ક્યો હોય એવું પણ બન્યું છે – અને છતાય એવા મિત્ર ને પણ મને કમને માફ કરવાની ભૂલ મેં કરી છે. “માસુમ સા કબૂતર , નાચા તો મોર નિકલા ” આનું તો નામેય મોર ના નામ પરથી હતું તોય એને કબૂતર સમજવાની ભૂલ મારા સિવાય બીજું કોઈ ન કરી શકે –
“જિસકા ભી ચહેરા છીલા , અંદર સે ઔર નિકલા ,
માસુમ સા કબૂતર , નાચા તો મોર નિકલા ,
કભી હમ કમીને નીકલે , કભી દૂસરે કમીને ,
કમીને ..કમીને …કમીને …કમીને …..
મેરી દોસ્તી કમીની , મેરે યાર ભી કમીને ,
ઇક દિલ સે દોસ્તી થી , યે હુઝુર ભી કમીને ..”