ફિલ્મ – મુજસે દોસ્તી કરોગે
વર્ષ – ૨૦૦૨
ગીત – ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ
ગાયકો – અલીશા ચિનય, સોનુ નિગમ
સંગીત – રાહુલ શર્મા
ગીતકાર – આનંદ બક્ષી
કોલેજમાં દાખલ થતા પહેલા વાતો એવી સાંભળેલી કે કોલેજમાં છોકરાઓ છોકરીઓને ફેરવતા હોય. પણ કોલેજમાં દાખલ થયા પછી જોયું તો કંઈક અલગ જ નજરો હતો, છોકરીઓ છોકરાઓ ને ફેરવતી હતી,
છોકરાઓ લટ્ટુ થઇ ને છોકરીઓની પાછળ ફરતા હોય, અને છોકરીઓ એમની પાસેથી કામો કઢાવી લે. મારા ક્લાસની સુંદર છોકરીઓની ક્લાસના બધા છોકરાઓ ફિલ્ડીંગો ભરે, હું ઊભો ઊભો ઓબઝર્વ કરું કે કયું વાંદરું રોટલી લઇ જશે, ત્યાં જ કહાની માં ટ્વિસ્ટ આવે, બહારની જ કોઈ કોલેજનો છોકરો એ છોકરીને પટાવી જાય, પાછી એ છોકરી તે છોકરાને અમારી કોલેજમાં ઇન્વાઇટ કરે, અને બધા વાંદરાઓ જોડે ઇન્ટરોડ્યુઝ કરાવે. અને તોય પેલા લટ્ટુઓ એવા ને એવા, જાણે પોતાનો જમાઈ આવ્યો હોય તેમ તે છોકરાના સ્વગતો કરે. સાવ આવા નજારાઓ વચ્ચે મારી જવાની વેડફાઈ રહી હતી.
આ ફિલ્મ-ગીત તો હું સ્કુલમાં હતો ત્યારે આવેલું, પણ કોલેજમાં આવીને મને તેના શબ્દોની યથાર્થતા સમજાઈ.
ગીતનું મુખડુ, ફિલ્માંકન- કરીના
“આજ કે લડકે આઈ ટેલ યુ , કિતને લલ્લુ વ્હોટ ટુ ડુ,
કોઈ મુજે પૂછે હાવ આર યુ, કોઈ મુજે બોલે હાવ ડુ યુ ડુ,
કભી કોઈ મુજસે ના કહે, ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ,
ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ..,ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ..”
અને એટલું હું શીખી ગયો કે પ્રપોઝ સિવાય ઉધ્ધાર નથી. એટલે મેં નક્કી એ મુજબનું કર્યું કે પ્રેમમાં પછી પડીશું, પહેલા પ્રપોઝ મારવાની પ્રેક્ટીસ કરી લઉ. જેના લીધે મારામાં એક નવા શોખનો ઉદભવ થયો!! પ્રપોઝ મારવાનો શોખ! અને એ શોખ પૂરો કરવા મેં રોઝ ડે સિલેક્ટ કર્યો. વાંદરા મંડળી ના બધા સભ્યો પીળા રંગના ફુલ ખરીદતા, અને ક્લાસની બધી છોકરીઓ ને આપતા. મેં કીધું યાર રોઝ લેવું તો લાલ ! પીળું શુ કામ! (આમતો બધાને ખબર જ છે પણ જેને ના ખબર હોય તેના માટે કહી દઉં કે તમે કોઈને પીળું રોઝ આપો એનો અર્થ એ થાય કે તમે તેની સાથે મિત્રતા કરવા માંગો છો, અને લાલ રોઝ આપો તો એવું માનવામાં આવે કે તમે તે વ્યક્તિને પ્રેમ કરો છો)
એટલે લલ્લુઓ ની કોલેજમાં પીળા ફૂલ ચપો ચપ વેચાઈ રહ્યા હતા, અને લાલ ગુલાબ ઓછા ત્યાં જ મેં ફૂલવાળી જોડે કેટલાક લાલ ફૂલ માંગ્યા, એટલે તેણે પણ ઊંચું જોઇને મારો ચેહરો જોવાની તસ્દી લીધી, એના મોઢા પર મેં લખેલું વાંચ્યું – “આજે આ ભાયડો ભડાકા કરવાનો લાગે છે! ”
છોકરીઓને પણ કોઈ એવો અફસોસ ના રહી જવો જોઈએ કે “કભી કોઈ મુજસે ના કહે, ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ”
ગીતનું બીજું મુખડુ, ફિલ્માંકન – રિતિક
આજ કી લડકી આઈ ટેલ યુ, નખરેવાલી સુન લે તુ,
ના મેં પૂછું હાવ આર યુ, ના મેં બોલું હાવ ડુ યુ ડુ,
અભી યહીં મેં કહેતા હૂં , ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ
હેય ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ ….ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ ….
ગીત નો અંતરો
કરીના – “રોઝ મિલે ચુપકે ચુપકે, પ્યાર કરે છૂપકે છૂપકે…”
પણ હું તો ખુલ્લે આમ ગયો, હું એસ.વાય. માં હતો, એફ.વાયની એક છોકરી (જે મને ઓળખતી હતી, હાય હેલ્લો નો વ્યવહાર હતો ) એના ગ્રુપના છોકરા છોકરીઓ સાથે ઊભી હતી, અને મેં હાથમાં ગુલાબનું ફૂલ પકડીને તેની તરફ કદમ ઊપાડ્યા, એ છોકરી , અને તેના ગૃપના બીજા મિત્રો એ મારી તરફ નજર સ્થિર કરી, હું એ છોકરીની નજીક ગયો અને તેને લાલ ગુલાબ ધર્યું,અને હું બોલ્યો – “હેપ્પી રોઝ ડે ! ” એ બિચારી ઓલમોસ્ટ ગભરાઈ ગઈ અને બોલી – “પણ યુ…વ…રા….જ…આતો લાલ…!!!!”
હવે, ગીતનો બાકીનો અંતરો, પછી આગળની વાત..
રિતિક – મેં કબ કિસી સે ડરતા હૂં, મેં તો તુમ પે મરતા હૂં
કરીના – મેં કૈસે યે માનું, ચલ મેરા હાથ પકડ લે તુ,
રિતિક – લો હાથ પકડ કે મેં બોલું , ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ…
ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ… હેય ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ…
મેં જવાબ આપ્યો – “પણ ગાંડી હું તને પ્રેમ કરું છું ” આટલું બોલીને થોડી વાર માટે અટકી ગયો, અને બધાના ચેહરાના હાવ ભાવ નોંધી રહ્યો, એ લોકો મારા હાવભાવ-કારસ્તાન ની નોંધ લેવામાં વ્યસ્ત હતા, સ્તબ્ધ હતા, એ સન્નાટા માં ભંગ પાડીને મેં મારું વાક્ય પૂરું કર્યું “અરે પણ ગાંડી હું તને પ્રેમ કરું છું…..એવું ક્યાં મેં તને કીધું! ઇટ્સ જસ્ટ એ રોઝ ટુ વિશ યુ અ હેપ્પી રોઝ ડે! ” અને તેણે એક હળવા સ્મિત સાથે એ ગુલાબ લઇ લીધું. પછી એ દિવસે જે તેને મળતું તે પૂછતુ કે આ ગુલાબ તને કોણે આપ્યું, એ કહેતી “યુવરાજે ! ” પછી લોકોનો બીજો પેટા પ્રશ્ન પણ હોય – “તો શું એણે તને પ્રપોઝ કર્યું?”, એનો પણ સ્વભાવ મારા જેવો મજાકિયો, એટલે તે કહેતી – “એ તો બધી એને ખબર….મને તો ખાલી એણે ગુલાબ આપ્યું, ને મેં લઇ લીધું ! ” આ જ રીતે મારા ક્લાસની કેટલીક છોકરીઓને પણ લાલ ગુલાબ આપ્યું, અને તે બધીઓ એ પણ સ્વીકાર્યું. અને છેલ્લે મારા પ્રિય મેમ ને પણ લાલ ગુલાબ આપી આવ્યો, પણ એમના માટે હૃદય માં ખુબ આદરભાવ ! શી વોઝ માય આઇડીયલ! એમના તો લેકચર બીજા ક્લાસમાં પણ હોય તોય હું ભરવા જતો “મે આય એટેન્ડ ધીસ લેકચર મેમ ? ” એમ પૂછીને તેમના બીજા ક્લાસના લેક્ચર્સ માં પણ ઘૂસી જતો.
આ કોલેજકાળ દરમ્યાન પ્રપોઝ શોખ અંતર્ગત બીજું પણ એક કાર્ય હાથ ધર્યું. જેમાં હું પ્રપોઝ તો કરતો , પણ મિત્રો માટે. એટલે કે જે બિચારા પ્રેમ કરતા હોય પણ પ્રપોઝ કરવામાં ગભરાતા હોય તેમના વતી તેમના હૃદયમાં વસેલી જે તે છોકરીને હું પ્રપોઝ કરી આવતો, એટલે કે તેમના માટેનું જ પ્રપોઝ, પણ મારા દ્વારા. મારા એક મિત્રને એફ.વાય. ના નવા સ્ટોકમાં આવેલી નવી એક છોકરી ગમેલી. મેં કીધું કે તારું પ્રેમ નું પૂછી લઉં? તો એણે કીધું કે ના યાર, મારે તો ખાલી દોસ્તીનું જ પૂછવું છે, બાકીનું કામ તો હું સ્ટેપ બાય સ્ટેપ કરી લઈશ. એટલે એક દિવસ પેલી છોકરી બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતી ઊભેલી, , બસતો ના આવી પણ હું ત્યાં આવી ગયો મારા એ મિત્રને લઇ ને. ને પછી મેં કીધું કે હેલ્લો મેડમ,અમે તમારા સીનીયર છીએ, મારું નામ યુવરાજ ને આ મારો મિત્ર, જે તમારી સાથે મિત્રતા કરવા માંગે છે, તમને રસ છે? છોકરીએ કોઈ જવાબ તો ના આપ્યો એટલે બસ સ્ટેન્ડ પર ઊભેલા બીજા લોકો કોઈ જવાબ આપે તે પહેલા અમે ચાલતી પકડી. પણ એ ઘટનાના થોડા દિવસ પછી જ મેં તે છોકરીને મારા એ મિત્ર સાથે કોલેજના પાર્કિંગમાં વાતો કરતા જોઈ.
ગીતનો બીજો અંતરો
રિતિક – અચ્છા તો ચલ પ્યાર કરે, સાત સમુંદર પાર કરે
કરીના – તેરે સાથ ના આઉ મેં, રસ્તે મેં ડૂબના જાઉં મેં
રિતિક – પ્યારમેં જો ડૂબ ગયે , યાર વહી તો પાર હુએ
કરીના – ઐસા હૈ તો સુન સોણેયા, ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ..
ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ.. ઓહ માય ડાર્લિંગ આઈ લવ યુ..
બીજા એક કિસ્સામાં તો મેં પોતે પ્રપોઝ મારેલું, ફોન કરીને. એક્ચુઅલ્લી એમાં એવું થયું કે એ મિત્રને પ્રપોઝ મારવું હતું પણ શું બોલવું તે ખબર નથી પડતી, એવી તકલીફ લઇ ને તે મારી પાસે આવ્યો, એટલે મેં તેને ચિટ્ઠી લખી લીધી (મારી અંદરના લેખકને તેણે છંછેડ્યો) મેં કીધું કે આમાં લખેલું આજે રાતે યાદ કરી લેજે અને કાલે સવારે જઈ ને કહી દેજે. એક કલ્લાક પછી તેનો ફોન આવ્યો કે મારા થી નહી થાય, જીભ નહી ઊપડે, ગભરાઈ જઈશ. એટલે અમે રાતે જ ટેલીફોન બૂથ પર ગયા, અને પેલીના હોસ્ટેલ પર ફોન જોડ્યો, મેં યુવરાજ તરીકે નહી પણ મારા મિત્ર તરીકે, પેલાના અવાજમાં પેલી સાથે વાત કરી. પેલી ને ખ્યાલના આવ્યોકે બીજું કોઈ બોલે છે, એટલે મેં વાત આગળ ચલાવી. મેં કીધું યાર આજે તું શું ગજ્જબ લાગતી હતી, શું તારા વાળ હતા…શેમ્પુ કરીને આવેલી? એણે કીધું – “પણ હું તો આજે કોલેજ આવી જ નહોતી ” મેં જવાબ આપ્યો – “ઓહ, યસ યસ, અફકોર્સ, હું તો એક્ચુઅલ્લી ગઈકાલની વાત કરું છું” અને પછી આડીઅવળી કેટલીક વાતો કરીને મુખ્ય વાત કરી ત્યારે પેલી એ ના પાડી. વેલ , એમાં મારો કોઈ વાંક નથી, ના તો એણે પેલા ને પાડેલી, એટલે થોડું ઘણું પેલાની પર્સનાલીટી પર પણ આધાર રાખે છે. (જોકે એ મિત્રને પહેલેથી જ કોન્ફિડેન્સ હતો કે પેલી ના જ પાડશે )છેલ્લે તોય મેં તે છોકરીને મનાવી લીધી કે “ગાંડી આવું બધું તો ચાલ્યા રાખે, કશું મગજ પર ના લેતી, અને આપણી દોસ્તી યથાવત ચાલુ રાખજે”
તમેય હવે આ ગીત જોઈ નાખો, એટલે પતે વાર્તા..