મહારાષ્ટ્રની આશા નામની એક છોકરી અને પાકિસ્તાનનો ખાલીદ નામનો એક છોકરો. બંને ના દેશ અલગ , બંને ક્યારેય એક બીજાને મળી શકે તેવી કોઈ શક્યતા નહોંતી, પણ તેમની કિસ્મતમાં એકબીજાને મળવાનું જ નહીં પણ એકબીજાના થવાનું પણ લખાયેલું હતું. અને તેઓ એકબીજાના થયા પણ ખરા, અને એ પણ મળ્યા વગર. હવે એવું તો ન જ કહેતા કે એ કેવી રીતે શક્ય છે ! એકબીજાને જોયા વગર એકબીજાના થઇ જવું એ વાત કઈ નવી થોડી છે? બે દિલ પત્ર વ્યવહાર થી પણ એક થઇ શકતા … યાદ કરો રાજ કપૂરનું “આહ” એ જ પ્રકારની બીજી ફિલ્મ “સિર્ફ તુમ” . અને હા, રિતિક , રાની વાળી “મુજસે દોસ્તી કરોગી” પણ ખરીને ? ફિલ્મો એ વાસ્તવિક જીવનનું જ પ્રતિબિંબ છે એ સાબિત કરવા ચાલો આપણે આશા અને ખાલીદ પર પાછા ફરીએ.
પત્ર વ્યવહાર કરવાનો એ જમાનો જતો રહ્યો અને લોકો ઈન્ટરનેટથી સંદેશાઓની આપલે કરવા લાગ્યા. તો આશા અને ખાલીદ , પ્રત્યક્ષ મળ્યા વગર ઈન્ટરનેટ પર મળ્યા, અને એકબીજાના પ્રેમમાં પણ પડ્યા. બંને એ લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું. હવે આશાએ નક્કી કર્યું કે તે ખાલીદને પાકિસ્તાન જઈને મળશે. પણ આશાને નિરાશા સાંપડી કારણ કે તેને પાકિસ્તાન જવાનો વિઝા જ ન મળ્યો. પણ એથી કાઈ પ્રેમીઓ હાર થોડા માને. બંને એકબીજાના દેશમાં ગયા વગર પ્રત્યક્ષ મળ્યા ! બંને પ્રેમીઓએ વાઘા સીમા રેખા પર મળવાનો નિર્ણય કર્યો, તેઓ મળ્યા હતા પરંતુ પોત પોતાના દેશની સરહદમાં રહીને. બંને એકબીજાને જોઈ શકતા હતા પરંતુ મળી નહોતા શકતા.આશાએ હજુ પણ હાર તો નહોંતી જ માની , તેણે ફરીવાર વિઝા માટે એપ્લાય કર્યું , અને તેને સફળતા મળી.
અને આશા પાકિસ્તાન ગઈ. એકબીજાના પ્રેમમાં ઝૂરતા બંને પ્રેમીઓ મળ્યા. સરહદની મુશ્કેલીઓ ઓળંગીને ! લાહોરમાં બંને એ લગ્ન કરી લીધા. એક વર્ષ પછી બાળક પણ થયું.. પછી તો ધે લીવ્ડ હેપ્પીલી એવર આફ્ટર જ થાત , પણ કિસ્મત જેટલી મહેરબાન થઇ તેટલી જ ક્રૂર પણ થઇ. આશા ના ભાગ્યમાં ખાલીદનો પ્રેમ અને ખાલિદના જીવનમાં આશા નું સ્થાન આટલું જ લખાયેલું હતું. આશાના ૩૩ વર્ષીય પતિનું અચાનક હૃદયરોગના હુમલાને કારણે દેહાંત થયું અને આશા ૨૯ વર્ષની ઉમરમાં જ વિધવા થઇ ગઈ. પતિના પરિવારજનોએ પોતાના છોકરાની અચાનક થયેલી મોત માટે આશાને જવાબદાર ગણાવી. અપશુકનીયાળ ગણાવી.
આશાએ ખૂબ માનસિક તકલીફો વેઠી, અને એકદિવસ પોતાના બાળકને લઈને સાસરું છોડી દીધુ.સાસરું તો છોડી દીધું , પણ પાકિસ્તાનમાં એક ભારતીય છોકરી , અને એ પણ એક બાળકની જવાબદારી સાથે . જાય તો જાય ક્યાં ? આશા પાકિસ્તાનના રસ્તાઓ પર રાખડી. પણ અલ્લાએ પોતાનો એક બંદો મોકલ્યો. એક મસ્જિદના ઈમામ એની વહારે આવ્યા. તેમણે માં-દીકરાને આશરો આપ્યો, અને એક વરિષ્ઠ પોલીસ અધીકારીની મદદથી પૈસા એકઠા કરીને આશાને મુંબઈ મોકલવાની સગવડતા કરી આપી. તેમણે માનપૂર્વક આશાને પાકિસ્તાનથી વિદાય કરી. આશા ભારત અને પાકિસ્તાન વચ્ચે રહેલી નફરતની દીવાલ તોડવા માટે કઈક કરવા માંગે છે. તે જણાવે છે કે તેનું બાળક બંને દેશનું છે. તેમનો પ્રેમ એ વાતનું પ્રતિક છે કે દેશ, ધર્મ અને જાત-પાતના સીમાડા ઓળંગી શકાય છે.