Day: સપ્ટેમ્બર 28, 2012

કે. લાલ – માયાજાલ (કલ ખેલ મેં હમ હો ના હો…)


બે મહિના પહેલા જૂલાઈ માં કે.લાલ ના શો એચ. કે. કોલેજ ના હોલ માં આવ્યા, છાપાઓ માં જાહેરાતો એવી થઇ હતી કે કે.લાલ રીટાયર થાય છે, અને રીટાયર થતા પહેલાના આ એમના છેલ્લા શો છે. મેં પહેલા ક્યારેય કોઈ જાદુ નો શો જોયેલો નહોતો, કે.લાલ ને પણ એક વાર જોવાની ઈચ્છા હતી. ટીકીટો લીધી. હું ને મારા પત્ની બેય એચ.કે. કોલેજ ના હોલ માં ગોઠવાયા અને શો ચાલુ થયો.
“હમ્બો હમ્બો હમ્બો…..કે લાલ જદુવાલા…..કમાલ હૈ નિરાલા….કે લાલ …માયાજાલ…માયાજાલ….માયાજાલ…” કે લાલ ના શો નું આ સિગ્નેચર ગીત વાગ્યું અને બે- ચાર છોકરીયો હાથ માં ઓલા ચીયર ગર્લ જેવા ફૂમતા લઇ ને નાચવા આવી. એમણે સ્કર્ટ ની નીચે ટાઈટસ પહેરેલું એ જોઈ મારા થી જરા જોર થી બોલાઈ ગયું – “એ…આતો છેતર્યા! “. પત્ની બોલી- “શાંતિ રાખો, તમે જાદુ જોવા આવ્યા છો તો માત્ર તે જોવાની જ અપેક્ષા રાખો! ” અને પછી કે.લાલ આવ્યા ને ઓલી ન્યુઝ ચેનલ વાળા આજકાલ પાંચ મિનીટ માં પચ્ચીસ ન્યુઝ ફટાફટી બતાવે છે તેમ તેમણે પહેલા તો પચાસેક જેટલા નાના જાદુ ફટાફટ બતાવી દીધા. દાંડી માંથી ફૂલ બનાવે ને એવા બધા. ને પછી મોટા જાદુના એક્ટ ચાલુ કર્યા. એમાય પાછી એમની થીમ એવી કે અમે તમને દુનિયા ની સફરે લઇ જઈએ છીએ એમ કહી ને બોલે કે આ ઈજીપ્ત આવ્યુ ને પછી એમનો એકટ ઈજીપ્ત ના કપડા ને મમી ને લાગતો હોય. એવી રીતે ચાઈના ને બીજા દેશો આવે.
અમુક એકટ ખરેખર અધધધ.. પંખા ની હવા થી છોકરી ઊડે!
છોકરીને પેટી માં પૂરે અને પેટી નો ઉપર નો ભાગ કાપી ને બાજુ ના ટેબલ પર મુકે પછી પેટી ખોલે તો તેમાં શરીર નું માથું ના હોય અને ઓલો ટેબલ પર મુકેલો ભાગ ખોલે તેમાં માથું હોય, અને તે માથું પાછુ આપડી જોડે વાતો પણ કરે. ઓડીયન્સ માંથી કોઈ ને બોલાવી ને કહે કે માથા જોડે વાતો કરો. એટલે પછી માથા ને જે પૂછો તેનો જવાબ આપે.
બધા એકટસની વચ્ચે વચ્ચે ઠીંગુજીની કોમેડી પણ આવે.
કે.લાલ દર્શકો માં દેશ ભક્તિ ની ભાવના જગાડવા થોડી થોડી વારે પાણી નો જગ લઇ ને આવે અને બોલે ” યે હૈ વોટર ઓફ ઇન્ડિયા” કહી ને ભારત માં ના ચરણો માં પાણી અર્પણ કરે.અને બેક ગ્રાઉન્ડ માં દેશ ભક્તિનું ગીત વાગે. જગમાં રહેલું પાણી ખાલી જ ના થાય!
છોકરી ને પેટી માં પૂરી ને તલવારો ઘુસેડે.
અને છેલ્લે એક એકટ એવું આવ્યું જેણે બધાને મંત્રમુગ્ધ કરી દીધા. કે.લાલ ના વચ્ચેથી બે ટુકડા. એક ભાગ સ્ટેજની ડાબી બાજુ તો બીજો સ્ટેજની જમણી બાજુ. પાછા બંને ભાગ હલતા હોય. માથા વાળા ભાગ માં કે.લાલ સ્મિત આપતા આપતા હાથ હલાવતા હોય ને બીજા ભાગ માં પગ હલતા હોય. ને પછી બંને ભાગ જોઈન્ટ કરવામાં આવે, બંને ભાગ જોઈન્ટ થાય, એટલે કે.લાલ ઊભા થઇ ને તાળીઓ પાડી રહેલા દર્શકો સમક્ષ બે હાથ ફેલાવે….
બધા એક્ટ પુરા થયા એટલે કે. લાલે જાહેરાત કરી કે કોઈ ઉભા ના થશો, અમારું છેલ્લું સ્પેશિઅલ એક્ટ બાકી છે. એ સ્પેસીઅલ એક્ટ ચાલુ થતા થોડી વાર લાગી, ત્યાં સુધી કે.લાલે દર્શકો વચ્ચે જઈ ને બાળકો સાથે હાથ મિલાવ્યા. કેટલાક લોકો ને હોલ છોડી જતા જોઈ તેમણે ફરી થી જાહેરાત કરી કે ડોન્ટ ગો, વી સ્ટીલ હેવ સમથિંગ ટુ શો. અને પડદો ખુલ્યો. તેમાં કે.લાલ અને તેમની આખી ટીમ અનોખા કપડામાં સજ્જ થઇ ને આવી અને પછી બેકગ્રાઉન્ડમાં રાજ કપૂરની ફિલ્મ “મેરા નામ જોકર” ના ગીત ની કડી અને તે લાઈન પર કે. લાલ અને તેમના સાથીઓ એ હળવું નૃત્ય કરી ને વિદાય લીધી ને પડદો પડી ગયો. તે લાઈન હતી – “કલ ખેલ મેં હમ હો ના હો, ગર્દિશ મેં તારે રહેંગે સદા, ધૂન્ઢોગે તુમ, ધુન્ડેગે વો, પર હમ તુમ્હારે રહેગે સદા,રહેગે યહી અપને નિશાં… ઇસકે સિવા જાના કહાં…”
પણ લોકોને તેમાં ક્યાં રસ હોય, બધું પતી ગયા પછી રાજ કપૂર ના ગીત દ્વારા પોતાની લાગણી બતાવી રહેલા કે.લાલ ને જોવા મારા જેવા કેટલાક ઉભા રહ્યા બાકીનાઓ એ ચાલતી પકડી. ગીત પતી ગયા પછી કેટલાકે દિલગીરી વ્યક્ત કરી કે અમને તો એમ હતું કે આ ગીત પછી કૈક જાદુ બતાવવાનું બાકી હશે, પણ આતો કઈ આવ્યું નહિ ને ખોટો ટાઈમ બગડ્યો.
હમણાં બે ચાર દિવસ પહેલાજ કે.લાલના અવસાનના સમાચાર સાંભળી ને મને તો નજર સમક્ષ સૌથી પહેલા એ ગીત જ આવ્યું, કે.લાલ સસ્મિત સહુ ને કહી રહ્યા હતા….”કલ ખેલ મેં હમ હો ના હો……” . મેં જે શો જોયો તે તેમના મૃત્યુ પહેલા ભજવાયેલા છેલ્લા શોઝ માં નો એક હતો. કે.લાલ આપણા સહુ ના હતા અને રહેશે. રાજ કપૂરના “મેરા નામ જોકર”માં છેલ્લે લખેલું આવે છે તેમ “પોઝીટીવલી નોટ ધી એન્ડ”