ફિલ્મ – મકડી
વર્ષ – ૨૦૦૨
ગીત – દિન ચડતા હૈ માઈ
ગીતકાર – ગુલઝાર
ગાયક – ઉપન્ગા પંડ્યા
સંગીત – વિશાલ ભારદ્વાજ
વાર્તાઓમાં પણ આવે છે કે એક બાળક જયારે ડરતું હોય અને કોઈ ને કહીના શકતું હોય …. એવી પરિસ્થિતિ તો ભગવાનથી પણ સહન નથી થતી અને એ તરત પ્રસન્ન થઈને બાળકની મુશ્કેલીનું નિવારણ લાવે છે. આ ફિલ્મ , આ ગીત આવ્યું એ વખતે હું પણ એક બાળક હતો , હાયર સેકન્ડરીમાં ભણતો બાળક. અને ફિલ્મ જોતી વખતે આ ગીત આવ્યું ત્યારે હું રડી પડ્યો , ફિલ્મની નાયિકા – નાની છોકરી સાથે પોતાની જાતને રીલેટ કરી ને ! કારણ કે એક બાળક તરીકે મેં નાનપણમાં ડર ને જેવી રીતે અનુભવેલો એનું આબેહુબ ચિત્રણ મને એ ગીતમાં જોવા મળ્યું. ગીતમાં નાની છોકરીની તકલીફ બહુ વધારે છે, ના કહી શકે અને ના સહી શકે ની પરિસ્થિતિમાં તે મુકાઈ છે , તે અંદરથી ઘણી મજબૂત છે એથી તે જાહેરમાં રડી નથી પડતી પણ એકલામાં વિલાપ કરે છે , એ પણ આંખો થી ઓછો અને મન થી વધારે.
હું સ્કુલેથી આવતો , ચુપ ચાપ દફતર પલંગ પર નાખીને પથારીમાં પડતો , મારું ઓશીકું , મારું દફતર , મારી પેન્સિલ , મારી ચોપડીઓ , મારું ચંપક … આ બધું જ મને બહુ વ્હાલું હતું ! મને નાનપણમાં વસ્તુઓ સાથે થોડો વધારે લગાવ રહેતો , આજે પણ રહે છે , પણ પહેલા જેટલો અતિશય નહિ ! કારણ કે નાનપણની મારી તકલીફમાં , મારી એકલતામાં એ જ તો મને સાથ આપતા. મૂંગી વસ્તુઓ ક્યારેય મને હેરાન નહોતી કરતી , મારી સાથે રહેતી , હું એમને સાચવતો , પ્રેમ કરતો અને કશુક ખોવાય કે તૂટી જાય તો રડી પડતો , કારણ કે હું જાણતો કે તૂટવાથી કેટલું દર્દ થાય . અને એવું કશુક મારાથી છુટી જાય જે મને ક્યારેય હેરાન ના કરતુ હોય , એ મને કેવી રીતે પોસાય ! મને હેરાન ના કરતા હોય એવા મારી દુનિયામાં મારા મમ્મી પપ્પા અને મારી વસ્તુઓને બાદ કરતા બીજું કોઈ નહોતું . મારા મિત્રો તો બહુ ઓછા , અને બાકી બચેલી આખી દુનિયા મારી દુશ્મન ! મારી તકલીફ એવી હતી કે હું કહી નહોતો શકતો , સહવું પણ અસહ્ય હતું છતાં મેં સહન કર્યું , વર્ષો સુધી સતત … રોજ …. ! મને યાદ છે , હું મમ્મીને ફરિયાદ કરતો પણ મનોમન , પછી એમના ખોળામાં માથું નાખી દેતો , મમ્મી માથે હાથ ફેરવતા અને થતું , કે કાશ આ ક્ષણ ક્યારેય પૂરી ના થાય , કાશ મારે ઊઠવું જ ના પડે , કાશ સવાર જ ના પડે ….
“દિન ચઢતા હૈ માઈ , ડર લગતા હૈ માઈ ,
કાલે ઘરમે જાકે , છુપ જાતા હૈ માઈ ,
રાત આયે તો રાત સે ડરતી હું
અરે માઈરી ….અરે માઈરી ….”
સવાર પડતી અને હું સ્કુલે જતો , એ પહેલા હું મારું ગંજી એકદમ ટાઈટ ફીટ કરીને પહેરતો , જે આદત આજ સુધી નથી ગઈ . એક તો મારી સાઈઝ કરતા એક માપ જેટલું નાનું ગંજી , જેથી એ વધારે ટાઈટ પડે , એની ઉપર સ્કૂલનો વ્હાઈટ શર્ટ. સ્કુલે પહોંચતા રસ્તામાં જ મારો ફફડાટ શરુ થઇ જાય , અને પહોંચું એટલે …. મારા ક્લાસના છોકરાઓની ટોળકી મને ઘેરી વળે , મારી છાતી સામું જોઇને વિકૃત હસે , ત્યાં અડવા હાથ લંબાવે , હું તેમને એમ કરતા રોકું , ડરૂ એટલે તેમને મજા પડે , જોર જોર થી હસે , ગંદુ ગંદુ બોલે . કોઈક અડી લે , કોઈક દબાવી લે અને જંગ જીત્યા હોય એમ જોર જોર થી હસે , જશન મનાવે , એક બીજાને કહે , અને ટોળકી વધારે મોટી થતી જાય ….
કેટલાક પુરુષની છાતી થોડી ફૂલેલી હોય , કુદરતી રીતે જ , જેને ગાયનેકોમાસ્ટીયા કહેવાય ,મારે પણ એવું છે , એથી છોકરાઓ મારી છાતીને અડીને વિકૃત કોમેન્ટ્સ પાસ કરતા , મને પજવતા .
“મકડી કે જાલે સા આતા હૈ ,નાખુન હૈ જિનકે , ડરાતા હૈ ,
ડરતી હુઈ છુપતી હુઈ , જાઉં કહા , બચતી હુઈ ,
ફિર જબ રાત આતી હૈ ,પંજો વાલી રાત સે ડરતી હું ,
રાત આયે તો રાત સે ડરતી હું”
એના લીધે મેં નાનપણમાં ક્યારેય ટીશર્ટસ નથી પહેર્યા , જે દિવસે મારી પજવણી ના થતી એ દિવસે હું ખુબ માનસિક શાંતિ અનુભવતો , પણ એવું ભાગ્યે જ થતું . વેકેશન ની રાહ હું એટલે જોતો કારણકે વેકેશનમાં સ્કુલ ના હોય , અને એથી એ સમયગાળામાં મને કોઈ હેરાન ના કરે. ૮મા ધોરણથી લઈને ૧૨મા ધોરણ સુધી સતત આવા સમયમાંથી હું પસાર થયો . હું સામનો પણ કરતો , એકાદ બે છોકરાઓને બરાબ્બર ના મારેલા પણ ખરા , પણ છેલ્લે બધું વ્યર્થ જતું કારણકે મારા પર પ્રહાર ટોળકીમાં જ થતા. કોલેજમાં આવ્યા પછી પણ આવું બનતું રહ્યું . કોલેજ પૂરી કરી , સમય જતા આવી પજવણી ઓછી થતી ગઈ , બંધ પણ થઇ , પણ આ બધાના કારણે મારા આત્મવિશ્વાસમાં બહુ ઘટાડો થયો . હું ઓછાબોલો થઇ ગયો , છોકરીઓની તો સામે જતા પણ અચકાતો , થતું કે હું કેવો લાગતો હોઈશ , એ ભલે મારો મજાક નથી ઉડાવતી પણ એ પણ મારામાં એ જોતી તો હશે જ ને જે છોકરાઓ જુએ છે. એ સમયે હું એવું પણ માનતો હતો કે કદાચ આ જ કારણે કોઈ છોકરી મારી સાથે લગ્ન પણ નહિ કરે .
“કીડા સા ગરદન પે ચલતા હૈ ,દિન રાત ઊંગલી સે મલતા હૈ ,
માઈ મેરા પીછા છુડા , સર પે ચઢી કાલી બલા ,
કલ ના જાને ક્યાં હો , આને વાલી શામ સે ડરતી હું
રાત આયે તો રાત સે ડરતી હું”
પણ સમય જતા મેં વિચાર્યું કે પહેલા મારે તો સ્વીકારવું જ પડશે , અને એ સ્વીકારીને એનો છોછ છોડવો પડશે . કેટલુય સાંભળ્યા અને પજવણીનો ભોગ બન્યા પછી એમ કરવું ખુબ અઘરું હતું , છતાં મેં પ્રયત્નો ચાલુ રાખ્યા , ટાઈટ ગંજી ને બદલે ક્યારેક શર્ટની નીચે ગંજી પહેર્યા વગર જ બહાર નીકળી જતો , પહેલા ખભા નીચા રાખીને ચાલતો એના બદલે છાતી બહાર કાઢીને ટટ્ટાર ચાલવાનું શરુ કર્યું. સમય લાગ્યો , પણ હું મારી જાતને આમાંથી બહાર કાઢી શક્યો , પહેલા કોઈ આ વિષયનો મજાક કરતુ તો ખુબ લાગી આવતું ,પણ આત્મવિશ્વાસ પાછો મેળવ્યા પછી માત્ર જે તે વ્યક્તિની અમાનવીયતા પર પ્રત્યે ઘૃણા થતી , તેની ટૂંકી બુદ્ધિ પર દયા આવતી . પણ જે ગુમાવ્યું તે હું પાછુ મેળવી શકું તેમ નથી , અને મેં બહુ કીમતી ચીજ ગુમાવી છે , એ છે મારું બાળપણ ! મારા બાળપણનો મોટા ભાગનો સમય આવા અમાનવીય માનવો ના લીધે દર્દમાં વીત્યો. મારી જવાની સાથે પણ એ જ કિસ્સો હતો .
ખેર , છોડો એ બધું , જીંદગી એ ઘણું બધું આપ્યું પણ છે ને ! “વો જો મિલ ગયા ઉસે યાદ રખ, જો નહિ મિલા ઉસે ભૂલ જા … “