મારી કવિતાઓ

અઘરું ને ?

છોડવું ખૂબ સહેલું

નિભાવવું અઘરું

 

કહેવું ખૂબ સહેલું

સાંભળવું અઘરું

 

ચાલ્યા જવું સહેલું

થોભવું અઘરું

 

વિચારવું છે સહેલું

આચરણ અઘરું

 

માણવું તો સહેલું

જાણવું અઘરું

 

ભાંડવું પણ સહેલું

સ્વીકારવું અઘરું

 

સગપણ હોવું સહેલું

એમાં સમર્પણ અઘરું

 

મરવું સૌથી સહેલું

જીવવું અઘરું

બસ, હવે કંઈ બોલવું નથી

બસ હવે કંઈ બોલવું નથી…

બોલીને જે કહેવું છે એ કહેવાની ક્ષમતા મારામાં નથી

કદાચ ઉંધુ જ બોલાઈ જતું હશે મારાથી,

હા, એટલે જ તો લોકો હું જે કહું છું એનો ઉંધો અર્થ જ કાઢે છે,

અને એ તો હું એવું માનું છું કે તેમણે ઉંધો અર્થ કાઢ્યો,

ખરેખરમાં એવું પણ હોય કે મારાથી ઉંધી રીતે જ બોલાયું હોય,

મને ક્યાં કંઈ બોલતા આવડે છે,

ચાલતા ય ક્યાં આવડે છે,

અરે ઉભા રહેતા ય નથી આવડતું,

અફકોર્સ બોલતા તો બિલકુલ નથી આવડતું

એટલે બસ, હવે કંઈ બોલવું નથી,

ક્યાંક મારાથી ઉંધા અર્થમાં બોલાઈ જાય અને..

શું થઇ જાય? જે કંઈ પણ થાય તેનો મને સહેજ પણ ડર નથી,

બિલકુલ વળી, હવે થઇ થઈને શું થવાનું છે,

થવામાં કંઈ બાકી રહ્યું છે ખરું ?

જે થયું છે એ બધું મેં ખુલ્લેઆમ કહ્યું પણ છે,

અને એમ ખુલ્લેઆમ બધું કાબુલવાથી પણ ઘણું બધું થયું છે,

જે થયું છે એનો પસ્તાવો નથી અને જે થશે એનો ડર નથી,

એમ તો આજે પણ કહી દેત , પણ આજ પૂરતું તો લીધેલું પ્રણ પાળું –

બસ, હવે કંઈ બોલવું નથી.

હા, તું મળી…

જે સ્વરૂપે, જે સમયે અને જે ભાવનાઓ સાથે તને ઝંખી હતી ,

તું અદ્દલ એ જ સ્વરૂપે …

સમયની એ ચોક્કસ ઘડીએ …

ધાર્યા કરતા પણ વધુ ભાવુક થઈને મળી..

પણ વાસ્તવમાં નહીં, સ્વપ્નમાં !

મેં ધાર્યું કે તારી જ કોઈ અદમ્ય ઈચ્છાએ મારી ઈચ્છા સાથે

મુલાકાત કરી, અને તું સ્વપ્નમાં મળી…

ખરેખર એવું થયું? કે એ મારી ભ્રમણા છે?

સ્વપ્નોની વાસ્તવિકતા એ છે કે એ મનના જ વિચારો છે …

એની સાથે હું તારા મનની સંડોવણી હોવાનું ધારવાની ચેષ્ઠા કેવી રીતે કરી શકું ?

કે કરી શકું ? મારા આનંદ ખાતર તો એવું થાય ને?

મારા આનંદ ખાતર મારાથી સપના તો જોવાય જ ને ?

તું !

આ શરાબ જેવી જ પારદર્શક છે તું

અસલી ચહેરા સાથે દેખાઈ છે તું

 

વફાની વ્યાખ્યા બડી સિફત થી આપી

બેવફા શબ્દ પર યાદ આવી છે તું

 

એજ જૂની તસ્વીરો એજ જુના મકાનો

એજ જૂની યાદોમાં ડોકાઈ છે તું

 

અનેક સ્વપ્નોમાં વારંવાર હરહંમેશ

મને ચુંબન દઈને આલિંગાઈ છે તું

 

જે ક્યારેય કોઈનો થયો નહોતો  “યુવરાજ”

એને પોતાનો કરી હરખાઈ છે તું

Cheers to મદિરા !!

એક નાજુક કોમળ પરી છે મદિરા
મારા હોઠ ચૂમીને સરી છે મદિરા

મારી નસ નસમાં ઉકળે છે જે રક્ત
એ રક્તમાં ભળીને ઠરી છે મદિરા

મારા અશ્રુઓ સરીને પ્યાલામાં પડ્યા
ને એ અશ્રુઓનો જામ પી રહી છે મદિરા

Liquor_fire_in_glass

રાત-દિવસનો ભેદ ભૂલવો હતો ત્યારે
સાંજ બનીને હંમેશ મળી છે મદિરા

જડમૂળથી પૂરેપૂરો ભાંગી પડું ત્યારે
દોસ્ત બનીને મુજને વળગી છે મદિરા

જયારે પણ ભૂલ્યો છું હું મારી હસ્તી
ત્યારે “યુવરાજ” બનીને મુજને મળી છે મદિરા

તું બદલાઈ ગઈ છે !

હું સાચું કહું છું તું બદલાઈ ગઈ છે,
હે જિંદગી તું આવી કેવી થઇ ગઈ છે

કોઈક પોતીકું પામીને તું હરખાતી,
હવે તો સંબંધોના નામે વેચાઈ ગઈ છે

સંગીતની શેરીમાં તું રોજ ભૂલી પડતી,
હવે તો બેધ્યાન બનીને ખોવાઈ ગઈ છે

શેરીનું એ ગલુડિયું તને કેટલું વ્હાલું લાગતું,
હવે તો એના રડવાના અવાજથી ટેવાઈ ગઈ છે

મારી સાથે દગો કર્યા વિના તને ચાલતું નથી,
બેવફા સ્ત્રી ની જેમ તું પળ પળ બદલાઈ ગઈ છે

હવે સમજાયું કેમ બધાને અજાણ્યો લાગુ છું,
રસ્તો એનો એજ છે મંઝીલ બદલાઈ ગઈ છે

પહેલે થી જ આ આંખોને રડવું નથી ફાવતું ,
બાકી સુખ શાંતિ તો મારી પણ હણાઈ ગઈ છે

મદિરાલય નો રસ્તો બતાવો કોઈ “યુવરાજ”,
નશા ને નામ જિંદગી હવે લખાઈ ગઈ છે

દિશાઓ ભૂલી ગયો !

hello guyz & girls, વડીલો અને મિત્રો , વાત જાણે એમ છે કે વાત કઈ જ નથી ! અને મારી તો ટેવ જ છે કે મને જયારે ખબર હોય કે વાત માં ખાસ દમ નથી ત્યારે હું પોતે જ કહી દઉં છું -( એટલે સમજુ લોકો પોતાનું હિત સમજીને આનાથી દૂર રહે ) બીજું કોઈ કહે કે ના કહે ! તમે વખાણશો તોય મારો અભિપ્રાય એ જ રહેશે. તો પછી તમને કદાચ પ્રશ્ન થાય કે આ નબળું સાહિત્ય પ્રગટ કરવાનો કોઈ મતલબ ખરો ! જો લેખક પોતે જ એમ કહેતો હોય કે આ નબળું છે તો એ એને પ્રગટ કરવાની મુર્ખામી શું કામ કરે છે ? તો એ મુર્ખામી એટલા માટે કે સાહિત્ય ગમ્મે તેવું હોય નબળું કે સબળું એને પ્રગટ થવાનો પૂરે પૂરો હક છે ! કેમ કોઈ ફિલ્મ ખરાબ બની હોવા છતાં (અને દિગ્દર્શકને એની જાણ હોવા છતાં ) રીલીઝ કેમ થાય છે ? હા , પૈસા લાગ્યા હોય એ કારણ તો ખરું જ ! પણ સાથે મહિનાઓ સુધી પરસેવો પાડીને કરેલી મહેનત નું શું ? એ મહેનત માત્ર પૈસા માટે નથી હોતી , એ એક કલાકારની મહેનત હોય છે , કલાનું સર્જન કરવા માટે , પછી એ સર્જનમાં જો એની ઊણપ રહે તોય એ સર્જન ને એ સમાજની વચ્ચે મુકે છે , અને ઘણીવાર એવું પણ બને કે લોકો ખરાબ માંથી પણ સારું શોધીને મેળવી લે ! અને ક્યારેક એવું પણ થાય કે સર્જકને પોતાના સર્જનથી સહેજ પણ સંતોષ ના હોય પણ બીજા કોઈ ને એ સર્જન અતિશય પ્રિય થઇ પડે , જેમ કે રામ ગોપાલ વર્મા ની ફિલ્મ “મસ્ત ” મને ખુબ જ મસ્ત લાગેલી , અતિશય ગમેલી ને વારંવાર જોયેલી , પણ રામ ગોપાલ વર્માએ એ ફિલ્મ વિષે એમ કહ્યું છે કે મારી એ ફિલ્મ થી હું સંતુષ્ટ નથી , એના સર્જનમાં ઘણી ખામીઓ રહી છે સાથે આફતાબના અભિનય થી પણ રામ ગોપાલ વર્મા ને સંતુષ્ટિ ન હતી (અફકોર્સ મને તો આફતાબ નો અભિનય પણ ખૂબ ગમેલો)
સાહિત્ય બાબતે પણ મારું એવું જ માનવું છે કે લેખકને જો એમ લાગે કે આ સર્જનમાં કશીક ઊણપ રહી ગઈ છે , છતાં ય તેને પ્રગટ તો કરવું જ જોઈએ. (અફકોર્સ , લોકોના નેગેટીવ પ્રતિભાવ સાંભળવાની તૈયારી સાથે ) કારણ કે સર્જન થઇ ગયા પછી એ માત્ર તમારી જ મિલકત બની ને રહેતું નથી , એ સર્વે કલા રસિકોની મિલકત છે , જેમ કે દેવ આનંદની ફિલ્મ તીન દેવીયા નું “ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત… ” ગીત , રાજ કપૂરની દરેક ફિલ્મ અને દરેક ગીત … આ બધું મારા માટે કોઈ મિલ્કતથી કમ નથી ! એ રીતે તમારી પણ આવી મિલકતો હશે ! દરેકની હોય છે ! માટે હું મારા સર્જન ને એની તકદીર જાતે જ નક્કી કરવા દઉં છું , હું કોણ છું એને સારું કે ખરાબ કહેવા વાળો ! બે કે ત્રણ વ્યક્તિઓ ના મંતવ્યો કોઈ સર્જનનું ભાગ્ય નક્કી કરી શકતા નથી .
અને ઊણપ લાગતી હોય એવા સાહિત્યને પછી હું ક્યારેય ચૂંથતો પણ નથી . એવું મઠારવા જઈએ એમાં ક્યારેક એ સર્જનનો આત્મા મરી જતો હોય છે , એ આત્મા જેને લઇ ને એ સર્જન પેદા થયું હોય છે .
તો એટલે આ મેં બે દિવસ પહેલા કવિતા જેવું કશુક લખેલું , એ રજુ કરું છું , મન થયું એટલે લખેલું અને મન ફાવે એમ લખેલું , તમે વાંચવું હોય તો વાંચજો પણ બહુ મન પર ના લેતા …. જય માતાજી !

અંધકારમય જીવનમાં દિશાઓ ભૂલી ગયો
મારી હથેળીમાં ભાગ્યનો સુરજ આથમી ગયો

ચાર દીવાલની વચ્ચે વસાવેલા એક ઘરમાં
યાદ નથી ક્યારે હું પાતાળમય બની ગયો

ગરમ હવાઓના સુસવાટાઓમાં બળતો રહ્યો
જ્વાળામુખી જલતો રહ્યો ને હું રાખ બની ગયો

મારા અસ્તિત્વનો ઇનકાર કરતું એક નગર વસતું રહ્યું
હું કોઈને યાદ નથી એવો એક ભૂતકાળ બની ગયો

જીવનભર કોઈ તહેવાર નહોતો ઊજવ્યો “યુવરાજ ”
મોત આવ્યું તો મારે મન એ એક ઉત્સવ બની ગયો

કેમ નથી કહેતો ?

શું વીતે છે તારા પર , તું કેમ નથી કહેતો
એ બધું તારી આંખો કહે છે , જે તું નથી કહેતો

હું કઈ અમસ્તો જ આટલો ચુપ નથી રહેતો
વાત કહેવા જેવી નથી એટલે નથી કહેતો

બધા દુખદર્દ છૂપાવી હું ખડખડાટ હસું છું ત્યારે
સૌ ફરિયાદ કરે છે કે હું હસવાનું કારણ નથી કહેતો

કારેલુ તને ક્યાં ભાવે છે, એને જોઇને તું મોઢું બગાડે છે
સત્યતો કારેલાથી યે કડવું છે , એટલે નથી કહેતો

પોતાનું મૌન તોડીને જયારે ખરેખર બોલવાનું શરુ કરે છે “યુવરાજ”
સૌ કહે છે આ તો આડીઅવળી વાતો કરે છે , જે કહેવાનું છે એ નથી કહેતો

ઢોળાઈ ગયો

ભરેલો જામ પીધા વગર જ ઢોળાઈ ગયો ,
અચાનક યાદ આવેલો એક કિસ્સો ભુલાઈ ગયો

પંખા ના ફરતા ત્રણ પાંખીયાને તાકી રહ્યો ત્યાં
હવાની સાથે વિચારોનો પણ રુખ બદલાઈ ગયો

હું એમનો એમ રહ્યો , દીવાલ પર જડેલ ખીલ્લાની જેમ ,
બદલાતા તારીખીયાઓ સાથે જમાનો બદલાઈ ગયો

પાંજરામાં પૂરેલો પોપટ આજે ચોક્કસ ઊડી જવાનો
એની ફડફડ કરતી પાંખોનો અવાજ મને સંભળાઈ ગયો

સાંજના ખોળે માથું રાખીને સુતો હતો “યુવરાજ “,
સાંજને લેવા રાત આવી તો એ રાતથી રિસાઈ ગયો

નશો મને નહિ પણ બોટલને ચડી જાય છે !

નશો મને નહિ પણ બોટલને ચડી જાય છે
મારા હાથમાંથી સરકીને એ નીચે પડી જાય છે

હું તો જાણે સમજ્યા કે નવરો અને નખ્ખોદિયો છું પણ
વ્યસ્ત લોકોને શી રીતે મને “નકામો” કહેવાનો સમય મળી જાય છે

ઇન્કમટેક્સ વિસ્તારમાં આવેલું ગાંધીજી નું પૂતળું ,
માથે વ્હાલથી હાથ ફેરવીને મને “દીકરો” કહી જાય છે

મંઝીલની વાત છોડો મને તો રસ્તાની પણ જાણ નથી ,
એટલું ઓછુ હોય ત્યાં તમારા જેવા પત્થરો મળી જાય છે

તકદીર , સમય અને સંજોગો નો મને સાથ નથી ,
તો શું થયું અગર તમારો પણ સાથ છૂટી જાય છે

પોતાની મસ્તીમાં મસ્ત અને અલગારી છે “યુવરાજ”,
એને લોકોની નહિ પણ લોકોને એની જરૂર પડી જાય છે.