દેશ પરદેશ

એક પ્રેમનો દીવાનો અને એની ફેન્ટસીસ !

આ વખતે ઉતરાયણ માં એક પણ પતંગ નથી ચગાવ્યો , અરે ધાબે પણ નથી ચડ્યો ! બધા શોખ નાનપણમાં જ પૂરા કરી લીધા ! વાત મારે મૂળ પતંગ ની કરવી છે – એટલે કે કાચી ઉમ્મરમાં રહેલા પતંગ ના શોખની ! જોકે વાત આમ તો એક નવી આવેલી ગુજરાતી ફિલ્મની પણ કરવી છે , જેનું નામ છે “એક પ્રેમનો દીવાનો , એક પ્રેમની દીવાની” . જી હા , મારા ગુજરાતી ફિલ્મોના રિવ્યુઝ પ્રત્યે ના તમારા પોઝીટીવ એપ્રોચથી પ્રભાવિત થઈને મેં આ કૃત્ય ચાલુ જ રાખવાનું નક્કી કર્યું છે – ગુજરાતી ફિલ્મ્સ વિષે લખવાનું ! પણ આ વખતે જરા અલગ રીતે વાતને પ્રસ્તુત કરીશ . બધી વાતો ભેગી કરીને એનો ખીચડો કરીશ. આમ પણ બહુ સમયે મળ્યો છું – બે મહિનાના લાંબા સમય પછી ની આ પોસ્ટ નો તમે નારાજ થઈને બહિષ્કાર નથી કરી રહ્યા એ જ તમારી મહાનતા દર્શાવે છે ! અને બબ્બે મહિના સુધી પોસ્ટ ન લખાય – એ મારી આળસાઈની પરાકાસ્ઠા ! કાં મારા વાલીડા વિરાજભાઈ , લાડીલા નિરવભાઈ , અગેઇન લાડીલા દર્શીતભાઈ અને વડીલબંધુ જગદીશભાઈ .. લખું ને આગળ ? કોમેન્ટ્સ અને લાઈક્સની અસીમકૃપા કરવાના હો તો જ લખું યાર ! જોકે ઘણા સમયથી  મેં કોઈને ત્યાં લાઈક કોમેન્ટ પણ નથી કરી – પણ તમારું તો મોકળું હૃદય ખરું ને ? એટલે આવી બાબતો ના વેર તમે લો , એવા તો તમે છો જ નહિ ! ઓકે બેક ટૂ ધી બકવાસ … આઈ મીન – પોસ્ટ !

                              હું નાનો હતો ત્યારથી જ એવો હતો – ચાલુ કે વંઠેલો જેવા શબ્દો તમને બોલવા શોભે નહિ એટલે સારી ભાષામાં તમે મને થોડો રોમેન્ટિક મિજાજનો હતો એમ કહી શકો છો ! હું પાછો અંતર્મુખી , એટલે બહારની દુનિયા મારી સાવ નાની , પણ અંદરની દુનિયા એકદમ વિશાળ ! લોટસ ઓફ ફેન્ટસીસ ! અને બીલીવ મી , ફેન્ટસીસમાં જીવતા માણસની દુનિયા ખુબ જ રંગીન હોય ! કંઈ કેટલાય રંગ વડે તેણે એ દુનિયા સજાવી હોય … જેમાં સપના તૂટવાનો ડર ન હોય , અરે સપના સાકાર થવાની આશા પણ ભાડમાં ગઈ , અહી તો બસ સપના છે ને ! એનો જ સંતોષ છે . એ સપનાઓ પ્રત્યે પ્રીત છે .. એ સપનાઓમાં એક જીવન છે – ઓલું “જાગતે રહો” ફિલ્મમાં મારા પ્રિય ગીતકાર શૈલેન્દ્ર એ એક ગીત લખ્યું છે .. “ઝીંદગી ખ્વાબ હૈ .. ખ્વાબ મેં જુઠ ક્યા ! ઔર ભલા સચ હૈ ક્યા !  ” હું વળી એથી ઉલટી ફિલોસોફી એપ્લાય કરી બેઠેલો .. ખ્વાબ ઝીંદગી હૈ ! મારા જ લખેલા એક ગીતની પંક્તિ છે – “ફ્યુચર જોવા માટે આપણી આંખો હજી નાની છે ,સપનાઓના સામ્રાજ્યની બાદશાહી માણી છે” . ત્યારે વાસ્તવિક જીવનમાં જે અશક્ય લાગતું , સપનાની દુનિયામાં એજ સત્ય લાગતું ! જેમ કે કોઈ છોકરી ને જોયા મળ્યા વિના … એના પ્રેમમાં પડવું ! એની સાથે સંકળાયેલી દરેક વસ્તુને દિવાનની જેમ ચાહ્યા કરવી . અને સતત અનુભવવો – એક દૈવિક સંકેત ! કે એક દૈવિક સંકેત જ મને એના પ્રેમમાં પાડી રહ્યો છે .. મારું એના પ્રેમમાં પડવું , અને દિવસે ને દિવસે એના પ્રેમમાં ઊંડાને ઊંડા ડૂબતા જવું એ બધું કોઈ ઈશ્વરીય ઈચ્છા કે કૃપાથી થઇ રહ્યું છે એ વાતનો સતત અનુભવ થવો ! તમને આ બધું કદાચ “રબીશ” લાગશે , પણ આ સત્ય છે , આ શક્ય છે … વિશ્વાસ ન આવતો હોય તો મારા જેવા કોઈ પણ દીવાનને પૂછી જુઓ , જેની અંતરની દુનિયા વિશાળ હોય ! અથવા તો જોઈ જ લો “એક પ્રેમનો દીવાનો , એક પ્રેમની દીવાની”

                           રાધા ને જીવનમાં સાચા પ્રેમની તલાશ છે એટલે એ માતાજી પાસે સાચા પ્રેમની માંગણી કરે છે , માતા એની અરજ સાંભળે છે અને ત્યારે જ રાધાની ઓઢણી ઊડી જાય છે , અને એ બાઈક લઈને રસ્તા પરથી પસાર થતા વિક્રમ પર પડે છે. વિક્રમએ ઓઢણી ના સ્પર્શ થી જાણે કોઈ ના અસ્તિત્વનો સ્પર્શ પામી ગયો હોય તેમ એ “ઓઢણીવાળી” સાથે પ્રેમના તાંતણે બંધાઈ જાય છે. હવે એ દીવાનાની જેમ એને શોધ્યા કરે છે – જેની આ ઓઢણી છે .1476474_1435933356620571_935120233_n

ઓઢણી ને એના સુધી પહોંચાડનાર દૈવિક સંકેતને એ પામી ગયો છે અને એટલે જ એક પતંગ પર પોતાના પ્રેમનો સંદેશો લખીને એ પતંગની ડોર તે કાપી નાખે છે , એ વિશ્વાસ સાથે કે એ પતંગ પેલી ઓઢણીવાળી પાસે જ પહોંચશે. (આ પોસ્ટ ની શરૂઆત જ મેં પતંગ થી કરી છે , રીવાઈન્ડ કરો જરા ! અને નાનપણમાં હું પણ પતંગ પર સંદેશાઓ , શાયરીઓ લખીને જાવા દેતો – અને મનોમન મલકાતો કે આ પતંગ ની ડોર કોઈ સુંદર કન્યાના હાથમાં આવે તો ..! )  એ સંદેશમાં એવી સ્પષ્ટતા કરેલી છે કે તમારી ઓઢણી મારી પાસે છે અને હું તે થકી આપના પ્રેમમાં પડી ચુક્યો છું. અફકોર્સ એ પતંગ રાધાને જ મળે છે અને એ પણ મનોમન એ પતંગવાળાને વરી જાય છે. બંને મળે છે , ખાટી મીઠી તકરારો કરે છે અને પ્રેમની દેવી ના મદિર ના પૂજારી ના કહેવાથી દેવી આગળ પોતાના પ્રેમ સાથે મેળાપ કરાવી આપવાની અરજ કરે છે ત્યારે બંનેની બેગ એકબીજા સાથે એક્સચેન્જ થઇ જાય છે ! રાધાને મળે છે વિક્રમના બેગમાં થી એની ઓઢણી અને વિક્રમને રાધાની બેગમાં થી પેલો પતંગ ! બંને નો મેળાપ … અને પ્રેમની દુશ્મન દુનિયા સાથે લડાઈ અને છેલ્લે પ્રેમની જીત. ફિલ્મમાં એક સંવાદ પણ છે – પ્રેમની મંઝીલ એક જ છે – મિલન અથવા મોત !

                         નવોદિત અભિનેત્રી રશ્મી ઈઝ જસ્ટ અબાઉટ એવરેજ , ફિરોઝ ઈરાની મારો ઓલટાઈમ ફેવરીટ વિલન જે આ ફિલ્મમાં પોઝીટીવ રોલમાં છે અને જમાવટ કરે છે . જીતુ પંડ્યા નું કોમિક ટાઈમિંગ પણ સારું છે અને આ ફિલ્મમાં પણ તેણે એ સાબિત કર્યું છે , અનેક ફિલ્મો હીરો તરીકે આપી ચુકેલો , આપી રહેલો જાણીતો સ્ટાર ચંદન રાઠોડ આ ફિલ્મમાં વિલનના રોલમાં છે. ઢોલીવૂડમાં હમણાં આ નવો ટ્રેન્ડ શરુ થયો હોય તેવું લાગી રહ્યું છે . કારણ કે ગત વર્ષે જ આવેલી ફિલ્મ “દેશ પરદેશ” માં પણ જાણીતા હિરો જીત ઉપેન્દ્ર એ પણ વિલનની ભૂમિકા ભજવેલી , અને એકાદ મહિના પહેલા જ આવેલી ફિલ્મ “મારી પ્રીત કરે પોકાર” માં પણ હિતેન કુમાર વિલન બનેલો. ફિલ્મના બીજા ટેકનીકલ પાસાઓ જેમકે ડીરેક્શન અને સંગીત વિષે પણ સારું – નરસું ઘણું છે પણ એ બધી બાબતો પ્રસ્તુત ન કરતા અહિયાં જ અટકું છું . પણ હા , કોઈને કશું વધારે જાણવાની ઈચ્છા હોય તો કહેજો – કોમેન્ટમાં વિસ્તારથી જવાબ આપીશ.

                   તો આ હતી ફિલ્મ અને એમાં રહેલી રોમેન્ટિક ફેન્ટસીસની વાત ! ઓલું કહે છે ને .. કે ફિલ્મનું તો કામ જ સપના બતાવવાનું , વાસ્તવિકતા એવી ન હોય . પણ હું તો એમ કહું છું કે વાસ્તવિક જીવનમાં જો સપના ન હોય તો જીવનમાં સ્પાઈસ ન હોય , ટેસ્ટ ન હોય અને અંતર ના ઊંડાણ ઉછળતો આનંદ પણ ન જ હોય !