ફિલ્મ – આવારગી
વર્ષ – ૧૯૯૦
ગીત – ચમકતે ચાંદ કો તૂટા હુઆ તારા બના ડાલા …
ગાયક – ગુલામ અલી
ગીતકાર – આનંદ બક્ષી
સંગીત – અનુ મલિક
પપ્પા એ એકદિવસ કહ્યું , કે લાવ આજે તારી પસંદ નું કોઈ ગીત સાંભળું , અને મેં મારો ફોન એમને આપ્યો. એ મારો પહેલો ફોન હતો , જે પપ્પા એ મને કોલેજ ના બીજા વર્ષમાં અપાવેલો. એ જમાનામાં મને એમ.પી.થ્રી. પ્લેયર વાળો ફોન અપાવેલો. તો મેં એ ફોન માં આ ગીત ચાલુ કરી ને તેમને આપ્યું . પપ્પા ઈયરફોન લગાવીને સાંભળવા લાગ્યા. પપ્પા નો ટેસ્ટ બહુ ઊંચો. ક્યારેક કોઈ ગીત કે ફિલ્મ તેમને ગમે તો તેની ડેપ્થ માં રહેલું હાર્દ પણ સમજાવે , મન ભરીને વખાણે. કોઈ ગીત કે ફિલ્મ નું મોરલ એટલી સરસ રીતે સમજાવે કે મોટે ભાગે એવું બને કે જે ફિલ્મ કે ગીત એમને ગમતા હોય એ પછી મારા પણ ખૂબ પ્રિય બની જતા. ( એક્સેપ્શનલ કેસ – હેમંત ચૌહાણ ના ભજનો, જે એમને ગમતા – અને મને બિલકુલ ન ગમતા ) આ ગીતમેં સાંભળવા આપ્યું ત્યારે મને વિચાર એવો આવેલો કે પપ્પાને આ ગીત કઈ ખાસ નહિ ગમે. પણ એમણે આ ગીત વખાણ્યું અને સાથે ગુલામ અલીના અવાજને ખાસ વખાણ્યો. ત્યારે મને મારી પસંદ પર માન થયું. આ એ સમય હતો , જયારે હું રોજ દિવસમાં ગુલામ અલીની પાંચ સાત ગઝલો સાંભળી ના લઉં ત્યાં સુધી મને દિવસ અધુરો લાગતો.
હું ઘણા સેલેબ્રીટીઝ ને મળ્યો છું પણ મારું પાગલપન ગુલામ અલી ને માટે! એની કળા પ્રત્યે માન , અને એના અવાજ પ્રત્યે પ્રેમ! વીસેક વર્ષનો હતો ત્યારે હું એમના કોન્સર્ટ માં ગયેલો , અને કોન્સર્ટ પતી ગયા પછી જયારે એ જઈ રહ્યા હતા ત્યારે રીતસર હું એમની ગાડી ની પાછળ દોડેલો , ઓટોગ્રાફ લેવા ! ગાડી માં જે સાઈડ ગુલામ અલી બેઠા હતા , એ કાચ પર હાથ માર્યો , એટલે ગુલામ અલી એ નજર ફેરવી ને મારી સામું જોયું પણ ખરું , અને પછી ગાડી ઊપડી ગઈ. કોઈ ગાડી માં જતું હોય તો એમના કાચ પર હાથ ના મરાય , એ ગાડીની પાછળ ના ભગાય , એ અસભ્ય વર્તન કહેવાય એવું બધું ભાન પાછળ થી થયું. અને પછી મને જ આશ્ચર્ય થયું કે મેં આવું કર્યું ?! હું આવું ગાંડપણ કેવી રીતે કરી શકું ! પણ એ સમયે મને કશું જ ભાન ન હતું , એ સમયે ફક્ત હું અને મારો ગુલામ અલી ! મારા દિલને બહેલાવતો એ અવાજ !
મારી આવારગીની વાતો જેટલી કરું તેટલી ઓછી છે , અને ના કરું એટલું સારું છે ! પણ આ ગીતનો મુખડો જયારે પણ સાંભળું ત્યારે જીવનનો સફર રીવાઈન્ડ થઈને મનમાં પ્લે થાય છે –
“ચમકતે ચાંદ કો તૂટા હુઆ તારા બના ડાલા ,
મેરી આવારગીને મુજકો આવારા બના ડાલા”
આ શહેર બધું આપે છે અને બધું છીનવે પણ છે , રોજ જે રસ્તા પરથી પસાર થતા હોઈએ , એ રસ્તાઓ સાથે કેટલીક યાદો જોડાય . જુદી જુદી જગ્યાઓ સાથે જુદી જુદી યાદો જોડાય. એ યાદો જરૂર મીઠી લાગે . પણ જ્યાં સુધી તમે સમય સાથે ઘસાયા નથી ત્યાં સુધી. સમય જેમ જેમ વીતતો જાય , તેમ તેમ તે તમારી જોડે થી બધું છીનવી લેવા માંડે. અને પછી એ યાદો સાથે જોડાયેલું કશું જ તમારી જોડે બચ્યું નાં હોય ત્યારે એ જગ્યાઓ , એ રસ્તાઓ બહુ બિહામણા લાગે. કોલેજની બહાર આવેલી કીટલી , જ્યાં બેસી ને તમે કેટલીયે ગપ્પા ગોષ્ઠીઓ કરી હોય ત્યાં આજે બીજું કોઈ બેઠું છે , એ જગ્યા તમારી છે માટે તમારી જગ્યા પર કોઈ નહોતું બેસતું પણ સોરી , હવે એ જગ્યા તમારી નથી રહી. એ મિત્રો પણ ક્યાં રહ્યા છે ! છોકરીઓ આવતા જતા તમને જુએ , એ ચાર્મ પણ ક્યાં રહ્યો છે તમારા ચહેરામાં ! આ રંગીન શહેર , અને રાતમાં વધુ રંગીન લાગતા એના મકાનો , લોકો , જગ્યાઓ સાથે તમે પણ ક્યારેક ચમકતા હતા , પણ આજે ! આજે શહેરની ચમક યથાવત છે , પણ તમારું એ ચમકમાં કોઈ સ્થાન નથી. જે કાલે તમારું હતું એ આજે બેગાનું છે , આ શહેર તમારા માટે એક દર્દભર્યું ગીત છે , અને તમે છો , એ ગીતને ગાનારા – બંજારા ..
“બડા દિલકશ , બડા રંગીન હૈ યે શહેર કહેતે હૈ ,
યહાં પર હૈ , હઝારો ઘર , ઘરો મેં લોગ રહેતે હૈ
મુજે ઇસ શહેર ને ગલીયો કા બંજારા બના ડાલા”
આ બહારની દુનિયા , આ શહેરની ભીડ ની વચ્ચે ક્યાંક આપણું ઘર પણ છે! એ ઘરમાં પણ અનેક કશ્મકશ છે. ઘરના વડીલ પર જવાબદારી હોય છે ઘરની , ઘરના કાયદા ઘડવાની ! એ એનો હક પણ છે , અને ફરજ પણ ! ક્યારેક એ વડીલ હક ભોગવવા નહિ પણ ફરજ સમજીને , બધાની ભલાઈ , બધાનું સુખ શોધીને કશોક નિર્ણય કરે , અને ઘરના બાકી ના સભ્યો એનો વિરોધ કરે. પછી મતભેદો થાય , મનભેદો થાય. ત્યારે ઈશ્વરને કહેવાઈ જાય – હું કશું કરી શકતો નથી , અને તું બધું જ કરી શકે છે , અને ખાસ તો હું જે નથી કરી શકતો , એ તું બહુ સહેલાઈ થી કરી શકે છે.
“મેં ઇસ દુનિયા મેં અક્સર દેખ કર હેરાન હોતા હૂં ,
ના મુજસે બન સકા છોટા સા ઘર , દિન રાત રોતા હૂં ,
ખુદાયા તુને કૈસે યે જહાં સારા બના ડાલા”
બધું ગુમાવ્યા પછી દર્દ જરૂર થાય છે. જે પોતાનું હોય એ ગુમાવવું પડે , જેના પર હક ભોગવ્યો હોય એ ગુમાવવું પડે , અને સાથે જે હંમેશા મેળવવા મથ્યા હોઈએ , એ મળે જ નહિ . અથવા તો એવું બને કે સાવ નજીક થી પસાર થઇ જાય , પણ તમારા હાથમાં ન આવે તે ન જ આવે. બધી હાર તમારી ઓળખ બની જાય અને બધી જીત ભૂતકાળ ! તમારી હાર એટલી બધી હોય કે જીતને લોકો ભૂલી ગયા હોય , અને એક સમય એવો આવે કે લોકોની સાથે સાથે તમે પણ એ ભૂલી જાઓ. અને વર્તમાન ની હાર થી મનમાં આવેલી મુફલિસી , ઉદાસી માંથી ક્યારેક ફરિયાદ નીકળી જાય કે હું પણ એ બની શકયો હોત જે આજે બીજા છે પણ હું આજે બીજું કંઈક છું . ખેર , ખુદની આ જ મરજી હશે , અને એની મરજી આગળ ક્યાં કોઈ નું જોર ચાલે છે …
“મેરે માલિક , મેરા દિલ ક્યોં તડપતા હૈ , સુલગતા હૈ ,
તેરી મરઝી , તેરી મરઝી પે કિસકા ઝોર ચલતા હૈ
કિસી કો ગુલ , કિસી કો તુને અંગારા બના ડાલા”
બધું પોતાની પાસે થી જઈ રહ્યું હોય ત્યારે એક આછો અણસાર જરૂર હોય કે એક દિવસ આ બધું મને બરબાદી તરફ જરૂર લઇ જશે. છતાં પરિસ્થિતિ બદલવી એ આપણા હાથમાં નથી હોતી , કારણ કે તકદીર માં જ બરબાદી હોય , પછી લાખ પ્રયત્નો કરો તોય છેલ્લે તો બરબાદી જ નસીબ થાય. ક્યારેક પરિસ્થિતિ બદલવી અઘરી હોય છે એમ ક્યારેક પોતાનો સ્વભાવ બદલવો પણ અઘરો હોય છે. એમ સમજાતું હોય કે બધું બની રહ્યું છે એની પાછળ કારણ હું જ છું , છતાંય પોતાની જાત ને બદલવી ક્યારેક અશક્ય થઇ પડે છે. તકદીર થી મજબુર , ફિતરત થી મજબુર , હાલાત થી મજબુર થઇ ને જે થવાનું હતું , એ જ થયું છે –
“યેહી આગાઝ થા મેરા , યેહી અંજામ હોના થા ,
મુજે બરબાદ હોના થા , મુજે નાકામ હોના થા ,
મુજે તકદીરને તકદીર કા મારા બના ડાલા”
આ ફિલ્મ નું ગીત છે જેમાં પહેલા બે જ અંતરા છે –
આ આખું ગીત છે , જેમાં ચારેય અંતરા છે –
હાં , એ સાચું કે દર સમયે પાછળ વાળીને જોઈએ તો , બસ યાદોના મીઠા અને તૂટેલા ખંડેરો જ જોવા મળે છે ! . . . અને મારા તમારા સહિત મોટાભાગના એ સૌ માને જ છે કે તેઓ કઈક અલગ જ બની ગયા છે . . . જયારે બનવું હતું કઈક અલગ જ . . . . . પણ , એ ફરિયાદ તો જ્યારે તમે જે ઈચ્છ્યું હોય તે બની ગયા હોઈએ ત્યારે પણ રહેવાની જ 😦 . . . ખરેખર તો સાચું સરવૈયું મરણપથારીએ જ ઘડાતું હોય છે !
ઝીંદગી તો બેવફા હૈ , એક દિન ઠુકરાયેગી , મૌત મહેબુબા હૈ અપને સાથ લેકર જાયેગી …..
અને મહેબુબા આગળ સરવૈયા કેવા બંધુ ?
સરવૈયાની ઐસી તૈસી ,
સરવાળાની ઐસી તૈસી ,
બસ સ્વયંવર જીતી લીધો ,
વરમાળા ની ઐસી તૈસી !
ખુબ જ સરસ , કીધું દોસ્ત 🙂
હાં , પણ એક વાત હું ઉમેરી શકું કે , વરમાળાની ઐસી તૈસી ન થાય કારણકે , તે ગળામાં પડે છે ત્યારે જ સ્વયંવર જીતાય છે 😉
ગુલામ અલીની બે-ત્રણ ગઝલો મને પણ ગમે છે. પણ યુવાનો તકદીરની વાતો કરી ‘ઢીલા નાંગર’ કરે એ નથી ગમતુ. પરિસ્થિતિ સરળ કે અઘરી હોતી નથી, એ ‘પરિસ્થિતિ’ માત્ર હોય છે. તમારે તો તેનો સામનો કરવાનો છે, બદલે કે ના બદલે એની ચિંતા કર્યા વગર.
(સલાહ આપવાના ક્યાં પૈસા પડે છે…. શું કહે છે ?)
બાપુ વિવરણ મને ઘણું ગમ્યું મારો એક હિતેષ દેસાઈ કરી ને મિત્ર છે .તેને ગુલામ અલીના ગીતો બહુ ગમે છે .મને પણ ગુલામ અલીને સાંભળવો ગમે છે .
યુવરાજ તમારા તરફથી ફિલ્મ વિષે ઘણું જાણવા મળે છે . ગુલામઅલીનું આ ગીત મને બહુ ગમે છે” .થોડીસી પી શરાબ થોડી ઊછાલ દી “
ખુબ ખુબ આભાર આતા – હું કોઈ ગુલામ અલી ના ચાહકને મળું એટલે આનંદિત થઇ જઉં , પોતાની પ્રિય ગઝલોની તેમની સાથે ચર્ચા કરવાની મઝા પડે ! અને તમને ગુલામ અલી ગમે છે એ જાણીને વિશેષ આનંદ થયો – શરાબની વાત કરી જ છે તો હું પણ એક શેર કહી દઉં , ગુલામ અલીની પ્રખ્યાત ગઝલનો –
હંગામા હૈ કયો બરપા , થોડી સી જો પી લી હૈ ,
ડાકા તો નહિ ડાલા , ચોરી તો નહિ કી હૈ … 🙂
ઘણાં સમયે ગુલામ અલી વિષે વાંચીને મજા આવી અને એમના ચાહકને મળીને થોડી વધારે.. . 🙂
ગુલામ અલીને હું પણ પાગલપન કહી શકાય એટલી હદે સાંભળુ છુ અને એ ય મારા પપ્પાને કારણે જ. એક ઈચ્છા તો છે એમની ગઝલો વિષે લખવાની.
મને પણ ખુબ મજા પડી , આ પોસ્ટ ગુલામ અલીના ચાહક સુધી પહોંચી એનો વિશેષ આનંદ થયો