Month: જુલાઇ 2014

ઢોલીવૂડનો આ ‘ઢોલીડો’

“ધી અનુપમ ખેર શો”ની ટેગલાઈન મસ્ત છે – “કુછ ભી હો સકતા હૈ” ! અનુપમ ખેરનો આ શો એના જીવનની અવિસ્મરણીય સિધ્ધિ બની રહેવાનો છે. શો ફિલ્મી સિતારાઓના ઈન્ટરવ્યુનો છે, અને કોઈ સામાન્ય માણસ જયારે સિતારો બને ત્યારે ચોક્કસ એમ કહી શકાય કે સાલું આ લાઈફમાં તો કઈ પણ થઇ શકે. એક મિત્ર છે નિરવ કલાલ, એની આજે વાત કરવી છે. એની લાઈફમાં હજુ એટલા ચમત્કારો નથી સર્જાયા જેટલા આવનારા ભવિષ્યમાં સર્જાશે. અને એટલે જ એના કેસમાં પણ કહેવું સાર્થક રહેશે “કુછ ભી હો સકતા હૈ” ! આ બ્લોગ પર લખાતા ગુજરાતી ફિલ્મોના રિવ્યુઝ એ રેગ્યુલર વાંચે , કલાકારની સાથે સાથે એક ભાવક પણ ખરો. અને એવા કલાકારો ભાગ્યે જ જોવા મળે છે. શહેરમાં વસતા, ઠાઠમાઠથી જીવતા કલાકારો ગુજરાતી ફિલ્મોમાં કામ કરતા થઇ જાય છે, પણ એ કામની શરૂઆત પહેલા તેમણે ક્યારેય ગુજરાતી ફિલ્મો થીયેટરમાં જઈને જોઈ ન હોય. અને કેરિયર શરુ થઇ ગયા પછી તો “રાય” ભરાઈ જાય એટલે ભૂલ થી પણ ન જાય , અને પછી પોતાની ફિલ્મોમાં જયારે થીયેટરમાં કાગડા ઉડે ત્યારે ફેસબુકમાં સ્ટેટસ ઠોકે “ગુજરાતી ઇન્ડસ્ટ્રી ને તમારી જરૂર છે, ફિલ્મો જોવા કેમ નથી જતા” , અરે એ એટલે નથી જતા કારણ કે તારી ફિલ્મોમાં એ ભાવના જ નથી જેની ઓડીયન્સને ઝંખના છે. ઓડીયન્સ ક્યા દ્રશ્યોમાં સીટીઓ મારે છે , તેમને ક્યા કલાકારો ગમે છે, કેવા પ્રકારની ફિલ્મ કેવો પ્રતિભાવ ઝીલે છે , એ માત્ર થીયેટરમાં બેસીને ફિલ્મ જોવાથી જ જાણી શકાય અને માટે જ એક કલાકારે એક ભાવક હોવું જ ઘટે. નીરવ એક એવો ભાવક છે, જેણે ગુજરાતી ફિલ્મોમાં કદમ મુક્તા પહેલા સામાન્ય કક્ષાના થીયેટરમાં બેસીને ગુજરાતી ફિલ્મો જોયેલી છે. તો આજે એને આ ઇન્ડસ્ટ્રીમાં જે કઈ પણ મળશે તો એ ચોક્કસ એની કદર કરી જાણશે. એની કેરિયરના શરૂઆતના સ્ટેજમાં એક મોટી ફિલ્મમાં તેણે એક નાનકડો રોલ કરેલો, પણ એ નાનકડો રોલ કર્યા નો તેને હરખ હતો, અને આજે મોટા રોલ કર્યા પછી પણ એ પેલા નાનકડા રોલને ભૂલ્યો નથી, કોઈ સંદર્ભે વાત નીકળે તો આજે પણ એ રોલ વિષે એટલા જ ઉત્સાહથી વાત કરતો નીરવ , નાટકો કે ફિલ્મોમાં પ્રોડકશનના કામ પણ કરી ચુક્યો છે.

કરૂણતાએ છે કે નાના રોલ કરનારને હંમેશા નાના રોલ જ મળે છે. પણ નિરવના કિસ્સામાં સદભાગ્યે એવું ન બન્યું. સતત અને સખત કામ કરવાની

Nirav in his upcoming film "Dholida"

Nirav in his upcoming film “Dholida”

આદત તેને સફળતા તરફ દોરી ગઈ. અને આજે મોટા બેનરની ફિલ્મોમાં પહેલી હરોળના રોલ કરી રહ્યો છે. એક – બે ફિલ્મોમાં તો એણે મેઈન લીડ પણ કર્યું છે. પણ એના વિષે શરૂઆતથી જરા માંડીને વાત કરું …

રાજસ્થાનના ઉદયપુર જીલ્લાના સાલુમ્બર તાલુકાના ભાભરાના ગામનો વતની નીરવ , અમદાવાદમાં જનમ્યો. પિતાની અમદાવાદમાં પોતાની સ્કુલ અને તેઓ તેના પ્રિન્સીપાલ એટલે પુત્ર નિરવે પણ એજ્યુકેશન લાઈનનું શિક્ષણ મેળવ્યું , બી.એ. બી.એડ. થયો, પણ શાળા કોલેજથી જ તેને અભિનયનો ચટકો લાગેલો હતો એટલે એ ક્ષેત્રમાં આગળ વધ્યો. નાટકો કર્યા , પછી “જોગ સંજોગ”, “કાળજાનો કટકો” અને “ખલનાયક” જેવી સીરીયલોમાં કામ કર્યું. તેને શરૂઆતની તક બાપોદરા સાહેબે અને જેકી સાહેબે આપી, પછી તેણે પાછળ વળીને નથી જોયું.

તેના સ્વભાવના લીધે તે ઇન્ડસ્ટ્રીના લોકોમાં પણ સરળતાથી હળી મળી જાય છે. ઇન્ડસ્ટ્રીના મિત્રોને સપોર્ટ કરવો , સાથે આખા યુનિટ સાથે મિત્રભાવે વર્તન કરવું અને પોતાનું કામ જવાબદારીપૂર્વક કરવું જેવા એક સારા કલાકારના બેઝીક ગુણો એનામાં છે. હા, ક્યારેક પોતાની વાતોમાં “બોસ્ટીંગ” કરતો હોય એવું લાગે, પણ એ એનો એક અલગ રંગ છે, અને એની ય અલગ મજા છે. અથવા તો એમ કહી શકાય કે એ એની એક મજાની મર્યાદા છે. આમ પણ એને થોડું વધારે બોલવાની આદત છે,અને એ જરૂરી પણ છે કારણ કે બોલે એના બોર વેચાય ! બે – ત્રણ મેગેઝીન્સમાં નીરવના ઈન્ટરવ્યુ આવેલા છે છતાં આ બ્લોગ પ્રત્યે એક તાંતણો બંધાયેલો હોવાથી એ મને કહેતો , “યાર ક્યારેક તું ઈન્ટરવ્યુ કર ને મારો ! ” એક જાણીતી વેબસાઈટ માટે એક સમયે મેં કેટલાક નવા તો કેટલાક જુના જાણીતા જોગીઓના ઈન્ટરવ્યુ કરેલા, પણ એ સિવાય ક્યારેય નહિ ! ઇન ફેક્ટ , મને ઈન્ટરવ્યુ જોવા ખૂબ ગમે, અને મને “મોટા માથાઓ”ને પ્રશ્નો કરવાની પણ ખૂબ આદત, છતાં મને ઓફીશીયલ ઈન્ટરવ્યુ કરવા ખાસ ન ગમે. કારણ કદાચ એ પણ હોય કે ઓફીશીયલ ઈન્ટરવ્યુમાં લોકો મોટે ભાગે ઓફીશીયલ જવાબો જ આપે છે, જે મને રૂચતા નથી. નીરવ પોતાના વિષે કંઈ કહે અને પછી હું એનું અર્થઘટન કરું એ કરતા હું એને જેવો માનું છું એ સીધે સીધું કહી દેવું મને વધુ યોગ્ય લાગ્યું.

એણે એકડે એક થી કરેલી શરૂઆત આજે કેટલાય સરવાળા અને ગુણાકારોમાં પરિણમી છે, નાની સુની વાત નથી. અને એને કહીશ કે બધા મિત્રોને તારા પર ગર્વ છે નીરવ, તો એ ચોક્કસ કહેશે, “બસ , હવે મારી જવાબદારી વધી જાય છે.” એટલે વધુ કશું કહ્યા વગર અને કશું અધૂરું રાખ્યા વગર અહીં જ વિરમું છું.

ટૂડે ઇઝ્ઝ માય બર્થડે

કેટલાક લોકો માત્ર ખુશી વહેંચતા હોય , ગોડ પ્રોમિસ મને એવું બહુ મન થાય કે હું પણ ખૂબ ખુશીઓ વહેંચું પણ મારી ઝોળીમાં હોય છે માત્ર કાંટા ! અહી વાત મારી લેવાની ઝોળી ની નહિ બલકે આપવાની ઝોળીની થાય છે. જોકે લેવાની ઝોળીમાં વધુ કાંટા હોય છે છતાં હું એવું બિલકુલ નહિ કહું કે મેં કાંટાઓ જ મેળવ્યા છે એટલે કાંટાઓ જ આપીશ. કેમકે મને ખબર છે કે કાંટાઓ મેળવીને પણ ફુલ વહેંચી શકાય છે.

હા , આજે જન્મદિવસ છે , કહેવાનું તો ઘણું છે પણ એ બધું કહું તો ટાઢક થાય … નહિ કે લખી ને ! આખરે રંગમંચ નો કલાકાર ખરો ને , એટલે કદાચ લાઈવ પ્રતિભાવ ઝીલવાની આદત પડી ગઈ છે… પ્રતિભાવ નહિ આપો તો ય હું મારા શો ને જ ઊતરતો ગણીશ , એવું બિલકુલ નહિ કહું કે ઓડીયન્સ જ નીરસ છે , પણ તમે આવો તો ખરા ક્યારેક …. જે લખાયું નથી એ સાંભળવા !

પોસ્ટ લાંબી લખવી હતી એટલે મારા છેલ્લા નાટકનું પોસ્ટર મૂકી રહ્યો છું  , સાથે હમણાં એક સીરીયલમાં ફિરોઝ ઈરાની સામે ટક્કર લેતા પાત્રનો સબળો રોલ કર્યો – એ સિરિયલનું પોસ્ટર પણ , અને સાથે કેટલાક ગમતા ગીતો … ખબર છે તમને એ ગીતોમાં રસ નહિ પડે … તોય મને વહેંચ્યા નો આનંદ થશે … સો હેવ ઈટ , ઓર લીવ ઈટ …. ચીયર્સ !!!!!

10491079_694470960608430_3389941658861251389_nUntitled-3 (1)