ગંભીરસિંહ ગોહિલ

ઊનાળો – નવા જૂની

– ઊનાળાની સાથે લગ્નની સીઝન પણ બેસી ગઈ છે . મારી નાનપણ ની એક મિત્ર ના મેરેજ છે , લવ મેરેજ – ધામધૂમથી , બધાની રાજી ખુશી થી . એ જેની સાથે મેરેજ કરી રહી છે એની સાથે પણ મારે સારી મૈત્રી થઇ ગઈ છે , બંને ખુબ ખુશ રહેશે , હું પણ ખુબ ખુશ છું એમના માટે .

મારી બીજી એક મિત્ર ના પણ હમણાં જ મેરેજ થયા  , એ સાવ નાનપણની મિત્ર તો નહિ પણ સ્કુલ ટાઈમની મિત્ર તો ખરી . એના પણ લવ મેરેજ છે , પણ માંડવામાં નહિ , કોર્ટમાં ! બંને ના પરિવાર માંથી કોઈ સંમત ન હોવાથી તેઓ એ પરિવાર થી છુપાઈને લગ્ન કર્યા છે .

હું તો બંને ના મેરેજને લઇ ને ખુબ ખુશ હતો ત્યાં મિસિસે આ વાત પર મારું ધ્યાન દોર્યું કે બે લવ મેરેજ ના કિસ્સા છે જેમાં એકમાં પરિવારની સંમતિ છે અને બીજામાં નહિ . આ બાબત એને સ્પર્શી ગઈ જયારે મારું તો એ તરફ ધ્યાન સુદ્ધા ન હતું – પણ એના કહ્યા પછી વિચારતો જરૂર થઇ ગયો છું.

– મને ઊનાળાની સાંજ ખુબ ગમે . અત્યારે પણ આ લખી રહ્યો છું ત્યારે સાંજનો સમય છે એન્ડ આઈ એમ ફીલિંગ ગુડ નાઊ !

– ઘણો સમય થયો કોઈ નવલકથા વાંચે ! મને યાદ છે ગયા ઉનાળે દસ – બાર નવલકથાઓ તો વાંચી કાઢેલી , પણ છેલ્લા કેટલાક મહિનાઓમાં એક પણ નથી વાંચી ! જોકે “ગુર્જર” માં પુસ્તકો લેવા જવાનું આયોજન તો છે જ એટલે નજીકના જ ભવિષ્યમાં જ મેળ પડી જશે – નોવેલ વાંચવાનો ! અમદાવાદમાં ગયા વર્ષે જે મોટ્ટો પુસ્તક મેળો આવેલો એ આ વર્ષે ફરી આવી ગયો છે , ગયા વર્ષે તો જઈ આવેલો , હવે જોઊં છું કે આ વર્ષે મેળે જવાનું મારું મન થાય છે કે કેમ !

– આવતા અઠવાડીએ શેરી નાટકો કરવા જવાનું છે, ભર ઊનાળામાં ! ફિલ્મ અને સ્ટેજ નાટકોમાં એક્ટર્સ કેટલાય મેક – અપ ના થપેડા કરીને પરફોર્મન્સ આપતા તમે જોયા હશે  – પરસેવે રેબઝેબ એકટર ને પરફોર્મ કરતો જોવો હોય તો આઈ જજો – મારું શેરી નાટક જોવા – હે નાટક લાવ્યા …. નાટક લાવ્યા …. સરસ મજા નું નાટક લાવ્યા …. !

– આજે ૨૯ , કાલે ૩૦ અને પછી આવશે પહેલી મે ! મારી નવલકથા “સળગતા શ્વાસો ” મેં પહેલી મે ૨૦૧૦ ના રોજ સવારના કંઈક સાડા પાંચ વાગે પૂરી કરેલી ! જયારે જયારે પહેલી મે આવે છે ત્યારે ત્યારે મને એ સમય યાદ આવી જ જાય છે ! ( એ પબ્લીશ થઇ ઓગસ્ટ ૨૦૧૧ માં , વિમોચન જાણીતા સાહિત્યકાર આદરણીય શ્રી ગંભીરસિંહ ગોહિલના હસ્તે થયું . અને પુસ્તકમાં પ્રસ્તાવના લખેલી મારા પ્રિય દિગ્દર્શક શ્રી આશિષ કક્કડ સાહેબે  )