એક નવો જ વિષય . એક આધેડ વયનો વકીલ , ફિલ્મ નું મુખ્ય પાત્ર . અને એ પાત્ર ભજવનાર કલાકાર ભરત ઠક્કર નો પણ જાનદાર અભિનય. આટલી બાબતો ટ્રેલર માં જોઈ , જે મને ખુબ આકર્ષી ગઈ અને થીયેટર સુધી ફિલ્મ જોવા ખેંચી ગઈ. સીનેપોલીસ મલ્ટીપ્લેક્સ માં ફિલ્મ રીલીઝ થયેલી , ટીકીટ લીધી ( ટીકીટનો ભાવ ૧૬૦રૂ . ) અને ફિલ્મ જોઈ.
ટીકીટ લઈને પછી ત્રીજા માળે આવેલી થીયેટર સુધી પહોંચવા હું લીફ્ટમાં ગયો , લીફ્ટના બટનનો ટાઈટ ક્લોઝ અપ , લીફ્ટમાં ત્રીજા માળનું બટન દબાવ્યું .ત્રણ નંબરના બટનનો ટાઈટ ક્લોઝ અપ . ત્રીજો માળ આવ્યો એટલે લીફ્ટ ખુલી , હું બહાર નીકળ્યો , ફિલ્મ શરુ થવાને વાર હતી એટલે હું નાસ્તો કરવા ત્યાં આવેલા ખાણી પીણી બજારમાં ગયો . તમને થશે કે હું આટલી બધી વિગતો કેમ જણાવી રહ્યો છું . હું પણ જાણું છું કે તમને આ વિગતોમાં નહિ પણ ફિલ્મ કેવી છે – એના સારા નરસા પાસા જેવી બાબતો માં રસ છે. પણ એક્ચ્યુઅલ્લી , ફિલ્મ માં પણ આવું જ છે. બિન જરૂરી વિગતો , એકદમ ઢીલું એડીટીંગ , એકટર સ્ક્રીનમાંથી બહાર જતો રહે પછી પણ પાંચ સેકંડ સુધી ખાલી ફ્રેમ જોવાની . ડાયલોગ્સ વચ્ચે લાંબા લાંબા વિરામ . યુ વિલ ફિલ લાઈક યુ આર લિસનીંગ ટૂ અટલ બિહારી વાજપેયી . દરેક એકટર નો ટાઈટ ક્લોઝ અપ, એ પણ દરેક દ્રશ્યમાં . બે પાત્રો સામ સામે ઊભા છે તો એમના માત્ર ઇન્ડીવિડયુઅલ શોટ્સ .અને શોલ્ડર શોટ્સ નું તો અસ્તિત્વ જ નહિ . આ થઇ ફિલ્મની ટેકનીકલ ખામીઓ , જે ફિલ્મનું સૌથી ખરાબ પાસું છે , બીજું ખરાબ પાસું ફિલ્મના એક્ટર્સ , ભરત ઠક્કર, અને બીજા બે ત્રણ મુખ્ય પાત્રોને બાદ કરતા બાકીના બધા એક્ટર્સ ને એક્ટિંગ સાથે કઈ જ લાગતું વળગતું નથી . એક્સપ્રેશન્સ વગર બોલવામાં આવેલા ડાયલોગ્સ ની બાજી ડબિંગ વખતે મરણીયા પ્રયાસો કરો તો ય ના જ સુધરે. એટલું ઓછુ હોય ત્યાં કોર્ટનો જજ ટેબલ પર હાથ પછાડીને બોલે – ઓર્ડર ઓર્ડર ! ફિલ્મ નો બધો ભાર ભરત ઠક્કર પર હતો , આટલી બધી નબળી બાબતો વચ્ચે સબળો અભિનય કરી ને ફિલ્મને માત્ર આ એક અભિનેતાએ બચાવી છે.
વકીલનો પરિવાર ખુબ જ ગરીબીમાં જીવી રહ્યો છે , વકીલને સવારે દૈનિક ક્રિયાઓ ની સાથે ટેપ રેકોર્ડર માં અમાનત અલી ખાન નું ગીત “ઇન્શાજી કો અબ કુચ કરો …. “ સાંભળવાની ટેવ છે . જે સારું ગીત છે અને જયારે જયારે આ ગીત ફિલ્મમાં આવે છે ત્યારે એક સારો માહોલ ઊભો કરે છે. વકીલની પત્ની વકીલના જન્મદિવસ પર એને થેપલા બનાવીને ખવડાવવા પાડોશી જોડેથી તેલ માંગી લાવે છે – ઘરમાં તેલ પણ પતી ગયું છે , એટલી બધી ગરીબી છે . વકીલ પોતાનું સ્કુટર વેચીને એન્જીનીયરીંગ કરી રહેલા છોકરા માટે પુસ્તકો લાવે છે . આવી ગરીબીમાં તેને એક તાંત્રિક મળે છે , જે એને એની ગરીબી દુર કરી આપવાનું વચન આપે છે. તાંત્રિક એને મેલી વિદ્યા શીખવે છે અને એ હાંસલ કરી ને એકદમ દરિદ્ર વકીલ અમીર બની જાય છે . હવે પૈસો, સુખ સમૃદ્ધિ બધું જ છે , પણ …..!
ફિલ્મમાં વકીલ જયારે વિદ્યા મેળવવા સાધના કરે છે ત્યારે એ સાધના માટે નું જે ડીટેલિંગ છે એ ખુબ રસપ્રદ છે , એમાં કથાવસ્તુ માં જોવા મળતું નાવીન્ય છે, સાથે થ્રિલ પણ છે. ફિલ્મની કથા સારી છે , પણ વધુ સારી થઇ શકી હોત. ફિલ્મમાં ઘણા બધી જગ્યા એ સારું કામ થઇ શક્યું હોત , થોડી મહેનત , થોડી જહેમત ઊઠાવવામાં આવી હોત તો ફિલ્મ માસ્ટર પીસ બની શકી હોત , કારણ કે ફીલ્મ પાસે બે ખુબ સ્ટ્રોંગ પાવર હતા – ભરત ઠક્કર અને સારી સ્ક્રીપ્ટ. જોકે કથા ક્લિક થાય એવી ચોક્કસ છે પણ એને ડેવલપ કરવામાં , એમાં સ્પાર્કસ ઉમેરવામાં સર્જકો નિષ્ફળ રહ્યા છે , અથવા તો એમ કહી શકાય કે કથા પર મહેનત ખુબ ઓછી થઇ છે .
ડી . એન . એ . ટેસ્ટ કરાવવા ખરેખર એફ . આઈ . આર . નોંધાયેલી હોવી જોઈએ , વકીલ અને પોલીસના સંવાદોમાં એ તથ્ય વિગતવાર જાણવા મળે છે . અને ફિલ્મમાં એ ડી.એન.એ. ટેસ્ટ ને લગતા દ્રશ્યો થ્રીલીંગ અને રસપ્રદ બન્યા છે. હિન્દી ફિલ્મ્સ અને સીરીયલ્સ માં કોઈ પણ આંગલું ફાન્ગલું લેબોરેટરીમાં જઈ ને ડી.એન.એ. ટેસ્ટ કરાઈ આવતા બતાવવામાં આવે છે અને આપડે પાછા સ્વીકારી પણ લઈએ . કારણ કે આપડું જ્ઞાન મર્યાદિત હોય . પણ વાર્તાકાર ને એની વાર્તા માં આવતી ઘટના અંતર્ગત કાયદાકીય જ્ઞાન , મેડીકલ જ્ઞાન વગેરે હોવું ખુબ જરૂરી છે , જે અહી છે અને ડી.એન.એ. ટેસ્ટ સંદર્ભે બાખૂબી દર્શાવ્યુ છે . ખરેખર , કાબિલે તારીફ .
ફિલ્મમાં ભરપૂર ટેકનીકલ ખામીઓ હોવા છતાં ફિલ્મ સાવ નાખી દેવા જેવી ય નથી . આ ફિલ્મ માણવી હશે તો એ બાબતો ને થોડી ઇગ્નોર કરવી પડશે . એ કાંટાઓ ને
નજર અંદાઝ કરશો તો તમને મળશે ગુલાબના ફૂલ જેવી ભરત ઠક્કર ની એક્ટિંગ . એક ડાર્ક શેડમાં બનેલું સીરીયસ થ્રીલર . થ્રિલ માં જે મજા છે એ કોમેડી કે રોમેન્સમાં પણ નથી , પણ એ માણવાની સેન્સ હોવી જરૂરી છે . અમારે દુખી દુખી નથી જોવું કહીને ઊભા થઇ જવું હોય તો ક્યારેય ફિલ્મ જોવા જવું જ નહી , વાંદરાને નચાવતો મદારી જોઈ લેવો ! ફિલ્મ એ કળા ને પ્રદર્શિત કરવાનું માધ્યમ છે , અને કળા ની ગતા ગમ ના પડતી હોય એ લોકો એ સારી ફિલ્મોથી દૂર જ રહેવું જોઈએ . થીયેટરમાં આવીને કરુણ દ્રશ્ય ની ઠેકડી ઉડાવતા લોકો મને હૃદય વગરના શેતાની વાંદરા જેવા લાગે છે , જેમને ચાબુકે ચાબુકે ફટકારો તોય પાપ ના લાગે . રોષ થોડો વધારે વ્યક્ત થઇ ગયો કારણ કે સર્વાંગ રીતે ગંભીર અને કરુણરસ દર્શાવતી આ ફિલ્મ જોતી વખતે મને પણ આવા કેટલાક “શેતાની વાંદરાઓ ” એ ફિલ્મ દરમ્યાન કોમેન્ટ્સ પાસ કરી કરી ને ખુબ પરેશાન કરી મુક્યો . ફિલ્મ દરમ્યાન ફિલ્મની મજાક ઉડાવવી એ મૂંગા પ્રાણીને પરેશાન કરવા જેવું છે , ફિલ્મ તમારી કોમેન્ટ્સ નો વળતો પ્રહાર નથી કરી શકતી એટલે તમે ખુશ થાઓ છો . ફિલ્મ ચાલુ છે ત્યારે ફિલ્મને જે કહેવું છે એ કહી દેવા દો , થીયેટરમાં બેઠેલી બાકીની ઓડીયન્સ ફિલ્મ જોવા આવી છે , તમારી બુદ્ધિ(?) ના પ્રદર્શનો કરતી કોમેન્ટ્સ સાંભળવા નહિ .
ફિલ્મ મલ્ટીપ્લેક્સ માં જરૂર રીલીઝ કરો , પણ સિંગલ સ્ક્રીન પ્રત્યે સુગ રાખવા જેવી નથી . આ ફિલ્મ દરેક વર્ગ જોઈ શકે એવી બની જ છે અને સિંગલ સ્ક્રીનમાં આ ફિલ્મને વિશેષ આવકાર મળ્યો હોત .
ધી એડવોકેટ – બેશક ,ઘણી રીતે નબળું છે બટ- લેકિન – કિન્તુ – પરંતુ – બંધુ – ધેર ઈઝ સમથીંગ ઇન ધીસ ફિલ્મ, એ તમને સાવ ખાલી હાથે નહિ જવા દે , કશુક એવું આપશે કે જે ક્યારેક ક્યારેક મમળાવ્યા કરવું ગમશે .
ફિલ્મ નું ટ્રેલર –