Day: ઓક્ટોબર 21, 2014

દિવાળીમાં મારે ઘેર … આવશો કે નૈ ? આવશો કે નૈ ?

મારા માટે નાનપણથી દિવાળીનું સૌથી મોટું આકર્ષણ – રંગોળી !નાનો હતો ત્યારે બહેનો જ બનાવે, આપણને કોઈ ચાન્સ ના આપે… પછી થોડો મોટો થયો એટલે સમજ64613_Diwali-Fireworks-Wallpapers_1024x768 આવી કે ચાન્સ કોઈ આપે નહીં પણ જાતે લઇ લેવો પડે. ત્યારથી દરવર્ષે રંગોળી બનાવું છું. એ પણ જેમતેમ નહીં હોં, પહેલા ગેરુ લગાડવાનું , પછી ચિતરવાની જુદી જુદી રચનાઓ …. ક્યારેક મોડર્ન આર્ટ તો ક્યારેક સિમ્પલ તો ક્યારેક ચાર્ટ ! આ બધું વાંચીને એવું ના માની લેતા કે હું રંગોલીનો ખેરખા છું, એવું બિલકુલ નથી. સામાન્ય કરતા પણ થોડી ઉતરતી કક્ષાની રંગોળીઓ માં મારી રંગોળી આવતી હોય છે. હવે પાછો ફોટાનો જમાનો આયો છે એટલે તમે કહેશો કે એ બધું જવાદો અને અમને જાતે જ નક્કી કરવા દો … લાવો બતાવો ફોટા ? તો એમાં એવું છે કે ફોટા તો બધા  ખૂબ આડાઅવળા … અને એથીયે અવરચંડી મારી આળસ એટલે ફોટા માટે હાલ પૂરતું મુલતવી.

ફટાકડાનું પણ જબ્બર આકર્ષણ નાનપણમાં હતું. ફટાકડા વાળો ઘરે આવીને એક કાગળ આપી જતો, જેમાં તેની દુકાનમાં ઉપલબ્ધ બધા ફટાકડાના નામ અને કિંમત લખેલા હોય અને દરેકની સામે એક ખાનું. પછી જે ફટાકડો લેવો હોય એની સામે આપેલા બે ખાનામાંથી એક ખાનામાં ટીક કરવાનું અને બીજા ખાનામાં ક્વોન્ટીટી લખવાની. પ્રાઈઝ પણ આપેલી હોય એટલે ઓર્ડર આપતી વખતે જ આપણ ને ખબર પડી જાય કે કેટલો ખર્ચ થશે. જોકે એ ટોટલ માં દુકાનવાળો થોડું ડિસ્કાઉન્ટ પણ કરી આપતો. અને પછી આવતો… ફટાકડાનો મોટ્ટો કોથળો ! જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એ કોથળાની સાઈઝ નાની થતી ગઈ… કોથળો નાનો થતા થતા ધીમે ધીમે ગાયબ જ થઇ ગયો. અને હવે મૂડ હોય તો એકાદું ૫૫૫ નું પેકેટ લઇ આવું , અને હા, તારામંડળ પણ ! તારામંડળ મને સૌથી વધુ ગમે…. એના તણખામાં જાણે મને કઈ કેટલીયે ઉજાણીઓ સમાયેલી લાગે. હું ૪ – ૫ તારામંડળ ઝાડ પર લટકાવીને પછી બધા સાથે સળગાવતો . સરસ નજારો સર્જાતો.

અને લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ , મીઠાઈઓ . આખો દિવસ દિવાળીના નાસ્તા આચળ કુચળ ખાધા કરવાની મજા જ જુદી . એમાં મારી અતિ પ્રિય સુંવાળી. સુંવાળી મને બહુ ભાવે બાપુ… દિવાળીના દિવસોમાં સવારે ઉઠું તો ચા ભેગી સુંવાળી…. ! તમે એવું પૂછશો કે ચા મોળીના લાગે ? અરે એવું કઈ ના લાગે… સુંવાળી નો સ્વાદ તો હરહંમેશ સુરીલો લાગે. મઠીયા બિલકુલ ના ભાવે… ચવાણું વાટકી ભરી ભરીને ટીવી જોતા જોતા ખાવાનું … પણ ગઈ દિવાળીએ એક પણ મીઠાઈ નહોંતી ખાધી…. માંદગી પછી ની પરેજી રૂપે… જોકે આ વખતે પરેજી ફરેજીના મૂડ આવે એવું હાલ તો લાગતું નથી.

દિવાળી પર રીલીઝ થયેલું મૂવી પણ દર બેસતા વર્ષે પહેલા જ શોમાં !

ઓહ્હ … દિવાળી ! કેટલો મોટો અને ભવ્ય તહેવાર ને ? આપ સૌને દિવાળીના ખૂબ ખૂબ વધામણા … અને મુજ આંગળે ભાવભર્યું સ્વાગત ….

અને ઓલી વ્હાલસોયી ચકલીનું પણ મીઠડું સ્વાગત…

ચકી બેન ચકી બેન … મારે ઘેર દિવાળીમાં … આવશો કે નૈ ? આવશો કે નૈ ?

બેસવાને સોફો (અને એના પર નવા કવર)…

જોવાને રંગોળી…. .

ખાવાને સુંવાળી …

આપીશ તને… આપીશ તને…..

આવશો કે નૈ ? આવશો કે નૈ ?