Day: સપ્ટેમ્બર 12, 2012

એક પીએચ.ડી યે ભી…..

આજે મને એક વિચાર આવ્યો (ઢંગધડા વગર નો) કે જો કોઈ પણ વ્યક્તિ ચાહે તે વિષય પર પીએચ.ડી કરી શકે તો? અને તે પણ કોઈ પણ જાત ની ડીગ્રી વગર ! પછી એક કાલ્પનિક પાત્ર દિમાગમાં આવ્યું.એક તરુણ નું ,જે એની ઉમર ની એક છોકરી પર પી.એચડી. કરવા માંગે છે, હવે એવું પીએચ.ડી કરવા માટે ની દરખાસ્ત લઈને તે યુનિવર્સીટી મા જાય છે…..ચાલો હવે જોઈએ, શું થાય છે….
છોકરો ઓફીસ મા ફોર્મ જમા કરાવતી વખતે , ઓફીસ કર્મચારી- ” આ તે વિષય મા શું લખ્યું છે?
છોકરો- “સેનોરીટા”
ઓફીસ કર્મચારી- “આવો કોઈ વિષય અમારી યુનિવર્સીટી મા નથી, કોણ છે તારો ગાઈડ? ”
છોકરો- “આદરણીય આદિત્ય ચોપરા સર”
ઓફીસ કર્મચારી-” અને આ સેનોરીટા કોણ છે?”
છોકરો- “સેનોરિટા એ મારો પ્રેમ છે સર જેને હું મારા સપના મા સેનોરિટા કહી ને બોલવું છું”
ઓફીસ કર્મચારી- ” એના પર પીએચ.ડી ના થાય, સાહીત્ય જગત ની મહાન હસ્તી હોય, એવા કોઈ વ્યક્તિ પર થાય…. ”
છોકરો- “એનું સાહીત્ય મા બહુ મોટું યોગદાન છે!”
ઓફીસ કર્મચારી-“શું યોગદાન છે?”
છોકરો- “એના થી પ્રેરાયી ને મે અઢળક કવિતાઓ લખી છે…..”
ઓફીસ કર્મચારી- “એના પર પીએચ.ડી કરવાની લાયકાત છે તારી પાસે? ”
“એના પર પી.એચ.ડી. કરવા ની લાયકાત ખાલી મારી પાસે જ છે કારણકે હું તેના પ્રેમ મા છું ”
“ઓ. કે. તો તે એના પ્રેમ મા માસ્ટર્સ કર્યું છે?”
“યસ સર ”
“તારા માસ્ટર્સ નું સર્ટીફીકેટ ક્યાં છે ?”
યુવાને કાચાપૂંઠા નું એક કાગળ રજુ કર્યું, કર્મચારી બોલ્યો-
“આ તો આર.એમ.ડી. ગુટકાના ખોખા નો ટુકડો છે!”
“એને પાછળ ફેરવો, એની પાછળ મારું સર્ટીફીકેટ છે ”
“આ શું લખ્યું છે?”
“કીધું તો ખરું કે મારું માસ્ટર્સ નું સર્ટીફીકેટ છે, વાંચો તો ખરા ….”
પાછળ વાદળી કલરની બોલપેનથી લખેલું હતું-
” આ સાહેબ રોજ મારા ગલ્લે આવે છે, સવારે સાત વાગે ૨ સિગરેટ પીવે છે, બપોર ના ૧૨ વાગે ૨ અને સાંજ ના ૪ વાગે ૨, અને ૬:૩૦ વાગે ૨ અને રાત ના ૧૦ વાગે ૨ ,એમ કુલ ૧૦ સીગરેટો તે રોજ મારે ત્યાં આવી ને પીવે છે, છેલ્લા ૩ વર્ષ થી આ તેમનું રોજ નું છે, મારો ગલ્લો ક્યારેક બંધ હોય તોય તો આ જ ટાઈમે આવી ને આટલી જ સીગરેટો પીવે છે, બાજુ ના ગલ્લા માથી. વર્ષ મા એક વખત ઉનાળા મા તે ૧ મહિના સુધી નથી આવતા, પછી પાછા રાબેતા મુજબ ચાલુ થઇ જાય છે
લી. ચંદુલાલ , શંકર પાન પાર્લર નો માલિક.”
“આ ગલ્લા વાળા ના કાગળ થી તું શું સાબિત કરવા માંગે છે? કે તું કેટલો મોટો ફૂંકણીયો છે? ”
“ના સાહેબ આ તો મે સેનોરિટા પર માસ્ટર્સ કર્યું છે તેનું સર્ટીફીકેટ છે. ”
“એ કેવી રીતે?”
“જુઓ સાહેબ હું તમને સમજાવું…. ચંદુલાલ નો ગલ્લો સેનોરિટા ના ઘરની એકઝેટ સામે છે એટલે સિગરેટ પીવાના બહાને હું ત્યાં આવી ને મારી સેનોરિટા ને જોતો હોઉં છું. સવારે સાત વાગે તે કોલેજ જાય ત્યારે તેની ઝલક જોવા આવું ત્યારે ૨ સિગરેટ પીવું, ૧૨ વાગે તે કોલેજ થી પાછી આવે ત્યારે ૨ , ૪ વાગે ટ્યુશન જાય ત્યારે ૨ અને ૬:૩૦ વાગે ટ્યુશન થી પાછી આવે ત્યારે ૨, અને રાત ના ૧૦ વાગે તે પોતાના ઘર ના ગેટ પર તાળું મારવા બહાર આવે ત્યારે ૨….”
“સમજી ગયો, પણ તું તારા માસ્ટર્સ મા ફેલ થયો છે. ”
“એ કેવી રીતે સાહેબ”
“તું દર વર્ષે ઉનાળા મા ૧ મહિનો નથી આવતો, કારણ કે તને તડકો લાગે છે, પ્રેમ ની ઝલક મેળવવા તું થોડી ગરમી અને થોડો પરસેવો પણ નથી ખમી શકતો?”
“એવું નથી સાહેબ, સેનોરિટા ઉનાળા મા ૧ મહિનો તેના મામા ને ત્યાં જાય છે, આ રહ્યુ બીજું સર્ટીફીકેટ રાજકોટનું. ”
“છોકરાએ રાજકોટમા સેનોરિટાના મામાના ઘરની સામે આવેલા ગલ્લાવાળાનો કાગળ રજુ કર્યો, જે “મહેક સિલ્વર” નામની ગુટકાના ખોખાની પાછળ લખેલો હતો.
“ઓહ આઈ એમ ઇમ્પ્રેસ. તો તું પી.એચડી. સેનોરિટાના કયા પાસા પર કરવા માંગે છે?”
“તેની સુંદરતા પર !”
“બેશક તું કરી શકીશ, તે આટલો સમય સુધી તેને ઝાંખી છે…. તો તું જરૂર તેની સુંદરતા થી વાકેફ હોઈશ. તને પીએચ.ડી કરવાની પરવાનગી આપવામા આવે છે.”
“થેન્ક યુ સર થેન્ક યુ વેરી મચ. ”
“યુ આર વેલકમ, આ પીએચ.ડી કરી ને પછી આગળ તું શું કરવા ઈચ્છે છે યંગમેન?”
“સર હું આ પીએચ.ડી થિસીસ બતાવીને સેનોરિટાને ઈમ્પ્રેસ કરીશ, પછી તેને ભગાડીને તેની સાથે લગ્ન કરીશ, કારણ કે તેના બાપા કરોડપતિ છે અને તે છેલ્લે તો પોતાની દીકરી ને અપનાવી જ લેશે, એટલે હું ઘર જમાઈ બનીને આખી જિંદગી જલસા કરીશ”
“ઓહ, તું તો બહુ મહત્વાકાંક્ષી છે યુવાન, પણ જો તે છોકરી જ નૈ માને તો?”
“તો સેનોરિટા ના મામા ની છોકરી પણ હજી કુંવારી જ છે, અને એનો મામો પણ કરોડપતિ છે, દર વર્ષે એક મહિનો ફાળવી ને મે તેના મામા ની છોકરી પર પણ ડીપ્લોમા કોર્સ કરી નાખ્યો છે.”
———————————————