ઇમરાન હાશ્મી

એક જ દિવસમાં આ બીજી પોસ્ટ !

તમેય પાછા વિચારશો કે એમાં તે વળી શી મોટી ધાડ મારી … એક જ દિવસમાં બીજી પોસ્ટ લખી ને ! હા , ભાઈ ધાડ તો કઈ નથી મારી , અને હમણાં મારી કોઈ ધાડ મારવાની કેપેસીટી પણ નથી કારણ કે લાંબી બીમારીમાં પટકાયેલો છું . પથરી થઇ … અસહ્ય પીડાઓ વેઠી ને પછી ગયા રવિવારે ઓપરેશન કરાવ્યું , ઓપરેશન પછી પણ પીડાઓ નો સિલસિલો ચાલુ જ છે , એમાં ય પાછા સવાર – સાંજ એક એક એમ રોજના બબ્બે ઇન્જેક્શન ઘોકાવું છું , રામ જાને ક્યારે છુટકારો થશે . બેડ રેસ્ટ માં મુખ્ય પ્રવૃત્તિ વાંચન ની છે આજ કાલ … બહુ બધી પીડા સાથે પત્ની નો બહુ બધો પ્રેમ અને કાળજી પણ પામી રહ્યો છું . એન્ડ ધેટ્સ ઇટ ! વધુ માં આજે ફેસબુક પર એક જૂની પોસ્ટ પણ શેર કરી છે નવા સંદર્ભ સાથે , આ બ્લોગ વાંચતા જે મિત્રો મારી સાથે ફેસબુક પર જોડાયેલા નથી તેમના માટે એ સંદર્ભ અને લીન્ક …..

“થોડાક મહિના પહેલા મેં અલ્તાફ રાજા વિષે લખેલી પોસ્ટ , અને તે આજકાલ દેખાતો નથી એ બાબતે વ્યક્ત કરેલું મારું દુખ … આ પોસ્ટમાં ! અલ્તાફ રાજા એના ફેન્સ માટે શું છે એ જાણવા જરૂર વાંચો , નીચે અંગ્રેજીના કેપિટલ અક્ષરોમાં અલ્તાફ રાજા લખેલું છે , તેના પર ક્લિક કરવાથી એ પોસ્ટ વાંચી શકાશે   & now i am very much happy to see him after a long time…. in a song from ghanchakkar- jholu ram!! બાકી ગીત પણ જલસો પાડી દે તેવું છે હોં … અલ્તાફ ની શાયરી કહેવાની ટીપીકલ સ્ટાઇલ ઇંગ્લીશમાં … never expected come back! welcome back altaf… i love you… have heard your songs many times in my teen age..the age of fantacies!” – ફેસબુક પર મુકેલો સંદર્ભ.

એ પોસ્ટ નું ટાઈટલ પણ મેં અલ્તાફ રાજા ના અતિ પ્રખ્યાત ગીત “તુમ તો ઠહેરે પરદેસી” ની એક લાઈન પરથી આપેલું , સાથે એ પણ કહેલું કે એ ગીત અલ્તાફ ની ઓળખ સમું છે  , અલ્તાફ ના આ નવા ગીત માં પણ ઇમરાન હાશમી અલ્તાફ ને  “તુમ તો ઠહેરે પરદેસી” ગાવાની રીક્વેસ્ટ કરે છે , ઇમરાન ની જગ્યા એ હું હોત તો હું પણ કદાચ એ જ કરત 😉 🙂

ALTAF RAJA

અને આ રહ્યું અલ્તાફ રાજાનું એ નવું ગીત ફ્રોમ ધી ફિલ્મ ઘનચક્કર

અને છેલ્લે ,

પત્ની એ આજે ઘનચક્કર જોવાની ઈચ્છા વ્યક્ત કરી , મેં કહ્યું બે વરહ થી મને જોઈ તો રહી છો !

ફિરતા રહું……. દરબદર

ફિલ્મ – ધી કિલર
વર્ષ – ૨૦૦૬
ગીત – ફિરતા રહું દરબદર
ગીતકાર – જલીસ શેરવાની
ગાયક – કે.કે. , શ્રેયા ઘોષાલ
સંગીત – સાજીદ-વાજીદ

કોઈ એક ખુશી માટે માણસ ક્યાં ને ક્યાં ભટકતો હોય ….. એ ખુશી જેની મળવાની આશા પણ ના રહી હોય , છતાં એ ભટક્યા કરે , એની તલાશમાં …. માઈલો સુધી … હંમેશા માટે …. જીવનના છેલ્લા શ્વાસ સુધી ! પણ એવી તે કેવી એ ખુશી છે જેને પામવા આખું જીવન ફના કરવા માણસ તૈયાર થઇ જાય ! વેલ , એવી ઘણી બાબતો છે , જેની પાછળ ફના થવામાં મજા છે , એમાંની એક બાબત છે – પ્રેમ !

“ફિરતા રહું દરબદર , મિલતા નહિ તેરા નિશાં
હોકે જુદા, કબ મેં જીયા , તું હૈ કહાં મેં કહાં ,
તેરી યાદોં મેં ખોયા રહેતા હૂં ,
મુજકો ડસતી હૈ તન્હાઈયાં ”

અને અહી પ્રેમ મેળવવાની ઝંખના છે , પણ એ પણ કેવો પ્રેમ ! જે મેળવી ને ગુમાવ્યો છે . જે વસ્તુ ક્યારેય ના મળી હોય એ ના મળે ત્યારે એનું દુ:ખ લાંબો સમય સુધી નથી ટકતું , પણ કોઈ ને મેળવ્યા પછી તેને ગુમાવ્યા નું દુ:ખ અસહ્ય હોય છે . કારણ કે એની સાથે એક લાગણીના તાંતડે આપણે જોડાયેલા હોઈએ છીએ , અને વ્યક્તિ જેટલી વધુ વ્હાલી , લાગણીનો તાંતડો એટલો વધારે મજબૂત . હું મારી વાત કરું તો હું તો મારી વસ્તુઓ સાથે પણ લાગણીના તાંતડે જોડાઈ જતો હોઉં છું. હું આજે પણ ઘણી વાર યાદ કરું છું કે હું નાનો હતો ત્યારે મારો ગેસનો ફુગ્ગો હવામાં ઊડી ગયેલો ત્યારે હું પોક મૂકી ને રડેલો . ફુગ્ગો ધીરે ધીરે આકાશમાં દૂર ને દૂર જઈ રહ્યો હતો … અને એ જેમ વધુ દૂર જતો ગયો , એમ મારું રડવાનું પણ વધતું ગયું . મારા નાના હાથ લંબાવીને મેં ખૂબ ઠેકડા માર્યા પણ એ ફુગ્ગાની દોરી હાથમાં ના આવી …. આજે પણ ક્યારેક આકાશમાં કોઈ ફુગ્ગો ઊડતો જોઉં તો ઠેકડો મારીને એની દોરી પકડી લેવા મન તડપી ઊઠે … નવો કોઈ ફુગ્ગો ખરીદું ત્યારે પણ એ આનંદ પાછો નથી મેળવી શકતો જે મેં નાનપણમાં એ ફુગ્ગા સાથે ગુમાવેલો ……. મને તો બસ ક્યાંક થી એ જ ફુગ્ગો પાછો મળી જાય ……. એને તો હું ઓળખી જઈશ….. મને લાગે છે કે એ હજુ પણ આકાશમાં ક્યાંક ઊડી રહ્યો હશે , હું જેમ એની શોધમાં છું તેમ એ પણ મારી જ શોધમાં ક્યાંક ભટકતો હશે …
કોઈ વ્યક્તિ પાસે હોય અને એના પાસે હોવાનો આનંદ જે સતત એના સહવાસમાં અનુભવ્યો હોય એ આનંદ , એ વ્યક્તિ ના જવાથી ખોવાઈ જાય છે , અને એ આનંદ ને સ્થાને આવી જાય છે , એક ખાલીપો !

“તું જો જુદા હો ગઈ , તેરી સદા ખો ગઈ,
દેખ લે ફિર ઝીંદગી , હાં ક્યા સે ક્યા હો ગઈ ,
જબ સે બીછડી હૂં , રબ સે કહેતી હૂં ,
કિતના સૂના હૈ તેરા જહાં “

એક પ્રેમી જેણે પોતાનું જીવન પ્રેમમાં ફના કર્યું છે , એ પણ મરી ને નહિ , જીવી ને ! રોજેરોજ જીવવાનું અને રોજેરોજ ફના થવાનું ….. એમાં ક્યારેક જીવનબળ ખોવાઈ જાય , જે પથ પર ચાલવાનું નક્કી કરીને નીકળ્યો હોય એ પથ ના રસ્તાઓ ઝાંખા પડી જાય , ત્યારે એ મનોમન ફરિયાદ કરે , એ પ્રિયજનને પોકારે ,ફરિયાદો કરે , પાસે બોલાવે …. એને વિશ્વાસ હોય કે હું મનમાં તેને યાદ કરીશ તો એના મન સુધી મારી વાત જરૂર પહોંચશે , અને એના મનમાંથી પોતાની વાતનો જવાબ જરૂર નીકળશે જે મારા મન સુધી જરૂર પહોંચશે.

“કૈસે કટે ઝીંદગી , માયુસીયાં , બેબસી ,
રાહે સભી ખો ગયી , રોશની દે રોશની”

મન થી મન સુધી પહોંચવાની આ શક્તિને ટેલીપથી કહેવાય, જે પહેલાના જમાનામાં ઋષિમુનીઓ તપ કરીને તેની સિદ્ધિ મેળવતા , એ ટેલીપથીની શક્તિ દરેક મનુષ્યમાં પડેલી જ હોય છે , અને એટલે જ અવારનવાર આપણે પણ અનુભવતા હોઈએ છીએ કે ક્યારેક કોઈ સ્વજનની આપણને ચિંતા થાય અને તેને ફોન કરીએ ત્યારે ખબર પડે કે ખરેખર તેમની તબિયત ખરાબ છે. આપણને કોઈ સ્વજન સાથે વાત કરવાનું મન થાય અને એ જ વખતે એ વ્યક્તિનો ફોન આવે !
એટલે જ જયારે કોઈ પ્રિયજન ને દિલથી પોકારતું હોય ત્યારે તેને જવાબ જરૂર મળે છે , અને પ્રિયજનનો એ જવાબ – એના હૃદયની વાત આપણા હૃદય સુધી પહોંચી જાય , જાણે કોઈ ઠંડી હવાની મીઠી લહેર કાનમાં આવી ને કહી જાય , જાણે દરિયાનું કોઈ મોજું તેના ઘૂઘવતા અવાજમાં કંઈ સમજાવી જાય કે તું જે રસ્તા પર ચાલી રહ્યો છે , તે બરાબર છે , હું તને ત્યાં જ મળીશ , જરૂર મળીશ , ચોક્કસ મળીશ , અરે હું તો તારામાં જ સમાયેલી છું , મને બીજે ક્યાંય શોધવાના વ્યર્થ પ્રયત્નો ના કરીશ …

“મેં તો રહેતી હૂં , તેરી રાહો મેં ,
બેખબર મુજકો ઢૂંઢે કહાં “

દિલ…..સંભલ જા ઝરા

ફિલ્મ – મર્ડર 2
વર્ષ – ૨૦૧૧
ગીત- દિલ…..સંભલ જા ઝરા
સંગીત – મિથુન
ગાયક – મુહમ્મદ ઈરફાન, અરીજીત સિંગ, સઈમ ભટ્ટ
ગીતકાર – સઈદ કાદરી

પ્રેમ એટલે પ્રેમ …એમાં વળી પહેલો શું ને છેલ્લો શું ! સાચો શું ને ખોટો શું ? માણસ એમ વિચારે છે કે તે ફરી થી પ્રેમ માં પડ્યો , પણ પ્રેમ કરવાનું તે ક્યારેય છોડતો હોતો જ નથી. માનવ હંમેશા કોઈને ને કોઈને ચાહતો જ રહે છે , જેમકે રસ્તા પર જતી કોઈ સ્કુલગર્લને જોઈ સ્કુલ ટાઈમની કોઈ કલાસમેટ યાદ આવી જાય, ફિલ્મની કોઈ પ્રિય હિરોઈન જયારે પણ ટી.વી. પર આવે ત્યારે ચેનલ ફેરવવાની પ્રક્રિયા અટકી જાય ,કોઈ છોકરીને તરુણાવસ્થામાં કોઈ ફિલ્મસ્ટાર ગમી ગયો હોય તો પછી જયારે પણ તે ફિલ્મસ્ટારને જુએ ત્યારે તેને પોતે તરુણાવસ્થામાં અનુભવેલી લાગણીઓ અચૂક યાદ આવે , કબાટમાં લગાવેલું ફીલ્મસ્ટાર નું એ પોસ્ટર સમય જતા નીકાળી દેવામાં આવ્યું હોય, છતાય દિલમાં તો તે પોસ્ટર ચોંટેલુ જ રહે. હું સ્કુલ ટાઈમ માં પેલા ટ્યુશન કલાસીસ ની જાહેરાતો માં તેજસ્વી તારલાઓની યાદીમાં કોઈ વિદ્યાર્થીનીનો પાસપોર્ટ સાઈઝનો કોઈ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો જોઇને પણ તે છોકરીથી આકર્ષિત થઇ જતો, એ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા મને કલરિંગ સપનાઓ દેખાડતા, આવા અગણિત આકર્ષણો થતા ,તોય ગણિતમાં કાચો એટલે કાયમ ગણિતમાં ફેઈલ અથવા તો માંડ માંડ પોઈન્ટ પર પાસ , અને તે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા વાળી છોકરીના ફોટા નીચે લખેલું હોય ગણિત – ૯૮ માર્ક્સ, વિજ્ઞાન ૯૬ અને અંગ્રેજી ૯૮ ! એમતો મારા ફોટા નીચે પણ લખવું હોય તો લખાય એક તરફી પ્રેમો – ૯૮ , એમાં પહોંચ બહાર ના ફટકાઓ ૯૬ , એમાં પ્રેમના નામે થયેલા વહેમો – ૯૮ ! ( જસ્ટ ફોર ફન લખ્યું છે, કારણ કે મારી તરુણાવસ્થામાં મારા આકર્ષણો અને એક તરફી પ્રેમોની સંખ્યા થોડી વધારે તો હતી જ! એટલે એ બધા મારા crush ૯૮ માંથી આગળનો નવડો કાઢી નાખીએ તો સાત-આઠ જેટલા તો હશે જ! બાકી કદાચ એક બે આગળ પાછળ, ભૂલ ચૂક લેવી દેવી ! ) ભલે પ્રેમ નહિ તો વહેમ, પણ એ વહેમમાં પડવા માટે પણ હૃદયમાં રહેલી કોઈ લાગણીએ થોડો ઘણોતો ભાગ ભજવ્યો હશે ને ! અને એવી અધુરી લાગણીઓ યાદ આવે ત્યારે ? ઊનાળાની ભર બપોરે પંખો બંધ કરીને બેઠા હોઈએ તોય જાણે ઠંડી કોઈ લહેર સ્પર્શીને ગઈ હોય તેવો અનુભવ થાય . હૃદય ફરીથી તરુણ થઈને વિચારવા લાગે કે પોતે કોઈ તરુણીના પ્રેમમાં છે ત્યારે તેને ચેતવવું પડે કે પ્લીઝ થોડા સંભલ જા, વાપસ મત જા ,યહી રુક જા…

“જબ જબ તેરે પાસ મેં આયા , ઇક સુકુન મિલા …
જિસે મેં થા ભૂલતા આયા , વો વજૂદ મિલા …
જબ આયે મૌસમ ગમ કે તુજે યાદ કિયા …
જબ સહેમે તાન્હાપન સે તુજે યાદ કિયા ….
દિલ સંભલ જા ઝરા ફીર મુહાબ્બત કરને ચલા હૈ તું …
દિલ યહીં રુક જા ઝરા ફીર મુહાબ્બત કરને ચલા હૈ તું …
ઐસા ક્યોં કર હુઆ , જાનુંના મેં જાનુંના …..
હોઓઓઓઓ …….દિલ સંભલ જા ઝરા ફીર મુહાબ્બત કરને ચલા હૈ તું …
દિલ યહીં રુક જા ઝરા ફીર મુહાબ્બત કરને ચલા હૈ તું …”

સ્કુલ ટાઈમની વાત છે, કે મારા ક્લાસની એક છોકરી જ્યાં રહેતી હતી તે ફ્લેટની બહાર એક દિવસ મને ખબર નહિ શું સુજ્યુ કે હું આખી બપોર બેઠો રહ્યો અને મારા એક મિત્રને પણ સાથે બેસાડી રાખ્યો , અને એ બરાબરનો કંટાળ્યો , ગુસ્સે થયો કારણ કે મને તો તડકામાં પણ સોનેરી સપના દેખાતા હતા પણ તે તડકામાં બફાઈ રહેલો, એબી કારણ વગરનો , છેલ્લે એ છોકરીના ભાઈ ની ઓલખાણ કાઢીને તેના ઘરે ગયા અને એક ગ્લાસ પાણી મંગાવ્યું . હું તો ખુશીનો માર્યો નાચવા લાગ્યો , મિત્રને ખુશીનું કારણ આપતા મે કહ્યું – ” હું ધન્ય થયો , આજે મેં એ પ્યાલામાં પાણી પીધું જે પ્યાલામાં તે રોજ પાણી પીતી હશે. ” ત્યારે એના ઘરના એ રસ્તા પાસેથી ઘણી વાર પસાર થતો , એની ઝલક મેળવવા , જે ક્યારેય મને મળી નહોતી….

જિસ રાહ પે , હૈ ઘર તેરા , અક્સર વહા સે હા મેં હૂં ગુઝરા ,
શાયદ યહી , દિલમે રહા , તું મુજકો મિલ જાયે ક્યા પતા ,
ક્યા હૈ યે સિલસિલા , જાનું ના , મેં જાનું ના …
હોઓઓઓઓ …….દિલ સંભલ જા ઝરા ફીર મુહાબ્બત કરને ચલા હૈ તું …
દિલ યહીં રુક જા ઝરા ફીર મુહાબ્બત કરને ચલા હૈ તું …

સ્કુલ ટાઈમમાં બે છોકરીઓ પ્રત્યે હું જબ્બર આકર્ષાયો હતો , જેમાં થી પહેલી છોકરી પ્રત્યેનું આકર્ષણ ધોરણ ૮ થી ૧૦ સુધી, પછી ૧૧મા માં સ્કુલ બદલી , અને ૧૨મા માં પાછો હું મારી જૂની સ્કુલમાં દાખલ થયો ત્યારે બીજી એક છોકરી પ્રત્યે હું આકર્ષાયો,જેના ઘરની બહાર હું બેઠો રહેલો , એ આવડી આ ! મારા એ બંને આકર્ષણો એ મારા હૃદયમાં રહેલી અનેક લાગણીઓને વાચા આપી, પ્રેમની અનેક વિભાવનાઓ મેં રચી અને કદાચ એટલે જ એ બંને જણીઓ મને સ્કુલ છોડ્યા પછી કોલેજકાળમાં પણ વારંવાર યાદ આવતી, આજે પણ ક્યારેક મારી કોઈ વાર્તાનું પાત્ર બનીને ડોકિયું કરતી જાય છે, આજે એમને યાદ કરવાનું કારણ માત્ર એક જ છે, કે એ મને તરુણવસ્થાનું મારું મનોજગત યાદ અપાવે છે

કુછ ભી નહિ જબ દરમીયા, ફિર ક્યોં હૈ દિલ તેરે ખ્વાબ બૂનતા…
ચાહા કી દે , તુજકો ભૂલા , પર યે ભી મુમકીન હો ના સકા ,
ક્યા હૈ યે મામલા, જાનું ના , મેં જાનું ના …
દિલ સંભલ જા ઝરા ફીર મુહાબ્બત કરને ચલા હૈ તું …
દિલ યહીં રુક જા ઝરા ફીર મુહાબ્બત કરને ચલા હૈ તું …