પપ્પા

કભી ખુદ પે હંસા મેં ઔર કભી ખુદ પે રોયા

ફિલ્મ – રોક ઓન

વર્ષ – ૨૦૦૮

ગીત- મેરી લોન્ડ્રી કા ઇક બિલ

ગાયક – ફરહાન અખ્તર

ગીતકાર – જાવેદ અખ્તર

સંગીત- શંકર અહેસાન લોય

 

૨૦૦૮ નું એ વર્ષ હતું ત્યારે મારી આ જ જીવનશૈલી… અભિગમ .. હતો , જે આ ગીત માં છે. બેફિકરો, છતાં વ્યસ્ત. કામ એવા જે બીજા બધા માટે કદાચ નાખી દીધા જેવાrock-on-2008-200x275 લાગે પણ મારા માટે સૌથી અગત્યના. અને એ કામો પાછળ દિવસભરની વ્યસ્તતા. અને એ વ્યસ્તતા ના સંભારણા આજે પણ અકબંધ છે. મુવી જોવા જવું, કે મિત્રો સાથેની રોજ મોડી રાત સુધી રખડપટ્ટી . અને હા, મારી પેલી નવલકથા – “સળગતા શ્વાસો” પણ ખરી ને ! આ નવલકથા જ્યારે લખાઈ રહી હતી ત્યારે ઘણા બધા મિત્રો એને જેમ જેમ લખાતી તેમ તેમ વાંચતા. અરે એવી મહેફીલો પણ જામતી જેમાં મિત્રો ટોળે વળીને બેઠા હોય, ને હું નવલકથા વાંચતો હોઉં , અને એમના પ્રતિભાવ ઝીલતો હોઉં. ઓલી ફિલ્મો માં હોય છે ને – હીરો જોડે ગીટાર . એમ મારી પાસે મારી નવલકથા ! જે પૂરી ન થઇ ત્યાં સુધી અધુરી રહી, અને રોજ સવાર પડતા મને યાદ આવતી મારી એ અધૂરી નવલકથા. વાર્તા પ્રમાણે ઘણા પડકારો પણ આવતા ગયા, અને એ ઝીલવાની ખૂબ મઝા પડેલી. એક બે મુદ્દા એવા હતા જે ઊંડું રિસર્ચ માંગીલે એવા હતા. અને એ રિસર્ચ મેં દિલો જાનથી કરેલું. ૧ ) મેડીકલ ને લગતું રિસર્ચ, જેમાં પપ્પાને મેડીકલ એસોસિએશન તરફથી મળેલા ટીબી કોન્ફરન્સ ના આમંત્રણને પણ માન આપી આવેલો. (૨૦૦૬માં પપ્પાનું અવસાન થયું પછી પણ ઘણા વર્ષો સુધી એસોસિએશન ના કાગળો આવ્યા કરતા, આ લખી રહ્યો છું ત્યારે જ અહેસાસ થયો કે હમણાં થી એ કાગળો આવતા બંધ થઇ ગયા છે) જોકે ફોન કરીને સ્પેશીયલ પરવાનગી મેળવેલી, કે હું ડોક્ટર નહીં બલકે ડોક્ટર પુત્ર છું અને ડોક્ટરોની આ મહેફિલમાં જોડવા ઇચ્છું છું. પછી પુસ્તકો પણ ઘણા વાંચ્યા પણ મને જે માહિતી જોઈતી હતી એ મળતી જ નહોંતી એટલે છેલ્લે એક ડોક્ટર મિત્ર વહારે આવ્યા. જેમની સાથે રીતસરની મીટીંગ ગોઠવીને એમના જ્ઞાનનો લાભ લીધો. ૨) એ જ રીતે મુસ્લિમ કોમ્યુનીટી ની એક રીલીજીયસ વાત હું નવલકથામાં મારા જ્ઞાન અને વાંચન પ્રમાણે લઇ આવ્યો તો ખરો પણ એને મુસ્લિમોનું સમર્થન મળે એ મારા મતે ખૂબ જરૂરી હોવાથી મૌલવીઓને મળ્યો, પણ છેલ્લે તો એક જાણકાર  મુસ્લિમ મિત્ર જ કામ આવ્યો. જોકે એ ગાળામાં એક ગીટાર પણ લાવેલો, આ અસ્ત વ્યસ્ત યાદો… વસ્તુઓ … અને લોકો આંખ સામે તરવરી ઉઠે છે જયારે સાંભળું છું – અસ્ત વ્યસ્ત વસ્તુઓને વ્યવસ્થિત પરોવીને રજુ થયેલું આ ગીત…

 

“મેરી લોન્ડ્રી કા ઇક બિલ,

ઇક આધી પડી નોવેલ,

ઇક લડકી કા ફોન નંબર,

મેરે કામ કા એક પેપર..

મેરે તાશ સે હાર્ટ કા કિંગ,

મેરા ઇક ચાંદી કા રીંગ,

પિછલે સાત દિનો મેં મેંને ખોયા…

કભી ખુદ પે હસા મેં ઔર કભી ખુદ પે રોયા…”

 

એક છોકરીનો ફોન નંબર લીધા હોવાનો એક પ્રસંગ યાદ આવે છે, કોલેજમાં યુનીવર્સીટીની  પરીક્ષા સમયે એક છોકરી જોયેલી, બીજી કોલેજ ની હતી . અને સાલ્લી એ એક દિવસ સ્માઈલ આપી. તો મેં પણ જવાબ માં જોડે જઈને આખુ પેપર સોલ્વ કરી નાંખ્યું, એટલું જ નહીં , ભાયડાએ નંબર પણ માંગી લીધો અને એણે આપી પણ દીધો. બસ, એટલું જ ! આખુ વેકેશન વિચાર્યા કર્યું કે ફોન કરીશ, પણ હિંમત ન થઇ તે ન જ થઇ. પછી એક દિવસ એવો વિચાર પણ આવેલો (કસમ થી આવેલો) કે એ કદાચ આપણા વિષે એવું સારું ન પણ વિચારતી હોય . એટલે ભઈ માંડી જ વાળો ! જોકે એનો નંબર લખાયેલું ચોપડાનું છેલ્લું પાનું એક યાદ સમું તો હતું. પેલ્લીવાર હિંમત કરી ને કોઈ છોકરીનો નંબર માંગ્યાની યાદ. નંબર મેળવ્યાની યાદ. સમય જતા એ ચોપડો પણ ખોવાયો અને એના ચહેરા કે અવાજની યાદ પણ સાવ ભૂંસાઈ ગઈ.

ફિલ્મની ટીકીટો સંઘરી રાખવાની આદત આજ સુધી નથી ગઈ, એના માટે એક જુદો ડબ્બો ફાળવેલો. જેમાં ટીકીટ પાછળ ફિલ્મનું નામ પણ લખી રાખતો. જેમાં હાલમાં જ તૂટેલી ટોકીઝ રીલીફની પણ ઘણી ટીકીટો છે. મેં પહેલા પણ કદાચ કહ્યું છે કે હું વ્યક્તિ કરતા વસ્તુઓ સાથે બહુ જલ્દી લાગણીના તાંતડે બંધાઈ જઉં છું ,અને એ તાંતડો એટલો મજબૂત હોય છે કે ક્યારેક તો વેફરના ખાલી પેકેટ પણ ફેંકવાના જીવ ના ચાલે. મારા ટૂંકા પડેલા જેકેટ મને ક્યારેક ભર ઉનાળે પણ યાદ આવી જાય. પછી મમ્મી દ્વારા જાણ થાય કે એ જેકેટ વાસળવાળીને આપી દેવાયું છે ત્યારે ખરેખર ખૂબ દૂખ થાય, અને એ દુઃખ મહિનાઓ સુધી સતાવ્યા કરે.

 

“પ્રેઝન્ટ મિલી ઇક ઘડી,

પ્યારી થી મુજે બડી,

મેરી જાને કા પેકેટ,

મેરી ડેનીમ કી જેકેટ,

દો વન ડે મેચ કે પાસીસ..

મેરે નયે નયે સન ગ્લાસીસ,

પિછલે સાત દીનોમે મૈને ખોયા,

કભી ખુદ પે હંસા મેં ઔર, કભી ખુદ પે રોયા..”

 

વસ્તુ સંગ્રહની આ આદત નાનપણમાં એની ચરમસીમાએ હતી. નાનપણમાં મમ્મી મને સદરો પહેરાવતા. એ સદરાનું ખિસ્સું હંમેશા ફૂલેલું હોય. એમાં જગતભરનો કચરો ભર્યો હોય. માચીસના છાપ, ફિલ્મ સ્ટારના છાપામાંથી કાપેલા ફોટા, ક્યારેક થોડું ચિલ્લર ને ક્યારેક તો ખાઈ લીધેલી પેપ્સી કોલાની ખાલી થયેલ કોથળી. આવું બધું શર્ટ જેવા સદરાના ઉપરના ખિસ્સામાં ભરીને આખો દિવસ ફર્યા કરતો. એમાં એક વખત એવું થયું કે મારા કાકીમા એ મને એમના ઘરે નાચવા બોલાયો. મારા એક કાકાનું ઘર મારા ઘરને અડીને જ આવેલું છે. હું ત્યારે નાનો ને મારા કઝીન ભાઈ હરદેવભાઈ અને હેતલબેન કોલેજીયન. એ દિવસે થયેલું એવું કે ભારત પાકિસ્તાન સામે મેચ જીતી ગયેલું અને એની ખુશીમાં હરદેવભાઈ અને હેતલબેને ડ્રોઈંગ રૂમમાં આનંદની અભિવ્યક્તિ રૂપે નાચવાનું શરુ કર્યું, કાકીમાને હું યાદ આવ્યો અને મને પણ એમના ઘરે નાચવા બોલાવાયો, ભાઈ – બહેન જોડે મેં નાચવાનું શરુ તો કર્યું, પણ જેવો હું થોડું નાચું કે મારા ખિસ્સામાંથી એકાદ વસ્તુ નીચે પડે. એ વીણું ત્યાં બીજા ઠેકડે પાછી બીજી વસ્તુ. કાકીમા મારી આ પ્રક્રિયા જોઇને સ્માઈલ કરે, ને હું ય સામું – સ્માઈલ ! એ દિવસે હરદેવભાઈ અને હેતલબેને મને બરાબરનો ટકોરેલો – આ શું બધું ખિસ્સામાં લઈને ફર્યા કરે છે ? પછી મેં ઘરે મમ્મીને જઈને કહી દીધું – મેં તો પહેલા જ કીધેલું , મારે નાચવા નથી જવું !

છેલ્લા કેટલાય વર્ષોથી મારી સુખ દુઃખની સાથી રહેલી મારી બેગનો મેં ગઈ કાલે એક મસ્ત ફોટો પાડ્યો. (જે હાલ મારા મોબાઈલના વોલપેપર પર પણ છે) હવે એ ક્ષીણ થઇ રહી હોવાથી એને ઓછી વાપરવાનો નિર્ણય લીધો છે. બેશક, એ બેગ પણ મને ખૂબ જ પ્રિય છે.

મારી બેગનો ગઈકાલે જ પાડેલો ફોટો

મારી બેગનો ગઈકાલે જ પાડેલો ફોટો

વસ્તુઓ ની જેમ યાદોનું પણ એવું જ વળગણ ! થેંક ગોડ, યાદો ક્યારેય ખોવાતી નથી.

“કૈસે ભૂલું, સાતવાં જો દિન આયા.. 

કીસીને… તુમસે.. ઇક પાર્ટી મેં મિલવાયા,

કૈસા પલ થા, જિસ પલ મૈને તુમકો પહેલીબાર દેખા થા,

હમ જો મિલે પહેલીબાર , મૈને જાના ક્યા હૈ પ્યાર , 

મૈને હોશ ભી ખોયા, દિલ ભી ખોયા,

કભી ખુદ પે હંસા મેં ઔર કભી ખુદ પે રોયા.. 

મૈને પિછલે સાત દિનો મેં યે સબ હૈ ખોયા..” 

કિસ્મત કી હવા કભી નરમ …

ફિલ્મ – અલબેલા
વર્ષ – ૧૯૫૧
ગીત – કિસ્મત કી હવા કભી નરમ ….
ગાયક – સી . રામચંદ્ર
ગીતકાર – રાજીન્દ્ર ક્ર્રીશન
સંગીત – સી . રામચંદ્ર

ભગવાન દાદા એમના શરૂઆતના સમયમાં થોડા બી ગ્રેડ ટાઈપ્સ અર્થાત ટીપીકલ એક્શન ફિલ્મો બનાવતા , રાજ કપૂરે સલાહ આપી કે સામાજિક ફિલ્મ બનાવો અને71954088933279710549 ભગવાન દાદા એ “અલબેલા” બનાવી . અને ૧૯૫૧ ની બોક્સ ઓફીસ પર સૌથી વધુ ચાલનારી ફિલ્મો માની એક સાબિત થઇ . રાજ કપૂર નું “આવારા ” પણ એ વર્ષે જ આવેલું . “અલબેલા” એ માત્ર સુપરહિટ ફિલ્મ જ નહિ પણ નખશીખ શ્રેષ્ઠ ફિલ્મ છે . ટાઈમલેસ ક્લાસિક છે. જે મેં ૧૯ – ૨૦ વર્ષની ઉમ્મરે જોયેલું , અને મને એ જબ્બર ગમી ગયેલું. ત્યારે ડીવીડી નહિ પણ વીસીડી નો જમાનો , અને એ વીસીડી પણ મોંઘી આવે એટલે ભાડે લાવીને જોવાની . ત્યારે મેં ખાસ જૂની ફિલ્મો જોયેલી નહિ , માત્ર એટલી ખબર કે પપ્પાને જુના પિકચરો ગમે એટલે સીડીવાળા ની લારી પર આ ફિલ્મ ની વીસીડી મેં પડેલી જોઈ , અને ભાડે જોવા માટે લઇ લીધી . મને તો ખ્યાલ જ નહિ કે જે ફિલ્મ મેં માત્ર જૂની છે એટલું જોઈ ને લીધેલી , એ અસલ માં બેનમુન ફિલ્મ છે , પપ્પા તો જોઈ ને ચોંકી જ ગયા , કે તે એ જમાના ની ફિલ્મો જોયેલી નહિ ને આવું રેર ક્લાસિક તું કેવી રીતે ઉપાડી લાવ્યો ! ત્યારે હું ફૂલાયો ને કહ્યું – જોયું ? લઇ આવ્યો ને ? અસલ ક્લાસિક છે ને ? આ સીડી ક્યાય બજારમાં જોવાય નો મળે ! એ તો આપડે શોધી કાઢી !
પછી જોકે એવો સમય પણ આવ્યો કે જૂની રેર ફિલ્મો આખું અમદાવાદ ઘૂમી ને પાતાળમાંથી પણ શોધી કાઢવાનો મારો શોખ શિખર પર હતો ! પપ્પા ની સાથે સાથે મને પણ રાજ કપૂર વિશેષ પ્રિય . અને મારી પ્રિય અભિનેત્રી ગીતાબાલી . રાજ કપૂર ની નોન આર.કે. અર્થાત રાજ કપૂરે પોતાના બેનર સિવાયની ફિલ્મોમાં અભિનય કર્યો હોય એવી ફિલ્મો શોધવા હું નીકળી પડતો . કારણ કે આર.કે. બેનરની તો બધી ફિલ્મો જોયેલી , અને ઇઝીલી અવેલેબલ. પણ નોન આર.કે. ફિલ્મો શોધવી પડે , મારા એ શોખની શરૂઆતના પપ્પા સાક્ષી હતા , ત્યારે હું નોન આર.કે. બેનરની “અંબર” અને “ફિર સુબહ હોગી ” શોધી લાવેલો , જે અમે સાથે જોયેલી , ૨૦૦૬માં પપ્પા નું અવસાન થયું ત્યાર બાદ અનેક જૂની રેર ફિલ્મો લાવી લાવી ને જોઈ . ૪૦ ના દાયકાની ફિલ્મો પણ જોઈ , ગીતાબાલી ની કેટલીક દુર્લભ ફિલ્મો શોધી કાઢી . અને નોન આર.કે. ની તો જેટલી ફિલ્મો હતી એ બધી ફિલ્મો નું કલેક્શન મારી પાસે જમા થઇ ગયું . પણ એ બધી ફિલ્મો એકલા જ જોવી પડી . પપ્પાની કવિતાઓ પરથી કહી શકાય કે એમને રાત ની સરખામણી માં દિવસ વધુ ગમતો હશે. કારણ કે દિવસે પુરુષાર્થ થાય અને રાત્રે આરામ , અને પપ્પા નો તો સ્વભાવ જ પુરુષાર્થ પ્રિય ! પણ હું પાછો રાત નો રાજા , અહી ભગવાન દાદા સુખ અને દુખ ને દિવસ અને રાત ની સુંદર ઉપમા આપી ને કિસ્મત ની વાત કરે છે …

“કભી કાલી રતિયાં , કભી દિન સુહાને ,
કિસ્મત કી બાતે તો , કિસ્મત હી જાને ”

બેટાજી અને બાબુજી એટલે કે મેં અને પપ્પા એ આ ફિલ્મ સાથે બેસી ને જોયેલી , પછી ભાડે લાવેલી સીડી તો પાછી આપી આવ્યો પણ ફિલ્મને મેં કોમ્પ્યુટરમાં સેવ કરી લીધેલી , અને રોજ બે થી ત્રણ વાર હું આ ગીત જોઈ ન લઉં ત્યાં સુધી મને ચેન ન પડતું . મારો ભાણીયો કરણ ત્યારે બહુ નાનો હતો , અને રડવાનું શરુ કરે પછી શાંત જ ન થાય . પપ્પા જ એને શાંત રાખતા , એકદિવસ પપ્પા એ કરણને “અલબેલા ” બતાવી ને શાંત રાખેલો . પપ્પાના ખોળામાં આરામથી સેટ થઈને કરણભાઈ જોઈ રહ્યા , ભગવાન દાદા નો ડાન્સ …

“ઓ બેટા જી , અરે ઓ બાબુજી ,
કિસ્મત કી હવા કભી નરમ , કભી ગરમ
કભી નરમ નરમ , કભી ગરમ ગરમ
કભી નરમ ગરમ નરમ ગરમ ….. ઓ બેટા જી …. “

ફિલ્મમાં ભગવાન દાદા નો એક ડાયલોગ હતો – “તો ક્યા મેં કલાકાર નહિ બન સકતા ? , બન સકતા હૈ બેટા , બન સકતા હૈ ” પપ્પા આ ડાયલોગ મારી સાથે રમુજ કરવા ઘણી વખત બોલતા . એમાં થતું એવું કે હું ફિલ્મો પાછળ નાનપણ થી ખુબ પાગલ . એટલે ઘણીવાર પપ્પા આગળ બેસી ને હું શેખ ચલ્લી ની વાતો કરતો કે પપ્પા , આજે હું બેગ પેક કરી દઉં છું , કાલે મુંબઈ જવા માટે રવાના , પછી હું એકટર બની ને જ પાછો આવીશ ! હું આવી બધી લવારીઓ કરતો હોઊ ત્યારે પપ્પા ભગવાન દાદા નો ફિલ્મમાં આવતો આ ડાયલોગ બોલે “તો ક્યા મેં કલાકાર નહિ બન સકતા ? , બન સકતા હૈ બેટા , બન સકતા હૈ ” ફિલ્મમાં પણ ભગવાન દાદાને એકટર બનવાની ઘેલછા હોય છે , એટલે પપ્પા આ ડાયલોગ બોલી ને મને “અલબેલા” ના ભગવાન દાદાના પાત્ર સાથે સરખાવતા . અત્યારે પ્રોફેશનલ નાટકોમાં અભિનય કરતો થયો એ દરમ્યાન એક એકટર તરીકે જયારે વેઠવાનું આવે , કે નાનકડા રોલની સામે ડીરેક્ટર ના અંગત નાના મોટા કામો ય કરવાના આવે ત્યારે મને આ અંતરો ખાસ યાદ આવે , ઘણીવાર તો જે તે પરિસ્થિતિ માં આ અંતરો ગાઈ પણ નાખ્યો છે .

“બડી અકડ સે બેટા નીકલે ઘર સે એકટર હોને ,
વાહ રે કિસ્મત …. વાહ રે કિસ્મત , કિસ્મત મેં થે લીખ્ખે બરતન ધોને ,
અરે ભાઈ લીખ્ખે બરતન ધોને ,
ઓ બેટા જી , જીને કા મઝા કભી નરમ , કભી ગરમ ,
કભી નરમ નરમ , કભી ગરમ ગરમ
કભી નરમ ગરમ નરમ ગરમ ….. ઓ બેટા જી ….”

દાળ ભાતમાં પાપડ નાખી ને ખાવાની મારી આદત પણ પપ્પા ને આભારી . તમે પણ ટ્રાય કરી જોજો , જલસો ન પડી જાય તો મારું નામ બદલી નાખજો . એમાં કરવાનું એવું કે એક પાપડ લેવાનો અને પછી એ આખો પાપડ હાથે થી ભાંગી નાખવાનો , એ ભાંગેલા પાપડના નાના નાના ટુકડા દાળ ભાતમાં નાખી , બરાબર મિક્સ કરી ને પછી ખાવાનું . મને તો જોકે પપ્પાની અમુક આદતોની ખુબ ઊંડી અસર પડતી જયારે અમુકની બિલકુલ નહિ . મને અને મમ્મી ને વઘારેલી ખીચડી એકલી ચાલે પણ પપ્પાને ખીચડી સાથે કઢી ખાસ જોઈએ. જે દિવસે ડાઈનીંગ ટેબલ પર કઢી ન દેખાય ત્યારે પપ્પા અચૂક પૂછતા – આજે કઢી નથી બનાવી ? અને પછી મમ્મી ચિડાઈ ને જવાબ આપે – આ શું તમને દર વખતે કઢી કઢી કઢી !!! મમ્મી ચિડાયા હોય ત્યારે હું ખડખડાટ હસી ને કહેતો – કઢો જોઈએ છે પપ્પા ને કઢો !! પપ્પા સાથે મજાક મસ્તી આખો દિવસ ખૂબ ચાલતી . જયારે જયારે ખીચડી બનતી ત્યારે ત્યારે હું પપ્પા જોડે મસ્તી કરવા રસોડામાં કામ કરી રહેલા મમ્મી ને ઉદેશી ને બૂમ લગાવતો – એ આજે કઢો નથી બનાવ્યો કઢો!!!?

“દુનિયા કે ઇસ ચીડિયા ઘર મેં તરાહ તરાહ કા જલવા ,
મિલે કિસી કો સુખી રોટી, કિસી કો પૂરી હલવા ,
અરે ભાઈ , કિસી કો પૂરી હલવા ,
ઓ બેટા જી , ખીચડી કા મઝા કભી નરમ , કભી ગરમ ,
કભી નરમ નરમ , કભી ગરમ ગરમ
કભી નરમ ગરમ નરમ ગરમ ….. ઓ બેટા જી ….”

ભગવાન દાદા એમના છેલ્લા દિવસોમાં ખુબ દયનીય હાલતમાં હતા , એક સામાન્ય ઝુપડપટ્ટી માં અતિશય ગરીબી માં રહેતા હતા , ફિલ્મો માં સાવ નાના નાના રોલ પણ સ્વીકારી લેતા . અને મોટે ભાગે તો ફિલ્મો માં તેમનું સિગ્નેચર સ્ટેપ કરવા માટે જ બોલાવવામાં આવતા . જે તેમણે “ભોલી સુરત દિલ કે ખોટે… ” ગીતમાં કર્યું છે . મુન્નાભાઈ એમ.બી.બી.એસ. ફિલ્મના ટાઈટલ સોંગમાં સંજય દત્તને “ભોલી સુરત દિલ કે ખોટે… ” ગીતની ટયુન પર એ સ્ટેપ કરતો બતાવવામાં આવ્યો છે. અમિતાભ પણ ડાન્સમાં ભગવાન દાદા ની નકલ કરતો . અમિતાભની ટીપીકલ ડાન્સિંગ સ્ટાઈલ ટોટલી ભગવાન દાદા થી જ ઇન્સ્પાયર્ડ છે. ગોવિંદાની પહેલી ફિલ્મ “હત્યા ” ના એક ગીતમાં ભગવાન દાદા થોડીક સેકંડ માટે ડાંસ કરવા માટે આવે છે , એ દ્રશ્ય જોઈ ને કમકમી જવાય કે માત્ર બે પાંચ સેકંડ માટે આ મહાન કલાકાર સ્ક્રીન પર આવે છે અને ત્યારે એમનો કોઈ ક્લોઝ અપ નહિ કે કોઈ ખાસ એન્ટ્રી નહિ, કશું જ નહિ ! દવા ખરીદવાના પણ પૈસા નહોતા , એવી દરિદ્રતામાં એમનું અવસાન થયું .

“દર્દ દિયા તો થોડા થોડા , ખુશી ભી થોડી થોડી ,
વાહ રે માલિક ….. , વાહ રે માલિક દુખ ઔર સુખ કી ખૂબ બનાઈ જોડી ,
અરે વાહ ખૂબ બનાઈ જોડી ,
ઓ બેટા જી , જીવન કા નશા કભી નરમ , કભી ગરમ …
કભી નરમ નરમ , કભી ગરમ ગરમ
કભી નરમ ગરમ નરમ ગરમ ….. ઓ બેટા જી ….”

ગીતાબાલી સ્ક્રીન પર આવે એટલે બસ એ જ છવાઈ જાય , અને એટલા માટે જ ટોચના હીરો એની સાથે ફિલ્મ કરવા તૈયાર જ ન થતા , પરિણામે ગીતાબાલી એ પ્રદીપ કુમાર અને ભારત ભૂષણ જેવા એક્ટર્સ સાથે ફિલ્મ કરવી પડતી . ગીતાબાલી એટલે ગીતાબાલી , લાખો આવી છે ને લાખો ગઈ છે , લાખો આવશે ને લાખો જશે તોય ગીતાબાલી જ એ બધામાં શ્રેષ્ઠ છે ને રહેશે. ગીતાબાલી ની આખી ફિલ્મ ન જુઓ અને તેનો માત્ર બે મિનીટ નો કોઈ સીન જોઈ લ્યો તો પણ તમે તેનાથી મોહિત થયા વિના ન રહી શકો , આ ગીત માં પણ છેલ્લે ભગવાન દાદા અને ગીતાબાલી જે નાનકડું હાથ નું સ્ટેપ કરે છે એ જોવાનો એક અલગ લહાવો છે .

જિસ દેશ મેં ગંગા રહેતા હૈ

ફિલ્મ – જિસ દેશ મેં ગંગા રહેતા હૈ
વર્ષ – ૨૦૦૦
ગીત – જિસ દેશ મેં ગંગા રહેતા હૈ
ગાયક – અભિજિત ભટ્ટાચાર્ય
ગીતકાર – દેવ કોહલી , પ્રવીણ ભારદ્વાજ
સંગીત – આનંદ રાજ આનંદ

દુનિયાભરમાં રખડીને જયારે ઘરે પાછા આવીએ ત્યારે તરત બોલાઈ જાય – “પૃથ્વીનો છેડો ઘર “ ! મારી સાથે તો એવું બન્યું છે કે હું લાંબા સમય સુધી jisdesh3બહારગામ રહી ને આવું પછી મારા વિસ્તારમાં પ્રવેશું કે તરત મને એકે એક દુકાન જોઈ ને ભાવ ઊભરાય. રસ્તાઓ , રીક્ષાઓ , શાકની લારીઓ , રસ્તા પર ફરતી ગાય , કુતરા – બધા ને જોઇને ભાવુક થઇ જઉં . એટલું ય ઓછુ હોય ત્યાં મને તો આકાશના વાદળો , પવનની લહેરો અને આથમતા સુરજની આછી આછી કિરણો જોઇને પણ મન ભાવુક થઇ જાય કે આહાહા … મારા વિસ્તારના વાદળો , મારા એરિયાનો સુરજ ! મારા રે મલકનો આ પવન !
મારા પરિવારમાં બધા એકબીજાને પ્રેમતો ખુબ કરે , પણ પ્રેમના પ્રદર્શનોમાં મારા ઘરના બધા થોડા પાછા પડે . અને એવા ઘરમાં હું ફિલ્મી ટાઈપનો પાકેલો , એટલે આપણે બધા જોડે બહુ બબાલો કરી ! મમ્મી ને પણ કહી દઉં – ના ગમતો હોઉં તો જતો રહીશ આ ઘર છોડી ને ! આવા તો બીજા કેટલાય ડાયલોગો પપ્પાને ,બહેનોને, પત્નીને સંભળાવ્યા હશે , પણ આવા પ્રકારના ડાયલોગ્સની આપ – લે મારે મમ્મી જોડે વિશેષ થાય . મમ્મી ક્યારેક ગુસ્સામાં મેલોડ્રામેટીક ડાયલોગો ફટકારે , એટલે મારે તો એટલું જ જોઈતું હોય , પછી હું પણ શરુ કરું . થોડીવાર જુગલબંધી ચાલે ! પછી હું કહું કે એ બધી વાત મુકો અને ચા પીવી છે કે નહિ એમ કહો , અને મમ્મી સહેજ રિસાયેલા ટોન માં “હા “ પાડે , પછી હું રસોડામાં ચા બનાવવા જઉં . એમને મારા હાથની ચા વિશેષ પ્રિય . પ્રેમના પ્રદર્શનનો પણ એક મેલોડ્રામેટીક અને ખુબ ઈમોશનલ પ્રસંગ મને યાદ આવે છે , હું કોલેજના પહેલા વર્ષમાં હતો – અને નડિયાદના હરી ઓમ આશ્રમના મૌન મંદિરમાં એક અઠવાડિયું રહી ને આવેલો , અને મને ત્યાં ફાવતું હશે કે કેમ ટાઈપસ ની ચિંતાઓ કરી કરી ને પરેશાન થયેલા મમ્મી એ હું આવ્યો કે તરત મને જોઈ એમની આંખમાં પાણી આવ્યું , થોડો મારા ગળે પણ ડૂમો આવ્યો અને મમ્મી એ મારૂ માથું ચૂમ્યું .
સિમ્પલ વર્ડ્સ માં કહીએ તો મારી દુનિયામાં ,મારા ઘરમાં , મારી શેરીમાં , બધું સિમ્પલ જ છે. એવું સિમ્પલ જેના પર કરોડો સ્પેશીયલ કુરબાન ! આખી દુનિયા નથી જોઈતી , આખી દુનિયા નહિ પણ મને વ્હાલી ફક્ત મારી આ નાનકડી દુનિયા. જગતભર ના સુંદર પક્ષીઓ જોઈ લઉં , એમને કેમેરામાં કેદ પણ કરી લઉં તોય મારા ફળિયામાં ચણતી ચકલી મને જે આનંદ આપે છે , એ આનંદની તોલે કશું ના આવે ! મારા ફળિયામાં જ મેં સૌપ્રથમ વખત ચકલી જોયેલી , ચકો જોયેલો , કાબર જોયેલી – પપ્પા એ કીધેલું કે જો તારા કરતા તો કાબર ડાહ્યી , કેવું મસ્ત માથું ઓળી ને આવી છે ! એ માથું ઓળેલી કાબર જયારે અદાથી મારા ફળિયામાં ચાલે છે ત્યારે મારા હોઠ પર અચૂક સ્મિત આવી જાય છે.

“ભાભી કંગન ખનકાતી હૈ , ઔર માં લોરિયા ગાતી હૈ ,
મધ્ધમ મધ્ધમ સી પવન ચલે, કોયલિયા ગીત સુનાતી હૈ ,
બચ્ચા વહાં આજ ભી ચાંદ કો ચંદામામા કહેતા હૈ ,
જિસ દેશમે ગંગા રહેતા હૈ … “

મારા ઘરની નજીક જ મારી સ્કુલ , અને મારી સ્કુલની નજીક આવેલું એક બસ સ્ટેન્ડ! અને એ બસ સ્ટેન્ડ પર ઊભેલી એક છોકરી ! હું અગિયારમાં ધોરણમાં હતો ત્યારે એ બસ સ્ટેન્ડ પર એક સુંદર સ્કુલ ગર્લ આવી ને ઊભી રહેતી , જેને મેં જોયેલી જયારે હું રીસેસમાં ભૂંગળા નું એક રૂપિયા વાળું પેકેટ ખરીદવા એ બસ સ્ટેન્ડ પાસે આવેલી દુકાન પર ગયેલો . પછી તો રોજ નો સિલસિલો બની ગયો , હું રોજ રીસેસમાં એને જોવા જતો , એના લીધે પેલા દુકાનવાળાને પણ ભૂંગળા માટેની રોજ એક રૂપિયાની ગરકી બંધાઈ ગઈ ! આજે પણ ક્યારેક એ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા એ દિવસો નું સ્મરણ થાય એ દિવસો નું ! એ સ્કુલના દિવસો , જયારે હું વહેલી સવારે ઊઠીને સાઈકલ પર સવાર થઈને સ્કુલે જતો , સાઈકલ ચલાવતા જે થોડો પરસેવો થયો હોય એના પર વહેલી સવારના ઠંડા પવનની લહેર ! આહ ! ગજ્જબ આનંદ ! અને સાઈકલ પરથી ઊતરી ને શર્ટ ને પેન્ટમાં બરાબર ઇન કરી ને જ ક્લાસમાં ઇન થવાનું ! અને ટાઈ તો હંમેશા થોડી લૂઝ જેથી પહેલું બટન ખુલ્લું રાખી શકાય ! બસ સ્ટેન્ડ પર ઊભી રહેતી એ દીવાની , એ વહેલી સવારની ઠંડી લહેરોમાં ચલાવેલી સાઈકલ , હા , મારી તરુણાવસ્થા માં કરેલા આ અનુભવો ! , મારા દેશમાં રહેતા બીજા લોકો પણ મારા આ અનુભવો સાથે પોતાના અનુભવો રીલેટ કરી શકશે , કારણ કે એક પ્રદેશ માં રહેતા દરેક લોકો ની વાત મોટેભાગે એક જ હોય છે , “ આ ત્યાની વાત છે જે દેશમાં હું રહું છું…” એમ કહું એમાં જ બધાનો ઉલ્લેખ આવી ગયો કારણ કે મારા આ શબ્દો સાંભળતા જ અનેક દેશવાસીઓ બોલી ઊઠશે – “હું પણ ત્યાં જ રહું છું , જ્યાં આ રહે છે , મારી પણ એ જ વાત છે , જે એની છે “ ખરેખર, સાર્થક છે આ ગીત ના શબ્દો – જિસ દેશ મેં ગંગા રહેતા હૈ …..

“ગાવ કા પનઘટ , પનઘટ કા પાની , ભરે ગગરીયા કોઈ દીવાની ,
ઠંડી ઠંડી પુરવાઈ મેં મીઠી મીઠી ખુશ્બુ ,
મત પૂછો ઉસ ખુશ્બુમે હોતા હૈ કૈસા જાદુ ,
જાદુ ઐસા હોતા હૈ કે હર કોઈ ઝૂમતા રહેતા હૈ ,
જિસ દેશમે ગંગા રહેતા હૈ “

ગીતનો હવે પછી નો જે અંતરો છે એ મને વિશેષ પ્રિય છે, એના ફિલ્માંકન ના લીધે ! ગામ છોડીને આવેલા અભણ ગંગા નું શહેરમાં અપમાન થાય છે , એ પાર્ટીમાં ઉપસ્થિત જનમેદની વચ્ચે હાસ્યાસ્પદ અને ગમાર સાબિત થાય છે ત્યારે બેપરવાહ બની ને પાર્ટીમાં ઢોલક વગાડીને આ શબ્દો ગાય છે ! આ દ્રશ્ય નું ફિલ્માંકન એવું ગજ્જબ છે કે આ દ્રશ્ય હું જયારે પણ જોઉં છું ત્યારે ગળે ડૂમો અચૂક આવી જાય છે , ખુબ ઈમોશનલ થઇ જાઉં છું. પોતાનો પ્રદેશ છોડ્યા નું દર્દ જે ગંગા અનુભવે છે એ ખુબ સહેલાઇ થી સમજી શકાય એવું છે . કારણ કે એક સાચો , ભોળો અને સીધો માણસ પૈસા ની લાલચે પણ પોતાના દેશથી વધુ દૂર ન રહી શકે , કારણ કે એને મન એની સાચી સંપત્તિ એનો પ્રદેશ જ છે . વ્યક્તિઓ ની સાથે જે તે જગ્યા જોડે પણ માણસ લાગણીના તંતુ થી જોડાઈ જતો હોય છે , પછી એ બીજી જગ્યા એ જાય તો પણ એ શોધતો રહેશે એ જ બધું જે એને પોતાના પ્રદેશમાં મળતું હતું – એવા લાગણીશીલ લોકો , એવું ઘર , એવા પક્ષીઓ .. અને જયારે એ કશું એને નહિ મળે ત્યારે એ બધું એ નવી જગ્યામાં ઊભું કરશે . જસ્ટ લાઈક કોઈ ભારતીય વિદેશમાં રહેવા જાય , અને ત્યા રેસ્ટોરાં ખોલી, ત્યાંના લોકોને પોતાની રેસ્ટોરાંમાં દેશી ભોજન જમાડે , ગરબે રમાડે, થોડુક ત્યાનું અપનાવે અને થોડુક પોતાનું ફ્લેવર ત્યાં ના કલ્ચરમાં એડ કરે ! અને પછી જે ફ્લેવર બને એ પણ બહુ ચાખવા લાયક હોય હો !

“દિલમે બસા કર , ગાવ કી મમતા ,
શહેરમેં આયા મેં જોગી રમતા ,
સુખ દુખ સારે માન કર , ઔર ઉનકો અપના કર ,
તરહ તરહ કે નાતો સે ઘર બન જાતા હૈ સુંદર ,
પલ પલ સચ્ચે રિશ્તો કા વહાં પ્યાર બરસતા રહેતા હૈ ,
જિસ દેશમે ગંગા રહેતા હૈ “

મેરી ભીગી ભીગી સી …

ફિલ્મ – અનામિકા
વર્ષ – ૧૯૭૩
ગીત – મેરી ભીગી ભીગી સી …
ગાયક – કિશોર કુમાર
સંગીત – આર.ડી.બર્મન
ગીતકાર – મજરૂહ સુલતાનપુરી

મેજિક ! જાદુ ! એ કિશોર કુમારના અવાજમાં છે, અને એ જાદુ પણ કેવો ! “મેરી ભીગી ભીગીસી પલકો પે રહે ગયે ….” ગીત પહેલી વખત સાંભળ્યું ત્યારે હું ૧૧મા-૧૨મા માં હતો, અને ત્યારે કોઈ અનામિકાએ મારું દિલ નોતું તોડ્યું. મારું દિલ ત્યારે ટેબલની નીચે થયેલા જાળા ની જેમ કોઈ ના ધ્યાનમાં જ નોતું આવતું, એટલે જાળું જે રીતે ધ્યાનમાં ના આવવાને કારણે તૂટવાથી બચી જતું હોય તે જ રીતે મારું દિલ પણ કોઈના ધ્યાનમાં જ નોતું આવતું એટલે એ પણ બચી જતું (તમે દ્રાક્ષ ખાટી છે વાળી કહેવત સાંભળી હોય તો “બચી જતું” ને બદલે “રહી જતું ” વાંચવું )
તોય એ ગીત સાંભળું એટલે જાણ ખરેખર મેં કોઈને ખુબ પ્રેમ કરેલો હોય અને તેને મારું દિલ તોડ્યું હોય અને હું એ દિલ તૂટ્યાનું દર્દ અનુભવતો હોઉં એવું ફિલ કરું ! મને એવું ફિલ થાય કે જાને મારી પાંપણ ભીની છે, ટૂંક માં કહું તો મને એવું જ લાગે કે આ ગીત હું જ ગાઈ રહ્યો છું.
શું એ ગીતનો રાગ … શું એનું સંગીત …. શું એના ચોટદાર શબ્દો …. ને શું એ ગીતને ગાઈ રહેલો અવાજ !
“મેરી ભીગી ભીગી સી પલકો પે રહે ગયે જૈસે મેરે સપને બિખર કે …
જલે મન તેરા ભી કિસી કે મિલન કો અનામિકા તું ભી તરસે ”
આ ગીતનો રાગ ખુબ જ મીઠડો છે ! તમે કહેશો કે યાર શું પત્તર ખાંડો છો , આ તો દર્દ ભર્યું ગીત છે ને તમને મીઠું લાગે છે ! પણ હું સાચું કહું છું , દર્દભર્યું ગીત ભલે રહ્યું તોય તેના રાગમાં , તેના સંગીતમાં એક અનેરી મીઠાસ છે જેનાથી ગીત સાંભળતી વખતે કાનોને ખુબ જ સારું લાગે ! જાને કાનોમાં મધ રેડાતું હોય તેવું લાગે ! (કાનૂની ચેતવણી – અહી કાનમાં મધ રેડવાનો અર્થ ગીત સાંભળવાથી તે ગીત મનને મીઠું લાગે છે એવો છે માટે કાનમાં મધ રેડવાના પ્રયોગો ઘરે કરવા નહિ. બહાર જઈ ને કરવા હોય તો કરજો પણ મારું નામ ક્યાય આવવું ના જોઈએ) આટલુ સુરીલું ગીત હોવા છતાં તે ગાવામાં એકદમ સરળ છે , મારા જેવો કોઈ બેસુરો પણ આ ગીતને ગાતો હોય તોય આ ગીત સાંભળવામાં સુરીલું જ લાગે. મને ક્યારેક ક્યારેક એવા ભ્રમ થઇ જતા કે હું કોઈ મહાન ગાયક છું, મારા એ બધા ભ્રમ આવા સુરીલા ગીતોને આભારી છે. આ ગીત ગાઈ ગાઈ ને પણ હું મારી જાતને કોઈ મહાન ગાયક સમજવા લાગેલો. એ અરસામાં હું મજાકમાં એક વાત પપ્પાને વારંવાર કહેતો કે પપ્પા મારે એક આલ્બમ બહાર પાડવું છે! એટલે પપ્પા કહેતા કે એના માટે પૈસા ક્યાંથી આવશે ? હું કહેતો કે પૈસા માટે તમે આ ઘર તમે ગીરવે મૂકી દો!
કોલેજ માં આવ્યો ત્યારે “ઇન્ડિયન આઈડલ” ની પહેલી સીઝન આવેલી,જેમાં અભિજિત સાવંત જીતેલો.અભિજિત સાવંત મારી કોલેજ માં ફાઈનલ પહેલા પરફોર્મ કરવા આવેલો, અને એને મેં ખુબ તાળીઓ થી વધાવેલો. આઈ.એમ.પી. એટલે કે હું , મમ્મી અને પપ્પા એ શો જોતા. સ્પર્ધક ની સાથે સાથે હું ય પાછો ગાતો હોઉં એટલે મમ્મી બોલે – “આ ગીતો કેવા તને આખા ને આખા યાદ રહી જાય છે ! ખાલી ભણવાનું જ યાદ નથી રહેતું !”ત્યારે તેના ઓડીશન ફોન થી પણ અપાતા. એક મીનીટના છ રૂપિયા ! હું પોકેટ મની માંથી પપ્પા એ અપાવેલો નવો ફોન રીચાર્જ કરાવતો. એમાંથી મેં ફોન કર્યો , ઓડીશન આપવા, લગભગ મને યાદ છે ત્યાં સુધી મેં કલ હો ના હો નું ટાઈટલ સોંગ ગાયેલું. અને કઈક સાહીઠ સિત્તેર રૂપિયા કપાઈ ગયેલા. અને એ વખતે પાંચસોના રિચાર્જમાં કઈક સવાસો કે એવું બેલેન્સ મળતું ! પછી ફોનમાંથી અવાજ આવેલો કે તમારું ઓડીશન લેવાઈ ગયું છે, જો અમારા જજીસને તમારો અવાજ પસંદ આવશે તો તમને અમે બોલાવીશું.
અંતરો ૧
પ્રેમ ક્યાં જોઈ વિચારી ને થાય છે, હ્રદયને કોઈ સારું લાગે છે તો ત્યારે હ્રદય એ જાણવાની તસ્દી નથી લેતું કે સામે વાળું વ્યક્તિ કેવું છે ! એ તો બસ પ્રેમ કરી બેસે છે ! વિશ્વાસ કરી બેસે છે , પછી એ પ્રેમિકા પર હોય કે મિત્ર પર હોય કે કોઈ સગા સંબંધી પર હોય, અને જયારે એ વિશ્વાસ તૂટે ત્યારે કોઈ ના પણ હૃદયમાં થી સહજતાથી સૌ પહેલી એક જ ફરિયાદ નીકળે કે મેં તને સર્વસ્વ માન્યું અને તે મારી સાથે આવું કર્યું ? મારી સાથે ?
“તુજે બિન જાને , બિન પહેચાને , મૈને રીદય સે લગાયા ,
પર મેરે પ્યાર કે બદલે મેં તુને મુજકો યે દિન દિખલાયા,
જૈસે બિરહા કી ઋત મૈને કાટી તડપ કે આહે ભર ભર કે
જલે મન તેરા ભી કિસીકે મિલન કો , અનામિકા તું ભી તરસે ..
મેરી ભીગી ભીગી સી ……”
અંતરો ૨
રાજેન્દ્ર કપૂર વળી “તલાશ” ફિલ્મની શરૂઆતમાં એક બહુ મસ્ત સંવાદ આવે છે,(ગીત “મેરી દુનિયા હૈ માં તેરે આંચલ મેં ” આ ફિલ્મ નું. માં માટે હિન્દી ફિલ્મો માં જેટલા ગીતો બન્યા છે તે દરેકમાં આ સૌથી શ્રેષ્ઠ ગીત,જે એસ.ડી.બર્મને ગાયેલું છે. ) જેમાં રાજેન્દ્ર કપૂર તેની માં ને કહે છે કે તમે મને જીવન માટે કોઈ અમૂલ્ય શીખ આપો અને તેની માં તેને પ્રમાણિક રહેવાની શીખ આપે છે અને રાજેન્દ્ર કપૂર જીવનભર પ્રમાણિક રહીને જીવનની દરેક મોટી મુશ્કેલીઓ અને પરીક્ષાઓ માંથી કેવી રીતે સરળતાથી પસાર થઇ જાય છે એ ફિલ્મની વાર્તા છે.
મારા મમ્મી ઘણી વાર કહેતા કે સ્ત્રી એ ચાહે તો પુરુષને ખોટે માર્ગે પણ લઇ જઇ શકે અને ચાહે તો તારી પણ શકે. એ એવું પણ કહેતા કે સ્ત્રી અને પુરુષનો સંગાથ ઘી અને રૂ જેવો હોય છે, માટે આગ તો લાગે જ ! આગ એ અર્થમાં કે એ બંને એકબીજા થી આકર્ષણ અનુભવ્યા વગર ન રહી શકે અને એક બીજાને પોતાનું તન – મન નીરછાવર કરી દે !
માટે આગથી બચવું કે આગમાં હોમાવું એ આપણ હાથમાં હોય છે, જો બચવું હોય તો દૂર જ રહેવું સારું, પાસે આવ્યા પછી આગની લપટથી તમે ના બચી શકો , કોઈ નથી બચી શક્યું , અને એ આગ બે પ્રકારની હોય , એક તો જેને આપણ પ્રકાશ કહીએ છીએ તે, જે દીપ બનીને જીવનને રોશન કરે અને બીજી આગ એવી હોય જે જીવનને તબાહ કરી મુકે. આ ગીતના બીજા અંતરામાં બીજા પ્રકારની આગ વિશે કહેવામાં આવ્યું છે
“આગ સે નાતા , નારી સે રિશ્તા , કાહે મન સમજ ના પાયા ,
મુજે ક્યા હુઆ થા ઇક બેવફા પે , હાયે મુજે ક્યોં પ્યાર આયા,
તેરી બેવફાઈ પે , હસે જગ સારા, ગલી ગલી ગુઝરે જિધર સે,
જલે મન તેરા ભી કિસી કે મિલન કો, અનામિકા તું ભી તરસે …
મેરી ભીગી ભીગી સી … ! ”