આજ થી કહેવી છે – નવા જૂની ! અનુભવો પરથી તારણ તો મેં એવું જ કાઢ્યું છે કે પોતાની સાથે બનતી દરેક ઘટના લખવા જેવી નથી . અમુક બાબતો પોતાના માઈન્ડના પ્રાઈવેટ મેમરી ડ્રાઈવ માં જ સેવ કરીને રાખવી પડે . અંગત ડાયરી પણ ક્યારેક તો જાહેર થતી જ હોય છે , માટે બહુ ચર્ચાસ્પદ બને એવી બાબતો જાહેર કરવામાં નહિ આવે એવા ખુલાસા સાથે આજ થી શરુ કરું છું આ વિભાગ – નવા જૂની. છતાંય આપે મારા “મેરી કહાની , ગીતો કી ઝુબાની ” વિભાગની પોસ્ટ્સ વાંચી હશે તો તમને જાણ હશે જ કે અમે સાવ એવાય ડરપોક નથી. ઇન ફેકટ, મારી અંગત બાબતો બ્લોગ પર લખવી એ મારા માટે ચર્ચમાં થતા કન્ફેશનસ સમાન છે,અને મને એમ કરવું ગમે છે – માટે હું ગમ્મે તેટલું ખુલાસાઓ નહિ કરવાનું નક્કી કરું તોય , મને ખુદ પર કાબુ નહિ જ રહે અને આ ભાયડો ભડાકા કરશે જ એવી તૈયારી સાથે તમે વાંચવાનું શરુ કરો અને હું લખવાનું શરુ કરું છું – નવા જૂની !
આ વખતની નવા જૂની – માત્ર ને માત્ર રંગભૂમિ વિશે
– પહેલી વાર એક કમર્શિયલ ફૂલ લેન્થ નાટકમાં અભિનય કર્યો – “વળતર”, લેખક – ભીષ્મ સહાની અને દિગ્દર્શક – નિમેશ દેસાઈ , નાટકનો પહેલો શો નવમી ફેબ્રુઆરી ૨૦૧૩ ના રોજ અમદાવાદના જય શંકર સુંદરી હોલમાં હતો , બીજો જયપુર અને ત્રીજો શો પ્રાંતિજમાં કર્યો , ચોથો શો ફરી અમદાવાદમાં ૧૩ મી મે ૨૦૧૩ ના રોજ થશે. મારું પાત્ર બટનની ફેકટરીના માલિક – શેઠનું હતું . યસ અફકોર્સ , મને ખુબ મજા આવી , પ્રેક્ષકો ને પણ ! મિત્રો – સ્નેહીજનો એ ખુબ ઉત્સાહભેર મને જોયો અને વખાણ્યો – બીજું શું જોઈએ !

“વળતર” ના પહેલા શોની તસ્વીર . ડાબેથી શશાંક,નાના શેઠના પાત્રમાં , વચ્ચે શેઠના પાત્રમાં હું અને જમણે પાલાભાઇ મુનીમના પાત્રમાં
– “ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી” દ્વારા યોજાતી પાંચ દિવસની નાટ્ય શિબિર પણ ભરી . એવરેજ એક્સપીરીયન્સ રહ્યો .
– જાન્યુઆરીમાં શેરી નાટકો કર્યા હતા , અને એનો અનુભવ શ્રેષ્ઠ રહ્યો . જે લોકો ભાગ્યે જ કોઈ ફિલ્મ જોતા હોય અને નાટક તો ક્યારેય જોયું જ નાં હોય એના નાના ગામના લોકો ને મનોરંજન આપીને ખુબ સંતોષ થયો. કુલ પાંચ દિવસમાં નાટકના દસ શો કર્યા , દસ અલગ અલગ ગામમાં !

શેરી નાટક ભજવી રહેલો હું અને સાથી કલાકારો પ્રિયા , અનિલભાઈ અને સાયનભાઈ
– મહિનામાં અનેક ફિલ્મો થીયેટરમાં જોઈ લેતા એવા અમે ( હું અને મીસીસ ) છેલ્લા બે મહિનામાં એક પણ ફિલ્મ થીયેટરમાં નથી જોઈ ! આ ઐતિહાસિક ઘટના બનવા પાછળ નું કારણ – નાટક ! છેલ્લા બે મહિનામાં અમે ૧૫થી પણ વધારે નાટકો જોઈ નાખ્યા . એટલે ફિલ્મ જોવા જવાનો ટાઈમ જ ના રહ્યો . અને ખાસ ખર્ચો પણ નાં થયો કારણ કે આમાં બે નાટકોને બાદ કરતા બાકીના બધા નાટકોમાં ફ્રી આમંત્રણ થી ગયેલા . ઘણા નાટકો સારા હતા , અને કેટલાક નાટકો વાહિયાત પણ હતા , ગમેલા દરેક નાટકની વાત ન કરતા સૌથી વધારે ગમેલા નાટકનું નામ આપી દઉં – “અંતિમ અપરાધ ” લેખક – ડો . રઈશ મનીયાર અને દિગ્દર્શક વિરલ રાચ્છ. જામનગર ની ટીમ છે , અને અભિનંદન ને પાત્ર છે . જામનગર જેવું શહેર જ્યાં નાટકનું માર્કેટ નથી , ત્યાં રહી ને પણ આ પ્રવૃત્તિ કરવી અને બધા છક થઇ જાય એવું નાટક તૈયાર કરી ને બતાવવું એ બદલ ખરેખર – હેટ્સ ઓફ !
– ઊનાળો શરુ થયો છે અને નાટકોનું માર્કેટ ધમધમી રહ્યું છે , એકથી એક ચડિયાતા નાટકો અમદાવાદમાં ભજવાઈ રહ્યા છે .અમદાવાદમાં ભજવતા નાટકના શોઝ ની સંખ્યા કાયમ હોય એના કરતા ચાર ગણી વધી ગઈ છે. ઓલ થેન્ક્સ ટુ વેકેશન ! પણ અમારે નાટકોનો ઓવર ડોઝ થયો હોવાથી આ વખતે અમે નાટકોના આ વેકેશન માર્કેટને કમાણી નહિ કરાવીએ , અને ટૂંક સમયમાં અમે એકાદું પિક્ચર જોઈ આવશું . જોકે વેકેશનના લીધે ફિલ્મનું માર્કેટ પણ ગરમ છે.
– થોડા દિવસ પહેલા એક નાટક લખવાનું પણ શરુ કર્યું , અને નવલકથાઓ લખતી વખતે થાય છે એવું નાટકમાં પણ થયું , થોડું લખાયું અને પછી ગાડું અટકી ગયું. પણ નવલકથાઓમાં ગાડું અટકી અટકીને ય ચાલે છે તો ખરું , અને મહિનાઓ નહિ તો વર્ષોમાં પણ હું નવલકથા પૂરી તો કરું જ છું , બિલકુલ એ જ રીતે , મને વિશ્વાસ છે કે આ નાટક પૂરું તો થશે જ , પણ કયા વર્ષમાં એ કહેવું મુશ્કેલ ! મારા પબ્લીશર્સ નું પણ એવું જ ખાતું છે , મારી નવલકથા ” સોદો ” ની તેમણે બટર તૈયાર કરી છે , અને આ વર્ષમાં તેઓ પબ્લીશ કરી દેશે તેવી ગણતરી છે , પણ આ વર્ષનો તે કયો મહિનો હશે એ કહેવું મુશ્કેલ !
– મારી સાથે નાટકમાં કામ કરતી મારા જેટલી જ ઉમર ની એક છોકરી વનશ્રી એ દુનિયામાંથી કાયમી વિદાય લીધી – નવમાં માળેથી જીવન ટૂંકાવી ને. હસમુખો સ્વભાવ અને હંમેશા બસ નાટક નાટક ને નાટકમાં જ રચયી પચ્યી રહેતી વનશ્રી ને આ દુનિયામાં શું દુખ હતું એ કોઈ ના જાણી શક્યું. એના જીવનના છેલ્લા ૩ મહિનામાં મેં એની સાથે ઘણો સમય વ્યતીત કર્યો – સાથે શેરી નાટકો કર્યા , “વળતર ” નાટકમાં પણ તે સહાયક દિગ્દર્શક હતી , સાથે એક નાનો રોલ પણ કરી રહી હતી. એણે ભજવેલા એક નાટક માં પણ એ આજ રીતે મરજીથી જીવન ટૂંકાવીને મૃત્યુ પામે છે, એ દ્રશ્ય ખુબ દ્રાવક છે , મને ફરિયાદ હતી કે એ આમ કશું કહ્યા વગર કેવી રીતે જઈ શકે ! પેલા નાટકમાં એ છેલ્લા શ્વાસો માં કહી ને જાય છે – “સ્ત્રીની તો જાત જ હવા જેવી હોય છે… ક્યારે વિલીન થઇ જાય , કશું કહેવાય નહિ.” તું ખુબ યાદ આવીશ વનશ્રી.

શેરી નાટકો દરમ્યાન ગામના નાના બાળકો સાથે – હું અને વનશ્રી