અક્ષય ખન્ના

i am a bachelor ! કુંવારો છું ભાઈ …. !

ફિલ્મ – હિમાલય પુત્ર

વર્ષ – ૧૯૯૭

ગીત – આઈ એમ એ બેચલર

ગાયક – વિનોદ રાઠોડ

ગીતકાર – દેવ કોહલી

સંગીત – અનુ મલિક

વિનોદ ખન્ના ના પુત્ર અક્ષય ખન્ના ની આ પહેલી ફિલ્મ “હિમાલય પુત્ર “ આવી ત્યારે હૂં ઘણો નાનો હતો , અને ટીવી માં આવતું આ ગીત એ સમયે મને ખૂબ ગમી ગયેલું .img બેચલર એટલે કુંવારો, પણ ત્યારે મારી સમજ પ્રમાણે મેં એવો અર્થ કાઢેલો કે બેચલર એટલે ગ્રેજ્યુએટ . કારણ કે બેચલર ડીગ્રીસ ના ફૂલ ફોર્મસ ની મને ખબર હતી . અને એટલી નાની ઉમ્મર માં એ ફૂલ ફોર્મસ ખબર હતી એનું કારણ એ કે મારા મામા ને ત્યાં (આ ફિલ્મ આવી ત્યારે હું મારા મામાને ત્યાં રોકવા ગયેલો ) એમની ગ્રેજ્યુએશન ની ડીગ્રી મઢાવી ને દીવાલ પર ટીંગાડેલી હતી , એટલે એ સંદર્ભે આ શું છે ને આમ એટલે શું ને તેમ એટલે શું જેવા સવાલો એ વખતે કરી ને આ જ્ઞાન પ્રાપ્ત કરેલું જે મેં “હિમાલય પુત્ર “ સંદર્ભે પ્રયોજી દીધું . મામાના ગામ ગારીયાધારમાં આવેલી અર્જુન ટોકીઝમાં આ ફિલ્મ આવેલી , અને મારી આ ફિલ્મ જોવાની ખુબ ઈચ્છા હતી , અફકોર્સ આ ગીતના કારણે જ !પણ ફિલ્મ રીલીઝ થતા જ બધે થી રિવ્યુઝ એવા આવવા લાગ્યા કે ફિલ્મ સાવ બેકાર છે , એટલે મારા (મામાના છોકરા ) ભાઈશ્રી અભિજિતભાઈ એ ફિલ્મ જોવા જવાનો વિચાર માંડી વાળ્યો , અને હું બિચારો ટાબરિયો એકલો તો જઈ ના શકું – આજ દિન સુધી આ ફિલ્મ જોઈ શકાઈ નથી , જોકે એનું કારણ તો એટલું જ કે સમયની સાથે આ ફિલ્મ જોવાનું એક્સાઈટમેન્ટ પણ જતું રહ્યું .

                             ત્યારે મેં આ ગીતમાં મારી રીસર્ચ થી મેળવેલા જ્ઞાનને પ્રયોજ્યું હોવાથી આ ગીતનો અર્થ હું એવો કરતો કે અક્ષય ખન્ના એ બેચલર અર્થાત ગ્રેજ્યુએટ થઇ ચુક્યો છે. અને છોકરીઓને એપ્રોચ કરવામાં સૌથી પહેલું વાક્ય એ  “આઈ એમ એ બેચલર” બોલે છે , ધેટ મીન્સ કે છોકરીઓમાં ગ્રેજ્યુએટ છોકરાઓ ની વધુ ડીમાંડ રહેતી હશે . ત્યારે જ તો એ છોકરીઓની સામે જઈને આટલા વટ સાથે બોલે છે – આઈ એમ એ બેચલર ! ત્યારે મેં પણ વિચાર્યું કે સાલુ આપડે પણ ગ્રેજ્યુએટ થઈશું પછી છોકરીઓની વચ્ચે જઈને આવા વટ મારીશું –

“આઈ એમ એ બેચલર , અકેલા હૂં બીમાર હૂં

ચાહું ઇક લડકી જો કહે મેં ઉસકા યાર હૂં

આંખે હો જિસકી કાલી , હોંઠો પે જિસકે ગાલી ,

ઐસી લડકી સે મિલને કો મેં બેકરાર હૂં “

                                       થોડો મોટો થયો ત્યારે ખબર પડી કે છોકરીઓ સામે જઈને “આઈ એમ એ બેચલર” ગાવા માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી નથી , પણ ત્યારે એ સમજણ આવી ગઈ હોવા છતાં કઈ ખાસ ખુશી ના થઇ કારણ કે ત્યારે એ પણ સમજણ આવી ગઈ હતી કે ખરેખરમાં આવી રીતે છોકરીઓ સામે જઈને ગીત ના ગવાય , એપ્રોચ ના કરાય , અને જો કરીએ તો માર પડે, છોકરીઓ નો માર તો ખાઈ પણ લઈએ , પણ આ તો પબ્લીકનો માર પડે. છોકરીઓ ના તો માર માં પણ અમે હરખાઈ જતા, એમ વિચારીને કે સાલું એ બહાને એણે મને ટચ તો કર્યું ! સ્કુલ- કોલેજમાં મેં એવા છોકરાઓ પણ જોયા છે કે જે છોકરીને વાતે વાતે માર્યા કરવાની આદત હોય એવી છોકરીઓ આગળ જઈને જ એ છોકરાઓ મસ્તી કર્યા કરે , અને પછી પેલી મારે એટલે એ છોકરાઓ એન્જોય કરે ! એના મારમાં એનો ટચ ફિલ કરે , પછી એનો હાથ પકડીને મચકોડે , સામે મારે ….. ઓહોહોહો ! સ્પર્શના કેટલા બધા મોકા ! અને દરેક મોકા પર ચોક્કા ! મને તો એ બધું બહુ છીછરું લાગતું ! હા , ક્યારેક આવી કોઈ મારકણી છોકરીની અડફેટે આવી ગયો હોઉં , અને મારા કોઈ મજાક થી છંછેડાઈ ને મને એકાદી પડી ગઈ હોય , ત્યારે હું પણ હરખાયો જરૂર છું , એ કબૂલું છું , પણ સામે થી રોજ માર ખાવા જવું , વાતે વાતે પેલીઓ ના હાથ મચકોડ્યા કરવા એ બધું મને છીછરું લાગતું .

                                         સુંદર છોકરીઓ માટે અનેક પ્રકારના શબ્દ પ્રયોગો – અલંકારો પ્રયોજવામાં આવે છે , અર્થાત કોઈ સુંદર છોકરીને જોતા જ છોકરાઓના મુખમાંથી વિવિધ પ્રકારના  ઉદગાર સરી પડતા હોય છે, જેમકે માલ ! , ફટકો ! , મઠો ! આ બધા કોમનલી બોલતા ઉદગાર છે. આવા ઉદગારો માં મારો પ્રિય ઉદગાર રહ્યો છે – ફટકો ! મારી કોલેજમાં જે પણ છોકરી મને સુંદર લાગતી એ બધી મારે મન “ફટકો” હતી ! જોકે ફટકો શબ્દ અમે ખુબ સાહજિકતા થી પ્રયોજતા ! કોઈ મિત્ર ની ગર્લફ્રેન્ડ ને “માલ “ બિલકુલ ના કહી શકાય ! આવો હીન શબ્દ ક્યારેય મિત્ર ની ગર્લ ફ્રેન્ડ માટે વપરાય ? ! એને માટે તો માત્ર એટલું જ કહી શકાય કે જો દોસ્ત , તારો ફટકો આવ્યો ! મને ગમતી છોકરી મારો ફટકો ! તને ગમતી છોકરી તારો ફટકો ! અને બધાને સમૂહ માં ગમતી છોકરી એ બધાનો કોમન ફટકો ! અને કોઈ એવી જગ્યા હોય જ્યાં સુંદર છોકરીઓ વધારે જોવા મળતી હોય , ત્યાં કોઈ મીત્ર જઈ આવે પછી એ રીપોર્ટીંગ કરે – “યાર ! મોકા બારમાં તો એક થી એક ફટકા હોય છે !”  “ચલ ને આઈ.એમ.આઈ. જઈએ, ફટકા જોવા !” પછી એવી જગ્યા એ બધા છોકરાઓ પહોંચી જાય એટલે આવા પ્રકારની વાતો થાય – “યાર , કાશ પેલો ફટકો મને મળી જાય… ! “ – “યાર , ગ્રીન વાળી મારી” , ત્યાં બીજો બોલે – “અરે રેડ વાળીને કોઈ ના જોશો એ મારો ફટકો છે ! “ ત્યાં જ એકદો ભડકી ઊઠે “ચલ ચલ , તારા પહેલા રેડવાળી ને મેં જોઈ , એ મારી છે “ રેડ વાળી માટે ઝગડો થાય , એ ઝગડો ચાલતો હોય ત્યાં રેડ વાળી એના કોઈ બોયફ્રેન્ડ ના આગમન પછી એની  બાઈકની પાછળ ગોઠવાઈ જાય , ત્યારે રેડ વાળીને પડતી મુકાય , અને પછી નજર પડે યલ્લો વાળી પર –

“હીર જુલિયટ નહિ અગર તો ચલેગી મુજકો જુલી

પ્યાર કી સુલી પે ચઢ જાઉં બાત બડી મામુલી

પહેલા પહેલા પ્રેમ હૈ મેરા , દિલ કા ખાલી ફ્રેમ હૈ મેરા ,

કાનો મેં જિસકે બાલી , હોગી વો નખરેવાલી ,

યારો લવમેરેજ કરને કો બિલકુલ તૈયાર હૂં  “

                                      બેચલર લાઈફમાં આવતા સપનાઓની તો વાત જ કંઈ ઔર હોય છે ! સુંદર છોકરીઓના સપનાઓના સામ્રાજ્ય ની બાદશાહી માં જીવન વીતતું હોય ! અને સવાર પડે એટલે અડધો કલ્લાક સુધી તો પથારીમાંથી ઊભા જ ના થઈએ , બસ રાતે જોયેલું સપનું મમળાવ્યા કરીએ. અને જે છોકરી નું સપનું જોયું હોય એને કોલેજમાં જઈને જોઈએ , ત્યારે સહજ રીતે મલકાઈ જવાય ! આવા ડ્રીમ્સ પણ સહજતા થી મિત્રો એકબીજા સાથે શેર કરતા ! – “યાર , કાલે તો તારા ભાભી સપનામાં આવેલા ! “  કોણ કહે છે કે છોકરાઓ છોકરીઓને રીસ્પેકટ નથી કરતા ! જયારે પણ એકબીજાની પ્રેયસી વિષે વાત કરે ત્યારે “તારા ભાભી “  ને “મારા ભાભી “ જેવા જ શબ્દો પ્રયોજે ! કેવા શરમાળ અને માન-મર્યાદા-સંસ્કૃતિ નું જતન કરનારા હોય છે છોકરાઓ ! અને છોકરીઓ ?! ક્યારેય એમના મોઢે સાંભળ્યું છે કે “તારા જીજાજી “ ને “મારા જીજાજી “ કહી કહી ને પોતાના બોયફ્રેન્ડસ વિષે વાત કરતી હોય ! એતો જે તે છોકરાની વાત ડાયરેક્ટ એનું નામ લઈ ને જ કરે!

વેલ અફકોર્સ , આ તો એક રમૂજ થઇ , બટ આઈ વુડ લાઈક ટૂ સે કે એ સપનાઓ ની સુંદરી નો હાથ પકડવો , અને કાયમ માટે પકડવો. હાથ મચકોડયા કરવાથી કંઈ નહિ મળે , સાચો પ્રેમ તો પહેલા સ્પર્શમાં જ ઓળખાઈ જશે. હા , પહેલી નજરમાં માત્ર આકર્ષણ જ નહિ , પ્રેમ પણ હોય છે “લવ એટ ફર્સ્ટ સાઈટ !” હું એવું દ્રઢ પણ માનું છું કે પ્રેમ કરવા માટે એકબીજાને ઓળખવાની જરૂર નથી . એકબીજાને સારી રીતે ઓળખીને પણ લોકો ક્યાં સંબંધ ટકાવી શકતા હોય છે ! કોઈને જોતા જ અંજાઈ જવું , એને જીવન સોંપી દેવા તૈયાર થઇ જવું એ પ્રેમ જ છે ! નથી એ વહેમ ! એ જેવી હશે એવી , મારી હશે , ઘરવાળી હશે ! પ્રેમ થાય ત્યારે લાગે એ ભોળી ભાળી , અને ઘરવાળી બને પછી એ થાય ગુસ્સાવાળી ! અરે ભાઈ બધે આ જ છે લવારી ! જે મળે એ મેળવીને ફેરા ફરી લો કારણ કે સરવાળે બધી છોકરીઓ સરખી જ હોય છે સાલી !

“ડ્રીમ્સ દેખતા હૂં ઉસકે દેખા નહિ જિસકા ચહેરા 

તું વો લડકી નહિ હૈ કૈસે હાથ પકડ લૂ તેરા

પહેલા પહેલા પ્રેમ હૈ મેરા , દિલ કા ખાલી ફ્રેમ હૈ મેરા ,

હોગી વો ભોલી ભાલી , થોડી સી ગુસ્સેવાલી ,

ઐસી લડકી સે મિલને કો મેં બેકરાર હૂં “