NFDC ની ફિલ્મ્સ

ફિલ્મ રીવ્યુઝ – એન.એફ.ડી.સી. સિરીઝ

                             Official_logo_NFDC_India

                                             હું હંમેશા થી એન.એફ.ડી.સી. દ્વારા નિર્મિત ફિલ્મોનો દીવાનો રહ્યો છું. ( જેમાં “ધ ગૂડ રોડ” જેવા અપવાદ પણ છે ) માટે ઘણા સમયથી ઈચ્છા હતી કે આ બ્લોગ પર એન.એફ.ડી.સી. દ્વારા નિર્મિત ફિલ્મો વિષે લખું. આ વિચાર નો અમલ આજ થી કરી રહ્યો છું. એન.એફ.ડી.સી. ની અનેક ફિલ્મો જોયેલી છે , અને એ જૂની ફિલ્મો યાદ કરી ને એના વિષે લખવું એ ખરેખર અઘરું કામ છે. આજની આ પોસ્ટમાં બે અદભુત ફિલ્મ્સ વિષે વાત કરીશ ૧ ) મેં ઝીંદા હૂં અને ૨) રુઈ કા બોજ

મેં ઝીંદા હૂં

                      સુધીર મિશ્રા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ૧૯૮૮ માં આવેલી , ફિલ્મમાં દીપ્તિ નવલ , પંકજ કપૂર અને આલોકનાથ જેવા (ખરા ) કલાકારો હતા.  (દીપ્તિ નવલ)બીના લગ્ન કરે છે , પણ તેનો પતિ આલોક (આલોકનાથ નું ફિલ્મમાં પણ આલોક જ નામ છે ) લગ્ન પછી તેની સામું સુદ્ધા નથી જોતો . ગરીબ અને મધ્યમ વર્ગ ની વચ્ચે નો વર્ગ એટલે કે લોવર મિડલ કલાસના વિસ્તારમાં તેઓ રહે છે જ્યાં બધા લોકો ને બધા ને પંચાયત રહેતી હોય . એમાં બે ફની કેરેક્ટર્સ – એ વિસ્તારમાં રહેતા બે વડીલો બીનાના દરેક વર્તન નું બારીક ઓબ્ઝર્વેશન કરે છે , બંને માંથી એક વડીલ આંધળા છે , તે બીના ના જીવનમાં જે કોઈ ઘટના બને તેમાં મીઠું મરચું ભભરાવી ને એક વાર્તા લખાવી રહ્યા છે . પોતાના પતિ દ્વારા સતત ઇગ્નોર થતી બીનાના ભાવ તેઓ નોંધે છે. આખા કુટુંબ ની જવાબદારી એકલો ઊઠાવતો આલોક એક દિવસ ઘર છોડીને ભાગી જાય છે.

APP5

                                    પહેલા તો એની પત્ની પોતાની સાસુના મહેણ ઓ નો ખુબ ભોગ બને છે પણ પરિવાર માં પૈસા ની ખુબ જરૂર હોય છે જે બીના કમાઈ ને આપવાનું શરુ કરે છે, ત્યાં તેની ઓફિસમાં પંકજ કપૂર તેના પ્રેમ માં પડે છે , બીના પણ ઝાઝો વખત પોતાના મન પર કાબુ નથી રાખી શક્તિ અને પંકજ ના પ્રેમ ની હુંફ પામે છે. પણ એક દિવસ જયારે આલોક પાછો આવે છે ……!!! ફિલ્મમાં વાર્તા ની ઘણી રસપ્રદ ડીટેઈલ્સ મેં રીવીલ નથી કરી , જે તમે પોતે જ જોઈ ને એન્જોય કરો એ વધુ ઇચ્છનીય છે. બીના તેના મૃત પિતા સાથે વાતો કરી શકે છે , જે તેના મનચક્ષુ પર પ્રગટ થઇ તેને તેની દરેક મુશ્કેલી નો ઉપાય સૂચવે છે . જેમાં એના પિતા દ્વારા સુચવેલી બે લાઈન્સ અનહદ સ્પર્શી  છે . એક – જયારે બીના કહે છે – મારા માં જીવવાની હવે શક્તિ નથી રહી ત્યારે તેના પિતા જવાબ આપે છે – શક્તિ છે , ત્યારે જ તો તું જીવિત છો . બીજી લાઈન – જયારે બીના આત્મહત્યા કરવાનો વિચાર કરે છે ત્યારે તેના પિતા કહે છે – મોત નો અનુભવ તો એક દિવસ કરવાનો જ છે , અત્યારે જીવન નો અનુભવ કરી લે ! આલોક પાછો આવે છે એ દ્રશ્ય નું ફિલ્માંકન લાજવાબ છે . ફિલ્મ ને બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઇશ્યુઝ નો નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયેલો . અને ફિલ્મ જોતા જ એ એવોર્ડ ની યથાર્થતા સમજાઈ જાય છે.

Director - Sudhir Mishra

Director – Sudhir Mishra

                                    બીના નું કેરેક્ટર ખુબ જ સુંદર પોટ્રેટ થયું છે , જેનો પોતાનો અવાજ છે , પણ તે ક્રાંતિકારી નથી . જેને જીવવું તો છે પણ પોતાની આજુ બાજુ જીવતા લોકો ના જીવન નો પણ ખ્યાલ છે . જે ભાંગી તો જાય છે પણ થોડોક વિરામ લઇ ને પાછી ઊભી થાય છે – એના પિતા જોડે થી પ્રેરણા મેળવી ને ! એના પિતા કહે છે – જીવનમાં થાકી જરૂર જવાય , અને બેસી ને વિરામ પણ લઇ શકાય , પણ એ વિરામ પછી પાછુ ઊઠવું ખુબ જરૂરી છે . બહુ બેસી લીધું તે , હવે ચાલ , ઊઠ !

WATCH “MAIN ZINDA HOON” TO FEEL ALIVE.

રુઈ કા બોજ

                               આ ફિલ્મ જોશો એટલે સમજાઈ જશે કે પંકજ કપૂર એ કયા “દાદુ ” માણસ નું નામ છે . આ મારા પપ્પા ના શબ્દો APP2છે – ખુબ જાણકાર વ્યક્તિ ને તેઓ “ખાંટૂ” કહેતા અને ખુબ ટેલેન્ટેડ વ્યક્તિ ને તેઓ “દાદુ” કહેતા . પંકજ કપૂર ની ક્ષમતાઓ નો સૌથી મોટો પૂરાવો એટલે “રુઈ કા બોજ ” . ૧૯૯૭ માં આવેલી આ ફિલ્મ ના દિગ્દર્શક નું નામ શુભાશ અગ્રવાલ હતું .

                            પંકજ કપૂર ઘરના વડીલ ની ભૂમિકા માં છે , જેમના પત્ની હયાત નથી , વૃદ્ધાવસ્થામાં તેઓ પોતાની સંપત્તિ પોતાના દીકરાઓ  વચ્ચે વહેંચે છે એમાં થોડો વધુ ભાગ પોતાના નાના દીકરા ને આપે છે . થોડી સંપતિ પોતાને નામે પણ રાખે છે અને પછી પ્રશ્ન ઊભો થાય છે કે સંપત્તિ માં ની સૌથી અનિચ્છનીય ચીજ અર્થાત પિતા , એ કોને ત્યાં રહેશે ! નાના દીકરા ને વધુ જરૂર છે પિતા ની એમ બીજા દીકરાઓ તારણ કાઢે છે અને એ નિર્ણય ને માન્ય રાખી પંકજ કપૂર નાના દીકરા ની સાથે જીવન શરુ કરે છે. નાના દીકરા ની ભૂમિકામાં મશહુર અને એનધર દાદુ કલાકાર રઘુવીર યાદવ . પિતા ના ચશ્માં ની એક દાંડી તૂટી જાય છે જે દીકરો કે વહુ રીપેર કરાવવી જરૂરી ન સમજતા હોઈ એક દાંડી ની જગ્યા એ દોરી બાંધી ને વૃદ્ધ વડીલ રોડવે રાખે છે. એમના આ એકલા અટૂલા જીવન નું અતિ સુંદર ચિત્રણ એ ફિલ્મ નો સબ્જેક્ટ છે , અને સાહેબ શું કલાત્મક રીતે એ સબ્જેક્ટ ને જસ્ટીફાય કર્યો છે !

                                                     ફિલ્મ તો છે જ એક માસ્ટર પીસ , પણ આખી ફિલ્મ માં મને સૌથી વધારે ગમેલું દ્રશ્ય – જયારે પંકજ કપૂર ને દવા ગળવી હોય છે ત્યારે તે એના નાનકડા પૌત્ર પાસે પાણી નો ગ્લાસ મંગાવે છે . એક ગ્લાસ થી દવા ગળે નથી ઊતરતી , પૌત્ર પાસે બીજો , પછી ત્રીજો ગ્લાસ પણ મંગાવવામાં આવે છે . અને ગોળી ગળા ની નીચે ઊતરતી જ નથી – એને ઊતારવા માટે ના પ્રયત્નો માં પંકજ કપૂર ના અભિનય ને ગડગડાટ તાળીઓ ના ગુંજ થી બિરદાવવો પડે. છેલ્લે બાળક કંટાળી ને કહે છે – હવે થી દવા લેવી હોય ત્યારે પાણી નું માટલું તમારે સાથે લઇ ને જ બેસવું ! અને માંડ માંડ જયારે ગોળી ગળે થી નીચે ઊતરે છે ત્યારે પણ પંકજ કપૂર ના હાવ ભાવ જલસો કરાવે છે ! વૃદ્ધાવસ્થામાં આવતી સ્વભાવગત મર્યાદાઓ પરિવારજનો સ્વીકારી શકતા નથી , પોતાનું માન ઘરમાં જળવાતું નથી એ જોઈ ને પંકજ કપૂર અંતે વિરોધ કરે છે ! એ વિરોધ એ કઈ રીતે પ્રદર્શિત કરે છે અને એનો શું અંજામ આવે છે એ તમે ફિલ્મ માં જ જોઈ લેજો . અને જો તમે પંકજ કપૂર ના ફેન છો તો તમારે માટે આ ફિલ્મ જોવી અતિ ફરજીયાત છે . અને જો ફેન નથી તો આ ફિલ્મ જોઈ ને જરૂર બની જશો એની મને ખાતરી છે .