Month: ફેબ્રુવારી 2013

થોડા સા પ્યાર હુઆ હૈ !

ફિલ્મ – મૈને દિલ તુજકો દિયા
વર્ષ – ૨૦૦૨
ગીત – થોડા સા પ્યાર હુઆ હૈ
ગાયક – ઉદિત નારાયણ . અલકા યાજ્ઞીક
ગીતકાર – ફૈઝ અનવર , પ્રવિણ ભારદ્વાજ
સંગીત – ડબૂ મલિક

અમુક ગીતો એવા છે કે એ વાગે એટલે છોકરીઓ ઘેલી ઘેલી થઇ જાય ! અને એ ગીતો પણ પાછા એમના જેવા ઘેલા જ હોય ! એવા ગીતો ની યાદી માં પહેલું આવે – “તુમ બિન જીયા જાયે કૈસે… ” આ ગીતની લાઈન ” ક્યા ક્યા ના સોચા થા મેને … ” છોકરીઓ સાલી એવા તે ભાવ થી ગાય કે આપણ ને જઈ ને પૂછી લેવાનું મન થાય – “શું થયું બકા ? સગાઇ તૂટી ગઈ તારી?” જોકે આ ગીતમાં સેન્સલેસ લીરીકસ નથી , પણ છોકરીઓ ના મોઢે આ ગીત સાંભળી સાંભળીને ઊબકો આવી ગયો છે. અને આવી યાદીમાં બીજું આવે આ ગીત – “થોડા સા પ્યાર હુઆ હૈ !” અને હમણાં જ આ યાદીમાં લેટેસ્ટ ઉમેરો થયો છે – “ઈશ્કવાલા લવ ! ” છોકરીઓ મોટા ભાગની બુદ્ધિ વગરની ! (આ તારણ અત્યાર સુધીના મારા સ્કુલ , કોલેજ અને અન્ય જગ્યાએ જોયેલી છોકરીઓના નિરીક્ષણ પર થી લેવામાં આવ્યું છે ) એટલે એમને ગીતો પણ બુદ્ધિ વગરના જ ગમવાના તે સ્વાભાવિક છે ! ગીત સાંભળીને લાગણીઓ ઊભરાય તે સારી વાત છે , પણ સાવ આવા ગીતો પર છોકરીઓની લાગણીઓ ઊભરાતી જોઈને કાં તો મને હસવું આવી જાય , કાં તો મને એ બિચારી છોકરીની બુદ્ધિક્ષમતા પર દયા આવી જાય અને કાં તો પછી માથું ચઢી જાય ! અને એ માથું એવું ચઢે કે એના ચાર- પાંચ દિવસ સુધી પછી કોઈ છોકરી જોવી જ ના ગમે ! મારે તો મારી બૈરીને ય પહેલી મુલાકાતમાં પૂછવું હતું કે “થોડા સા પ્યાર હુઆ હૈ … ” ગીત ગમે છે ? જો હા પાડે તો લગન નૈ કરવાના ! પણ પૂછવાનું રહી ગયું, અને પછી અચાનક , એક દિવસે , એના મોઢે આ ગીત સાંભળ્યું –

“થોડા સા પ્યાર હુઆ હૈ , થોડા હૈ બાકી ,
હમ તો દિલ દે હી ચુકે , બસ તેરી હાં હૈ બાકી ..”

ખેર , જે થવાનું હતું એ થઇ ગયું.આ ગીત તો પાછુ એકતા કપૂરે ય બહુ ચગાવેલું , એની મોડી રાતે આવતી , બહુ ચગેલી સીરીયલ “કહી તો હોગા ” માં રોજ પાંચ વાર આ ગીત વાગે ! આજુ બાજુ વાળા પડોશીઓ આ સીરીયલ મોડી રાતે જુએ એટલે આ “થોડા પ્યાર..” વાળા ગીતનો અને એના ટાઈટલ સોંગનો મોટે મોટેથી આવતો અવાજ રોજ મને ડીસ્ટર્બ કરતો -“કહી ના કહી તો હોગા ….” ! અને એ સીરીયલના કોઈ પણ દર્શકને પૂછો કે આ કઈ સીરીયલ જુઓ છો, એટલે કહે કે “કશીશ” ! સીરીયલમાં હીરોઈનનું નામ કશીશ હતું , એટલે બધા એ સીરીયલ ને પણ “કશીશ” નામ આપી દીધું. ( બિચારા , સીરીયલના થર્ડ ક્લાસ નામથી છૂટકારો મેળવવા કશોક રસ્તો તો કાઢે ને ! )

                                                                           Kahin-to-hoga

હું બી.એડ. કોલેજમાં હતો ત્યારે મારી સાથે એક છોકરી ભણતી હતી , એકદમ સુકલકડી ! થોડી ગામઠી ભાષા, અમારે બી.એડ. માં લેકચર આપવાનો હોય એ દિવસે છોકરીઓને ફરજીયાત સાડી પહેરીને આવવું પડે. અને આવડી આ પણ સાડી પહેરી ને આવે. બસમાં આવી હોય અને પરફ્યુમ નામના પ્રવાહીની શોધ થઇ ચૂકી છે એ બિચારી આ ભોળી છોકરી ને નહિ ખબર હોય એટલે એના પ્રસ્વેદ ની એવી તે ગંધ આવતી હોય … અને એમાય એ મારી બાજુ માં જ આવી ને બેસે ! આવા સમયે થાય કે કાશ મને અત્યારે શરદી થઇ હોત ને મારું નાક બંધ હોત ! પણ છોકરી બિચારી સાવ સીધી અને ભોળી ! એક દિવસ મેડમે કહ્યું કે આજે બધા કંઈક પરફોર્મ કરશે. અને મેડમે આ છોકરી ને ઊભી કરી ને કહ્યું – તું કોઈ ગીત ગા ! ક્યાંય સુધી શરમાયુ , ભાવ ખાયો , હે હે હી હી કરી પછી ચાલુ કર્યું ગાવાનું – “થોડા સા પ્યાર હુઆ હૈ .. ! ” આ ગીત સાંભળીને મેડમ પણ ફોર્મમાં આવી ગયા , અને એ પણ સાથે ગાવા લાગ્યા. સાથે ક્લાસ ની બીજી છોકરીઓ પણ ગાય ! અને મને દાઝ ચઢે , સાલું આ તો શું નેશનલ એન્થમ છે ? !
પછી અંતરો ગાવાનો આવ્યો , એટલે એની લાગણીઓ વધારે ઊભરાઈ , હવે તકલીફ ત્યાં થાય કે અંતરના શબ્દો બરાબર યાદ જ નાં હોય , તોય ગાવાના એવા હોંશ હોય ,કે જે શબ્દ સુઝે તે ગાઈ નાખે , ને મારી બેટી એવા કોન્ફીડન્સ થી ઝીકમ ઝીક કરે ! સાથે કોરસમાં ગાઈ રહેલી છોકરીઓ ને પાછા બીજા શબ્દો સુઝતા હોય એટલે એક ગીત એક સાથે સાત – આંઠ અલગ અલગ લીરીક્સ સાથે ગવાય ! અને આ ગીત ના લીરીક્સ પાછા પરાકાષ્ઠા એ પહોંચેલી મૂર્ખાઈ ભર્યા . અહી અંતરામાં હીરો કહે છે કે મારી દરેક ધડકન તને ઓળખે છે , અને મારો પ્રેમ તું નથી ઓળખતી, એટલે હિરોઈન કહે કે એ બધું તો બરાબર પણ તોય તારી “હા” હજુ બાકી છે ! અરે મૂર્ખાઓના સરદારની માં ! ઓલો દરેક ધડકનનો હિસાબ આપી રહ્યો છે તો એ પ્રેમનો ઈઝહાર જ કહેવાય ! આટલા હૃદયપૂર્વક ઓલો ઈઝહાર કરે છે પછી તારે હજી શેની “હા ” પડાવવાની બાકી છે ?
એમાં પાછુ ઓલી છોકરી એ કેવું ગાયેલું એ ય મારા દુર્ભાગ્યે મને હજી યાદ છે , એને શરમાતા શરમાતા ગાયેલું – મેં તુજે જાન ગયી , પછી “તુજકો” ના બદલે ” ખૂબ ” પહેચાન ગયી, ને પછી એ જ રાબેતા મુજબ ની ફરિયાદ – ફિર ભી તેરી હાં હૈ બાકી …. !

( ફીમેલ -) “કૌન સા મોડ આયા ઝીંદગી કે સફર મેં ,
બસ ગયા તું હી તું , અબ તો મેરી નઝર મેં ,
(મેઈલ -) દિલ કી હર એક ધડકન , તુજકો પહેચાનતી હૈ ,
મેરી ચાહત હૈ અબ ક્યા, તું નહિ જાનતી હૈ ,
(ફીમેલ -) મેં તુજે જાન ગયી , તુજકો પહેચાન ગઈ ,
ફિર ભી તેરી હાં હૈ બાકી …થોડા સા પ્યાર હુઆ હૈ , થોડા હૈ બાકી “

Thoda_Sa_Pyaar_Hua_Hai_Maine_Dil_Tujhko_Diya

અહી બીજા અંતરામાં ય મૂરખના સરદારોની માંઓને ય શરમાવે એવી વાતો ! અહી હીરો કહે છે કે તું મને ઉમરભર સાથ આપવાનું વચન આપ અને મારા હાથો માં તારો હાથ આપ ! ત્યારે હિરોઈન બુદ્ધીઓના પ્રદર્શન કરતી કહે છે કે એ બધું તો બરાબર કે હાથોમાં હાથ છે ને વ્હાલા તારો આ રળિયામળો સાથ છે , પણ તોય તારી “હા” બાકી છે. અહી ગીતકાર ફૈઝ અનવર અને પ્રવિણ ભારદ્વાજ ને મારે પૂછવું છે કે ઓલો હીરો હાથોમાં હાથ આપે છે , ઉમરભર સાથ આપવાનું વચન માંગે છે તોય એની “હા ” કન્સીડર નથી થતી , તો એકઝેટલી એ કરે શું કે જેનાથી ઓલી ને લાગે કે “હા ” પાડી છે ! આતો સોહેલ ખાન બહુ ધીરજ વાળો કહેવાય , બાકી મારા જેવો હોય તો સિધધી કાનપટ્ટાની જ આલી દે ! આતો નહિતર છોકરાઓ પેદા થઇ જાય , પછી યે ગાયા કરે – બચ્ચો કી લાઈન સહી , ફિરભી તેરી હા હૈ બાકી !

(ફીમેલ – )”આજ યે ક્યા હુઆ હૈ , દિલ નહિ મેરે બસ મેં ,
ઇસ લિયે સોચતી હૂં , તોડ દૂં સારી રસમેં
(મેઈલ – ) ઉમરભરકે લિયે તું આ મેરા સાથ દે દે
તેરા હો જાઉં મેં , હાથો મેં હાથ દે દે
(ફીમેલ -)હાથો મેં હાથ સહી , તું મેરે સાથ સહી ,
ફિર ભી તેરી હાં હૈ બાકી…થોડા સા પ્યાર હુઆ હૈ , થોડા હૈ બાકી “

ફિલ્મ નું ગીત –

એકતા કપૂરની સીરીયલમાં આ ગીત-

હા, હું દીકરીનો બાપ

                                        સામાન્ય ગુજરાતી ફિલ્મો નીચલા વર્ગના કે નાના ગામડાના લોકોને આકર્ષે છે , શહેર ની જનતા એ ફિલ્મો જોવા આકર્ષાતી નથી. અને એ જોવામાં નાનામ પણ અનુભવે છે. આજ કાલ મોર્ડન ગુજરાતી ફિલ્મો બનવા લાગી છે , ખાસ આવા શહેરીલોકો ને ધ્યાનમાં રાખી ને , પણ આ શહેરીજનો એવી ફિલ્મો પણ જોવા નથી જતા , ગુજરાતી ફિલ્મો પ્રત્યેની સૂગને કારણે. અથવા તો બહુ ઓછી સંખ્યા માં આવી ફિલ્મોને મલ્ટીપ્લેક્ક્ષ નું ઓડીયન્સ મળે છે પણ સિંગલ સ્ક્રીન માં આવી ફિલ્મો રીલીઝ સુદ્ધા નથી થતી. કારણ , આવી ફિલ્મો એ સામાન્ય ગુજરાતી ફિલ્મના દર્શકને નથી આકર્ષી શકતી. એ વર્ગને એક અલગ પ્રકારના કોમેર્શીયલ મનોરંજનની અપેક્ષા હોય છે , જે આવી મોડર્ન ગુજરાતી ફિલ્મો માં નથી હોતું . જેમકે નીચલા વર્ગને ગુજરાતી ફિલ્મમાં આઈટમ સોંગ હોય તો ગમે છે , પણ મોર્ડન ગુજરાતીઓ ગુજરાતી ફિલ્મના આઈટમ સોંગ ને સ્વીકારી શકતા નથી. એમને એ બધું ચીપ અને વલ્ગર લાગે છે. (એ અલગ વાત છે કે એ મોર્ડન ગુજરાતીઓ “મુન્ની બદનામ ” અને “ફેવિકોલ સે ” જેવા ગીતો હોંશે હોંશે જુએ છે )
મારા મતે કરુણતા તો એ છે કે ગુજરાતી ફિલ્મો ના દર્શકોમાં વર્ગો શું કામ પડે છે ? ફિલ્મ એક ચોક્કસ વર્ગ માટે શું કામ બનવી જોઈએ? ફિલ્મ તો ભાષા વગરની હોય તોય દરેક ને સમજાય તેવી હોવી જોઈએ. શું “શોલે” માટે કોઈ એવું કહી શકે કે માત્ર આ જ વર્ગ માટે ની ફિલ્મ છે ? ! આખાય દેશના બધા પ્રકારના બધા લોકો ને એ ફિલ્મ આકર્ષી શકી છે , જો આખાય દેશની પસંદને ધ્યાનમાં રાખીને બોલીવૂડમાં ફિલ્મો બની શકતી હોય તો દરેક પ્રકારના ગુજરાતી લોકો ને આકર્ષી શકે એવી કોઈ ગુજરાતી ફિલ્મ કેમ ન બની શકે ? બની જ શકે ભાઈ ! “દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા ” એ ફિલ્મ દરેક ગુજરાતીને થીયેટર સુધી લઇ ગઈ હતી , એ જ રીતે “મૈયરમાં મનડૂ નથી લાગતું ” ફિલ્મે પણ દરેક વર્ગને મનોરંજન આપીને ખૂબ ધૂમ મચાવેલી . અને આવી જ એક ગુજરાતી ફિલ્મ આ અઠવાડિયે રીલીઝ થઇ છે, ” હા , હું દીકરી નો બાપ “. બધા પ્રકારની ઓડીયન્સને ગમે તેવી ! અને સર્વના દિલમાં ઊતરી જાય તેવી !

                                                                      422583_564004340278098_570009105_n

એક ખૂબ ભોળા હવાલદાર ભગવતી પ્રસાદ ઊર્ફે ભગુ ના રોલમાં હિતેન કુમાર. એ રડવામાં નથી માનતો , લડવામાં માને છે. જીવનના આકરા માં આકરા સંજોગો સામે પણ તે રડ્યા વગર તેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે છે . તે એક ઈમાનદાર પોલીસવાળો છે અને પોતાની દીકરી પ્રત્યે અપાર લાગણી ધરાવે છે. એને એના જીવનમાં બસ પોતાની નોકરી અને પોતાની છોકરી થી જ મતલબ ! અને બિચારો એમાં જ અટવાયા કરે ! પોતાની દીકરીને સમય આપે કે નોકરીને ! સાંજે સર્કસ માં લઇ જવાનું વચન આપી ને નોકરી એ ગયેલો હવાલદાર પોતાના સાથી હવાલદારોને હરખાઈ ને કહે છે કે પ્લીઝ ! આજે તમે થોડું સંભાળી લેજો , હું આજે અડધો કલ્લાક વહેલો ઘરે જઈશ. આજે મારે મારી દીકરીને સર્કસ બતાવવા લઇ જવાનું છે , ત્યાં જ ઇન્સપેકટર આવીને સુચના આપે છે કે આજે ઘરે મોડા જવાની તૈયારી રાખજો , આજે મોટા સાહેબ આવવાના છે ! ઘરે મોડા પહોંચવાથી નાની દીકરી કાલી કાલી જબાનમાં ફરિયાદ કરે છે કે સાહેબ ને એવું કહી દેવાય ને કે મારે મારી દીકરી સાથે સર્કસ માં જવાનું છે ! પછી પોતાની દીકરી ને વ્હાલથી ગીત ગાઈને મનાવતો હવાલદાર ભગુ દીકરીની બધી જરૂરિયાતો સંતોષવા હંમેશા તત્પર રહે છે.
ફિલ્મમાં મારું સૌથી પ્રિય દ્રશ્ય એ છે જયારે ભગુની દીકરીના લગન લેવાઈ રહ્યા છે , ભગુ તો ખુબ ખુશ છે ,પોતાની પોત્રિને વિદાય આપવાની હોઈ , ભગુની માતા પણ રડી રહી છે, બધા જ આ પ્રસંગે આંસુ સારી રહ્યા છે પણ ભગુ આનંદ માં છે ! એને તો પોતાની દીકરીના લગ્નનો હરખ છે. એ ખૂબ આનંદ માં છે કે એની “સસલી ” આજે પરણીને એના સાસરે જશે … બાપ – દીકરી નું ત્યાં એક સુંદર લાગણીસભર ગીત આવે છે – “દીકરી સાસરીયે જાય , બાપુ દ્યો ને વિદાય ….” ભગુના મિત્રો અને માં તેને સમજાવે છે કે ભગુ તું થોડું રડી લે …. તારી દીકરી કાયમને માટે એના સાસરે જઈ રહી છે. ભગુ રમુજ ખાતર ખોટું ખોટું રડે છે પણ તેને ખરેખર રડવું આવતું નથી , તેને દીકરીના લગ્ન નો આનંદ છે પણ એના ગયા પછી એની યાદ આવશે , એ વાતનો અણસાર સુદ્ધા નથી . અને પ્રસંગ પતી ગયા બાદ હસતો હસતો ઘરનો ઊમ્બરો ચઢી રહેલા ભગુ ને જયારે અચાનક દીકરીના સંસ્મરણો ઘેરી વળે છે ત્યારે તેને અહેસાસ થાય છે , પોતાની દીકરી વગર પોતાના જીવનમાં આવેલા ખાલીપા નો !

દીકરી સાસરીયે જાય .. બાપુ દ્યો ને વિદાય ..

દીકરી સાસરીયે જાય .. બાપુ દ્યો ને વિદાય ..

ભગુ વારંવાર કહે છે “આંસુ ની તો જાત જ ખારી , આપણા માટે એ નહિ બહુ સારી …” રડ્યા વગર, જે તે મુશ્કેલી નું સોલ્યુશન કાઢવાની શીખ ભગુ ના પાત્ર દ્વારા ખુબ સારી રીતે શીખવા મળે છે. ભોળું અને સરળ વ્યક્તિત્વ હોય, પ્રમાણિકતા અને સ્વજનો પ્રત્યે નો પ્રેમ સહજ રીતે સ્વભાવમાં વણાયેલો હોય એવું અત્યંત ઇનોસન્ટ પાત્ર જો સારા અભિનય દ્વારા સુંદર રીતે ભજવવામાં આવ્યું હોય તો આપડે એ પાત્રના પ્રેમમાં પડ્યા વિના રહી શકતા નથી. ફોર એકઝામ્પલ – રાજ કપૂર ઇન “શ્રી ૪૨૦” એન્ડ “અનાડી”. એક શ્રેષ્ઠ અભિનેતા બનવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે શ્રેષ્ઠ માનવી બનો ! જેના મનમાં કોઈ પૂર્વાગ્રહ કે દુરાગ્રહ ના હોય એ અભિનેતા હંમેશા પાત્રને સાચો ન્યાય આપી શકશે. હિતેન કુમારે આ ફિલ્મમાં ભોળા ભગુનું પાત્ર જીવંત બનાવ્યું છે. લેખક – દિગ્દર્શક અતુલ પટેલ વિષયને બરાબર સમજી અને સમજાવી શક્યા છે માટે ફિલ્મની વાર્તા એક પાટા પર જ ચાલે છે, બિન જરૂરી સબપ્લોટ ઉમેરવામાં આવ્યા નથી. ભગુ ના હવાલદાર મિત્રોનો રોલ કરતા બંને એક્ટર્સની કોમિક ટાઈમિંગ સારી. એમાંના એક અભિનેતા એ આજના જાણીતા ગુજરાતી ફિલ્મોના કોમેડિયન – જીતુ પંડ્યા. દીકરીના રોલમાં સોનું ચંદ્રપૌલ અને જમાઈ ના રોલમાં ચંદન રાઠોડ , વિલન રાકેશ પુજારા , માં ના રોલમાં જૈમીની ત્રિવેદી , ચંદન રાઠોડના મિત્રના રોલમાં રવિ પટેલ અને અન્ય કલાકારો નો અભિનય પણ સોનામાં સુગંધ ભળે તેવો ! શુક્રવારે જ નાઈટ શો માં જોયેલી આ ફિલ્મ નો રીવ્યુ લખવામાં મારે થોડું મોડું થયું , પણ તમે મોડું કર્યા વિના જોઈ જ લેજો – “હા , હું દીકરીનો બાપ”.

મેરી આવારગી ને મુજકો આવારા બના ડાલા !

ફિલ્મ – આવારગી
વર્ષ –  ૧૯૯૦
ગીત – ચમકતે ચાંદ કો તૂટા હુઆ તારા બના ડાલા …
ગાયક – ગુલામ અલી
ગીતકાર –  આનંદ બક્ષી
સંગીત – અનુ મલિક

પપ્પા એ એકદિવસ કહ્યું , કે લાવ આજે તારી પસંદ નું કોઈ ગીત સાંભળું , અને મેં મારો ફોન એમને આપ્યો. એ મારો પહેલો ફોન હતો , જે પપ્પા એ મને કોલેજ ના બીજા વર્ષમાં અપાવેલો. એ જમાનામાં મને એમ.પી.થ્રી. પ્લેયર વાળો ફોન અપાવેલો. તો મેં એ ફોન માં આ ગીત ચાલુ કરી ને તેમને આપ્યું . પપ્પા ઈયરફોન લગાવીને સાંભળવા લાગ્યા. પપ્પા નો ટેસ્ટ બહુ ઊંચો. ક્યારેક કોઈ ગીત કે ફિલ્મ તેમને ગમે તો તેની ડેપ્થ માં રહેલું હાર્દ પણ સમજાવે , મન ભરીને વખાણે. કોઈ ગીત કે ફિલ્મ નું મોરલ એટલી સરસ રીતે સમજાવે કે મોટે ભાગે એવું બને કે જે ફિલ્મ કે ગીત એમને ગમતા હોય એ પછી મારા પણ ખૂબ પ્રિય બની જતા. ( એક્સેપ્શનલ કેસ – હેમંત ચૌહાણ ના ભજનો, જે એમને ગમતા – અને મને બિલકુલ ન ગમતા ) આ ગીતમેં સાંભળવા આપ્યું ત્યારે મને વિચાર એવો આવેલો કે પપ્પાને આ ગીત કઈ ખાસ નહિ ગમે. પણ એમણે આ ગીત વખાણ્યું અને સાથે ગુલામ અલીના અવાજને ખાસ વખાણ્યો. ત્યારે મને મારી પસંદ પર માન થયું. આ એ સમય હતો , જયારે હું રોજ દિવસમાં ગુલામ અલીની પાંચ સાત ગઝલો સાંભળી ના લઉં ત્યાં સુધી મને દિવસ અધુરો લાગતો.
હું ઘણા સેલેબ્રીટીઝ ને મળ્યો છું પણ મારું પાગલપન ગુલામ અલી ને માટે! એની કળા પ્રત્યે માન , અને એના અવાજ પ્રત્યે પ્રેમ! વીસેક વર્ષનો હતો ત્યારે હું એમના કોન્સર્ટ માં ગયેલો , અને કોન્સર્ટ પતી ગયા પછી જયારે એ જઈ રહ્યા હતા ત્યારે રીતસર હું એમની ગાડી ની પાછળ દોડેલો , ઓટોગ્રાફ લેવા ! ગાડી માં જે સાઈડ ગુલામ અલી બેઠા હતા , એ કાચ પર હાથ માર્યો , એટલે ગુલામ અલી એ નજર ફેરવી ને મારી સામું જોયું પણ ખરું , અને પછી ગાડી ઊપડી ગઈ. કોઈ ગાડી માં જતું હોય તો એમના કાચ પર હાથ ના મરાય , એ ગાડીની પાછળ ના ભગાય , એ અસભ્ય વર્તન કહેવાય એવું બધું ભાન પાછળ થી થયું. અને પછી મને જ આશ્ચર્ય થયું કે મેં આવું કર્યું ?! હું આવું ગાંડપણ કેવી રીતે કરી શકું ! પણ એ સમયે મને કશું જ ભાન ન હતું , એ સમયે ફક્ત હું અને મારો ગુલામ અલી ! મારા દિલને બહેલાવતો એ અવાજ !

thumb_Awargi - Ghulam Ali
મારી આવારગીની વાતો જેટલી કરું તેટલી ઓછી છે , અને ના કરું એટલું સારું છે ! પણ આ ગીતનો મુખડો જયારે પણ સાંભળું ત્યારે જીવનનો સફર રીવાઈન્ડ થઈને મનમાં પ્લે થાય છે –
“ચમકતે ચાંદ કો તૂટા હુઆ તારા બના ડાલા ,
મેરી આવારગીને મુજકો આવારા બના ડાલા”
આ શહેર બધું આપે છે અને બધું છીનવે પણ છે , રોજ જે રસ્તા પરથી પસાર થતા હોઈએ , એ રસ્તાઓ સાથે કેટલીક યાદો જોડાય . જુદી જુદી જગ્યાઓ સાથે જુદી જુદી યાદો જોડાય. એ યાદો જરૂર મીઠી લાગે . પણ જ્યાં સુધી તમે સમય સાથે ઘસાયા નથી ત્યાં સુધી. સમય જેમ જેમ વીતતો જાય , તેમ તેમ તે તમારી જોડે થી બધું છીનવી લેવા માંડે. અને પછી એ યાદો સાથે જોડાયેલું કશું જ તમારી જોડે બચ્યું નાં હોય ત્યારે એ જગ્યાઓ , એ રસ્તાઓ બહુ બિહામણા લાગે. કોલેજની બહાર આવેલી કીટલી , જ્યાં બેસી ને તમે કેટલીયે ગપ્પા ગોષ્ઠીઓ કરી હોય ત્યાં આજે બીજું કોઈ બેઠું છે , એ જગ્યા તમારી છે માટે તમારી જગ્યા પર કોઈ નહોતું બેસતું પણ સોરી , હવે એ જગ્યા તમારી નથી રહી. એ મિત્રો પણ ક્યાં રહ્યા છે ! છોકરીઓ આવતા જતા તમને જુએ , એ ચાર્મ પણ ક્યાં રહ્યો છે તમારા ચહેરામાં ! આ રંગીન શહેર , અને રાતમાં વધુ રંગીન લાગતા એના મકાનો , લોકો , જગ્યાઓ સાથે તમે પણ ક્યારેક ચમકતા હતા , પણ આજે ! આજે શહેરની ચમક યથાવત છે , પણ તમારું એ ચમકમાં કોઈ સ્થાન નથી. જે કાલે તમારું હતું એ આજે બેગાનું છે , આ શહેર તમારા માટે એક દર્દભર્યું ગીત છે , અને તમે છો , એ ગીતને ગાનારા – બંજારા ..

“બડા દિલકશ , બડા રંગીન હૈ યે શહેર કહેતે હૈ ,
યહાં પર હૈ , હઝારો ઘર , ઘરો મેં લોગ રહેતે હૈ
મુજે ઇસ શહેર ને ગલીયો કા બંજારા બના ડાલા”

આ બહારની દુનિયા , આ શહેરની ભીડ ની વચ્ચે ક્યાંક આપણું ઘર પણ છે! એ ઘરમાં પણ અનેક કશ્મકશ છે. ઘરના વડીલ પર જવાબદારી હોય છે ઘરની , ઘરના કાયદા ઘડવાની ! એ એનો હક પણ છે , અને ફરજ પણ ! ક્યારેક એ વડીલ હક ભોગવવા નહિ પણ ફરજ સમજીને , બધાની ભલાઈ , બધાનું સુખ શોધીને કશોક નિર્ણય કરે , અને ઘરના બાકી ના સભ્યો એનો વિરોધ કરે. પછી મતભેદો થાય , મનભેદો થાય. ત્યારે ઈશ્વરને કહેવાઈ જાય – હું કશું કરી શકતો નથી , અને તું બધું જ કરી શકે છે , અને ખાસ તો હું જે નથી કરી શકતો , એ તું બહુ સહેલાઈ થી કરી શકે છે.

“મેં ઇસ દુનિયા મેં અક્સર દેખ કર હેરાન હોતા હૂં ,
ના મુજસે બન સકા છોટા સા ઘર , દિન રાત રોતા હૂં ,
ખુદાયા તુને કૈસે યે જહાં સારા બના ડાલા”

બધું ગુમાવ્યા પછી દર્દ જરૂર થાય છે. જે પોતાનું હોય એ ગુમાવવું પડે , જેના પર હક ભોગવ્યો હોય એ ગુમાવવું પડે , અને સાથે જે હંમેશા મેળવવા મથ્યા હોઈએ , એ મળે જ નહિ . અથવા તો એવું બને કે સાવ નજીક થી પસાર થઇ જાય , પણ તમારા હાથમાં ન આવે તે ન જ આવે. બધી હાર તમારી ઓળખ બની જાય અને બધી જીત ભૂતકાળ ! તમારી હાર એટલી બધી હોય કે જીતને લોકો ભૂલી ગયા હોય , અને એક સમય એવો આવે કે લોકોની સાથે સાથે તમે પણ એ ભૂલી જાઓ. અને વર્તમાન ની હાર થી મનમાં આવેલી મુફલિસી , ઉદાસી માંથી ક્યારેક ફરિયાદ નીકળી જાય કે હું પણ એ બની શકયો હોત જે આજે બીજા છે પણ હું આજે બીજું કંઈક છું . ખેર , ખુદની આ જ મરજી હશે , અને એની મરજી આગળ ક્યાં કોઈ નું જોર ચાલે છે …

“મેરે માલિક , મેરા દિલ ક્યોં તડપતા હૈ , સુલગતા હૈ ,
તેરી મરઝી , તેરી મરઝી પે કિસકા ઝોર ચલતા હૈ
કિસી કો ગુલ , કિસી કો તુને અંગારા બના ડાલા”

બધું પોતાની પાસે થી જઈ રહ્યું હોય ત્યારે એક આછો અણસાર જરૂર હોય કે એક દિવસ આ બધું મને બરબાદી તરફ જરૂર લઇ જશે. છતાં પરિસ્થિતિ બદલવી એ આપણા હાથમાં નથી હોતી , કારણ કે તકદીર માં જ બરબાદી હોય , પછી લાખ પ્રયત્નો કરો તોય છેલ્લે તો બરબાદી જ નસીબ થાય. ક્યારેક પરિસ્થિતિ બદલવી અઘરી હોય છે એમ ક્યારેક પોતાનો સ્વભાવ બદલવો પણ અઘરો હોય છે. એમ સમજાતું હોય કે બધું બની રહ્યું છે એની પાછળ કારણ હું જ છું , છતાંય પોતાની જાત ને બદલવી ક્યારેક અશક્ય થઇ પડે છે. તકદીર થી મજબુર , ફિતરત થી મજબુર , હાલાત થી મજબુર થઇ ને જે થવાનું હતું , એ જ થયું છે –

“યેહી આગાઝ થા મેરા , યેહી અંજામ હોના થા ,
મુજે બરબાદ હોના થા , મુજે નાકામ હોના થા ,
મુજે તકદીરને તકદીર કા મારા બના ડાલા”

આ ફિલ્મ નું ગીત છે જેમાં પહેલા બે જ અંતરા છે –

આ આખું ગીત છે , જેમાં ચારેય અંતરા છે –

વેલેન્ટાઈન ડે પર બનતી મુખ્ય ઘટનાઓ !

ફરી આવી ગયો વેલેન્ટાઈન ડે, આ દિવસે શું શું થાય ? આ દિવસે મુખ્યત્વે નીચે  મુજબની ઘટનાઓ થાય –

ઘટના નંબર ૧ – વાંઢાઓ જલી જલી ને મરે

ક્યુકી સાસ ભી કભી બહુ થી , એમ હું ભલે અત્યારે પરણેલો છું પણ ભાઈઓ હું પણ ક્યારેક વાંઢો હતો ,  એક વાંઢા ને વેલેન્ટાઈન ડે ના દિવસે દુનિયા કેવી દેખાય , તો ભાઈઓ , એને આખી દુનિયા લાલ અને પોતાની જાત સફેદ રંગની દેખાય. સવારથી ” મેરા જીવન કોરા કાગઝ “ જેવા ગીતો યાદ આવે, વળી પાછો કોઈ ચહેરો યાદ આવે , જ્યાં તેને ક્યારેક કશા પ્રકાર ની સંભાવનાઓ દેખાઈ હોય , અને સમય જતા એ છોકરી ને બીજા કોઈની સાથે રસ્તા પર જતા જોઈ હોય , એવો અઘરો ચહેરો આ વેલેન્ટાઈન ડે ના દિવસે ખાસ યાદ આવે , કે કાશ ત્યાં મેળ પડી ગયો હોત , તો આજે સાંજે હું પણ તેની સાથે લો – ગાર્ડન જાત અને એને લાલ રંગનો ફુગ્ગો અપાવત. આવા નિસાસા અને સાથે યાદ આવે વિવિધ પ્રકારના કેટલાક ગીતો – સચ કહે રહા હૈ દીવાના , દિલ ના કિસી સે લગાના ….

તું પ્યાર હૈ કિસી ઔર કા , તુજે ચાહતા કોઈ ઔર હૈ….

આવા ગીતો ગાતો ગાતો ભાઈ ગલ્લે પહોંચે , વળી પાછો મનમાં નિસાસો નાંખે , કાશ એ સાથે હોત તો હું અત્યારે ૧૩૫ ના મસાલા ને બદલે , ગુલાબ નું ફૂલ ખરીદવા નીકળ્યો હોત ….

૧૩૫નો મસાલો અને ગુલાબ નું ફૂલ !

૧૩૫નો મસાલો અને ગુલાબ નું ફૂલ !

પછી એ વાંઢો પોતાના જેવા જ બીજા મિત્રો સાથે ગલ્લે ગોસ્ઠી જમાવે , પછી વાત માં થી વાત નીકળે ને કોઈ બોલે ” પેલો સુરીયો , ક્યાં ગયો , આજે સવારથી દેખાયો જ નથી , એટલે કોઈક જવાબ આપે – “અરે એને તો એક પટાઈ લીધી , અને આજે એને એ ફેરવવા લઇ જવાનો છે ”

એટલે ક્યાંક થી અવાજ આવે ” છોકરીઓ સાવ કેવા કેવા ચંબુ જેવા છોકરાઓને પસંદ કરે છે , એથી આપણી જેવા હેન્ડસમ છોકરાઓ વાંઢા રહી જાય છે .

ટૂંક માં એમના માટે આ આખો  દિવસ, જલન , નિસાસા અને દર્દ ભર્યા ગીતો થી ભરપૂર હોય –

દિલ કે રાસ્તે મેં કૈસી ઠોકર મેને ખાઈ ….તન્હાઈ …..

ઘટના નંબર ૨  – રોજે રોજ સાથે રખડતા કપલીયા , આજે થોડું વધારે રખડે …

આમ તો આ કપલીયા રોજે રોજ રખડતા હોય , પણ આ દિવસે અચૂક સાથે રખડવા નીકળે , એટલે રોજ રખડવામાં ક્યારેક ક્યારેક ખાડો પડતો હોય , પણ આ દિવસે એ લોકો ને ખાડો પડે તે ના પોસાય. છોકરીના પક્ષે એટલે ના પોસાય કારણ કે એનો લુક્ખો બોયફ્રેન્ડ આ દિવસે એને ગીફ્ટ આપવાનો હોય , રોજ ગાર્ડનમાં જ કામ પતી જતું હોય એના બદલે આજે એ પિક્ચર બતાવવા લઇ જવાનો હોય , અને છેલ્લે બહાર જમાડી ને ઘરે મોકલવાનો હોય . છોકરાના પક્ષે આજ ના દિવસે ખાડો પાડવો એટલે ના પોસાય કારણ કે આ દિવસે એને થોડી વધુ ચુમ્મા ચાટી કરવા મળશે તેવી અપેક્ષા હોય , અને આ દિવસે એ છોકરી ને ઈમોશનલ બ્લેકમેઈલ પણ કરી શકે ” બકા આવું કરવાનું ?, મેં તને ગીફ્ટ આપી , તું મને એક પપ્પી પણ નઈ આપે ? ”

અને આજ ના દિવસે આવા કપલીયાઓ ને બહાર નીકળવું પણ અઘરું પડી જાય , રોજ તો ઘરે કોઈ પણ બહાનું ચાલી જાય , પણ વેલેન્ટાઈન ડે ના દિવસે છોકરો સાંજે કે રાતના સમયે બહાર નીકળે એટલે માં – બાપ ને તરત શંકા જાય અને એ પ્રશ્ન કરે “આજે જ જવું જરૂરી છે ? ”

પછી એમને પણ ઈમોશનલી બ્લેકમેઈલ જ કરવા પડે ” મને તો ખબરેય નહોતી , પણ ભૈબંધે મારી પણ પિક્ચરની ટીકીટ લઇ લીધી , આ પિક્ચર તો મને જોવાની ખુબ ઈચ્છા હતી , અને બધા દોસ્તો પણ આજે જ જાય છે , પણ વાંધો નહિ , તમે ના પાડશો તો નહિ જઉં ”

પછી ભલે ને બિચારા માં – બાપ સવારથી નક્કી કરીને બેઠા હોય કે ભલે ગમ્મે તે થાય પણ આજે તો છોકરાને ઘરની બહાર નથી જ નીકળવા દેવો તોય , આ સાંભળ્યા પછી તેમને કહેવું જ પડે ” સારું , જઈ આવ , પણ પિક્ચર પતે એટલે તરત ઘરે આવી જજે …”

ઘટના નંબર ૩ –  વિવિધ ધંધાઓ ને પ્રોત્સાહન !

ગીફ્ટ આર્ટીકલ અને ફૂલ વાળા લોકો ને માટે દિવાળી કરતા પણ મોટો અવસર આવે ! આ દિવસ આવે એટલે ફૂલની દુકાને મુરજાયેલા ફૂલ અને ગીફટની દુકાને  ફાટી ગયેલા દિલ પણ વેચાઈ જાય , એ પણ હોય એના કરતા વધારે ભાવ માં ! આજ ના દિવસે નો ડિસ્કાઊન્ટ . આખો દિવસ ઓન્લી મની કાઊન્ટ ! એજ રીતે આજના દિવસે  હોટલો વાળા પણ ફાવી જાય , એક તો ડીનર ના ભાવ વધુ લેવાના અને વીજળી નો ખર્ચો પણ બચાવવાનો ! કેન્ડલ લાઈટ ડીનર યુ સી ! અને કપલીયાઓ પાછા ખાય ઓછું અને વાતો વધારે કરે , એટલે ખાવાનું બધું પ્લેટમાં એમ નું એમ પડ્યું રહે ! એટલે એ વધેલું ખાવાનું બીજા કોઈની પ્લેટ માં ! “હેપ્પી વેલેન્ટાઈન ડે સર ! ” કહી ને ! અને આજ ના દિવસે વેઈટરો ને ટીપ પણ વધારે મળે , ઓછી ટીપ આપીએ તો સાથે આવેલી છોકરી શું વિચારે ! એજ રીતે થીયેટરો વાળા પણ ખૂબ કમાય ! આખા થીયેટરમાં ચારે બાજુ કપલીયા જ કપલીયા દેખાય ! અને ગમ્મે તેવું પિક્ચર હોય , એ દિવસે તો બોક્સ ઓફીસ બ્રેક કરી નાખે ! પિક્ચર કેવું છે એના થી શું ફરક પડે છે ,  કપલીયાઓ ને તો અંદર જઈ ને ચુમ્મા ચાટી જ કરવી છે ને !

ત્રણ ઘટનાઓ પછી ત્રણ રોમેન્ટિક વાત કરી ને આ લેખ નું સમાપન !

વાત નંબર એક – મેં , કોમલે અને મમ્મી એ આજના દિવસે સ્ટાર ગોલ્ડ પર પારિવારિક રોમેન્ટિક ફિલ્મ “કુછ કુછ હોતા હૈ “ જોઈ નાખી. એ દરમ્યાન મને જાણવા મળ્યું કે કોમલે નાનપણમાં આ ફિલ્મ જોઈ ને કાજોલ ઊર્ફે અંજલી જેવા વાળ કપાવેલા !

વાત નંબર બે – એક રોમેન્ટિક પોસ્ટ , આવતીકાલે રીલીઝ થનારી ફિલ્મ મર્ડર ૩ ના રોમેન્ટિક ગીત ” તેરી ઝુકી નઝર … ” ગીત પર !

વાત નંબર ત્રણ – એક ખુબ જ રોમેન્ટિક વેલેન્ટાઈન ડે એડ

મમ્મા !

ફિલ્મ – દસવીદાનીયા

વર્ષ – ૨૦૦૮

ગીત – મા… મેરી મા…પ્યારી મા….મમ્મા

ગાયક – કૈલાશ ખેર

ગીતકાર – કૈલાશ ખેર

સંગીતકાર – કૈલાશ ખેર , નરેશ કામથ , પરેશ કામથ

“દસવિદાનીયા” એ મારા જીવનમાં મેં જોયેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક , વારંવાર જોયેલી અને મારા હૃદયથી ખુબ જ નજીક આ ફિલ્મ !  આ ફિલ્મ માં અમર(વિનય પાઠક ) ના મમ્મી , અને મારા મમ્મી વચ્ચે ઘણું સામ્ય. અમરના મમ્મી ટી.વી. ના રીમોટ સાથે હંમેશા ગોથા ખાધા કરતા હોય , મારા મમ્મી પણ ! મમ્મીના આ રીમોટ સાથેના સંઘર્ષ પર તો મેં એક શોર્ટ ફિલ્મ પણ બનાવી કાઢી – “ટીવી , રીમોટ એન્ડ મમ્મી “ અને મમ્મીએ એ ફિલ્મમાં બહુ મસ્ત અભિનય કર્યો, એ પણ ૬૬ વર્ષની ઉમરે , આ પહેલા તેમણે અભિનય તો શું , એવી કલ્પના સુદ્ધા નહોતી કરેલી કે હું ક્યારેય અભિનય કરીશ. (આ સિવાય મમ્મી એ મારી બીજી બે શોર્ટ ફિલ્મ્સ માં પણ અભિનય કર્યો છે. )

અમરના મમ્મીની જેમ મારા મમ્મીને પણ અથાણા વિશેષ પ્રિય. અમરના મમ્મીનો કાયમી પોશાક સલવાર કમીઝ , મારા મમ્મીની જેમ  ! અમરના મમ્મી તેને બાવા પાસે લઇ જાય છે , તેની જીવલેણ માંદગી ના ઈલાજ માટે, (તોય અમરનું મૃત્યુ થાય જ છે )હું દસમા માં હતો ત્યારે મારા મમ્મી પણ મને બાવા પાસે લઇ ગયેલા , જયારે તેમને લાગેલું કે આ છોકરો ગણિતમાં કદાચ ફેઈલ થશે (તોય હું ગણિતમાં ફેઈલ થઈને જ રહ્યો  )

“મા… મેરી મા…પ્યારી મા….મમ્મા

હો …ઓ …મા… મેરી મા…પ્યારી મા….મમ્મા”

હું નાનો હતો ત્યારે મમ્મી એક વાર્તા મને વારંવાર કહેતા , કે એક છોકરાને હાથમાં રેખાઓ જ નહિ , તેણે જાતે ચાકુ લઈને પોતાના હાથમાં રેખાઓ પાડી , અને મહાન હસ્તી બન્યો. પુરુષાર્થ નો મહિમા તેમણે મને આ રીતે સમજાવેલો …

“હાથો કી લકીરે બદલ જાયેગી ,

ગમ કી યે ઝંઝીરે પિઘલ જાયેગી ……”

મારી કોઈ વસ્તુ ખોવાઈ જાય એટલે મારા કરતા વધારે તેની ચિંતા મમ્મી ને હોય , હું થોડીક વાર શોધીને પડતું મુકું અને એ આખો દિવસ શોધ્યા કરે , ભગવાનનો દીવો માને , અને માનતા માને એના એક કલ્લાકમાં તો તેમનો દીવો થઇ જ જાય … એ દીવો માને …અને વસ્તુ તરત મળી જાય … એવું હંમેશા બને ..

“……..હો ખુદા પે ભી અસર , તું દુઆઓં કા હૈ ઘર ,

 મેરી મા… મેરી મા…પ્યારી મા….મમ્મા

હો …ઓ ….. મા…મેરી મા…પ્યારી મા….મમ્મા “

હું અને મમ્મી ( હું ૮મા કે ૯મા ધોરણમાં ભણતો હોઈશ , ત્યારનો ફોટો )

હું અને મમ્મી ( હું ૧૦મા કે ૧૧મા ધોરણમાં ભણતો હોઈશ , ત્યારનો ફોટો )

અમરને ખબર છે કે એ મરવાનો છે પણ તેને એ વાતની કોઈ ફિકર નથી , કોઈ ચિંતા નથી , કારણ કે તે એની મા પાસે છે , અને તેમની પાસે તેના બધ્ધા દુખ હળવા થઇ જાય છે. એક ટાઈમે જયારે મને ભગવાનમાં બિલકુલ શ્રદ્ધા નહોતી રહી , ત્યારે પણ મને મમ્મી ની પ્રાર્થનાઓ અને દુઆઓ માં તો અતુટ શ્રદ્ધા હતી. હું જ્યારે ખુબ ચિંતામાં હોઉં કે કોઈ બાબતને લઈને ખૂબ દુખી હોઉં ત્યારે મમ્મીના ખોળ માં જઈને સુઈ જાઉં, પછી બધું દુખ , બધી ચિંતા , બધી પરેશાનીઓ ગાયબ થઇ જાય છે

“બિગડી કિસ્મત ભી સંવર જાયેગી ,

ઝીંદગી તરાને ખુશી કે ગાયેગી ,

તેરે હોતે કિસકા ડર , તું દુઆઓં કા હૈ ઘર ,

 મેરી મા… મેરી મા…પ્યારી મા….મમ્મા”  

ક્યારેક જો મુશ્કેલીઓથી વધારે ડરી ગયો હોઉં, ક્યારેક વધારે પડતી નકારાત્મકતા આવી જાય અને એવું લાગે કે દુનિયામાં કશુય નથી સારું , જીવન અર્થહીન છે કારણકે બધા મનુષ્યો લાગણી વગરના છે,  ત્યારે એવો વિચાર પણ આવે કે કાશ હું ફરીથી નાનો થઇ જાઉં , અને મમ્મીના ઉદરમાં ફરી થી ઊછરું, ટૂંટિયું વાળ ને પડ્યો રહું

યુ તો મેં સબસે ન્યારા હૂં , તેરા માં મેં દુલારા હૂં ,

યુ તો મેં સબસે ન્યારા હૂં , પર તેરા માં મેં દુલારા હૂં ,

દુનિયા મેં જીને સે ઝ્યાદા ઊલ્જન હૈ માં , તું હૈ અમર કા જહાં ..

જેમ મા ને તેનું બાળક જેવું હોય તેવું, ખુબ ગમે તેમ બાળકને પણ તેની મા ખુબ વ્હાલી લાગે , ભલે તે તેના પર ખુબ ગુસ્સે થતી હોય તોય તેને મા વિના એક ક્ષણ ના ચાલે !

તું ગુસ્સા કરતી હૈ , બડા અચ્છા લગતા હૈ ,

તું કાન પકડતી હૈ , બડી ઝોર સે લગતા હૈ , મેરી મા …

 મેરી મા… મેરી મા…પ્યારી મા….મમ્મા  

ફિલ્મ રિવ્યુઝ જાન્યુઆરી ૨૦૧૩

આકાશવાણી
આકાશ નામનો છોકરો અને વાણી નામની છોકરી . બંને ભણે એક કોલેજ માં ! કોલેજના પહેલા જ દિવસે કોઈ પૂછે છે – તમારું નામ ? છોકરી બોલે – આકાશવાણી . અને એનો જવાબ – આ તે નામ છે કે કોઈ રેડીઓ સ્ટેશન ! આકાશ મજાક મજાકમાં બોલી દે કે વાણી ફિલ્મી સ્તાઈલમાં કહેશે કે તું જ મારો પહેલો પ્રેમ છે ! ત્યારે વાણી એને પૂછે – તું એવું કેવી રીતે કહી શકે કે પહેલો જ છે ? અને આકાશ બે ત્રણ દિવસ રહીને જવાબ આપે – બીજો ત્રીજો હશે તો પણ ચાલશે , ત્યારે વાણી પૂછે – અને છટ્ટો – સાતમો હોય તો ? ક્યુટ ક્યુટ છોકરો , ક્યુટ ક્યુટ છોકરી અને તેમની ક્યુટ લવ-સ્ટોરી!ક્યારેક આકાશ જેમ છવાયેલી તો ક્યારેક વાણી ની જેમ વહેતી લવ-સ્ટોરી! સુંદર મજા નો પ્રેમ બે હૈયા વચ્ચે ઉછળતા મોજા જેવી લવ સ્ટોરી ! પણ…
યહી તો પ્રોબ્લેમ હૈ યાર ! ૨૧ મી સદી માં લવ-સ્ટોરી !!! પોસ્સીબ્લ ?આવેગ માં વ્યક્તિ ખૂન કરી શકે પણ સહજ લાગણી થી ભરપૂર પ્રેમ કરાય ? અને જો કોઈ કરે તો આ દુનિયા તે પ્રેમીઓને સાથે જીવવા દે ખરી. માં – બાપ અને તેમના આદર્શો પર કેટલીયે પ્રેમ કહાનીઓ બલી ચઢતી હોય છે. પણ સમાજ માં વગોવાય છે માત્ર તે બાળકો – પ્રેમીઓ . પોતાના બાળકના ખોટા – ખરાબ પાત્ર સાથે એરેન્જ મેરેજ કરાવી ને તેમની જિંદગી બરબાદ કરતા માં – બાપ ને આ સમાજ કેમ કઈ નથી કહેતો ! બસ , આ જ વિષયને ચોટદાર રીતે રજુ કરે છે આ ફિલ્મ . ફિલ્મ યુવાનો એ તો જોવા જેવી ખરી જ પણ સાથે સાથે દરેક વડીલે પણ અચૂક જોવી જોઈએ . કદાચ આ ફિલ્મ જોઈ ને થોડાકેય માં – બાપના હૃદય પરિવર્તન થાય અને તેઓ પોતાના બાળકની બલી ચડાવતા અટકે તો આ ફિલ્મ નું નિર્માણ સાર્થક ગણાય.

                                                          Akaash-Vani-Race-2

રેસ ટુ

એક છોકરી આપડી વાર્તાના નાયકના પ્રેમમાં છે , પણ અચાનક ૧૦ મિનીટ પછી ખબર પડે છે કે એતો ખરેખર પ્રેમ કરવાનું નાટક કરે છે , બીજી ૧૦ મિનીટ પછી ખબર પડે કે નાયક પણ પ્રેમ નું નાટક જ કરે છે , બીજી ૧૦ મિનીટ પછી ખબર પડે કે નાયકને તો પહેલેથી જ ખબર હતી કે છોકરી તેને પ્રેમ નહોતી કરતી , અને બીજી દસ મિનીટ પછી ખબર પડે કે સાચો વિલન તો નાયક જ છે અને છોકરી ખરેખર માં સારી છે . પછી સમાચાર આવે કે છોકરી મરી ગઈ અને પછી વડી પાછુ ૧૦ મીનીટ પછી ખબર પડે કે ખરેખરમાં તો છોકરો-નાયક મર્યો છે. અને પછી ખબર પડે કે બંને મરી ગયા છે અને છેલ્લે ખબર પડે કે બંને માંથી કોઈ નથી મર્યું એટલે બંને એ ખાધું પીધું ને રાજ કર્યું . આ રેસ ટુ ની વાર્તા નથી , પણ રેસ ટુની વાર્તા પણ આ વાર્તા મુજબ ઢંગધડા વગરની શોક વેલ્યુ ધરાવનારી. દર પાંચ – દસ મીનીટે દર્શકોને બસ ચોંકાયે જ રાખવાના. ફિલ્મનું નામ રેસ કેમ છે એ પણ તમને નહિ સમજાય , હા , સંવાદો માં ક્યારેક ક્યારેક આ શબ્દનો ઉપયોગ થશે એટલે તમને યાદ આવી જશે કે તમે જે ફિલ્મ જોઈ રહ્યા છો તેનું નામ રેસ છે . બાકી ફિલ્મના લક્ષણો મુજબ તો તેનું નામ હોવું જોઈએ – ” ચોંકના જરૂરી હૈ ” . તમને દર પાંચ – દસ મીનીટે ચોંકયા કરવું ગમતું હશે તો આ ફિલ્મ ગમશે. પણ આ SHOCKING ફિલ્મ જોઈ ને મને તો SHOCK લાગી ગયો અને એ SHOCK ના શોક માં થી હજી હું બહાર નથી આવ્યો .

મટરૂ કી બીજલી કા મન્ડોલા

                                                             308686,xcitefun-matru-ki-bijlee-ka-mandola-song

આ ફિલ્મને વિશાલભાઈ ( વિશાલ ભારદ્વાજ – દિગ્દર્શક ) એક ક્રેઝી કોમેડી તરીકે TREAT કરવા ગયા છે , પણ એક ક્રેઝી હ્યુમર ઊભું કરવું એ ખુબ જ અઘરી વાત છે , એના માટે એકટર અને સ્ક્રીપ્ટ બંને ખુબ જ સક્ષમ જોઈએ. આ બંને વસ્તુઓનું ડેડલી કોમ્બીનેશન જોઈએ , જે વિનય પાઠકની “ભેજા ફ્રાય ” માં હતું , પણ “મટરૂ કી બીજલી કા મન્ડોલા” માં નથી. પંકજ કપૂર સક્ષમ અભિનેતા છે , અને આ ફિલ્મમાં પણ તેનો અભિનય સારો જ છે , પણ તે ક્રેઝી કોમેડી માટે નું મટીરીયલ નથી એ આ ફિલ્મ જોયા પછી સાબિત થઇ જાય છે. ઇમરાન ખાન તો આમેય બિચારો હિરોઈન જેવો લાગતો હીરો છે , આ ફિલ્મમાં તેને ધી ગ્રેટ અનુષ્કા શર્મા ની ઓપોઝીટ કામ કરવાનું હતું એટલે એ અનુષ્કા શર્માનો બાબો છે એવું દર્શકો ના સમજી બેસે એ માટે વિશાલભાઈ એ ઈમરાનને દાઢી વધારવાનું કહ્યું . તોય ઝાઝો ફર્ક ના પડ્યો , પહેલા એ હિરોઈન જેવો લાગતો હતો , પણ આ ફિલ્મમાં એ દાઢી વાળી હિરોઈન જેવો લાગે છે . હરિયાણવી ભાષામાં ડાયલોગ બોલે એટલે થીયેટરમાં ક્યાંકથી કોઈ છોકરી બોલે – હાઊ ક્યુટ ! અને આપડને તો એવું લાગે કે કોઈ એ નાનો છોકરો પડદા પર રમવા માટે ખુલ્લો મૂકી દીધો છે – એટલે એવું બોલવાનું મન થઇ જાય – એએએય બાબા , આઘો ખસ, પિક્ચર જોવા દે ! અનુષ્કા શર્માનું કામ કાબિલે તારીફ , એટલું જ શબાના નું . અને હા , પંકજ કપૂરનું પણ ખરું , પણ પાર્ટલી. સૌથી શ્રેષ્ઠ અભિનય શબાના નો , એનું પાત્ર એકદમ જીવંત લાગે છે , સાથે શબાના અને પંકજ કપૂર ના સાથે જેટલા દ્રશ્યો છે તે બધા મજેદાર છે. બંનેની કેમેસ્ટ્રી અદભુત છે . પણ પંકજ કપૂર ના સોલો ક્રેઝી પરફોર્મન્સીસ થોડા બોરિંગ લાગે છે – એના અભિનયમાં કોઈ ખામી નથી પણ તે આવા પ્રકારના દ્રશ્યો માટે મિસફીટ છે.

ઇનકાર

ઇનકાર એ સુધીર મિશ્રા જેવા સક્ષમ દિગ્દર્શકનું સર્જન છે , જે એન્જોયેબલ છે. વાર્તામાં નાવીન્ય છે , યુ/એ સર્ટીફીકેટ સાથે પણ અદભુત બોલ્ડનેસ છે , જે વલ્ગર બિલકુલ નથી. ફિલ્મની કથા એ રીતની છે કે કદાચ બીજો કોઈ દિગ્દર્શક હોત તો ફિલ્મ વલ્ગર બની જાત , પણ અહી સુધીર મિશ્રા એ ફિલ્મ ને એટલી સુંદર રીતે મઢી છે કે સહેજ પણ વલ્ગર નથી લાગતી. ઇવન , નાયિકા જયારે ફિલ્મમાં વારંવાર એવું બોલે કે ” શું એના માટે મારે તારી સાથે સુવું પડશે ? ” ત્યારે પણ ફિલ્મ વલ્ગર નથી લાગતી ,એમાં માત્ર વાર્તાની , પાત્રની બોલ્ડનેસ દેખાય છે. અબ્બાસ-મસ્તાને પણ બોલ્ડ કથા લઈને “ઐતરાઝ” નામની ફિલ્મ બનાવેલી , અને એ ફિલ્મના બોલ્ડ દ્રશ્યો, સહેજ પણ બોલ્ડ નથી લાગતા , માત્ર વલ્ગર લાગે છે.
ઇનકાર ફિલ્મ શરુ થાય છે ત્યારે ચિત્રાંગના,  અર્જુન રામપાલ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ નો કેસ કરવા જઈ રહી છે. બંને એક એડ એજન્સી માં કામ કરે છે , અર્જુન રામપાલ એ કંપની નો સી.ઈ.ઓ. છે અને ચિત્રાંગના પણ કંપની માં આગળ પડતા સ્થાને છે જેની પાછળ અર્જુન રામપાલ નો જ ફાળો છે. દીપ્તિ નવલ ઇન્ક્વાયરી માટે આવે છે અને એની સામે અર્જુન અને ચિત્રાંગના પોતાના મુદ્દા મુકે છે , અને ફલેશબેકમાં વાર્તા અને પ્રસંગો આવતા જાય છે. ફિલ્મ અંત તરફ જઈ રહી હોય છે ત્યારે દીપ્તિ નવલ બોલે છે કે મને તો બંને પોતાની જગ્યાએ વ્યાજબી અને ખુબ પ્રમાણિક લાગે છે , માટે કોઈ પણ નિર્ણય લેવો ખુબ અઘરો છે . અને ફિલ્મના અંતમાં જ બધા રહસ્યો અને મુંઝવળો નો ઉકેલ આવે છે. ચિત્રાંગના ના તો ચેહરામાં જ ખુબ સેક્સ અપીલ છે , માટે તે આ રોલ માટેનું પરફેક્ટ કાસ્ટિંગ છે , અર્જુન રામપાલ તેના પાત્રને ન્યાય આપે છે અને દીપ્તિ નવલે પણ સારો અભિનય આપ્યો છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈ ને તમે ગર્વ સાથે કહી શકો કે આ છે અમારી ભારતીય ફિલ્મ , એવી ફિલ્મો માં ની એક , એટલે – “ઇનકાર”.

                                                              53097_mumbai-mirror-inkaar

મુંબઈ મિરર 

એક પોલીસ ઓફીસર જે નબળાઈઓ થી ભરપૂર છે . જૂની ફિલ્મો માં હીરો આદર્શની પુતળી સમાન રહેતા , જેમાં કોઈ બુરાઈ ના હોય , પણ જમાનો બદલાયો તેમ નવી ફિલ્મો ના હિરોમાં પણ સામાન્ય માણસની જેમ નાની મોટી નબળાઈઓ આવવા લાગી . જે સારી વાત છે , વાસ્તવિક વલણ છે ,એનાથી લોકો હીરો સાથે પોતાના કેરેક્ટરને સહેલાઈથી રીલેટ પણ કરી શકે ! પણ પછી તો જાણ આનો ટ્રેન્ડ જ બની ગયો , અને ગ્રે શેડના હીરોની સંખ્યા બોલીવુડની ફિલ્મોમાં ખુબ જ વધી ગઈ. આ ફિલ્મનો હીરો નબળાઈઓ થી ભરપૂર છે , એ DRUGS લે છે , આલ્કોહોલિક છે, પ્રોસ્ટીટ્યુટ સાથે સુવે છે , અને એક બાર નો માલિક જયારે તેને લાંચના રૂપિયા આપે છે ત્યારે તે લઇ લે છે અને તોય બીજા દિવસે તેના બારમાં રેડ પાડે છે. વિલન બદલો લે છે અને હિરોભાઈ ની નોકરી છૂટી જાય છે , પછી બદલો લેવાની વારી હિરોભાઈ ની એટલે એ વિલનને મારી ને પાછો નોકરીએ લાગી જાય છે . ફિલ્મના ડાયલોગ સારા છે , એક્શન દ્રશ્યો ઠીકઠાક. ફિલ્મના હીરો સાગર પાટીલ ને એક્ટીગ નથી આવડતી. ડાયલોગ ડીલીવરી ના ફાંફા છે. મિથુનના છોકરા મિમો એ એની પહેલી ફિલ્મમાં જેવો દાટ વાળેલો , અસ્સલ એવો જ દાટ સાગર પાટીલે તેની આ પહેલી  ફિલ્મ માં વાળ્યો છે. પ્રકાશ રાજ , મહેશ માંજરેકર અને આદિત્ય પંચોલી ના અભિનય ને માણવાની મજા આવે છે . ફિલ્મ પાસે મારી મુખ્ય ફરિયાદ એટલી કે હીરોને DRUGS નો બંધાણી બતાવ્યો છે તો અંતમાં તેની એ આદત છૂટી જાય છે અથવાતો એ આદતથી તેનું પતન થાય છે તેવું બતાવવું જરૂરી છે , જે નથી બતાવવામાં આવ્યું . આ ફિલ્મના  દિગ્દર્શક અંકુશ ભટ્ટ સક્ષમ છે પણ આ તેની નબળી ફિલ્મ છે. આ  પહેલા આ જ દિગ્દર્શકે “ભીંડી બાઝાર INC. ” નામની ખુબ સુંદર ફિલ્મ આપી છે. એ ફિલ્મ જેટલી અથવાતો એના કરતા પણ સારી ફિલ્મ ની અપેક્ષા “મુંબઈ મિરર” માટે હતી , જે પૂરી ના થઇ.

ટેબલ નંબર ૨૧

                                                           59357737

એક ગેમ શો , જેમાં એક કપલ ભાગ લે છે , દરેક સાચા જવાબ માટે ઇનામની રકમ કરોડો માં , પણ એ પ્રશ્ન હોય અંગત અને એ પ્રશ્ન પછી એક ટાસ્ક પણ હોય , જે કરવો પડે . પણ પ્રશ્નો અને ટાસ્ક કેવા ? સાવ પપલુ જેવા ! અને દિગ્દર્શક એવું બતાવે કે જાણે બહુ અઘરો ટાસ્ક આ કપલ ને આપ્યો છે. પહેલા ટાસ્ક માં તેમને જાહેરમાં લીપ કિસ કરવી પડે છે , પછી વેજીટેરીયન છોકરીને નોનવેજ ખાવું પડે છે અને એ છોકરીને ટાસ્ક માં જયારે મુંડન કરાવવું પડે છે ત્યારે એ બંને જાના ગેમ છોડવા તૈયાર થઇ જાય છે ,ને રડે છે ને શું નું શું ય કરે છે – પણ કરોડો રૂપિયા જયારે મળતા હોય ત્યારે ટાસ્ક નું લેવલ પણ એ મુજબ નું હોવું જોઈએ. છેલ્લે ફિલ્મ એક સારો મેસેજ આપે છે – રેગીંગ નો વિરોધ કરે છે , મજબૂત રીતે ! એટલે એક સારા ઉદ્દેશ્ય થી બનેલી ફિલ્મ છે એવું કહી શકાય , પણ મનોરંજન ની દ્રષ્ટિ એ  આ ફિલ્મ નબળી કહી શકાય , એક થ્રીલર પ્રકારની ફિલ્મ માં જો થ્રીલના થાય , આગળ શું થશે એ જાણવાની ઇન્તેજારી નાં થાય તો ફિલ્મ ખુબ જ નબળી કહેવાય . ટેબલ નંબર ૨૧ ને એના મોરલ માટે CLAP અને નબળા મનોરંજન માટે SLAP