(આ પોસ્ટથી હું આ બ્લોગમાં એક નવી કેટેગરી ઉમેરું છું. “મેરી કહાની, ગીતોં કી ઝુબાની”. આપ સૌ જાણો છો કે ગમતીલા ગીતો સાથે થોડી યાદો, થોડી લાગણીઓ, અને થોડા કિસ્સા જોડાયેલા હોય છે. તો બસ એને અહી આપ સહુ ની વચ્ચે વહેંચી રહ્યો છું. આશા રાખું છું કે આપને ગમશે. ક્યાંક મારી સાથે સાથે તમને પણ પ્રસ્તુત ગીત ફરીથી તાજું થઇ જાય કે અહીં કોઈ ગીતને નજીકથી જાણ્યા પછી તે તમારું પણ ગમતીલું થઇ જાય, બસ પછી તો શું જોઈએ,હું તો માનું છું કે જિંદગીનો સદ્દઉપયોગ પ્રેમ કરવામાં અને ગીતો ગાવામાં જ છે, જે ઘડીને આપણે સંગીતમાં મગ્ન થઈને પસાર કરી છે, તે પળને આપણે પૂરી રીતે જીવી છે )
ફિલ્મ – શ્રી ૪૨૦
વર્ષ – ૧૯૫૫
ગીત – રમૈયા વત્સા વૈયા…
ગાયકો – મહંમદ રફી,મુકેશ,લતા મંગેશકર
ગીતકાર -શૈલેન્દ્ર
સંગીત – શંકર-જયકિશન
શ્રી ૪૨૦ નું “રમૈયા વત્સા વૈયા….” મેં અત્યાર સુધી સાંભળેલા બધા ગીતો માંનું મારું સૌથી પ્રિય ગીત. તમને તો પ્રશ્ન થતા થાય પણ મને પણ ઘણી વાર પ્રશ્ન થાય કે એવું તે શું ખાસ છે તે ગીત માં, અથવાતો એવું શું છે તે ગીતમાં જે બીજા ગીતો માં નથી. આજે ફરી થી એ વિષે વિચાર્યું તો જવાબ મળી ગયો, એક નહિ પણ અનેક કારણો છે મને તે ગીત ગમવા પાછળ.
પહેલું કારણ રાજ કપૂર, મારો અને મારા ફાધર નો ફેવરીટ એક્ટર રાજ કપૂર. અને અમારા બંનેની ફેવરીટ ફિલ્મ “શ્રી ૪૨૦” . અમે રાજ કપૂર ની ઘણી ફિલ્મો સાથે જોઈ. ઓગસ્ટ ૨૦૦૬ માં પપ્પાનું અવસાન થયું તેના થોડા સમય પહેલા જ અમે તે ફિલ્મ સાથે જોયેલી. ત્યારબાદ લાંબા સમય સુધી સીડી પ્લેયર માં કોઈ ફિલ્મ જોવામાં આવી નહિ હોય એટલે તેમના અવસાન બાદ થોડા મહિના પછી જયારે મેં સીડી પ્લેયર ચાલુ કર્યું ત્યારે તેમાં “શ્રી ૪૨૦ ” ની સીડી જ હતી.
પપ્પાનું અવસાન થયું ત્યારે મને ઘણા ગીતો સાંભળીને તેમની જ યાદ આવતી.
“રમૈયા વત્સા વૈયા….” નો એક અંતરો મને તેમની યાદ અપાવતો “રસ્તા વોહી ઔર મુસાફિર વહી એક તારા નાજાને કહાં છુપ ગયા…. દુનિયા વહી, દુનિયાવાલે વહી, કોઈ ક્યા જાને કિસકા જહાં લૂટ ગયા.” એજ રીતે રાજ કપૂર “મેરા નામ જોકર” માં રશિયન છોકરીને કહે છે કે મારા પિતા નથી! “પાપા …. નિયત , નિયત ” (રશિયન ભાષામાં નિયત એટલે નથી) . ત્યારે પણ મને પપ્પા ખૂબ યાદ આવે.
એજ રીતે “રોગ” ફિલ્મનું એક ગીત સાંભળીને હું તેમને ખુબ યાદ કરતો “તેરે ઇસ જહાં મેં એ ખુદા, વો નહિ તો લગતા હૈ કુછ નહિ, નહિ હોકે ભી હૈ વો હર જગાહ, કરું કયું યકી કે વો અબ નહીં”
માણસની નિર્દોષતા લાંબા સમય સુધી તેની સાથે નથી રહેતી, દુનિયાદારી ના રંગમાં તે વહેલો મોડો , વત્તો ઓછો રંગાઈ જ જાય છે, પહેલા કોઈ મારી સાથે કઈ ખરાબ કરતુ તો હું વિચારતો, કે હશે , ભગવાને મારી સાથે તેમ કરવા માટે તેને નિમિત્ત બનાવ્યો હશે. પણ હમણાં થોડા દિવસ પહેલા એક ગરીબ ભિખારી મારી પાસે ભીખ માંગવા આવ્યો ત્યારે મેં તેને તરછોડ્યો, અને અચાનક મારા અંતર માં એક ટકોર થઇ! કશું ખરાબ થાય છે તેમાં હું પણ નિમિત્ત બનતો હોઉં છું! આવું કઈ થાય ત્યારે મને “રમૈયા વત્સા વૈયા….”નો આ અંતરો યાદ આવે – “નૈનોમેં થી પ્યારકી રોશની, તેરી આંખો મેં યે દુનિયાદારી ના થી, તું ઔર થા, તેરા દિલ ઔર થા, તેરે મનમેં યે મીઠી કટારી ના થી…”
હું નાનો હતો ત્યારે મામાને ત્યાં વેકેશનમાં જતો, તે ગામનું નામ ગારીયાધાર. ત્યાં એક ગુલ્ફીવાળો આવે અને મને તેની ગુલ્ફી બહુ ભાવે . મામાના ઘરની બાજુમાં એક મુસ્લિમ પરિવાર રહે. મારા મોટાભાઈ (મામાના સુપુત્ર અભિજિતભાઈ) ના મિત્ર ઇકબાલભાઈ તે પરિવારના. ઇકબાલભાઈ ના મમ્મીને મારા માટે બહુ લાગણી રહેતી. હું બહુ નાનો હતો, તે મને તેમના ઘરે બોલાવતા, હું ના જતો, પછી મને ગુલ્ફીનું લાલચ આપતા, એટલે હું જતો. ગુલ્ફીવાળા ની રાહ જોતો હું તેમને ત્યાં ખાટલા પર બેસી રહેતો, તે વાસણ માંજતા, ઘરનું બીજું કામ કરતા કરતા મારી સાથે વાતો કરે, અને મારી કાલી ઘેલી વાતો સાંભળી ને ખુબ હસે. પછી ગુલ્ફી વાળો આવે એટલે જે કામ કરતા હોય તે પડતું મૂકી ને દોડે, ભર બપોરે, તડકામાં ગુલ્ફી લેવા, મને યાદ છે એક વખતતો પગ માં કશું પહેર્યા વગર દોડેલા. અને પછી ગુલ્ફીને જોઈ ને હું જેટલો હરખાવ તેના કરતા વધારે તે હરખાતા હોય, મને ગુલ્ફી ખાતો જોઈ ને ! એમની આંખો માં છલકતું વ્હાલ યાદ કરું તો મને “રમૈયા વત્સા વૈયા” ગીતનો આ અંતરો યાદ આવે – ” ઉસ દેશમે, તેરે પરદેસ મેં , સોને ચાંદીકે બદલે મેં બિકતે હૈ દિલ, ઇસ ગાવ મેં, દર્દ કી છાંવમેં , પ્યારકે નામ પરહી તડપતે હૈ દિલ.”
ધણીવાર નાસીપાસ થઇ જવાય, એકલતા અનુભવાય, દરેક માણસને ક્યારેકતો એવો વિચાર આવેજ છે કે સાલું કોઈ નથી આ દુનિયામાં જે મને ચાહતું હોય. એકલતાની આજ લાગણી આ ગીતની આ એક લાઈન સાંભળી ને અનુભવી શકાય છે ” મેરી આંખો મેં રહે, કૌન જો મુજસે કહે, મૈને દિલ તુજકો દિયા, મૈને દિલ તુજકો દિયા, હો રમૈયા વત્સા વૈયા…. રમૈયા વત્સા વૈયા….
સોને ચાંદીકે બદલે મેં બિકતે હૈ દિલ, ઇસ ગાવ મેં, દર્દ કી છાંવમેં , પ્યારકે નામ પરહી તડપતે હૈ દિલ.”
ધણીવાર નાસીપાસ થઇ જવાય, એકલતા અનુભવાય, દરેક માણસને ક્યારેકતો એવો વિચાર આવેજ છે કે સાલું કોઈ નથી આ દુનિયામાં જે મને ચાહતું હોય. . . . . . Same to all + you 😦
yes, absolutely
મિત્ર,
વિષયને અનુરૂપ ટૂંકી પણ ખુબ જ સુંદર રજૂઆત. વળી, કેટલી બધી વાતો વાણી લીધી! એમાં પણ પિતાજીની પસંદગીના ગીતની વાત ગમી. પિતા-પૂત્ર વચ્ચે સંવાદ હોય તો જ આવી વાત યાદ રહે. મને એ વાત ગમી.
ગારીયાધાર , ગુલ્ફી અને ગીત એ ત્રણેને લાગણીના તાંતણે ગૂંથી લીધાં! લખાણને મુદ્દાસર અને આકર્ષક રીતે રજૂ કરવાની કુશળતા દેખાઈ આવે છે. ધન્યવાદ.
મેં પણ મારા બ્લોગ પર ગુલ્ફીની એક વાત લખી છે. http://wp.me/phscX-qw. તમને ગમશે.
ખૂબ ખૂબ આભાર યશવંત અંકલ, આપે મને વાંચ્યો એ જ મોટી ધન્યતા છે મરે મન. અને આટલી સારી રીતે બીર્દાવો છો, એતો પાછલા જનમના કોઈ પુણ્ય હશે મારા. 🙂
વાહ ખૂબ જ સરસ ઘણું ગમ્યું !!
આભાર હિનાજી , તમે પણ આ બ્લોગના વાચક તરીકે જોડાયા છો એ વાતનો આનંદ છે
🙂
રાજકપૂર, શૈલેન્દ્ર-હસરત જયપૂરી અને શંકર-જયકિશન – આ ત્રિપૂટીની જોડી (પંચ મંડળી)એ અનેક “હીટ” ગીતો આપ્યા છે. આવી જ બીજી ત્રિપૂટી છે રાજા મેહ્દી અલી ખાન – મદન મોહન અને લતા મંગેશકરની. વર્ષો વીત્યા, હિંદી ફિલ્મ સંગીતના જૂના ગીતો સાથે સ્મૃતિપટ પર જૂની યાદો, જૂના સંભારણાં તાજા થાય છે, જૂનો જમાનો યાદ આવી જાય છે.
રાજ કપૂર, મારા પપ્પાના પણ ફેવરીટ એક્ટર હતા, મારો ફિલ્મોનો શોખ એમને આભારી છે. નાના હતા ત્યારે, હિંદી તેમજ ઘણી અંગ્રેજી ફિલ્મો પપ્પા સાથે જોઈ હતી. શૈલેન્દ્રના ગીતો એમને ખૂબ જ ગમતા. રાજકપૂરની “જાગતે રહો” ફિલ્મ જોયા બાદ ફિલ્મનું નામ “જાગતે રહો” કેમ રાખ્યું અને જાગતે રહો નુ અર્થઘટન ફિલ્મમાં બતાવેલ દાખલા દલીલો સાથે વિસ્તારપૂર્વક સમજાવેલું એ હજી પણ યાદ છે. ફ્ક્ત ચોર ચોરી ના કરે એટલે ચોકીદાર “જાગતે રહો” એવી બૂમો પાડ્યા કરે એવું નહીં પણ જીવનની વિષમતાઓ વચ્ચે, અનેક આકર્ષિત કુટેવો અને પ્રલોભનોથી કેવી રીતે સલામત રહેવું, સજાગ – જાગતા રહેવું એ છે. ખીણની ધાર ઉપર ઊભા રહીને જરૂર ચાલો, એ “થ્રીલ” પણ માણો પરંતુ ખીણમાં ગબડી ના પડો એની સાવચેતી જરૂર રાખો.
જૂના સંભારણાઓને વાગોળાવવા બદલ ખૂબ ખૂબ આભાર.
સૌ પ્રથમતો આપનું મારા બ્લોગ પર હૃદયપૂર્વક સ્વાગત. આપે મારા બ્લોગની મુલાકાત લીધી એ વાતનો ઘણો આનંદ છે. શૈલેન્દ્ર મારો પણ પ્રિય ગીતકાર છે. મારી જેમ તમને પણ રાજકપૂર ની ફિલ્મો સાથે યાદો – પિતાના સંસ્મરણો જોડાયેલ છે તે જાણીને આનંદ થયો, આગળ પણ આ બ્લોગ પર રાજ કપૂરની, તેની ફિલ્મોની તથા અન્ય જુના યાદગાર ફિલ્મી ગીતોની વાતો થતી રહેશે. ત્યારે પણ આપની હાજરી હશે તો ગમશે, મહેફિલમાં રંગ જામશે 🙂