અમન કી આશા

વસંત અને રજબ નામના બે શહીદ

અરે આ હિંદુ- મુસ્લિમના તોફાનો રોકવા માટે નેતાઓ એ કઈ કરવું જોઈએ ! અરે… સોરી, નેતાઓનું કામ આ તોફાનો રોકવાનું થોડું છે… એમનું કામ તો…! વેલ, નેતાઓ ની વાત છોડો, પોલીસ શું કરે છે? તો ભાઈ પોલીસે એક ખુબ જ વખાણવા જેવું કામ કર્યું છે. અમદાવાદની પોલીસ સાંપ્રદાયિક રમખાણો રોકવા એક ફિલ્મ બનાવી રહી છે. ફિલ્મના બે મુખ્ય પાત્ર ૧૯૪૬ની રમખાણોમાં મૃત્યુ પામેલા હિંદુ અને મુસલમાન દોસ્ત છે , જેઓ લોકોનો જીવ બચાવતા બચાવતા મૃત્યુ પામ્યા હતા. વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં થયેલ કોમી હુલ્લડો પર બનેલી કેટલીક ફિલ્મોને સરકાર અથવા ભાજપ સાથે જોડાયેલ સંસ્થાઓએ ગુજરાતમાં રીલીઝ નહોંતી થવા દીધી. પણ પોલીસ દ્વારા આ જે કામ હાથ ધરાયું છે, તેને કોઈ નહીં રોકી શકે.

f6d5856e77f8b81bca86a9a8777f6765_L

હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લોકોમાં જાગૃતિ લાવવા અને ભાઈચારાની ભાવના વધારવાના હેતુથી ફિલ્મ બનાવી રહ્યું છે. આ એજ ક્રાઈમ બ્રાંચ છે જેના મુખિયા ડીજી વણજારા , અભય ચુડાસમા અને જીએલ સિંઘલ કેટલાક ખોટા તોફાનોને મુદ્દે જેલ ભેગા થઇ ચુક્યા છે.તેમના પર કેટલાક લોકો પર અત્યાચાર ગુજાર્યા હોવાનો આરોપ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ના ડીપ્ટી કમિશ્નર ઓફ પોલીસ હિમાંશુ શુક્લે જણાવ્યું, “ફિલ્મ અમદાવાદના બે દોસ્ત વસંત રાવ અને રજબ લખાની ની વાર્તા સંભળાવીને લોકોને હળી મળીને રહેવા અને કોમી તોફાનો થી દૂર રહેવા પ્રેરિત કરશે.” તેઓ કહે છે, “અમે શહેરના મોટા દિવસ , રથયાત્રા , ઈદ અને દિવાળી જેવા દિવસો પર આને દેખાડીશું.” સ્વતંત્રતા સેનાની અને સેવા દળના સભ્ય વસંત અને રજબ ૧ જુલાઈ ૧૯૪૬ ની રથયાત્રા વખતે થયેલા તોફાનોમાં લોકોનો જીવ બચાવતા બચાવતા મૃત્યુ પામ્યા હતા. તેમના મૃત્યુ પર ગાંધીજીએ પણ બીજા દિવસે પૂણેમાં નિવેદન આપ્યું હતું. અમદાવાદમાં પાછલા કેટલાક વર્ષોથી ૧ જુલાઈને કોમી એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ ફિલ્મ કોમી ભાઈચારાનો સંદેશ આપશે. અમદાવાદ શહેરની વચ્ચે વસંત અને રજબ નામનો એક ચોક પણ બનેલો છે, પણ બીજેપીની કોઈ પણ સરકારે તેની ક્યારેય પણ કોઈ ખબર નથી લીધી. ફિલ્મ સહીત ક્રાઈમ બ્રાન્ચ સાંપ્રદાયિક ભાઈચારા માટે એક વસંત-રજબ ગેલેરીનું પણ નિર્માણ કરી રહી છે. આ ગેલેરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઓફીસ – ગાયકવાડ હવેલીમાં બનશે. શુક્લ જણાવે છે, “ફિલ્મ સહીત અમે ૨૦૦ વર્ષ જૂની ગાયકવાડ હવેલીના સંરક્ષણ પર પણ કામ કરી રહ્યા છીએ. આ હવેલીમાં અમે ગુજરાત પોલીસનું મ્યુઝીયમ બનાવીશું અને સાંપ્રદાયિક એકતાનો સંદેશ આપવા માટે એક ગેલેરી પર પણ કામ થશે.”

Advertisements

જો આ બંદો કાફિર છે, તો પછી દુનિયામાં કોઈ મુસલમાન નથી !

રવિશંકર પાકિસ્તાનમાં રહેતો એક હિંદુ છે, અને એ ત્યાં જાકીર તરીકે કામ કરે છે. જાકીર એ વ્યક્તિને કહેવામાં આવે છે જે ધાર્મિક કાર્યક્રમો કે મજલિસોમાં ઇસ્લામની અગત્યની ઘટનાઓ વિષે વિવરણ આપે. પાકિસ્તાનના ધાર્મિક કાર્યક્રમોમાં ત્યાંના હિંદુ સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાય છે. રવિશંકર સામાન્ય મુસલમાનની સરખામણીમાં ઇસ્લામ ધર્મની વાર્તાઓ અને પરંપરાઓ વિષે વધુ જાણકારી ધરાવે છે. તેમણે ૭૦ના દાયકાથી આ જવાબદારી ઉપાડી છે. રવિશંકરને એક વખત દમનો રોગ થયો અને તેઓ માનતા માંગવા મજાર પર ગયા અને તેમની તબિયત સુધરી જતા ત્યારથી જ રવિશંકર આ રંગમાં રંગાઈ ગયા. રવિશંકરે નાગર નિગમમાં નોકરી કરી. ૯૦ના દાયકામાં તેમણે મજલીસ વાંચવાનું શરુ કર્યું પણ આ માટે તેમણે કોઈ મદરેસા કે યુનીવર્સીટીમાંથી શિક્ષણ નથી મેળવ્યું પણ જાતે જ પોતાના આગવા વાંચનથી તેમણે આ જ્ઞાન મેળવ્યું.

રવિશંકરે મિર્ઝા સલામત અલી દબીર, મીર અનીસ અને બીજા ધાર્મિક વિદ્વાનોના પુસ્તકો વાંચ્યા પણ તે હિંદુ શાયરા દેવી રૂપ કુમારીથી વધુ પ્રભાવિત થયા છે. તે સિંધ, ઝંગ , ઓકાડા, આરીફ વાલા, રાવલપીંડી, લાહોર અને ખેબર પખ્તૂનખ્વાહ માં મજલીસ પઢી ચુક્યા છે. રવિશંકરના મિત્રોએ તેમને કહ્યું કે ડેરા ઈસ્માઈલ ખાન, પેશાવર અને કોહાટ માં તાલીબાન છે, જે તને મારી નાંખશે તો જવાબમાં રવિશંકર કહે છે કે મારે તો એવું જ મૃત્યુ જોઈએ છે, કેમકે સામાન્ય મૃત્યુ કરતા શહાદત સારી.વાહ, સલામ છે આ બંદગી ને !

રવિશંકર

રવિશંકર

પંજાબના કેટલાક શહેરોમાં એક હિન્દુના જાકીર હોવા પર વિરોધ થયો, પણ રવિશંકર વિરોધીઓને ઝંગના વિદ્વાન અલ્લામા નસીમ અબ્બાસ રીઝવીનું નામ આપે અને સાથે એમનો ફોન નંબર પણ આપે. અલ્લામા નસીમ અબ્બાસને તે પોતાના ઉસ્તાદ પણ માનતા હતા.અલ્લામા નસીમ અબ્બાસ સાથે સંપર્ક કર્યા બાદ લોકો ચુપ થઇ જતા, પણ અફસોસ કે હવે અલ્લામા નસીમ અબ્બાસ આ દુનિયામાં નથી રહ્યા.  એટલે વળી પાછા આ પાક કામમાં વિરોધો.. અડચણો ! અને હવે તો રવિશંકર નો પક્ષ લેનારું પણ કોઈ નહીં.

મજલીસ પઢવાવાળા કેટલાક જાકીરોને આયોજકો નઝરાના પણ પેશ કરે પણ રવિશંકર આવા પૈસા નથી લેતા. તે ફક્ત પોતાની આસ્થા અને પ્રેમ માટે આ કામ કરે છે. તે વિવાદાસ્પદ ભાષણ નથી આપતા. એ પોતાની ધાર્મિક આસ્થા છોડતા નથી અને બીજાની ધાર્મિક આસ્થાને છંછેડતા નથી. રવિશંકર હવે નોકરીમાંથી નિવૃત થયા છે. તેમને પેન્શનના જે સાત આંઠ લાખ રૂપિયા મળ્યા એને તેમણે ઈમામ બાડા ના કામમાં લગાવી દીધા. (અબ ઇસસે બડી બાત કોઈ હો સકતી હૈ મિયાં ? )  હવે સ્થાનિક ઈમામ બાડાની મસ્જિદોના કેટલાક કેરટેકરો પણ તેમના વિરોધી બની ગયા છે. રવિશંકરની છેલ્લી ઈચ્છા છે કે ઇસ્લામી રીવાજ મુજબ તેમની નમાઝ-એ-જનાઝા અદા કરવામાં આવે અને એ જ ઈમામ બાડામાં તેમના અંતિમ સંસ્કાર થાય જે તેમણે બનાવડાવેલું. (માઈન્ડ વેલ, રવિશંકર શંકરની આ છેલ્લી ઈચ્છા એ એનો બાકાયદા હક છે ) રવિશંકર એવું માને કે જેમની સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે જુમ્માની નમાજ પઢી છે, તેમની જ જવાબદારી છે કે તે રવિશંકરની નમાજે જનાજા અદા કરે. જો એ લોકો આ નહીં કરે તો રવિશંકરના બાળકો કોઈ બીજાને બોલાવીને નમાજે જનાજા અદા કરાવશે. રવિશંકર પાકિસ્તાનને બે દશક પહેલા જેવું હતું તેવું જ જોવા માંગે છે. ત્યારે આસ્થાના મુદ્દે કોઈ ખાસ ભેદભાવ નહોંતા. બધા ભાઈઓની જેમ રહેતા હતા. આજે પણ એવું થાય તો પાકિસ્તાનની દુનિયામાં પ્રતિષ્ઠા વધે.

સરસવના તાજીયા ! ભઈ વાહ !

ઇસ્લામ ધર્મના પૈગમ્બર મોહમ્મદના પૌત્ર ઈમામ હુસૈનની શહાદતની યાદમાં મનાવવામાં આવતી મોહરમ. આ મોહરમ આમ તો મુસલમાનોનો માતમી તહેવાર છે, પણ ભારતના ઘણા ભાગમાં આ માતમી તહેવારમાં હિંદુ પરિવાર પણ જોડાય છે. ભારતમાં લોકો આજે મોહરમ ઉજવી રહ્યા છે. વર્ષોથી દરેક મહોરમ પર સરગવાના તાજીયા હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમા છે.

ગુજરાતની નજીક આવેલા રાજસ્થાનના સાંભર લેક વિસ્તારમાં નીકાળવામાં આવતા તાજીયા એક હિંદુ પરિવાર દ્વારા નીકાળવામાં આવે છે. રંગીન પત્તા અને સુંદર ઝાલરો થી સજાવેલા તાજીયા અને એમાય સરસવની તાજી સુગંધ, જાણે સોનામાં સુગંધ ભેળવવાનું કામ કરતા હોય છે. અને આમ તો કહેવાની જરૂર ન હોય તોય કહી દઉં કે જયપુરથી ૮૦ કિમી દૂર આવેલા આ વિસ્તારમાં તાજીયા રસ્તા પર ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. આમ તો મોહરમ પર તાજીયા શિયા મુસ્લિમ સમુદાયના લોકો જ નીકાળે છે , પર ઇસ હરિયાલે તાજીયે કી તો બાત હી કુછ ઔર હૈ મિયાં !

141103174641_abha_sharma_jaipur_hindu_muharram_624x351_abhasharma_nocredit

હિંદુ અને મુસ્લિમ બંને આ અવસર વહેંચવામાં આવતા તબરૂક (પ્રસાદ) ને હર્ષભેર આરોગે છે. હિંદુ સ્ત્રીઓ પોતાના બાળકોની સલામતી અને સ્વાસ્થ્ય માટે તેમને આની નીચેથી નીકાળે છે. આ વિસ્તારના એક હિંદુ અગ્રવાલ – ક્યાલ પરિવાર દ્વારા વણજારાઓના પીર બાબા આગળ માનવામાં આવેલી વેપાર અને બાળકની ઈચ્છા માટેની બાધા પૂરી થયા બાદ આભાર સ્વરૂપ આ પરંપરા લગભગ દોઢસો વર્ષ પહેલા શરુ થઇ. ક્યાલ પરિવાર પારંપરિકરૂપે મીઠાના વેપારી રહ્યા છે અને આઝાદી પહેલા વણજારા અલગ અલગ જગ્યાઓએ ફરીને મીઠું વેચતા હવા. સરસવના તાજીયા આજે પણ વણજારાઓની મસ્જીદમાં જ તૈયાર કરવામાં આવે છે.

સરસવના તાજીયા કયાલ પરિવારની દેખરેખમાં જ તૈયાર થાય છે. આ બનાવવા માટે વાંસની ખપચ્ચીઓ થી તાજીયા તૈયાર કરીને સરસવના દાણાને ભીના રૂમાં રાખીને આના પર લપેટવામાં આવે છે. પછી આને ૨૪ કલાક દેખરેખ હેઠળ રાખવામાં આવે છે, જેના માટે એક વ્યક્તિ સતત તાજીયા પાસે રહે છે, અને એના પર પાણી છાંટતો રહે છે. મોહરમના દિવસે તાજીયા નીકાળતા પહેલા ક્યાલ પરિવારના મુખ્ય સભ્ય અને મસ્જિદના મૌલવીને સાફા પહેરાવવામાં આવે છે અને તાજીયા ચોકમાં આવે ત્યારે પૈસા અને કોડીઓનો વરસાદ શરુ થઇ જાય છે. આમાં ઉછાળેલા સિક્કાઓમાંથી ઘણા લોકો તાવીજ બનાવી ને પોતાના બાળકના ગળામાં પહેરાવે છે. તાજીયા પર સરસવ કેટલા ફૂલ્યા છે અને રંગ કેવો ખીલ્યો છે તેના આધારે લોકો પાક કેવો થશે એનો અંદાજ પણ લગાવે છે.

લખનઉંમાં શિયા મુસલમાનોની સંખ્યા વધુ હોવાને કારણે મોહરમનો આખો મહિનો ધાર્મિક જોશ સાથે મનાવવામાં આવે છે. અહીં ઘણા હિંદુઓ મોહરમમાં ભાગ લે છે, અને શિયા મુસ્લિમ જેટલા જ વિશ્વાસથી શિરકત કરે છે. આમાંના ઘણા પરિવાર તો બ્રામ્હણ છે જે હવે હુસૈની બ્રામ્હણ ના નામથી ઓળખાય છે.

સરહદ પાર… અબ તક બચ્ચન !

પાકિસ્તાનમાં એક બચ્ચનનો દિવાનો, માંડે છે પોતાના બાળપણથી લઈને વૃદ્ધત્વ સુધીની વાત ! 

હિન્દી સિનેમાના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અઠવાડિયા પહેલા ૭૨ વર્ષના થયા. છેલ્લા ચાર દાયકામાં ઘણી પેઢીઓ તેમની ફિલ્મો જોઇને મોટી થઇ, યુવાન થઇ, અને વૃદ્ધ થઇ. પણ અમિતાભ આજે પણ પોતાના ખાસ અંદાજમાં રૂપેરી પડદે છવાયેલા છે. પપ્પા ધોળકાની હોસ્પિટલ માં ડોક્ટર તરીકે ફરજ પર હતા એ ગાળામાં બચ્ચનની ‘એન્ગ્રી યંગ મેન બ્રાન્ડ’ વાળી બધી મુખ્ય ફિલ્મ આવેલી. અને મારી બહેનોએ મમ્મી-પપ્પા સાથે એ બધી ફિલ્મો જોયેલી. અમિતાભની ફિલ્મો પ્રત્યે એમનો ક્રેઝ્ જબ્બર હતો, એમણે પણ મને અમિતાભની ફિલ્મ જોવા માટે કરેલા ધમપછાડાઓ જેવા અનેક કિસ્સાઓ કહ્યા છે..

હિન્દી સિનેમાના મહાનાયકનો જાદુ જેટલો ભારતમાં હતો તેટલો જ પાકિસ્તાનમાં પણ હતો.પુરાવો જોઈએ છે? તો ચાલો કરીએ વુસ્તુલ્લાહ ખાનના બ્લોગ પર એક નજર. વુસતુલ્લાહ ખાન આજીવન બચ્ચન ના આશિક રહ્યા છે, એમના નાનપણ થી લઈને વૃદ્ધત્વ સુધીના જીવનમાં બચ્ચન કેવી રીતે સંકળાયેલા છે એ જાણવા આજે એમના જ શબ્દોમાં લખાયેલી એક પોસ્ટ વાંચીએ.

વુસતુલ્લાહ ખાનનો આ બ્લોગ ઉર્દુમાં છે, અત્રે પ્રસ્તુત છે, તેમના અમિતાભ વિશેના લેખનું ગુજરાતી અનુવાદ…

બિલકુલ પણ આશ્ચર્યચકિત ન થતા જો હું કહું કે હું અને અમિતાભ બચ્ચન એક સાથે મોટા થયા, પણ હવે હું ઘરડો થઇ રહ્યો છું. હું તમને સમજાવું છું… જીવનમાં પહેલી ફિલ્મ આનંદ જોઈ તો જાણ્યું કે ફિલ્મ શું હોય છે. આનંદ બાબુને જીવતા રાખવાના પ્રયાસમાં લાગેલા દુબળા પાતળા લાંબા ડોક્ટરને જોયા તો જાણ્યું , દોસ્તીના શું મુલ્યો છે. અને જયારે બહાર નીકળ્યો તો એ જાણ્યું કે પોતાના જ ગાલ પર વહેતા ખામોશ આંસુ આટલા ખારા કેમ હોય છે. ત્યારબાદ ઘરમાંથી જુના કપડા, ઘસાયેલા વાસણ, તૂટેલી લાકડીઓ ગાયબ થવા લાગી. કેમ? અરે તમે જ કહો કે મારા જેવો ચોથા ધોરણમાં ભણતો બાળક , ત્રણ કેસેટોવાળા વીસીઆર પર છૂપાઈને અમિતાભની નવી ફિલ્મ ઝંઝીર જોવા માટે ૧૦ રૂપિયા લાવે તો લાવે કઈ રીતે? એ પણ ૭૦ ના દાયકામાં ?

   નમક હરામ

1111

એક વાર એવું થયું ને થયું કે વીસીઆરવાળાએ કાનમાં કહ્યું , આજે સાંજે નમક હરામ લાવી રહ્યો છું, આવી જા. મેં કહ્યું, બસ પાંચ રૂપિયા પડ્યા છે મારા ગલ્લામાં ! તેણે કહ્યું કંઈ વાંધો નહીં, ઉધાર જોઈ લે ! અમ્માને કહ્યું કે સાંજે દોસ્તને ત્યાં જઈ રહ્યો છું , ભણવા માટે! સવારે પરીક્ષા છે. અમ્માએ આંખમાં આંખ પરોવીને કહ્યું, ભણીને પાછો આવી જાય તો મને પણ નમક હરામની વાર્તા સંભળાવી દેજે, પછી કહેવા લાગી.. મને સાચું કહીને જવાનું રાખ, નમકહરામ! મેં તને પેદા કર્યો છે, તે મને નહીં. પછી પૂછ્યું, પૈસા છે? મેં ના પાડી.. તેમણે પોતાના દુપટ્ટાની ગાંઠ ખોલીને દસ રૂપિયા કાઢ્યા, અને મારી હથેળી પર મૂકી દિધા. એ દિવસ પછી હું લગભગ અમ્મા આગળ તો જુત્ઠું નથી જ બોલ્યો.

શોલે

2222

શોલે જોતી વખતે પોલીસની રેડ પડી ગઈ કેમકે તે દિવસોમાં વીસીઆર પર ફિલ્મ જોવી, તે પણ સ્લમડોગ ભારતીય ફિલ્મ જોવી એ પોલીસની નજરમાં ગંભીર અપરાધ હતો. જો એ દિવસે મજીદ મને પોતાના ખભા પર ઉંચકીને દીવાલ ન કુદાવત તો બાપની આબરૂ અને મને છોડાવવા માટે એમના પૈસા , બંને ફૂંકાઈ જાત. અમિતાભની છેલ્લી ફિલ્મ કૂલી હતી, જે મેં જોઈ. પછી ઘણા વર્ષો સુધી કોઈ પણ કલાકારની કોઈ પણ ફિલ્મ ન જોઈ.

બાગબાન

3333

એક જમાના બાદ એક દિવસ બાગબાને ફરી મને મારા બાળપણનો હીરો સફેદ વાળમાં પરત કર્યો. પછી બ્લેક, સરકાર, સરકાર રાજ, નિશબ્દ, ચીની કમ, પા અને ભૂતનાથ કે જે હું મારા નાના દીકરા રાફે ને દેખાડવા થીયેટરમાં લઇ ગયો. રાફે એ ફિલ્મ જોતા જોતા પૂછ્યું કે બાબા શું તમે ભૂતનાથની જેમ ફિલ્મ જોતા જોતા ગાયબ થઇ શકો છો? હું એને કેવી રીતે જણાવું કે ભૂતનાથ પાછલા ચાલીસ- બેંતાલીસ વર્ષોથી મારી અંદર જ તો રહેતો હતો.

વાત એમ છે કે જમાનાના કોઈ એક વણાંક પર એક ખાસ સમયમાં કેટલાક લોકો કેમેરાને હમેશા માટે પસંદ આવી જાય છે. અમિતાભ પણ એમાંના જ છે. તેમનો ૭૨ મો જન્મદિવસ આવ્યો તો મેં પોતાની જાતને કહ્યું, હેપ્પી બર્થ ડે ટૂ યુ.. બુઢઢાં હોગા તેરા બાપ !

ના હિંદુ, ના મુસલમાન – માણસને માણસ જ બનવા દો ને યાર !

મોટેભાગે એવું હોય કે બાળકને નાનપણથી જ પોતાના વડીલો તરફથી શીખવવામાં આવતું હોય કે આ ભગવાન છે આમને પગે લગાય , કે અલ્લાહને યાદ કરી નમાજ પઢાય ! બાળકનું કુમળુ મન કોઈ પણ જાતની દલીલ વગર વડીલ જે કહે એ સ્વીકારી લેતું હોય છે. ત્યારે એ ઇચ્છનીય છે કે વડીલો બાળકને એવું તો ન જ શીખવે કે એ કુમળુ મન આગળ જતા કટ્ટર બને. અને જો પોતાના ધર્મની સાથે સાથે બાળક બીજા ધર્મ વિષે પણ જાણે તો એની પોતાની સમજ વિકસશે … હા, એ સમજના વિકાસમાં જરૂર વડીલો તેને માર્ગદર્શન આપી શકે. વડીલ બાળકને પાંખો આપે એ બહુ સુંદર વાત છે, પણ પાંખો આપીને તેનું આકાશ બાંધી દે, એ તો બહુ ખોટું કહેવાય ને ? માણસ હિંદુ કે મુસલમાન નહીં બને તો ચાલશે, પણ એનું માણસ બનવું એ સૌથી વધુ અગત્યનું છે.

પશ્ચિમ બંગાળના બર્ધમાન જીલ્લાની આ વાત છે. અહીના એક ઓરગ્રામ ચતુસપલ્લી મદરેસામાં મૌલવી વિધાર્થીઓને કુરાન અને ઇસ્લામ ધર્મ વિષે શીખવે છે, પણ આશ્ચર્યની વાત તો એ છે કે એ વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓ હિંદુ છે. આ મદરેસામાં ભણવાવાળા ૧૪૦૦ વિદ્યાર્થીઓમાંથી ૬૦ ટકાથી પણ વધારે વિદ્યાર્થીઓ હિંદુ છે. મદરેસાના પ્રિન્સીપાલ અનવર હુસેન કહે છે, “મદરેસા વિષે જે ધારણા હતી તે બદલાઈ ગઈ છે. અહી આવનાર બધાને એવું લાગે છે કે ધર્મો વચ્ચે કોઈ ભેદ નથી.”

e69d533f72d46fb2e8f549f9cf1172bb_L

આ મદરેસાને રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ મળી ચુક્યો છે. ૧૩ વર્ષની સુજાતા હલદર ઇસ્લામીયતનું અધ્યયન કરતા ક્હે છે કે એ પોતાના મદરેસાથી ખૂબ ખુશ છે, શિક્ષકો તેનું ખૂબ ધ્યાન રાખે છે, અને તેમને કોઈપણ પ્રકારનો ભેદભાવ અનુભવાતો નથી.

મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ આ મદરેસાથી ખૂશ છે. એક વિદ્યાર્થીની શીન્જીની કહે છે, “બીજા ધર્મોના વિદ્યાર્થીઓ હોવાથી વધુ શીખવા મળે છે. અમે એકબીજા વિષે જાણતા થઈએ છીએ.” પશ્ચિમ બંગાળમાં ૬૦૦થી વધુ મદરેસાને સરકારી માન્યતા પ્રાપ્ત છે. આ આધુનિક પ્રકારના મદરેસામાં છોકરીઓની સંખ્યા વધુ છે. ઘણા મદરેસાઓમાં હિંદુ વિદ્યાર્થીઓની સંખ્યા મુસ્લિમ વિદ્યાર્થીઓથી વધુ છે. ઇસ્લામના અધ્યયન સિવાય આ મદરેસાઓમાં આધુનિક શિક્ષાનું સ્તર ઊંચું છે.

નદીયા જીલ્લાના મુલ્લા યાદ અલી મદરેસાના શિક્ષક તપન ચક્ર્વતીને કહે છે, “અમારું સ્તર ઊંચું છે અને અમારા બાળકો બહાર ઘણો સારો દેખાવ કરે છે” પશ્ચિમીબંગાળમાં મદરેસાઓના પાઠ્યક્રમનું આધુનિકીકરણ ભૂતપૂર્વ કમ્યુનીસ્ટ સરકારોએ કર્યું છે. આ મદરેસાઓમાં આજે ચાર લાખથી વધુ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે જેમાં હજારોની સંખ્યામાં હિંદુ વિદ્યાર્થીઓ છે. આ મદરેસાઓ ઇસ્લામની એક સકારાત્મક છબીનું પ્રતિક છે.

{અમન કી આશા : 5th Post} એવા પાકિસ્તાનીઓ, જેમને ભગતસિંહ અને સર ગંગારામ પર ગર્વ છે

ભગતસિંહ અને સર ગંગારામનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ફૈસલાબાદ (તે સમયના લાઈલપુર)ના તહસીલ જડાનવાલામાં થયો હતો. એપ્રિલ ૧૮૫૧માં જડાનવાલા ના ગંગાપુર ગામમાં જન્મેલા સર ગંગારામ એક રીતે લાહોરના સંસ્થાપક કહેવાય છે.

આજે પણ લાહોરમાં તેમની ડીઝાઈન કરેલી ‘નેશનલ કોલેજ ઓફ આર્ટસ’, ‘લાહોર સંગ્રહાલય’ અને ‘જનરલ પોસ્ટઓફીસ’ જેવી ઘણી ઇમારતો છે. લાહોરની પ્રખ્યાત ‘સર ગંગારામ હોસ્પિટલ’ની સ્થાપના તેમણે કરી હતી. સર ગંગારામના પૈતૃક ગામનું નામ ગંગાપુર પણ તેમના નામ પરથી જ છે. ગામના એક જમીનદાર શકીલ અહેમદ શાકિરનો પરિવાર ૧૮૮૦થી આ ગામમાં છે. તેમના નાના, દાદા અને સર ગંગારામ સાથે કામ કરતા હતા.

વિભાજન પછી પાકિસ્તાનમાં હિંદુઓ અને સીખોના નામ પર રાખવામાં આવેલ રસ્તાઓ અને જગ્યાઓના નામ બદલવામાં આવ્યા, પણ અહીં ના લોકોએ આ ગામનું નામ બદલાવા ન દીધું.સર ગંગારામે ગંગાપુરમાં ‘કોઓપરેટીવ ફોમિંગ સોસાયટી’ની શરૂઆત કરી હતી અને તે માટે ૫૬ એંકડ ઉપજાઉ જમીન દાન કરી હતી. આજે તેનાથી થતી આવક પરમાર્થના કામ હેતુ ઉપયોગમાં લેવાય છે. ગંગારામનું ઘર હજુ પણ સારી હાલતમાં છે અને ત્યાંના લોકોની ઈચ્છા તેને પુસ્તકાલયમાં ફેરવવાની છે જેથી ભવિષ્યની પેઢી સર ગંગારામ વિષે જાણી શકે. ગામના લોકોની આવી ઈચ્છાનું કારણ એ છે કે તેમણે તથા તેમના પૂર્વજોએ નજરે જોયું – અનુભવ્યું છે કે એ ગામ સર ગંગારામ થકી જ સુખી-સંપન્ન થયું છે. આથી ગામના દરેક લોકો સર ગંગારામને ખૂબ આદરપૂર્વક યાદ કરે છે. 

હાલ પાકિસ્તાનમાં આવેલા એ ઘરની તસ્વીર, જ્યાં ભગતસિંહનો જન્મ થયો હતો

હાલ પાકિસ્તાનમાં આવેલા એ ઘરની તસ્વીર, જ્યાં ભગતસિંહનો જન્મ થયો હતો

ગંગાપુરથી લગભગ ૨૦ કિમી દૂર ફૈસલાબાદ-જડાનવાલા રોડ પર ભગતસિંહનું ગામ બંગા આવેલું છે. હવે એ ગામ ભગતપુરના નામથી ઓળખાય છે. ભગતસિંહનું પૈતૃક ઘર ગામના જમાત અલી વિર્કની માલિકીમાં આવે છે. વિભાજન પછી તેમના દાદા સુલતાન મુલ્કને આ ઘર મળ્યું હતું. જમાત અલી કહે છે,”ભાગલા પછી ભગતસિંહના ભાઈ કુલબીર સિંહ ૧૯૮૫માં પહેલી વાર અહીં આવ્યા હતા. તેમણે અમને કહ્યું કે આ ઘર ભગતસિંહના પરિવારનું છે.” તેમણે કહ્યું કે ભગતસિંહના હાથે રોપવામાં આવેલું કેરીનું વૃક્ષ આજે પણ ગામમાં છે. જમાત અલી મુજબ ભગત સિંહ આ ધરતીનો પુત્ર છે. ગામના લોકો તેને હિરો માને છે કારણકે તેમણે અંગ્રેજો વિરુદ્ધ લડત લડી હતી. તેઓ કહે છે, “અમે માનીએ છીએ કે આઝાદીના ઈતિહાસમાં જ્યાં સુધી ભગતસિંહનું નામ ન આવે ત્યાં સુધી તે પૂરો થતો નથી.” 

પ્રેમ તોડે હર સીમા , પ્રેમ તોડે હર બંધન …

મહારાષ્ટ્રની આશા નામની એક છોકરી અને પાકિસ્તાનનો ખાલીદ નામનો એક છોકરો. બંને ના દેશ અલગ , બંને ક્યારેય એક બીજાને મળી શકે તેવી કોઈ શક્યતા નહોંતી, પણ તેમની કિસ્મતમાં એકબીજાને મળવાનું જ નહીં પણ એકબીજાના થવાનું પણ લખાયેલું હતું. અને તેઓ એકબીજાના થયા પણ ખરા, અને એ પણ મળ્યા વગર. હવે એવું તો ન જ કહેતા કે એ કેવી રીતે શક્ય છે ! એકબીજાને જોયા વગર એકબીજાના થઇ જવું એ વાત કઈ નવી થોડી છે? બે દિલ પત્ર વ્યવહાર થી પણ એક થઇ શકતા … યાદ કરો રાજ કપૂરનું “આહ” એ જ પ્રકારની બીજી ફિલ્મ “સિર્ફ તુમ” . અને હા, રિતિક , રાની વાળી “મુજસે દોસ્તી કરોગી” પણ ખરીને ? ફિલ્મો એ વાસ્તવિક જીવનનું જ પ્રતિબિંબ છે એ સાબિત કરવા ચાલો આપણે આશા અને ખાલીદ પર પાછા ફરીએ.

પત્ર વ્યવહાર કરવાનો એ જમાનો જતો રહ્યો અને લોકો ઈન્ટરનેટથી સંદેશાઓની આપલે કરવા લાગ્યા. તો આશા અને ખાલીદ , પ્રત્યક્ષ મળ્યાTrueNoon2 વગર ઈન્ટરનેટ પર મળ્યા, અને એકબીજાના પ્રેમમાં પણ પડ્યા. બંને એ લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું. હવે આશાએ નક્કી કર્યું કે તે ખાલીદને પાકિસ્તાન જઈને મળશે. પણ   આશાને નિરાશા સાંપડી કારણ કે તેને પાકિસ્તાન જવાનો વિઝા જ ન મળ્યો. પણ એથી કાઈ પ્રેમીઓ હાર થોડા માને. બંને એકબીજાના દેશમાં ગયા વગર પ્રત્યક્ષ મળ્યા ! બંને પ્રેમીઓએ વાઘા સીમા રેખા પર મળવાનો નિર્ણય કર્યો, તેઓ મળ્યા હતા પરંતુ પોત પોતાના દેશની સરહદમાં રહીને. બંને એકબીજાને જોઈ શકતા હતા પરંતુ મળી નહોતા શકતા.આશાએ હજુ પણ હાર તો નહોંતી જ માની , તેણે ફરીવાર વિઝા માટે એપ્લાય કર્યું , અને તેને સફળતા મળી.

અને આશા પાકિસ્તાન ગઈ. એકબીજાના પ્રેમમાં ઝૂરતા બંને પ્રેમીઓ મળ્યા. સરહદની મુશ્કેલીઓ ઓળંગીને ! લાહોરમાં બંને એ લગ્ન કરી લીધા.  એક વર્ષ પછી બાળક પણ થયું.. પછી તો ધે લીવ્ડ હેપ્પીલી એવર આફ્ટર જ થાત , પણ કિસ્મત જેટલી મહેરબાન થઇ તેટલી જ ક્રૂર પણ થઇ. આશા ના ભાગ્યમાં ખાલીદનો પ્રેમ અને ખાલિદના જીવનમાં આશા નું સ્થાન આટલું જ લખાયેલું હતું. આશાના ૩૩ વર્ષીય પતિનું અચાનક હૃદયરોગના હુમલાને કારણે દેહાંત થયું અને આશા ૨૯ વર્ષની ઉમરમાં જ વિધવા થઇ ગઈ. પતિના પરિવારજનોએ પોતાના છોકરાની અચાનક થયેલી મોત માટે આશાને જવાબદાર ગણાવી. અપશુકનીયાળ ગણાવી.

આશાએ ખૂબ માનસિક તકલીફો વેઠી, અને એકદિવસ પોતાના બાળકને લઈને સાસરું છોડી દીધુ.સાસરું તો છોડી દીધું , પણ પાકિસ્તાનમાં એક ભારતીય છોકરી , અને એ પણ એક બાળકની જવાબદારી સાથે . જાય તો જાય ક્યાં ? આશા પાકિસ્તાનના રસ્તાઓ પર રાખડી. પણ અલ્લાએ પોતાનો એક બંદો મોકલ્યો. એક મસ્જિદના ઈમામ એની વહારે આવ્યા. તેમણે માં-દીકરાને આશરો આપ્યો, અને એક વરિષ્ઠ પોલીસ અધીકારીની મદદથી પૈસા એકઠા કરીને આશાને મુંબઈ મોકલવાની સગવડતા કરી આપી. તેમણે માનપૂર્વક આશાને પાકિસ્તાનથી વિદાય કરી. આશા ભારત અને પાકિસ્તાન વચ્ચે રહેલી નફરતની દીવાલ તોડવા માટે કઈક કરવા માંગે છે. તે જણાવે છે કે તેનું બાળક બંને દેશનું છે. તેમનો પ્રેમ એ વાતનું પ્રતિક છે કે દેશ, ધર્મ અને જાત-પાતના સીમાડા ઓળંગી શકાય છે.